
સ્વીમિંગપુલના કોચ દ્વારા બે કિશોરીઓને પટ્ટા વડે માર મારતો રાજપથ ક્લબ નો વિડીઓ સામે આવ્યો અને જોત જોતામાં ગજ્જબ વાઈરલ થઇ ગયો ..
ગુજરાતી ટીવી મીડિયાને તો ગરમાગરમ “પડીકું” મળ્યું,અને અમદાવાદની પ્રજાને પણ ..!!
ઘા એ ઘા , “પડીકું” ફેરવ્યું વોટ્સ એપ પર..હું પણ એમાં શામિલ ..!!
મજા તો ત્યાં આવી કે હજી પડીકું ફરતું હતું અને ત્યાં તો તાજ્જો જ બીજો “ઘાણ” આવ્યો ..!!
અને પછી તો બીજું “પડીકું” આવ્યું અને ગરમાગરમ, એ પણ પાછું ..!!
પાંચ મિનીટ માટે તો સમરાંગણ થઇ ગયું વોટ્સ એપ..રમખાટ મેસેજીસ આવ્યા.!!
પેહલા “પડીકા”માં વિડીઓ, અને બીજા “પડીકા” માં પેરેન્ટ્સ નું ક્લેરીફીકેશન અને એમના દ્વારા કોચ નો બચાવ..!
ચર્ચાઓ છેડાઈ ચુકી છે, હવે આજ ની રાત તો આ જ ચાલવાનું બાકી..!!
પેહલો જ મેસેજ એક સળંગ ડાહ્યા નો ,લખો ત્યારે બ્લોગ..બીજો કહે રાજપથનું નામ છે એટલે તારે તો લખવું જ રહ્યું..અલ્યા મેમ્બર હોઈએ એટલે આપણા બાપ નું થઇ જાય બધું ?
ત્રીજો કહે જોર માર મારો કોચને,ચોથો કહે પબ્લિકની પરમીશન લઈને એના બાપા ને મારો,પાંચમો કહે માંબાપ ગમે તે કહે પણ આ તે કઈ રીત છે ..? છઠ્ઠો કહે આ બધી ક્લબોમાં આવું જ હોય, સાતમો કહે માંબાપ છે કે જલ્લાદ ? આઠમો કહે માંબાપ ગમે તે કહે કાયદાકીય રીતે ખોટું જ છે , નવમો કહે માબાપ ગાંડા થઇ ગયા છે છોકરાઓની પાછળ ..
દે ધનાધન ચાલ્યું..
પણ હકીકતે શું ?
તો પેલો જુનો અને જાણીતો મેસેજ યાદ કરાવું, કાર્બાઈડથી કેરી પકવવાવાળો..યાદ છે ?
એકટીવા ઉપર પોતાના સંતાનને એક્ટીવીટી માટે રોજ સાંજ પડ્યે ભટકતી જોઈએ છીએ ત્યારે કાર્બાઈડ થી કેરી પકવવા નીકળી હોય તેવું લાગે છે..
આવું જ કૈક હતું ને ..?
હું પણ આ દોડમાં જ છું,
તમને બધાને આ કલીપ જોઇને બહુ જ મગજ પર લોડ પડ્યો હશે, એટલે પેહલા એક હળવો કિસ્સો શેર કરું આ જ રાજપથના સ્વીમિંગપુલનો..
રાજપથના સ્વીમીંગપુલમાં બરાબર આજ થી પંદર વર્ષ પેહલા હું મારી મોટી દીકરીને લઇ ને રોજ સાંજે પોહચી જતો..સમય પણ લગભગ આવો જ સાંજના છ વાગ્યાની આજુબાજુનો..
મારી મોટી દીકરી ત્યારે ચાર વર્ષની હતી, ને મારી જ દીકરી એટલે બોલવામાં એને જન્મજાત વરદાન..
મને પણ થોડું એવું ખરું કે સ્વીમીંગ,સાયકલીંગ અને સંગીત આટલું તો મારા છોકરાઓને આવડવું જ જોઈએ, હું હોંશે હોંશે દીકરીના માટે સ્વીમીંગ માટે ની બધ્ધી જ મોંઘા માઇલી એસેસરીઝ લઇ ને આવ્યો, અને દીકરીને ક્લબના પુલમાં મેં જાત્તે સ્વીમીંગ શીખવાડવાનું બીડું ઝડપ્યું..
બહુ મેહનત કરું પણ `ટબુકડી` દીકરી મને પાણીમાં છોડે જ નહિ ,સજ્જડ રીતે મને ચોંટી ને જ રહે..
લગભગ ચાર પાંચ દિવસ મેં મેહનત કરી ,પણ મારી દીકરીની પાણીની બીક જાય નહિ બસ એક જ વાત `નાકમાં પાણી જાય છે, હું ડૂબી જઈશ ડેડી..` હું એને શાંતિથી સમજાવું ,પીઠ ઉપર લઈને સ્વીમીંગ કરું ,પાણીમાં રમાડું પણ ધરાર મારો હાથ ના છોડે..અને સીધી છાતીએ વળગી જાય..!!
હું દીકરીને પાણીમાં ધકેલું અને એ મને ચોંટી પડે..હવે અમારો બાપદીકરીનો આ `ખેલ` રોજ પુલમાં પડેલા અને બહાર ઉભેલા બધા જોવે,
એવામાં એક સુંદર મજાની સાંજે `સ્વર્ગ`માંથી એક રતિ અને કામદેવનું જોડું સીધું રાજપથના સ્વીમીંગપુલમાં ઉતરી આવ્યું..
ખુબ સુંદર છોકરી અને એકદમ દેખાવડો છોકરો,લગભગ બંને કદાચ તાજા તાજા પરણેલા અને એનઆરઆઈ હોય એવા લાગે..સુંદર મજાના એ યુગલે સ્વીમીંગપુલમાં પ્રણયફાગ ખેલવાના ચાલુ કર્યા..
મારી સાથે ઘણા સીનીયર લોકો પણ પુલમાં જ પડેલા હતા, અને એમના ફાગ જોઇને ઘણા બધાના ભવાં તરત જ ચડી ગયા..
વીસેક મિનીટ ના પ્રણયફાગ ખેલ્યા પછી એ છોકરો પુલમાં જ મારી બાજુમાં પુલની પાળી પાસે આવ્યો અને છોકરી પણ પાણીમાં તરતી તરતી પેલા પાસે આવી અને પેલા ને એકદમ સજ્જડ ચોંટી ગઈ..લગભગ લીપ ટુ લીપ કિસ કરવા જતા જ હતા ..
આખા સ્વીમિંગપુલમાં જોરદાર સન્નાટો પ્રસરી ગયો હતો..
અને ત્યાં જ મારી નાનકડી દીકરીએ `મોકો` જોઈ લીધો અને `ચોક્કો` મારી દીધો ,એકદમ મોટ્ટે થી એ બોલી પડી `ડેડી તમે કેમ મને ધક્કા માર માર કરો છો ? આ આંટી જુવો અંકલને છોડે છે..!!`
બાળમાનસ બિચારું,
પોતે પાણીથી ડરતું હતું એટલે એણે પેલા રતિદેવી ને પણ એના જેવા સમજી લીધા.. અને બાળક બોલી પડ્યું ..!
આખા સ્વીમિંગપુલમાં હસાહસ થઇ ગઈ , અને રતી-દેવી એક છેડેથી અને કામદેવ બીજા છેડેથી સ્વીમીંગ પુલની બાહર..
હા આ ક્લબ છે,
અહિયાં વાતાવરણમાં ચોક્કસ મુક્તતા વર્તાય છે,સાથે એક સેફટી નો પણ એહસાસ થાય છે, કોઈ છેડખાની નથી થતી, સ્ત્રીને કેવા વસ્ત્ર પરિધાન કરવા એ સ્ત્રીનો અધિકાર છે અને એ અધિકાર નું સન્માન થાય છે..
ટોળે વળીને જેટલા જુવાનીયા હોય છે એનાથી ડબલ સીનીયર સીટીઝન હોય છે અને એ બધા જ આછકલાઈ નાં થાય તેનું પુરતું ધ્યાન રાખતા હોય છે..
અને આજ ની કલીપમાં માંબાપ ખુલ્લે આમ કોચના સમર્થનમાં આવ્યા છે,
પણ હું વિરોધ કરું છું..
આ એ જ સ્વીમીંગપુલ છે કે જ્યાં મેં મારી દીકરીને સ્વીમીંગ શીખવાડ્યું છે, અને ક્યારેક મારી દીકરી સાથે મેં જબરજસ્તી કરી છે કે ના બેટા હવે હું તારો હાથ નહિ પકડું ,હું એને ધક્કો મારી દેતો પાણીમાં અને બોલતો કે તને તરતા આવડી ગયું છે ..
પણ..પણ..પણ
મારી દીકરીને ચેમ્પિયન બનાવવા માટે હું કોઈપણ કોચને એમ નાં કહી શકું કે તમારે જેટલા સ્ટ્રીકટ થવું હોય તેટલા થાવ, અને કદાચ મારી `મતિ` ફરી ગઈ ને મેં એમ કીધું તો પણ *કોચ હોય કે બીજો કોઈપણ પુરુષ, એને કોઈપણ સ્ત્રી ને માર મારવા નો અધિકાર તો નથી જ..*
*આ જ કોચની જગ્યાએ હું જાતે પણ મારી પોતની દીકરીને મારું અને એ પણ આ જ રાજપથના સ્વીમિંગપુલ પર તો પણ એ ખોટું છે..*
*પુરુષ માત્રને સ્ત્રીને મારવાનો અધિકાર નથી..*
*અને માંબાપ થયા એટલે કોઈને પણ સંતાન ને મારવા નો `અધિકાર` આપવાનો ..?*
*પેહલો સવાલ તો ત્યાં જ આવે કે માંબાપ ને પણ એ `અધિકાર` કોણે આપ્યો..?*
બાળક એ ઈશ્વરની દેન છે એ રસ્તે રખડતા ભિખારી નું હોય કે રાજપથ ક્લબન કોઈપણ મેમ્બરનું ,
જેન્ડર કોઈપણ હોય અને માંબાપની સંમતી હોય કે નાં હોય બાળકને માર તો મારી જ ના શકાય..!
*આપણે ચોક્કસ એકવીસમી સદીમાં આવી ગયા છીએ,પત્થર યુગમાં નથી જીવતા..!!*
*ઇચ્છાઓ આકાંક્ષા ને ક્યારેય સીમાડા નથી હોતા,આ કેસમાં માંબાપ પણ ભીંત ભૂલ્યા ..!! ને ક્ષિતિજની પેલી પાર ક્યારેય કોઈ જઈ નથી શક્યું..!!*
દરેક માંબાપ માટે આ લાલબત્તી સમાન કેસ છે , ચેમ્પિયન બનાવી ને શું થશે ?
નામ,ઇનામ,અકરામ ..??
ભલે ગમે તેટલો સારા આશયથી પટ્ટા ધીમા ધીમા હાથે શરીરે માર્યા હોય, પણ ક્યારેક એકાદો પટ્ટો જો દીકરીના કોમળ હૈયે વાગી ગયો ને બધું જ હાથથી જતું રેહશે..!
`નવી નવાઈ`ના જણેલા છે આજકાલના બાળકો..
`જંગલ`ના નહી `બાગ`ના ફૂલ છે..
આખી જાત જ જુદી છે,
માટે જ આ બાગ ના ફૂલ ને જંગલીની જેમ ના મોટા કરાય..
શુભ રાત્રી
શૈશવ વોરા