કમૂરતા આગળ જતા જાય છે અને ઉતરાણ ગયે સમુરતા ચાલુ થઇ જશે.. કંકોતરીઓ આવવાની ચાલુ થઇ ગઈ છે..મસ્ત મસ્ત પોષ મહિનાની ઠંડી પડી રહી છે અને કમૂરતા પેહલા પરણેલા પંખીડા હનીમુન કરીને પાછા ફરી રહ્યા છે, અને હવે સમુરતામાં જે પરણવાના છે એ બધા પ્રિવેડિંગ શૂટમાં બીઝી છે..!
આ એક નવું ડીંડક ઘૂસ્યું છે આજકાલ “પ્રિવેડિંગ શૂટ”…!
લગ્ન પેહલા કોઈ એક સારી જગ્યાએ જઈને રોમેન્ટિક ફોટા અને વિડીઓ લેવાના..
બાપ રે બાપ અજબગજબના ડીંડવાણા ચાલી રહ્યા છે..!
બે ચાર અઠવાડિયા પેહલાના એક રવિવારે અમે વેહલી સવાર માથે લીધી હતી.. હા ભાઈ કોઈવાર રાતની બદલે સવાર પણ માથે લેવાય..
આવી મસ્ત મસ્ત ઠંડીમાં એક મોડેલ ફ્રેન્ડ જોડે એના ફોટો શૂટને જોવા એની જોડે ગયો હતો બસ ક્યુરીયોસીટી હતી કે આ મોડેલીંગવાળા કરે છે શું..?મારા વા`લાએ સવાર સવારના ચાર વાગ્યામાં મને પથારીમાંથી બેઠો કરી દીધો હતો, અને ગાડીમાં નાખ્યો હતો..અડધા ઊંઘમાં મેં કીધું અલ્યા થોડું માપમાં રહીને સાત આઠ વાગે ના જવાય આ તારા શૂટ માટે..?
એના ફોટોગ્રાફરે મારા સવાલના જવાબમાં છાશિયું કર્યું સવારની નેચરલ લાઈટ જતી રહે અને અમારે નેચર લાઈટમાં જ શૂટ પૂરું કરવાનું છે, સાડા સાત વાગ્યે તો કામ પૂરું થઇ જશે..! આપડી બોલતી બંધ..
પાર્ટી મને અડાલજની વાવ અને એક ફાર્મ પર લઇ ગઈ પણ બધું ફટાફટ.. પેહલા એક ફાર્મ પર ગયા, એક ઘોડો હતો ત્યાં, ઘોડા જોડે દસવાર કપડા બદલીને ફોટા પાડ્યા અને ત્યાંથી અડાલજની વાવ..સાડા સાત થઇ ગયા અને શૂટ પૂરુ..!
વાત વાતમાં દોસ્તી કરવામાં તો આપણને કોઈના પોહચે, ફોટોગ્રાફરને દોસ્ત બનાવી લીધો હતો ત્રણ કલાકમાં, અને પછી આપણે પણ ટ્રાય કર્યો યાર બે ચાર ફોટા મારા પણ..પેટ અંદર ખેંચીને બે ચાર પુશ અપ મારી બોડી પમ્પ કર્યું અને સ્ટાઈલમાં ઉભા રહ્યા..!
પણ એવા “ખતરનાક” ફોટા આવે મારા,છેલ્લે આપડે પેલા મોડેલ ફ્રેન્ડને કહી દીધું અલ્યા આવો ડોબા જેવો ફોટોગ્રાફર ક્યાંથી લાયો..?પેલા મોડેલ ફ્રેન્ડે હસતા હસતા કીધુ..તમારી ફેકટરીએ હું આવું તો મેળ પડે…? મેં કીધું ના
તો બસ મારું કામ મોડેલીંગનું છે તમારું નહિ. મારા ફોટા આવે એવા તમારા ના આવે.. ચાલો હવે ચા પીવા અને સિગરેટ પીવડાવો..!
પણ..પણ..પણ..
અમારું બધું પેક અપ ચાલતું હતું ત્યાં અડાલજની વાવમાં જ એક પ્રિવેડિંગ શૂટ કરવા માટે એક ચકો,ચકી ,ફોટોગ્રાફર અને ચકીની એક ફ્રેન્ડ અને ચકાની એક ફ્રેન્ડ આવ્યા..!!
અમારો ફોટોગ્રાફર બોલ્યો મજા લેની હૈ..? મેં કીધું હા હા..
તો ચુપચાપ સીન દેખો…
હવે ચકો સાડા પાંચ ફૂટ હાઈટ ટીપીકલ “દેશી”..લગભગ ચોવીસેક વર્ષનો..અને ચકી બાવીસ વર્ષની..થોડીઘણી દેખાવડી..!
એ બધો તામજામ રેડી થયો અને એમના ફોટોગ્રાફરે પેહલા તો ચકાને કીધું ચકીની કમરમાં હાથ ઘાલ અને ચકી આંખોમાં જો અને થોડા એક્સપ્રેશન આપ..કમરમાં હાથ ઘાલ્યો ચકાએ અને ચકીની આંખોમાં જોવે ચકી બાપડી ડરેલી ડરેલી.. મોઢા પર ફક્ત અને ફક્ત ડરના જ ભાવ આવે કે હમણા બાપા જોઈ જશે..! અને બે ઠોકશે..! સાથે આવેલા બંનેના મિત્રોએ ખુબ મેહનત કરીને હસાવ્યા અને માંડ માંડ ગાલ થી ગાલ લગાડેલા એવા વગેરે વગેરે ફોટોગ્રાફ્સ લીધા..!
હવે ફોટોગ્રાફરએ ચકાને કીધું કપાળ ઉપર કિસ કર..ચકીના કપાળે પરસેવો માંડમાંડ એ સીન પત્યો તો પેલો ફોટોગ્રાફર આગળ વધ્યો લીપ ટુ લીપ કિસ કર..!
ચકો ચકી તો ટેન્શન ટેન્શનમાં.. ના ના હો એવા ફોટા ના પડાય.. પેલો ફોટોગ્રાફર કહે તમારા પર્સનલ કલેક્શનમાં રાખજો..લગનના બે ત્રણ દિવસ જ બાકી હશે કેમકે ચકીના હાથે મેહદી તો મુકેલી હતી..ચકો ચકીને સાઈડ પર લઇ ગયો અને સમજાવી અને તૈયાર કરી..પણ સાલી બોડી લેન્ગવેજ પકડાય જ નહિ, ચકો એના હાથથી મહાપરાણે ચકીના ગાલ પકડે અને જેવો કિસ કરવા નજીક જાય અને ત્યાં તો ચકી રડવા જેવી થઇ જાય..થોડાક રીટેક પછી છેવટે સીન પડતો મુકાયો અને વાવમાંથી બધું બહારના ગાર્ડનમાં ગયું અને ચકીને એક પથરે ઊંઘાડી ચત્તી અને ઉપર ઓઢાડ્યો પતલો કેસરી ટ્રાન્સપેરન્ટ દુપટ્ટો..ઘૂંટણ ઉંચો રાખીને ,અને ચકાને કહે પગથી માથા સુધી આવ ચકીને સુંઘતો સુંઘતો..! સીન બદલાયો ચકો ચકી સામસામેથી દોડતા દોડતા આવે અને ભેટી પડે ,સીન બદલાયો ચકીને ઊંચકીને ગોળ ગોળ ફુદરડી ફર, સીન બદલાયો ડાન્સ સ્ટેપ કરો..અમે તો એક કલાક જેવું બધા સીન જોયા.. અમારાવાળો ફોટોગ્રાફર બોલ્યો અબ ઇસકે ફોટોગ્રાફ્સ કૈસે આયેંગે..?
મેં કીધું બાત મત કર યાર..બેચારી લડકી પે બલાત્કાર હો રહા થા પ્રિવેડિંગ શૂટ કે નામ પે..! શી વોઝ નોટ એટ ઓલ પ્રિપેર ફોર ધીસ કાઈન્ડ ઓફ થિંગ્સ..!
એશી ટકા પ્રિવેડિંગ શૂટમાં આ હાલત હોય છે છોકરો કે છોકરી બન્ને એ જીંદગીમાં સેલ્ફી લેવા સિવાય કેમેરો ફેઈસ ના કર્યો હોય, અને પછી કેમેરાની સામે અચાનક ખેલ કરવાના આવે ..! કેવી રીતે એક્સપ્રેશન આવે..? રોમેન્ટિક સીન કરતા તો અચ્છા અચ્છા હીરો હોરોઈનના બાર વાગી જતા હોય છે અને આવા બિચારા આપણા નાના નાના, નવા નવા ટેણીયાને માથે નાખે આવા પોઝ અને તેવા ફોટા, અને પાછું આ પ્રિવેડિંગ શૂટને રીશેપ્શનમાં પાંચસો હજાર માણસને બતાડવા મોટા સ્ક્રીન પર મુકવામાં આવે પિક્ચરના જોડે ગીત ડબ કરીને..!
એટલે ગામ આખું જોવે એમની નર્વસનેસ ને, જો પરણીને તરત જ આ પ્રિવેડિંગ શૂટ વરઘોડિયા જોવે ને તો ખરેખર એમના હનીમુનની વાટ લાગી જાય..
આ વખતે ઘણી બધી જગ્યાએ રીશેપ્શનમાં આવા પ્રિવેડિંગ શૂટ જોયા..! ક્યાંક કન્યા એવી એગ્રેસીવ થઇ જાયને કે આપણને વરરાજાની દયા આવે મારી બેટી એવી જોરથી બાથ ભરે કે પેલો મુંઝાયેલો લાગે..
ક્યારેક કન્યા થોડી શરીરે ભારે હોય અને પેલો ખેંપટ અને એવા ટાઈમે પેલીને તેડતી વખતે વરરાજાના જે નસકોરા ફૂલી ગયા હોય, એકાદ બે જગ્યાએ કિસિંગ સીન પણ ઉમેરેલા હતા..!
પણ જનતા ખુબ ખર્ચો કરી રહી છે આ પ્રિવેડિંગ શૂટ માટે અને લોકેશનો પણ એકથી ચડે એક એવા ગજબ શોધે છે, ગયા વેકેશનમાં અમે ઉદયવિલાસમાં આંટો મારવા ગયા હતા, ત્યાં એક કપલ ઉદયવિલાસમાં પ્રિવેડિંગ શૂટ માટે આવ્યું હતું દિલ્લી કે પંજાબનું હોય એવું લાગતું હતું, સાલા બંને જુગતે જોડું હતું અને આંખને જોવું ગમે તેવું હતું અને એક્પ્રેશન્સ પણ એવા પરફેક્ટ આપતા હતા બંને.. દિલ બાગ બાગ થઇ ગયુ હતુ..
ઈચ્છા થઇ જાય કે ઘરવાળી કહીએ હેંડ ત્યારે આપણે પણ આમની જોડે બે ચાર ફોટા પડાઈ લઈએ..!
મોટેભાગે હિસ્ટોરીક્લ કે નેચરલ પ્લેસ પર જ જનતા પ્રિવેડિંગ શૂટ માટે જતી હોય છે કેમકે થોડી સસ્તી પણ પડે.. બાકી બધી ફાઈવ સ્ટાર સેવન સ્ટાર તો પ્રિવેડિંગ શૂટ માટે ઘણા બધા કુકા ખેરવી લે..!
પણ મને લાગે છે કે જીવનની એક મજા છે પ્રિવેડિંગ શૂટ એ,પણ અમે “મિસ” કરી ગયા..!
એ મિત્રોનો કાફલો ધમાલ મસ્તી અને લોકેશન..!
ડેસ્ટીનેશન વેડિંગ અને સુપર ડુપર આઈલેન્ડ પર હનીમુન..!
લોટ આઓ.. લૌટ આઓ..!
કંકોત્રી ઘણી આવી છે તો ચાંદલા નો વહીવટ કરો ભાઈ.. હવે તો હજારની ગઈ પાંચસોને દેખાતી નથી એટલે ક્યાંક ક્યાંક તો મજબુરીમાં ગુલાબી મુકવી પડશે..!
શુભ રાત્રી
શૈશવ વોરા