વોટ્સ એપ ની પ્રાઈવસી પોલીસી ની બબાલો ચાલી , જોડે જોડે ફેસબુક ઉપર સવાલો ઉઠ્યા અને પછી સુજ્ઞજનો એ એક પોસ્ટકાર્ડ ફેરવ્યું પ્રાઈવસી માટે ની ચર્ચામાં..!!
દરેક વસ્તુ મફત વાપરવા ટેવાયેલી પ્રજા ને એ પણ ખબર જ છે કે કશું જ મફત નથી મળતું ,છતાંય મફત ની આશા રાખીને બેસે છે અને પછી કકળાટ ઉભો થાય છે ત્યારે કે જયારે ખબર પડે કે મફત આપવાવાળો રૂપિયો આપી ને કલ્લી કાઢી ગયો..!!
પાછલા બે દસકામાં આમૂલ પરિવર્તન આવ્યા સંચાર પદ્ધતિમાં , જેમ જેમ દુનિયા સંકોચાતી ગઈ તેમ તેમ એક બીજાના જીવનના અને ઘરમાં ડોકિયા પુષ્કળ વધી ગયા..!
આદત પ્રમાણે પણ વચ્ચે નાખું ..
પણ ખરેખર એવું ખરું ? જેટલા ડોકિયા વધ્યા એટલા આવરણ નથી વધાર્યા આપણે ? આપણે વળી ક્યા મો. ક. ગાંધી હતા કે એમ કહીએ કે મારું જીવન એ જ મારો સંદેશ છે..!
જેટલા માણસ એટલા રૂપ ધરી લઈએ છીએ , જેવા છીએ એવા તો ક્યારેય દેખાવા દેતા નથી , એક જ વાત ને સંતાડવામાં માનીએ છીએ , રૂપિયા કેટલા મારી પાસે એ કોઈ જાણી જવું જોઈએ નહિ..!!
સ્ત્રી ની ઉંમર અને પુરુષ ની આવક બે ક્યારેય કોઈ ને ના પુછાય ..!
એજન્ડા બહુ ક્લીઅર છે અમુક જગ્યાએ આવક હોય એના કરતા વધારે બતાડવી અને અમુક જગ્યાએ છુપાવવી ..!!
પબ્લિકને આપણા મીંડા ગણવા દેવાના , એકડા સંતાડી રાખવાના..!!
વધારે દેખાડવા નું કારણ એટલું જ કે `જમ્પ` મળે અને ઓછું દેખાડવાનું કારણ કોઈ આવી ને ઉભો રહી ના જાય ..!
વોટ્સ એપ ફેસબુક કે બીજા સોશિઅલ મીડિયા આમાં શું લઇ જાય ?
લેવું હોય તો બધું લઇ જાય , એક મીમ બહુ ફર્યું એક કિશોર કોમ્પ્યુટર જોડે રમતો રમતો ઝુકરબર્ગ ને પૂછે કે તમે મારી ઉપર જાસુસી કરો છો એવું મારા પપ્પા કહે છે અને એનો જવાબ આપવામાં આવે છે કે.. એ તારા પપ્પા નથી..!!
બહુ ઉચા લેવલ ની જાસુસી થઇ …
પેહલા પણ આવી જાસુસી થતી પણ પાડોશી લેવલે થતી , એકબીજાના ઘરમાં શું ચાલી રહ્યું છે એની વાતમાંથી વાત કાઢી ને તપાસ થતી અને પછી કુથલી થતી ..!
વાત હવે “સાડીઓ ના સેલ્સમેન” ની ,
લગ્ન ની સાડી લેવા જાવ ત્યારે સેલ્સમેન પેહલા આવેલા ટોળામાંથી નક્કી કરી લ્યે કે ડીસીશન મેઇકિંગ ઓથોરીટી કોણ છે , જેને સાડી પેહરવાની હોય એ તો ધરાર ના હોય કોની તરફ નવોઢા નજર કરે છે એ સેલ્સમેન નક્કી કરી લ્યે પછી એ વ્યક્તિ ને ભાવ આપવાના ચાલુ થાય ,અનાયાસે ડીસીશન મેઇકિંગ વ્યક્તિ જે સાડી ઉપર હાથ ફેરવે એ પ્રકાર ની સાડી બતાડી અને એ પ્રકાર ની સાડી ના વખાણ ચાલુ થાય ,
છેવટે દસ હજાર ની સાડી લેવા આવ્યા હોય પણ પચ્ચીસ ની સાડી “પેહરાવી” દેવામાં આવે ..!!
ઘણી વાર એમ થાય મને કે આ વોટ્સ એપ અને ફેસબુક મારી ઉપર જાસુસી કરી ને કાઢી શું લેશે ? પિત્તળ ..?
પણ ના એ લોકો સાડી “પેહરાવી” દે તમને ..!!!
હવે આજનો જ દાખલો આપું તો ગઈકાલે રાત્રે દીકરીઓ જોડે ધમાલ કરી ને નાની દીકરી જોડે થોડું ગાયન કરી લીધું સા ,ગ મમ ..પ ધ સાં કરી ને એક વિડીઓ અપલોડ કર્યો તો બદમાશ ફેસ્બુકે એક માતા એના ખોળામાં આઠ નવ મહિનાનું બાળક રાખી ને રીયાઝ કરતા હોય છે અને બાળક પણ સાથે સાથે ઘૂઘવાટા કરતુ હોય છે એવો વિડીઓ મને પ્રોમોટ કરી દીધો ,
ચોક્કસ , વિડીઓ જોઈ ને મને પણ મારી દીકરીઓ નું બાળપણ યાદ આવી ગયું કે હું પણ આમ જ ખોળામાં બેસાડી ને સરગમો ગાતો હતો પણ કેહ્વાનું તાત્પર્ય એટલું જ કે અનાયાસે જે સાડી ઉપર હાથ ફેરવો એની જાણ ફેસબુક કે વોટસ એપ હોય કે પછી ગુગલ હોય બધા ને થઇ જાય એટલે તમને દસ ની બદલે પચ્ચીસ હજારની સાડી આગળ કરી કરી ને “પેહરાવે” છૂટકો..!!
બાકી ફાયનાન્શીઅલ ડીટેઇલ ની ચોરીઓ તો જગ જાહેર છે , આખા લીસ્ટ ના લીસ્ટ વેચાય છે એવું ચારેબાજુ સંભળાય છે ,એમાં કઈ નવી વાત નથી..!
આવું માની લેવા પાછળનું કારણ પણ છે , રોજ ના એવરેજ છ થી સાત નંબર છેલ્લા પાંચ વર્ષથી બ્લોક કરું છુ કોલ સેન્ટર પર થી આવતા અને DND કરેલું છે છતાં પણ , તો પછી મારું નામ કોણે અને ક્યાંથી આપ્યું એ બધા ને ?
મોટેભાગે મારા તમારા જેવાની બધી ડીટેઇલ આખી દુનિયા પાસે છે અને આપણું ખાસ કોઈ કઈ ઉખાડી લેવાનું નથી ,કેમ કે ઉખાડવા જેવું કશું છે જ નહિ ,
લગભગ દરિદ્રનારાયણ ની કેટેગરીમાં આવીએ આપણે મધ્યમ વર્ગ પણ પ્રોબ્લેમ ક્યારે થાય ?
અમેરિકામાં જેમ ટ્રમ્પ આડા ચાલ્યા અને સોશિઅલ મીડિયાના પ્લેટફોર્મ ના માલિકો એ નક્કી કરી લીધું કે ટ્રમ્પ ખોટા છે માટે એમના એકાઉન્ટ સસ્પેન્ડ કરી દો અને એમણે કર્યા પણ ખરા..!!
ભાઈ મારા તમે કોણ નક્કી કરનારા ટ્રમ્પ સાચા કે ખોટા એવું નક્કી કરનારા ? દુનિયા આખીમાં “ક્રાંતિ” કરાવો છો તો તમારા ઘરમાં પણ એક વાર થઇ જવા દેવી હતી ને ,
સંદેશવાહક નું કામ સંદેશો પોહચાડવા નું છે નહિ કે એવું નક્કી કરી ને પોહચાડવા નો કે સંદેશો સાચો છે કે ખોટો એ નક્કી કરી ને પોહચાડો..!
બદમાશી અહિયાં છે , અમેરિકન કોર્ટ કે સેનેટ નક્કી કરે કે ટ્રમ્પ સાચા કે ખોટા એ પેહલા તો સોશિઅલ મીડિયાના માધાંતાઓ એ નક્કી કરી લીધું કે ટ્રમ્પ ખોટા ..!!!
ભારત દેશ ના વહાલાં ભારતીય ધ્યાન રાખજે હાથ નો મોબાઈલ ઘરમાં નહિ ઘરના દરેક મનમાં અને અંતરમાં ઘુસી ગયો છે , આ માંધાતાઓ હજી તો કૈક ખેલ કરાવશે ..
જગત આખું એક જ દિવસ જોવા જીવી રહ્યું છે એ દિવસ કે જયારે મારું કીધું બધા કરે પણ આપણે ક્યારે કોઈની જાળ માં સપડાઈ ને કોઈનું કીધું કરતા થઇ જઈએ છીએ એની આપણને ખુદ ને ખબર નથી હોતી ..
“આપના દિન આયેગા” એવી આશામાં રાત પડી જાય છે કોઈક નું કીધું કરતા કરતા..!!
સાચવજો.. સોશિઅલ મીડિયા થી ..!!
ખોટી ખોટી ના ગમતી સાડી ઉપર પણ હાથ ફેરવી લેવાનો એટલે સેલ્સમેન ડોફરાય..!!!
પોહચી ના વળીએ તો અવળે ચડાવવા નો..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*