આજે એક અવનવી વાત..!!
ગઈકાલે એક મિત્ર અને એમના ધર્મપત્ની અમારા નિવાસસ્થાને પધાર્યા, ઘણો જુનો મિત્ર અને કોરોનાકાળ આવ્યા પછી કોઈક ની પેહલી પધરામણી હતી એટલે આવ્યા ત્યારથી પંચાતો ચાલુ થઇ ને પછી તો તને સાંભરે રે.. મને કેમ વિસરે રે.. ચાલુ થયું..!
તને સાંભરે રે ,મને કેમ વિસરે રે ની વચ્ચે એણે એક જબરજસ્ત સમાચાર આપ્યા ..!!
અલ્યા શૈશાવ્યા તને યાદ છે પેલા સુનિયા (`સુનીલ` કાલ્પનિક નામ છે )ની પાછળ ના બંગલામાં બે ડોસીઓ રેહતા હતા..?
મેં કીધું ..હા પણ એ તો આપણે નાના હતા ત્યારના ડોસી હતા , તે શું થયું ?ગયા બંને કોવીડમાં ?
અરે ના ના ..એ બંને કોવીડ ને ખ`ઈ ને જાય એમ હતા , વગર કોવિડે સો પુરા કરી ને ગયા..!
અમે કીધું હરી..હરી ..!!
મિત્ર બોલ્યો …હહારા તું ને હું હરી.. હરી.. કરતા રહી ગયા ને પેલા સુનિયાને પચાસ એ પેટી આપતા ગયા ..?
અમારા ડોળા કપાળ ઉપર ચડી ગયા ?
મેં કીધું હેં ? આ તો પેલા નવો વેપાર રમતા હતા એવું થયું , પાસા પડ્યા પોબાર ને લોટરી લાગી..!
મિત્ર આગળ કહે ..નોકર ને પચ્ચીસ લાખ અને બંગલો પેલા ડોક્ટરના નામે..!!
અમારા ડોળા કપાળથી ચડી ને માથાના વાળમાંથી બહાર..ટોઈંગ …અને ડાકલી ખુલ્લી .. જીભડી બહાર આવીને લબકારા મારે… લે હાય હાય ..આપણે ચુકી ગયા..!!
પેલો મિત્ર ખડખડાટ હસતા હસતા કહે..ભાઈ ભાગશાળી ને ભૂત રળે , દૂધ ની થેલીઓ તો એ ડોશીઓ ને આપણે પણ લાવી આપતા ,પણ સુનીયો અને ડોક્ટર ફાવ્યા..!! નસીબ નસીબ ના ખેલ છે..!
નસીબ ? ખરેખર નસીબ ..?
ના ..!
પંચાતે જન્મથી પૂરો એવા શૈશવ ને કૈક યાદ આવ્યું , સુનીલ નો આખ્ખો પરિવાર શૈશવ નો મિત્ર ,એના મમ્મી ,પપ્પા, બા ,બેહન બનેવી બધા જ જોડે મારી આત્મીયતા બાળપણથી ,અને ઘરની નાની નાની પંચાતો ની પણ શૈશવ ને ખબર..!!
સુનીલ ને એ પાડોશી બા પાસેથી મળેલા પચાસ લાખ એ એના દાદા દાદી એ ફરજ સમજી ને કરેલા પુણ્યકર્મ નો ઈશ્વર દ્વારા આપેલો બદલો હતો..!
વાત જાણે એમ હતી કે આજ થી લગભગ પચાસ વર્ષ પેહલા સુનીલ નું કે મારું અસ્તિત્વ નોહતું ત્યારે સુનીલના મમ્મી પપ્પા ના લગ્ન નક્કી થયા..!
સુનીલના નાનાજી બહુ પેહલા ગુજરી ગયા હતા ,અને સુનીલના મામા ને કોઈક મગજ ની બીમારી એટલે એમનો શારીરિક વિકાસ થયો પણ માનસિક વિકાસ થયો જ નહિ , ઘરમાં સુનીલ ના નાની ,મામા અને એની મમ્મી આટલા લોકો , સુનીલના નાની અને મામા જુના વાડજ વિસ્તારના એક નાના ઘરમાં રહે..!
એ જમાનામાં સુનીલના મમ્મી ને સરકારી નોકરી મળી , ઘરમાં થોડી શાંતિ આવી પણ જોડે જોડે ઉંમર ને લીધે લગ્ન પણ નક્કી થયા ..!
જયારે સુનીલના મમ્મી પપ્પા ના લગ્ન નક્કી થયા ત્યારે સુનીલ ની મમ્મી એ શરત મૂકી કે હું જીવનભર નોકરી કરીશ અને પગાર મારા પિયર મારા ભાઈ ને ,અને મમ્મી ને આપીશ..!!
સુનીલ ના દાદા અને બા એ સહર્ષ શરત નો સ્વીકાર કર્યો ને આજીવન એ વચન નિભાવ્યું..!!
સુનીલ ને અને એની બેહન ને એમની મમ્મી નોકરીએ જાય એટલે બા દાદા એ સાચવ્યા, મોટા કર્યા ને જીવનમાં ક્યારેય એક હરફ સુધ્ધા કોઈ ની સામે ના ઉચ્ચાર્યો..!!
કાળ નું કરવું અને સુનીલ ના મામા ને નાની બંને ગુજરી ગયા ,પણ ત્યાં સુધીમાં એની મમ્મીની રીટાયર્ડમેન્ટ આવી ચુક્યું હતું , આજે સુનીલમાં મમ્મી લગભગ પંચોતેર વર્ષના છે..!!
વિચાર કરો …એ જમાનામાં કઈ સાસુ વહુ ને નોકરી કરવા દે અને એનો આખો પગાર પિયર મોકલે ?
ઉપરવાળા ને ત્યાં મોડું થાય છે બદલો વાળવામાં ક્યારેક પણ વ્યાજ સાથે મળે છે..!!
જો કે આ પચાસ લાખ સિવાય પણ સુનીલના પપ્પા ને એમના ધંધામાં અઢળક ઉપરવાળા એ આપ્યું છે ,પણ આ પચાસ લાખ તો પાક્કું બા દાદા ની પુણ્યાઈ નું ફળ..!!
હું હંમેશા દરેક ને કહું છું કે *માં-બાપ ,બા-દાદા કે નાના-નાની નો વારસો ફક્ત રૂપિયા પૈસા કે માલ મિલકત નો નથી હોતો પણ પુણ્યાઈ ,સબંધો અને સંસ્કાર નો પણ બહુ મોટો વારસો હોય છે..!!*
કોઈ નું કરી છૂટવું એ સુનીલ ના બા-દાદા નો સ્વભાવ હતો જે એના મમ્મી-પપ્પા માં આવ્યો અને ત્યાંથી સુનીલમાં , અને એ કરી છૂટવાની ભાવના જયારે વિલના સ્વરૂપે ખુલી ત્યારે એનો બદલો પચાસ લાખ થઇ ને આવ્યો..!!!
અઘરું છે આ જમાનામાં કોઈના માટે કશું કરી છૂટવું..!!
પણ છે આ ઘોર કળજગમાં એવા પણ લોકો..!!
મારા બીજા એક મિત્ર ની પત્ની ને પણ આવું “વ્યસન” છે, કોઈ ના પણ માટે કરી છૂટે..!
પોતાના ઘરથી ચાર બંગલા દૂર રેહતા એક નેવું વર્ષના બા ને જેમની ઉપર એમના જ પૌત્ર એ મિલકત માટે કેસ કરેલો છે, એ બા પોતાની દીકરીના ઘરેથી પોતાના ઘરે આવે તે પેહલા એને ફોન કરે બેટા તને મારું જમવાનું બનાવવાનું ફાવશે ને ? તો જ હું મારા ઘરે રેહવા આવું ?
અને એ મિત્રના પત્ની નિ:સ્વાર્થ ભાવે સવાર સાંજ એ ઘરડા જીવને થાળી ઢાંકી ને આવે..!!
એ બા પાસે પણ મિલકત ઘણી છે ,દીકરો વહુ ગુજરી ગયા છે અને એમના દીકરા વહુ ના પનારે પડ્યા છે ,બા ની દીકરી સારી છે ,તે બેચાર મહિના દીકરી એમને મુંબઈ લઇ જાય પણ ઘરડું જીવ એટલે અમદાવાદ સિવાય ક્યાય ગોઠે નહિ .. પૌત્રવધુ હરામ હાડકાની અને થોડીક મિલકત પણ ફઈ ને કેમ લખી આપી ? એટલે કેસ ઠોકી દીધો , પાણી નો પ્યાલો સુધ્ધા ના આપે ..!! ઉપર નીચે રહે તો પણ..!!
ઘણા બધા એ સમજાવ્યું કે તારી ફઇ ને તો આપી આપી શું આપ્યું..? મોટાભાગ નું બધું તારું જ છે પણ અંટસ પડી એ પડી..!!
આવું છે જીવનમાં ..!!
*ક્યાંક પારકા પોતાના થઇ ને સેવા કરે છે ,તો ક્યાંક પોતાના પારકા થઇ જાય છે..!*!
નિ:સ્વાર્થ પુણ્યકાર્ય કરવા માટે બહુ દૂર ફાંફા મારવાની જરૂર નથી હોતી, આપણી આજુબાજુમાં જ મળી જતું હોય છે,
પણ “પુણ્યકાર્ય કરવું” એવો સ્વભાવ પેહલા કેળવવો પડે છે, એ સિવાય પુણ્યકાર્ય કરવું એ શક્ય નથી..!
બોલ શ્રી સિયાવર રામચન્દ્ર કી જય ..!
જય બજરંગબલી..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*