આજની આ કાળઝાળ ગરમીમાં રાત્રે બહાર હિંચકે બેઠા બેઠા સીઝનના જતા મોગરાની સુવાસ લેતા લેતા અને હાથમાં પરમ સખા મોબાઈલને રમાડતા રમાડતા બાળપણમાં શીખેલા એવો રાગ સારંગ (બ્રિન્દાબની) યાદ આવી ગયો..
યુ ટ્યુબ પર સર્ચ કર્યું અને સારંગની બદલે વિદુષી કૌશિકી ચક્રવર્તીનો ગાયેલો રાગ શુદ્ધ સારંગ હાથમાં આવી ગયો, લીંક શેર કરું છુ..
પણ મૂળ સારંગના દર્શન કરવાનું મન થયું એટલે ચોપડી ખોલી…
ચોપડી ખોલતા પેહલા સ્વરો યાદ કર્યા એક બે લાઈન યાદ આવી
નીની પમ રેરે સા નીની સા પનીસાં..
ગંધાર અને ધૈવત વર્જિત આખો રાગ નિશાદ અને રિષભની આજુબાજુ ફરે..
મૂળે રાજસ્થાની માંડ,ખમાજ કે કોઈ રાજસ્થાની લોકગીત ગાતા હોય એવું લાગે..
ઓડવ-ઓડવ જાતિ નો રાગ છોટા ખ્યાલ અને ચીજો ગવાય..
પિક્ચરનું પેલું ગીત સારંગમાં પલ્લો લટકે રે મારો પલ્લો લટકે ઝરા સા સીધો હો જા …પલ્લો લટકે..
હવે ચોપડીનું જ્ઞાન ..હનુમત મત ,કૃષ્ણ મત અને ભરત મત ત્રણે મત અનુસાર સારંગ રાગ એ રાગ મેઘનો દીકરો છે..
અને ભાતખંડે પદ્ધતિ પ્રમાણે કાફી થાટનો રાગ..
સારંગ ના તેર(૧૩) પ્રકાર છે
૧) શુદ્ધ સારંગ – જાણીતો
૨) બ્રિન્દાબની સારંગ –જાણીતો
૩)બડહંસ સારંગ –લુપ્ત
૪)મલરહુન સારંગ –લુપ્ત
૫) સાવંત સારંગ –લુપ્ત
૬) ધુલિયા સારંગ –લુપ્ત
૭) ગૌડ સારંગ –જાણીતો
૮)મદમાદ સારંગ –જાણીતો
૯)ગુબરહારી સારંગ – થોડો ઘણો જાણીતો
૧૦) સોરઠી સારંગ – થોડો ઘણો જાણીતો
૧૧) બહારી સારંગ –લુપ્ત
૧૨) સૂર સારંગ –લુપ્ત
૧૩) લૂર સારંગ –લુપ્ત
હવે ઘણા વિદ્વાનો સારંગને ઓડવ નહિ સંપૂર્ણ રાગ માને છે અને એમાં ધૈવતને ટેકાનો સ્વર તરીકે અને ગંધાર કોમળ લઇ લે છે..
સારંગ એ દેવગીરી,મલ્હાર અને નટ નું મિશ્રણ છે એવુ મનાય છે ,જ્યારે કોઈ એમ કહે છે કે મારવા અને મલ્હારનું મિશ્રણ છે..
વાદ વિવાદો ને બાજુ પર મુકીએ તો બ્રિન્દાબની સારંગની એક ચીજ જે માણસ એક વર્ષ માટે પણ સંગીત શીખ્યો છે એ ચોક્કસ શીખ્યો હોય એવી આ ચીજ ને યાદ કરું..છું તીન તાલમાં નિબદ્ધ બ્રિન્દાબની સારંગની ચીજ
બન બન ઢૂઢન જાઉં .. નીની પમ રેરે સા ની સા રે સા રે રે
કિત હું છૂપ ગયો ક્રિષ્ણ મુરારી.. ની ની સા પ ની સા રેમરેસા નીસા રે સા રે રે
સીસ મુકુટ ઔર કાનન કુંડલ
બંસી ધરમન રંગ ફિરત ગિરધારી (બંસી અધર મન ..)
બાકી શુદ્ધ સારંગમા મધ્યમ તીવ્ર લઈને અવરોહ લેતા ક્યાંક શ્યામ કલ્યાણ કે મારવા જેવો ભાસ થાય પણ સંભાળવા ની મજા આવે ..
એન્જોય શુદ્ધ સારંગ
શુભ રાત્રી
શૈશવ વોરા