રેઈનકોટ પેહરીને નાહવાની કળા..
વારો આવ્યો જ છે તો પછી હવે હિસાબ સરભર કરી જ લેવો નરેન્દ્ર મોદીની ખાસિયત છે,પણ કોંગ્રેસ..???
અરરર.. બિચારી, બાપડી, હવે એનું શું થશે એ જ સમજાતુ નથી..કેમ હજી ગાંડાલાલને આગળ કરે છે..?મા`જી હવે જાઉં..જાઉં છે,અને જીજાજી ને યાદ કરતા પણ બીક લાગે છે, ઉપરથી મોદી સાહેબ બરાબર ફોર્મમાં છે,નોટબંધી વખતે પ્રજામાં બળવો ફાટી નીકળવો જોઈતો હતો,પણ એની બદલે પ્રજાએ સહન કર્યા કર્યું અને કોંગ્રેસ અને એમના ગાંડાલાલ આમતેમ,આમતેમ દિશાવિહીન અથડાતા રહ્યા,અને સાહેબ વૈતરણી પાર કરી ગયા..
હવે ફરી પાછા મજબુત થતા જાય છે..!
યુપી ની ચુંટણીમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ,પણ વિનાશ થતા પણ આટલો સમય કેમ લાગે છે હજી..?કોના પુણ્ય નડે છે કે આડા આવે છે..?
એ જે હોય તે પણ છેલ્લી કોંગ્રેસને અપાયેલી ધમકી આપણને ના ગમી.. એ ઈ મોઢું સંભાળીને બોલજો મારી પાસે તમારા ઘણા કચ્ચા ચિઠ્ઠા છે બધું ખોલી નાખીશ..!
યાર આપણે હવે શાહપુર હલીમની ખડકીની આજુબાજુમાં રહીએ છીએ..? શેના માટે જીભાજોડી કરવાની..? અને જે કચ્ચા ચિઠ્ઠા હોય એ ખોલો ને,તમને બેસાડ્યા છે જ એના માટે..! કોની બીક છે? કેમ કોંગ્રેસનો એકપણ નેતા ભ્રષ્ટાચારના આરોપોમાં જેલ ભેગો નથી થયો આ અઢી વર્ષમાં..? કોણ રોકે છે..?
ડીમોનેટાઈઝેશન વખતે, મિત્રો(“ત્રો” ની માથેમીંડું તમારે લગાડવું)અને ભાઈઓ ઔર બેહનો કરતા હતા ત્યારે મને તો થયું કે આ સોનિયા ગાંધી કે કોઈ બીજા મોટા નેતાને જેલ ભેગા કરશે હવે આજે તો, એટલે આ કવેળાનું રાષ્ટ્રજોગું ભાષણ આપવા આવ્યા છે એની બદલે તો આખો સીન ફરી ગયો..!
જે આરોપો ના કઠેડામાં કોંગ્રેસ હતી ત્યાં તમે આવીને ઉભા રહી ગયા..!
અઢી અઢી વર્ષ થયા અને ભ્રષ્ટાચારના આટલા બધા આક્ષેપ યુપીએના પ્રધાનો ઉપર પણ જેલમાં કોણ?ઉપરથી જે જેલમાં હતા એને સુપ્રીમ કોર્ટે છોડી મુક્યા, પરદેસથી રૂપિયા ના લાવી શકો પણ દેશમાં તો કૈક સ્ટ્રોંગ એક્શન તો લ્યો હવે રાજકાણીઓ ઉપર..!
ગુજરાતમાં તમારી સૌથી મોટી તાકાત તમારું મૌન હતું, અને દિલ્લીમાં સૌથી મોટી વિકનેસ બની છે તમારું વાચાળપણુ ..
મન કી બાત ટોટલ ફેઈલ પ્રોગ્રામ છે પણ હજી ઝાલી રાખ્યો છે..!
રાહુલ ગાંધી જેવા ડોબા ખીલ્લી ઉડાવી જાય એટલા વાચાળ થવાની ક્યાં જરૂર છે.. તમે ભારતના પ્રધાનમંત્રી છો એવું તમારે યાદ રાખવું પડે છે..? વારે વારે જાહેરમાં રડવું કેમ પડે છે? લાગણીશીલ દેખાવાના બીજા ઘણા રસ્તા છે એના માટે સ્ટેજ ઉપર છાશવારે પોક મુકવાની ક્યાં જરૂર છે..?
યુપીની ચુંટણી સભાઓ ગજવો છો પણ ભાષા યુપી બિહારના ગામડાની ના બોલાય..
કોણ જાણે હજી સમજાતું નથી કે શા માટે અને કેમ વિલંબ થાય છે ભ્રષ્ટાચારીઓને પકડવામાં, તમે સ્ટેજ ઉપર રડતા રડતા બોલો કે મેં ઘરબાર બધું દેશ માટે છોડ્યું પણ તમારા કરતા તો રંગીલા રાજા ટ્રમ્પકાકા જબરા નીકળ્યા ત્રણ ત્રણ ઘર માંડ્યા અને કેટલીય મોજ મજા કરી જીવનમાં પણ બાકી આવતાની જોડે જ કામે વળગ્યા અને આપડે તો ખાલી વાતોના પડારા જ ઠોક ઠોક કર્યા..
જે જાપાનના પ્રધાનમંત્રીની દોસ્તી છે એને ટ્રમ્પકાકા એ દસ મિનીટ સુધી હાથ મિલાવીને પકડી રાખ્યા બિચારા જાપાનીઝ અબે-શી તો ખાસિયાણા પડી ગયા કે હવે આ હાથ છોડે તો સારું…
એક પછી એક લોકો ટ્રમ્પકાકા ને મળવા અને સલામી આપવા જઈ રહ્યા છે આપણો નંબર પણ આવશે, જરા જાળવીને અત્યારે પુતિન અને ટ્રમ્પની જુગલબંધી સેટ થઇ રહી છે, દુનિયાના એક ખતરનાક સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, આપડે આપડો ઉલ્લુ સીધો કરવાનો છે પણ તમારી આવી ઢીલી પોચી,રડતી માનસિક અવસ્થા જોઇને થોડી ચિંતા થાય છે કે કશું ઊંધું ચત્તું ના થઇ જાય..આ કાકા મેડીસન સ્ક્વેરથી અંજાય એમ નથી શૌચાલય અને વિશ્વગુરુ આ બધાનો જોડે મેળ પડે એમ નથી..!
અમે રેલ્વેના પાટે સંડાસ જઈએ એમ ના કેહવાય..નહિ તો લોકો એમ માની લે કે ચા વેચતા હશે ત્યારે તમે પણ રેલ્વે ના પાટે..ઘરની વાત ઘરમાં રાખો બાપા..!
લાગણીઓને કન્ટ્રોલ કરો, જયારે માણસ ઘરમાં ઈમોશનલ હોય ત્યારે બહાર બહુ મજબૂતીથી ના લડી શકે એટલે થોડી ચિંતા થાય..લાગણીઓથી તો ઘર પણ નથી ચાલતું તો દેશ થોડીના ચાલે..?
સોશિઅલ મીડિયા અને લોકલ મીડિયાના ચક્કરમાંથી બહાર આવીને આંતરરાષ્ટ્રીય મીડિયાને જરાક હાથ પર લઈએ તો દુનિયા આખીના જનમાનસમાં ઇન્ડિયાની ઈમેજ થોડી વધુ સારી થાય તેમ છે,ટાઈમમાં પર્સન ઓફ ધ ઈયરમાં ફજેતો થયો એ બધું ખોટુ..બધે મેડલ લેવા ના દોડી જવાય,
ટ્રમ્પકાકાની વિઝાની નીતિ આપણા કમાઉ દીકરા આઈટી ઉદ્યોગની પથારી ફેરવે એમ છે,એટલે હાફીઝ હાફીઝ કરીને ટ્રમ્પકાકા જોડે ટાઈમ બગાડવો એના કરતા થોડા વધારે એચ-૧ નું ગોઠવાય તો ઘરઆંગણે તકલીફ ના વધે..! બાકી એ બધું જો રુમઝુમ કરતુ લીલા તોરણે પાછુ આવ્યું તો બેંગ્લોર પુના અને હૈદરાબાદમાં મહામારી ફાટી નીકળશે..
હજી સમય છે જે કઈ કૌભાંડ પકડાયું હોય ડીમોનેટાઈઝેશન વખતે તો એ ખોલી નાખો બાપલીયા નહિ, તો અટલ બિહારી બાજપાઈને જેમ કારગીલની ટીલી લાગી એમ ટીલી લાગી જશે..કારગીલનો જંગ સેના જીતી પણ “દેવ” તો લાહોર જતી બસમાં ઊંઘી ગયા હતા એટલે “પેલા” છેક કારગીલ સુધી આવી ગયા હતા ને..! ઘરમાં આવેલાને મારી હટાવ્યો,પણ ઘરમાં ઘુસ્યો જ કેમ નો ?સર્જીકલ સ્ટ્રાઈક થોડી આગળ જઈને કરો નહિ તો બોલવું પડશે “અત્તા નાહી”
જીવ બળે છે તેર તેર વર્ષ સુધી ગુજરાતના હાકેમોને દોડાવી દોડાવીને કામ લીધું અને અમે જ્યાં જુવો ત્યાં માર્કેટિંગ કર્યું .. બુમો મારી “મોદી મોદી મોદી” ચાર ચાર કલાક તમારી સભાઓ સાંભળવા તડકે તપ્યા પણ એવું તો તમે શું કર્યું કે ટીવીમાં આવો પણ ચેનલ બદલવાનું મન થાય છે..?
૨૦૧૭માં કમળ સિવાયનું બટન નથી દબાવવુ પણ આવું ને આવું ચાલશે તો મત આપવા જ ઘરની ભાર નહિ નીકળુ..શું કરું પંજાને તો જિંદગીમાં છેલ્લી ત્રણ પેઢીથી મત નથી આપ્યો પણ હવે કેમ આવું લાગે છે..?
પોતાનો પારકો થઇ ગયો એવી ફીલિંગ આવે છે ક્યાંક મૂરખ બન્યા એવું લાગે છે ચોર પકડવા મોકલ્યા અને ડીમોનેટાઈઝેશન કરીને નોટીસો મોકલીને અમને ચોર ઠેરવ્યા..
સાચું બોલો હજી કહું છું ડીમોનેટાઈઝેશન પછી નું શું ચિત્ર છે ? કેટલા લાખ કરોડ આવ્યા છે અને કેટલા લાખ કરોડ નવા છાપ્યા..? શું ખરેખર કોંગ્રેસ અમે માનીએ છીએ એટલી ભ્રષ્ટ છે ?અને ભાજપ એટલી ચોખ્ખી છે..?
તમને પ્રેમ કરતા કરતા અને તમારાથી ડરતા કેમ થઇ ગયા..? શાહુકાર માંથી અમે ચોર કેમ થઇ ગયા..? અચાનક વીસ વીસ વર્ષથી ઇન્કમટેક્ષ ભરતા અઢાર લાખ લોકોને સવાલોનો જવાબ કેમ આપવો પડે..?
ઈમાનદારની વ્યાખ્યામાં ટેક્ષ પેયર જ આવે ? જેમની પાસે PAN નથી એ લોકો એ ખાતામાં ભરેલા રૂપિયાનું શું કર્યું..?
એક જમાનામાં તમારા જોડીદાર મિત્ર એવા વિપક્ષી નેતા એ તમને દિલ્લી જતા ત્યારે કીધું હતું કે “ત્યાં તમે એકલા છો હીરાબાનો હાથ માથે નહિ હોય..”
ખરેખર તમારી વારે વારે લાગીશીલતા જોઈ ને લાગે છે કે એકલા છો,પ્રયત્ન કરો અને ના મેળ બેસે તો પેટમાં દુખે છે કરીને નિશાળેથી ઘેર આવતા રહો..કોઈ નહિ વઢે..!
શુભ રાત્રી
શૈશવ વોરા