કોઈપણ સંસ્કૃતિ ને પછાડી દેવી હોય તો એના તેહવારો નો વિનાશ નોતરવા ,
તેહવારો નો `ખો` બોલાવવો હોય તો એમાંથી `મજા` નામનું તત્વ કાઢી લ્યો એટલે ધીમે ધીમે તેહવાર મૃત:પ્રાય થઇ જાય ને સંસ્કૃતિનું આપો આપ પતન થાય..!!
કોરોના કાળ પેહલા આવા જ જાન્યુઆરીમાં મોહમયી માયાવી મુંબઈ મહાનગરી એ કોઈ કામથી જવાનું થયું હતું , રાત્રી ના દસેક વાગ્યે દાદરથી સાન્તાક્રુઝ માટે બોરીવલી ફાસ્ટ પકડવાની હતી , મોડી રાત નું જહાજ પકડવાનું હતું , ટ્રેન ની રાહ જોતો દાદર પ્લેટફોર્મ ઉપર ઉભો હતો..!
ધડક…ધડક.. કરી ને મલપતી ચાલે ટ્રેન આવી , ભીડ ઘણી ઓછી ,ને અમે ડબ્બામાં સવાર થયા ..એટલા માં ત્યાં એક જોરદાર મોટ્ટી બુમ પડી ગ..ણ..પ..તિ બાપ્પા ..અને સામે ભીડ એ નાદ કર્યો મો..ર્યા..!!
ત્રણેક વખત નાદ થયો અને ટ્રેઈન એની રીધમમાં આવી ગઈ..!!
હવે બોલો કે “ગણપતિ” ને જો મુંબઈની જિંદગીમાંથી કાઢી લ્યો તો મુંબઈ ની જિંદગી કેવી થઇ જાય..????
કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે તેહવારો ઉપર નું નિયંત્રણ રાખીએ એ સમજાય એવી વાત છે ,પણ પછી જો આવનારા શાસકો આ જ પ્રકાર ની સખ્તી અને જડતા ને વળગી રેહશે તો પછી થઇ રહ્યું…!!!
ચીન દેશ ના લોખંડી પડદા પાછળ શું થાય એની કોઈને ખબર નથી હોતી પણ એમનું નવું વર્ષ આવે ત્યારે આજે પણ વેકેશન આવે છે અને દસ દિવસ ચીનાઓ ઝૂમે છે, નાચે છે, ગાય છે અને મોજ કરે છે..!!
કોરોના કાળ સિવાય પણ આપણે ત્યાં તેહવારો માટે ટોકા ટોકી પુષ્કળ વધી ગઈ છે , આજે આ લખવા પાછળ નું કારણ ગઈકાલની ની:રસ ગયેલી ઉત્તરાણ છે ,ઘણા બધા ધાબા ચોક્કસ ખાલી હતા, પણ જ્યાં ધાબા ભરેલા હતા ત્યાં પણ પતંગ ચડતા નોહતા કે ઓછા ચડતા હતા..!!
ઓવરઓલ આખી ઉત્તરાણ `સુમડી`માં ગઈ ..!!
છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાણ ખાલી ને ખાલી બીજા તેહવારોની જેમ સોશિઅલ મીડિયા ઉપર જ ઉજવાઈ રહી છે ને ઘણા બધા ને શરીરમાં વિટામિન્સ ની ખામી ને લીધે કે કોઈ બીજા કારણસર ઠમકા મારવામાં કે ખેંચવામાં હાથ ઝલાઈ જાય છે ને ક્યાં તો પછી એ “તાકાત” લાવવા માટે સોમરસ નું પાન કરવું પડે છે..!!!
અમદાવાદના તેહવારો જોડે પણ અમુક ઘટનાઓ બની રહી છે, પેહલા મિત્રો જોડે “બેસવું” પડે અને પછી ઉજવણી થાય ..!! અને અમદાવાદમાં બહુ “ટાઈટ” હોય તો પછી તેહવાર ગયો બાજુ ઉપર ને ઉપાડો ગાડી ,ને જાવ અરવલ્લીમાં આવેલા “ધામ” ના શરણે..!!
ખાલી ને ખાલી ENGLISH આટલું લખેલું પાટિયું અને એરો આવે એટલે GJ -૧ થી લઈને GJ-૩૮ સુધી નો માટીડો દોટ મુકે..!!
કેમ વાર અને તેહવારે સોમરસ ની જરૂર પડી રહી છે ?
મુંબઈગરો એની બાજુમાં સોમરસ નો દરિયો ઘૂઘવતો હોય તો પણ ગણપતિના ચૌદ દિવસ હાથ નથી લગાડતો, અને મોજ કરી લ્યે છે અને અમદાવાદી કેમ નથી કરી શકતો ?
ભક્તિભાવમાં ઉણો ઉતર્યો કે પછી દરેક તેહવારે કોઈ ને કોઈ રીતે આડખીલી ઉભી કરી ને દરેક અમદાવાદીના મનમાં આંતરદ્વન્દ ઉભો કરી દીધો કે હું જે તેહવાર ઉજવું છું તેમાં કોઈ ને કોઈ રીતે હું કશું ક ખોટું કરી રહ્યો છું ..!!
ભારતીય માણસ ને બીઝનેસમાં ઓર્ગેનાઈઝેશનના નામે ક્રાઈમ કરવા સિવાય કોઈ પણ ક્રાઈમ થતો હોય એનો કોન્શિયસ બહુ જ બાઈટ થાય..!
પેમેન્ટમાંથી સુખડી કાપી લેવામાં એને ધર્મ દેખાય અને જીવનમાં એકવાર કબુતર જો પતંગ ની દોરીથી ઘાયલ થાય તો મહાપાતક પડે..!!
અરે હા આ `સુખડી` નું પેમેન્ટ પણ પેલા હાથલારી ખેંચી ને માલ લાવેલા પરસેવે નીતરતા મજુર ની પણ કાપી હોય ..!!!
રોજે રોજ રૂપિયા માટેની જદ્દોજેહદ કરી કરી ને ભારતીય રીઢો થઇ ગયો છે, રૂપિયા કોઇપણ રીતે કમાવા એની મજબુરી છે, પણ તેહવાર ઉજવવો એની મજબૂરી નથી , માટે તેહવાર ને ધીમે ધીમે અભરાઈ ઉપર ચડાવી રહ્યો છે..!
પર્યાવરણ ની સૌથી વધારે ઘોર ખોદી હોય તો પ્લાસ્ટિક એ પણ એની સામે બે ચાર જાહેરાતો આપી ને ભૂલી જાય છે પર્યાવરણ ના ઠેકેદારો, કેમ કે પ્લાસ્ટિક બનાવનારા બાપ છે , જયારે તેહવારો નધણીયાતા છે..!
એટલે પોચું ભાળે છે ને ખણી લ્યે છે..!!
ઉત્સવઘેલી પ્રજા ધીમે ધીમે પરદેસી તેહવારો તરફ જતી જાય છે ,
વસંતપંચમી એ પ્રેમ કરવા ના દીધો એટલે વેલેન્ટાઈન તરફ વળી ,
ગમ્મે તેટલા ડંડા મારો તો પણ રીવરફ્રન્ટ ના ખૂણે કોઈ તો મજા લેતી-લેતો જ હોય..!!
વસંતપંચમી એ થોડાક વધારે પડતા જુના ચોપડા ખોલી ને વાંચીએ અને જો એને વિઝ્યુલાઈઝ કરીએ આપણે તો અત્યારે પછાત લાગીએ એવી વસંત પંચમી ઉજવાતી..!
જો કે એ મુક્ત માનસિકતા નો વિદેશી આક્રમણખોરો એ ઘણો ગેરલાભ લીધો ,પણ સમય છે હજી ,જુનો તેહવાર રીવાઈવ થાય તો વેલેન્ટાઈન નામનો પરદેસી તેહવાર જરાક પાછો પડે ..એના માટે પરણેલા યુગલો કેસુડે ફાગ ખેલે તો ભંવા ના ચડે તો રીવાઈવ થાય ,બાકી તો વેલેન્ટાઈન એ રીવરફ્રન્ટે અધર રસના પાન થવાના..!
નવી પેઢી ને દોરીમાં `દાંતી` પડી એટલે શું એની ખબર નથી `અતત્મતાણા` કરતા આવડતું નથી ,એક કોડી માં કેટલા નંગ પતંગ આવે એની ખબર નથી , દોરી થી પોતાની આંગળીમાં કટ પડે અને સેહજ લોહી આવે તો તમ્મર ચડે છે..!
અતિઋજુ હ્રદયના બાળ છે ,
આમ જ જો આવનારી પેઢી નો ઉછેર થશે તો આવતા પચાસ વર્ષ પછી ફરી એકવાર મારક શક્તિ ગુમાવી બેસીશું ને ફરી એકવાર વિદેશી અને વિધર્મી શાસન હેઠળ આવી જઈશું..!!
આજે સાંજે નેહરુનગરની કીટલીએ ઉભો હતો સાંજના સાડા છ નો સુમાર હતો અને તદ્દન આમ આદમી કોઈની જોડે ફોન પર વાત કરી રહ્યો હતો ..”આપણા તેહવારો જેવું રહ્યું છે જ ક્યાં ક્યાર નું ય , દરેક વખતે સરકારો કડક થઇ જાય છે આ ઉત્તરાણ આમ ને આમ ગઈ અને હજી હોળી આવશે ત્યાં પાણી ને લાકડા બચાવવાની વાતો ચાલુ થઇ જશે , હવે તેહવાર જેવું કઈ રહ્યું જ નથી અલ્યા..”
વટ સાવિત્રી ,ભીમ અગિયારસ ,કેવડા ત્રીજ ની હરોળમાં જન્માષ્ટમી ,રામનવમી અને મહાશિવરાત્રી લગભગ આવી ને ઉભી છે ..!
દિવાળી ,હોળી , નવરાત્રી અને ઉત્તરાણ પણ એ જ હાલ છે ..!
એક માત્ર ૩૧સ્ટ માં જલો જલો છે ..!! કાર્નિવલ આ વખતે તો નોહતો બાકી દિવાળીએ એકમ થી પાંચમ કાર્નિવલ ઉર્ફે આનંદ મેળા થવા જોઈએ એની બદલે ૨૫ ડિસેમ્બરે થાય છે..!!
અ..હો રૂપમ.., અ..હો ..ધ્વની..!!
સાલ ૧૮૯૩માં લોકમાન્ય તિલકે ગણપતિ ઉત્સવ ચાલુ કરાવ્યો હતો ,અને જુવાળ ફેલાવ્યો હતો , બીજા લોકમાન્ય તિલક ક્યાં લાવશો ?
ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ..
કહે શૈશવરામ ..
મંદિર તો ભવ્યાતિભવ્ય બનશે પણ હવે રામનવમી ને ફરી પાછી `એસ્ટાબ્લીશ` કરવી રહી, રામ ની જોડે `રામ નવમી` ને પણ ઉજવતા શીખવાડવું પડશે , તે પણ `આનંદ` અને `મજા` સાથે ..પ્રજા ભૂલી ચુકી છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*