સાહેબ ગામડે જવાનું છે ચાર દિવસ નહિ આવું ,બેન ગામડે જવાનું છે દસ દિવસ કામે નહિ આવું ..!!
કેટલી વાર આવા શબ્દો સાંભળ્યા ? અને કેવા ધ્રાસકા પડે પછી ..??!!!
ભારતવર્ષની સમસ્યાઓ ના અંબાર નું આ પણ એક મૂળ છે..!!
ગામડે જવું ..!
અમારા જેવા શેહરોમાં જન્મેલા અને ઉછરેલા ને એમ થાય કે શું કરવા ગામડે જાય છે ?
ગામડે જવું એ સમસ્યા કેટલી રીતે ચલો એનું એન્લીસીસ કરીએ ..!
પેહલા તો જાણે જે કામ કરતા હોય ત્યાં કામ બગડે, પછી ઘણી બધી વાર એવું પણ હોય કે ગામડે કોઈ જ ના હોય ના માં કે ના બાપ બધું સ્વર્ગે સિધાવી ચુક્યું હોય છતાં પણ ગામડા ના ઘર નો મોહ હોય ,એટલે થાય એવું કે એક માણસ બે ઘર લઈને પડ્યો રહે..!
થોડીક ડાબેરી વિચારધારા નો ઝોક રાખું છું આ બાબતે કેમ કે નરેન્દ્રભાઈ નું વિઝન છે કે દરેક ભારતીય ને ઘર મળવું જોઈએ , અને હું એ વાત સાથે સહમત છું પણ તકલીફ ત્યાં થાય છે કે જ્યારે ગામડે ઘર અને શેહરમાં પણ ઘર આવ વાત આવે ત્યારે લગભગ પચાસ ટકા ભારતીયો ને એમણે બે ઘર ની સગવડ આપવી પડે ..!!
હજી એક ના ઠેકાણા પડતા નથી ત્યાં બે ઘર કેમના આપવા ? જો કે મૂડીવાદ ને વરેલા છીએ એટલે ના કોઈ ને પાડી શકવાના નથી કે ગામડે અને શેહર બંને જગ્યાએ ઘર ના રાખો..!!
એવી જ રીતે શેહરોમાં પણ ચાલી રહ્યું છે મોટા મોટા ધનકુબેરો પણ “ગામડે” જાય છે..!!
એને `વિક એન્ડ હોમ` કે પછી `ફાર્મ હાઉસ` નું નામ અપાય છે..!!
તકલીફ છે આ ..!! અમદાવાદ શેહર મુન્સીટાપલી અને ઔડા ની લીમીટ પૂરું થાય પછી ના બસ્સો કિલોમીટરના પરિઘમાં ઠેર ઠેર અમદાવાદીઓ જમીનો લઇ લઇ ને પડ્યા છે..!
ખેતી લાયક જમીનો ને બિનખેતી ની કરી અને પડી મૂકી છે, નકરું ઘાસ ઉગે ..!
જ્યાં એક જમાનામાં ધાન ઉગતા ત્યાં ઘાસ ઉગે..!!
હવે એ જંગલી ઘાસ ખાઈ ખાઈ ને મોટું અને વધ્યા કોણ તો કહે `રોઝડા` , એવા પ્રાણીઓ ની સંખ્યા વધી રહી છે કે જે ના દૂધ આપે કે ના છાણ કોઈ જ કામના નહિ અને એમને મારી ખાનારા હિંસક પ્રાણીઓ ને આપણે ઘણા વર્ષોથી બંધુક ની ગોળી દઈ દીધા એટલે દર વર્ષે એક રોઝડા નું `કપલ` એક જણી ને મુકે ..! કોણ જાણે આવનારા વર્ષોમાં ક્યાં જઈ ને અટકશે રોઝડા ની વસ્તી..!!
હજુ દરેક ને ઘર આપી ના શકવાની સમસ્યા વકરાવવામાં એક બીજું પણ કારણ છે ..!
અમદાવાદ શેહરમાં ઇન્વેસ્ટર્સ ધડધડ ફ્લેટોના બુકિંગ કરે છે અને પછી બહુ લાંબો સમય સુધી ફ્લેટ ખાલી મૂકી રાખે છે..!!
તકલીફ .. બનેલુ ઘર મૂકી રાખો તો શું થાય ..? જરૂર હોય તેને મળે નહિ અને `માલ` દબાવી રાખે એટલે કૃત્રિમ રીતે ભાવ વધારો થાય ફ્લેટોના અને જમીનો ના ..!!
છેવટે `રેખા` કોની એ આજ સુધી નક્કી થયું નથી પણ ગરીબી રેખા ની ઉપર ઘણો મોટો ભાગ આવી શકે નહિ..!!
ઘણા પ્રયોગો ઘણી બધી સરકારો એ કર્યા , અત્યારે ઝૂપડપટ્ટી ને રી ડેવલપ કરવામાં આવી રહી છે પણ જ્યાં રી ડેવલપ થાય છે એની આજુબાજુ ફરી ઝુપડા બને છે..!!
કોમર્શીયલ પ્રોપર્ટી ની વાત કરીએ તો એમાં પણ એવો ખેલ છે ..!
અમારી ફલાણા કોમ્પ્લેક્ષ માં ચાર ઓફીસ છે ..! અલ્યા પણ શું કરવા ? લીધી તો ચલ ભાડે આપ જે ભાડું આવે તે પણ વાપરવા તો આપ કોઈ ને ..!
ના ઝાલી રાખે, અને ભાવ આવે એની રાહ જોવે..!!
નવા બાંધકામો ની લાઈફ લગભગ પચાસ વર્ષ ગણાય અને એમાંથી દસ વર્ષ મૂકી રાખે તો શું થાય ?
એ સમસ્યા પણ હવે શરુ થવાની કગાર ઉપર જ છે મારા જન્મ પેહલા ના બનેલા મુંબઈ દિલ્લી જેવા મોટા શેહરોમાં જે દસ માળિયા કે બાર પંદર માળિયા છે એ બધા ને હવે ઉતારી લેવા પડે એવી નોબતો આવી ગઈ છે ..!!
અમુક તો જેને અમદાવાદી ભાષામાં કહીએ તો “અડી ને આઈ રયા છે..!”
ઔદ્યોગિક ક્ષેત્રે પણ આ જ મોકાણ છે , છેલ્લા ઘણા વર્ષોથી જીઆઇડીસીમાં ઘણા મોટા મોટા પ્લોટો લઇ ને ઇન્વેસ્ટર્સ દબાવી ને બેઠા છે ,અસલી ઉદ્યોગકાર ને જમીન નથી મળતી ,હમણાં કૈક ચાર પાંચ માળ ના બિલ્ડીંગો બાંધી ને જીઆઇડીસી ઉદ્યોગકારો ને બજાર ભાવે વેચી રહી છે પણ મોટા મશીનો અને જ્યાં વાઈબ્રેશન આવતા હોય એ મશીનો તો તમારે જમીન ઉપર જ સેટ કરવા રહ્યા..!
આ બધી સમસ્યા નો અંત લાવવો હોય તો શું ?
સામ્યવાદી બનવું પડે સરકારે ..!! સપાટો બોલાવવો પડે ..!!
ઘેર ઘેર ફરીને જે બંધ ઘરો , ખાલી ઘરો ને રીતસર ખાલસા કરવા પડે , રાજા રજવાડાના રાજ ખાલસા કર્યા તો વસ્તી ના ઘર શું ચીજ છે..?
પશ્ચિમમાં સાત પેઢી નું ભેગું કરવાની લાલસા નથી ,પોતાના વીર્ય ઉપર વિશ્વાસ છે ભરોસો છે કે પથ્થર ફોડી ને પાણી કાઢી લેશે અહિયાં તો છોકરા ને છોકરો જન્મ્યો નથી કે એની ચિંતા શરુ , કરો ,ભેગું કરો, હાય હાય.. આ શું કરશે ? અને શું ખાશે ?
જ્ઞાન અને ટેકનોલોજી તરફ સંતાનો ને ધકેલવા પડે ,રૂપિયાથી રૂપિયો ખેંચી લવાય એના કરતા ટેકનોલોજીથી રૂપિયો વધારે ખેંચાય એ શીખવું પડે અને સંતાન ને શીખવાડવું પડે..!
ગામડે માંબાપ ના હોય અને બીજું પણ કોઈ ના હોય તો વેચી ખાવા જોઈએ ઘર અને મોટા ફાર્મ હાઉસ ને બદલે આજુબાજુના રિસોર્ટમાં બે રાત રહી ને ઘર ભેગા થઇ જવાય એના માટે મોટા તાબૂત ચણી ના મુકાય..!!
અને નરેન્દ્રભાઈ ને સીધી વિંનતી કે વારસાઈ વેરો નાખો હવે બહુ થયું , તો જ કંપનીઓમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ આવશે નહિ તો લાલા પેઢી ચાલ્યા કરશે અને પછી પેલી જૂની કેહવત “હવેલી કી ઉમર સાઠ સાલ ઔર સલ્તનત કી સૌ” ..!
ત્રીજી પેઢીએ હવેલી તૂટે અને પાંચમીએ સલ્તનત જાય ..!
પણ એ ઘણું બધું ખેદાન મેદાન કરતા જાય, એના કરતા વારસાઈ વેરો નાખો એટલે પોતાના વીર્ય ઉપર ભરોસો જાગે પ્રજા ને ..!
પૂત કપૂત તો કયું ધનસંચય ? પૂત સપૂત તો કયું ધનસંચય ?
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*