છેલ્લા થોડાક દિવસથી સોશિઅલ મીડિયામાં સૌથી વધારે શેર થઇ હોય કે દેખા દીધી હોય જેની તસવીર તો એ છે યુક્રેનના રાષ્ટ્રપતિની..!! ભાગી છૂટવાને બદલે ભાયડો હથિયાર લઇ લઈને સામો પડ્યો..!
પરદેસી મીડિયા જોઈએ અને વાંચીએ તો લાગે કે સામેવાળો પણ ગાંજ્યો જાય એમ નથી ,આ વખતે કદાચ આ પાર કે પેલે પાર કરવા જ બેઠો છે..!
યુદ્ધ નો મતલબ જ છે કે “મારે જે જોઈએ છે એ તું મને આપી દે નહિ તો હું તને મારી નાખીશ અને બીજી તરફવાળો એમ બોલે કે મરી જઈશ પણ તું જે માંગે એ તો નહિ જ આપું..!!”
સદીઓથી લડતી આવી છે માનવજાત માંહેમાંહે અને યુદ્ધ અપગ્રેડ થતું થતું વધુ ને વધુ સંહારક થતું જાય છે..!
યુરોપને અને અમેરિકા બધાયને બીજા વિશ્વયુદ્ધ પછી પોતાની ધરતી ઉપર યુદ્ધ લડવું નોહતું એટલે દૂર સુદૂર અફઘાન ,સીરીયા ,ઈરાક વગરે વગેરે જગ્યાઓ એ જઈને સામસામે લઢી આવતા ને પોતાના બળાબળના પારખા કરી લેતા ,પણ આ વખતે સીન કૈક જુદો ગોઠવાયો છે ..!
બરાબર એમના ઘરને આંગણે જ રણભૂમી તૈયાર થઇ ગઈ છે અને એમાં પણ ન્યુક્લીયર વેપન્સ તૈયાર રાખવામાં આવ્યા છે..!!
પશ્ચિમ મોટેભાગે હજી પણ વિલન અને હીરો એમ નક્કી કરી ને લઢવા જાય છે ,આપણે પાંચ હજાર વર્ષ પેહલા વિલન અને હીરોવાળી થીયરીમાંથી બાહર આવી ગયા હતા , રામાયણ હીરો વિલનવાળું યુદ્ધ હતું ,પણ મહાભારતમાં અસંખ્ય વિલન અને સામે એટલા જ હીરો હતા, દરેક ને પોત પોતાના કૈક કૈક સ્વાર્થ ,હઠ હતા , એટલે એક જગ્યા નક્કી કરીને બધાય પોતપોતાનો હિસાબ સરભર કરવા ભેગા થયા હતા..!
પછીનો ઘણો સમય કોઈ કાજ કાજે જ લડાઈ લડાતી..!!
રશિયન માટીડાએ કદાચ એમ ધારી લીધું હતું કે યુક્રેનના રાષ્ટ્રપતિ બે ચાર દિવસમાં દેશ છોડીને ભાગી છૂટશે, પણ ધાર્યું ઉતર્યું નહિ ને આડું ફાટ્યું ,એટલે હવે માં મને કોઠીમાંથી કાઢ જેવો ઘાટ છે ,
અને હવે પશ્ચિમ જે રીતે રશિયનને વિલન બનાવી રહ્યું છે એ જોતા યુદ્ધ એક રસપ્રદ તબક્કામાં પ્રવેશી ગયું છે, સાયબર હુમલા અને બીજી સિસ્ટમો તોડી નાખો , સ્વીફ્ટમાંથી બાહર કાઢો, આર્થિક કમ્મર તોડો કૈક એવું બીજું નતનવું ચોક્કસ જોવા મળશે આ યુદ્ધમાં એ નક્કી છે ..!
રાજહઠ રમણે ચડી છે, એક બાજુ જમાનાનો ખાધેલ ખંધો રાજ છે અને બીજી બાજુ જે થાય તે પણ લડી લઈશું , બહુ બહુ તો મરી જઈશું એથી વધારે શું થશે એવી વાત થઇ ગઈ છે પણ એની આજુબાજુના બાહર બેઠેલાને બદમાશોને પોતાના કપડા ઉપર ડાઘ નથી પડવા દેવો..!
સલ્તનતે બર્તાનીયાના પતન પછી અને બીજા વિશ્વયુદ્ધ પૂરા થયે દુનિયા જે ભય હતો કે ફરી કોઈકવાર અમારી ઉપર રાજ ના કરી જાય એ ભય અત્યારે દુનિયાના દરેક દેશના સેન્સીબલ
માણસના રોમે રોમમાં વ્યાપી ગયો છે..!
દરેક દેશ પોતાના પાડોશીને શંકાની નજરે જોતો થઇ ગયો છે ..!
અમેરિકા આટલું શાંત બેઠું છે એ પણ સેહજ શંકા પેદા કરી રહ્યું છે, ઘરડો તો ઘરડો અમેરિકન રાષ્ટ્રપતિ છે, આબરૂના આવડા મોટા ધજાગરા બંધાઈ જાય છતાંય ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓની જેમ ઠાલી ધમકીઓ જ મોકલે છે એ જરાક હજમ થાય તેવી વાત નથી..!! કૈક તો અમેરિકાવાળા ખેલ ખેલશે અથવા કદાચ એમના ખેલ ખેલાઈ રહ્યા હોય પણ દુનિયા અજાણ હોય એવું પણ બને..!
સંયુક્ત રાષ્ટ્રસંઘની ભૂમિકા પણ કોરોના સમયથી શંકાના ઘેરામાં છે અને હવે એમ લાગે છે કે આમ ને આમ ચાલ્યું તો ફક્ત નામનું જ રહી જશે સંયુક્ત રાષ્ટ્રસંઘ..!
અત્યારે એવું પણ બને કે ધવલ મહાલયમાં બેઠેલો ઘરડો રાષ્ટ્રપતિ જાણી ચુક્યો છે કે યુક્રેનની ડોશી હવે મરી ચુકી છે જમડો ઘરની અંદર આંટા મારી રહ્યો છે એટલે જમડાને પાછો કેમનો યમસદન મોકલવો એની સ્ટ્રેટેજી તૈયાર થઇ રહી હોય ???
નવી દિલ્લીને ભાગે આમ તો ચાંપતી નજર રાખવા સિવાય અત્યારે કશું કરવાનું આવતું નથી, બ્રાંડ ઇન્ડીયા રશિયામાં છેક રાજકપૂરના સમયથી મજબૂત છે પણ એને થાય તો વધારે મજબૂત કરીને આવવાની જરૂર છે, ત્યાની હોસ્પિટલો ઉપર રેડક્રોસના ઝંડા ફરકાવીને રેડક્રોસના નેજા હેઠળ તબીબી શિક્ષણ લેતા આપણા બાળકોને હોસ્પિટલોમાં મૂકી દેવાય તો આપણા બાળકો વધારે સેઈફ થશે અને સેવાની સેવા કરી ગણાશે ..! પછી સમય આવ્યે ધીમે ધીમે એમને બાહર કાઢી લેવાય ..
પણ અત્યારે તો બ્રાંડ ઇન્ડિયા ખર્ચાઈ રહી વપરાઈ રહી તેમ લાગે છે..!
બેફામ થઇ ચૂકેલું સોશિઅલ મીડિયા સતત પોતના ઓપિનિયન સતત આપ્યા જ કરે છે, લગભગ દરેક વય્ક્તિને એમ જ છે કે મને બધી જ ખબર પડે છે અને એવી જ રીતે પોતાના ઓપિનિયન પાનના ગલ્લેથી લઈને વોટ્સ એપ ગ્રુપ્સમાં આવી રહ્યા છે..! અમે પણ એમાં શામિલ છીએ..!!
ટેકનોલોજીથી લઢાઈ રહેલું આ યુદ્ધ છે, પશ્ચિમની કંપનીઓ એ એવા એવા પગ પેસારા આપણા જીવનમાં કરી મુક્યા છે જેનો અંદાજ સુધ્ધા આપણને નથી , બે ત્રણ સમાચાર આવ્યા જેમાં પેહલા એવા આવ્યા કે એલન મસ્કે ઈન્ટરનેટ સીધી પોતાના બે હજાર સેટેલાઈટ વડે સીધું અવકાશમાંથી યુક્રેનને આપી દીધું અને બીજા ગુગલે એમની મેપ સર્વિસ બંધ કરી જેથી રશિયાને ખબરના પડે કે ક્યાં કેટલી વસ્તુઓ યુક્રેનની ભેગી થઇ છે , ત્રીજા સમાચારમાં ગુગલ પે વગેરે વગેરે સર્વિસ રશિયામાં બધ કરાઈ ..!
હવે યાદ કરો કે કે છેલ્લે અમદાવાદમાં પાટીદાર આંદોલન વખતે ઈન્ટરનેટ બંધ કર્યા હતા, અને કશ્મીરમાં પણ ઘણી વખત બંધ કર્યા હતા પણ એવે સમયે કોઈ દુશ્મન દેશ લાગણીઓ ભડકાવવા દોરડા બાજુ ઉપર મૂકીને સીધું અવકાશમાંથી ઈન્ટરનેટ આપે તો..?
ગદ્દારોની ગદ્દારીથી ભર્યો પડ્યો છે દેશનો ઈતિહાસ..! અને દરેક ગદ્દાર એમ જ માનતો હતો કે એ સાચો છે અને સામેવાળો ખોટો છે , મહાભારત ઘેર ઘેર ચાલી રહ્યા છે , ભય કોનો સૌથી મોટો ? તો કહે છે ભાઈ નો આ દેશમાં..!!
બધી સી-પે, ડી-પે, એક્સ- પે જેવી પરદેસી કંપનીઓ ઘાલી છે ઘરમાં અને બેંકોની જોડે એમના એક્સેસ છે આવા સંજોગોમાં કેવા હેરાન કરી જાય આ બધા ..?
જારાય જુનું નથી.. ટોમસ રો વેપલો કરવા જ આવ્યો હતો અને એની કંપની યુધ્ધો લડતી થઇ ગઈ હતી અને છેવટે આખું ભારત વર્ષ તાસક ઉપર મૂકીને ધરી દેવાયું હતું મહારાણીને..!
આફતના સંજોગોમાં આપણી પાસે ભોંયરા (બંકર) કેટલા ..? સાયરન વગાડીએ તો આ સવાસો કરોડની વસ્તીને ક્યા ભોંયરામાં ઘાલવી..???
જે બીજા સાથે થઇ રહ્યું છે એ આપણી જોડે જ થઇ રહ્યું છે એમ સમજીને તૈયારીઓ કરવી રહી, ખોટા ફાંકામાં નાં રહીએ કે સવાસો કરોડ છીએ અને બધા એક સામટા મૂત્ર વિસર્જન કરીશું તો પણ દુશ્મન તણાઈ જશે ..!
બીજા ઉપર થઇ રહેલા પ્રયોગમાંથી આપણે શીખવું જરૂરી છે ..!
છેલ્લા સમાચારો મુજબ ચોસઠ કિલોમીટર લાંબો કાફલો કિવ ની તરફ જઈ રહ્યો છે..!!
સબ કો સન્મતિ દે ભગવાન
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)