થોડાક દિવસથી અમારે જીમ નો એક પેહ્લવાન, સ્નેપ-ચેટરીયો રોજ સવાર પડે ને મને એક સ્નેપ ચેટ મેસેજ મોકલે છે..ગોઇંગ ટુ xxx(જીમના શેઠ નું નામ )`s જીમ..!!
મારો બેટો `બૈલ` આમ તો દિવસના દસ બાર સ્નેપ મોકલે છે, પણ સવારનું સ્નેપ એનું નક્કી જ હોય ..
જીમ ના શેઠનું નામ લખે, અને લખે કે શેઠના જીમ પર જાઉં છું..
થોડાક દિવસ સળંગ રોજ આવું વાંચ્યું એટલે મારી છટકી, અલ્યા `બૈલ` તું તારા શેઠના જીમ પર શું લેવા જાય છે ? તું નોકરું કુટવા જ જાય છે ને ભાઈ ..? તું ત્યાંથી રૂપિયા નથી કમાતો..? તારો શેઠ કંઈ તને રોજ બોલાવે છે અને પછી પગાર નથી કરતો કે એવું કઈ તો છે જ નહિ ને..
તો પછી એ તારી પણ કામ કરવાની જગ્યા જ છે..તો પછી ગોઇંગ ટુ જીમ કે પછી વર્ક પ્લેસ એવું કૈક લખ ને ભઈ..
તો મારો બેટો `બૈલ` કહે ના `ભાઈ` માલિક તો પેલો જ છે ને ..! એટલે એનું જ નામ લખાય..
મેં ફરી કીધું ..તો તું ત્યાંથી રૂપિયા નથી કમાતો..
જવાબ આવ્યો..સરજી જીવનમાં બે જ વસ્તુ હોય છે, ક્યાં તો તમે તમારા સપના પુરા કરવા કામે લાગી જાવ નહિ તો કોઈક તમને એમના સપના પુરા કરવા ભાડે રાખી લેશે, અત્યારે તો હું મારા શેઠ નું સપનું પૂરું કરવા જીમ જાઉં છું એટલે હું શેઠ નું નામ લખું છું..!!
આપણી તો આંખો પોહળી થઇ ગઈ અને ડાકલી ખુલી ગઈ ..હેં ..?
આ સખ્ત બદન,અક્કલ-કમ બૈલમાં વળી આવું જ્ઞાન ક્યાંથી આવ્યું ..?
બોલો ક્યાંથી આવ્યું હોય ?
હા એ જ..એ જ ..કોઈક મોટીવેશનલ સ્પીકર ને ફેસબુક કે વોટ્સ એપ પર સાંભળી ગયો હોય..!!
સાલા “કમબખત” કોણ જાણે પોતાની જાત ને શું માની લે છે..!!
`પોતાનું` સપનું અને `બીજાનું` સપનું ..?
મેં કીધું તારું સપનું શું છે..?
સર xxx (જીમ માલિક ) જેવી ગાડી ..(જીમ માલિક ઓડી એ ૬ વાપરે છે)
એનું કૈક વધારે પડતું ઊંચું નિશાન જોઇને મેં પૂછ્યું તો પછી બાયડી અભિષેક બચ્ચન જેવી નથી જોઈતી ભઈલા તારે ..?
હું એટલું બોલ્યો એટલે પેલો બૈલ થોડો ફૂંગરાયો ..એ આપડો ક્યારેય ક્રશ નોહતી ..
મેં ગાડી થોડે આડે પાટે જવા દીધી..હેં ૩૭૭ છે તું ..?
જવાબના આવ્યો, અને બાર બેલ ઉપર પાંચ કિલોની બદલે સીધી વીસની પ્લેટ લાગી ગઈ..!!
ભોગવ શૈશવ..લમણાં લેવાનું ફળ ..!!
પણ એક વાત છે કે અત્યારે એશી ટકા લોકો ને પોતાના નોકરી ધંધાથી અને એની જગ્યાથી અસંતોષ છે, અને એનો ભરપુર લાભ આ મોટીવેશનલવાળા લઇ રહ્યા છે..
એવી એવી વાર્તાઓ કરી કરીને લોકો ને ભરમાવે છે કે ના પૂછો ને વાત..!
પેહલા તમને અસંતોષ ના હોય તો ઉભો કરે, ઈચ્છાઓ જગાડે અને પછી છટકાવે, પછી રઘો બે ચાર જોરદારના ઉદાહરણો આપે એટલે `બૈલ` ચારેબાજુ ઝાંવા મારતો થઇ જાય..
સપના જોવા જોઈએ, પણ સાલું મારા જેવા અઠવાડિયે એકવાર નરોડા જીઆઇડીસીમાંથી નીકળીએ અને ધીરુકાકાની ફેક્ટરી જોઇને સિદ્ધાં `આન્તાલીયા` સુધી પોહચી જાય તો પછી શું કરવું ? અને એમાં પણ ઉપરથી પેલા મોટીવેશનલ ના પેલા `મારા સપના` અને `તારા સપના` ના લોજીક આવે..
શૂન્યમાંથી સર્જન એ દરેક ની તાકાત નથી હોતી,અને ક્યારેક ખોટા મોટીવેશન આવી જાય ને તો હાથમાં હોય ને એ બધું ય જતું રહે છે..
ધંધો એ દરિયો છે અને દરિયાના ઉછળતા મોજા જોઇને ભાગ્યે જ કોઈ આ ધરતીનો માનવી હશે કે જેને હૈયે ઉછાળાના આવે ,દરેક ને મન થઇ જાય કે ધુબાકા મારું અને મોતી કાઢી ને બાહર આવું..
પણ એ દરિયાની નીચે ઊંડે માથું ફાડી નાખે એવું પાણી નું જે પ્રેશર હોય છે એ ઊંડો ઉતરે એને જ ખબર પડે..
મોતીડા કાઢવા મરજીવા થવું પડે અને મરજીવા થવા દિવસ રાત દરિયાના ખારા પાણી પી ને પચાવા પડે..
બે કલાકના મોટીવેશનલ અને પાંચ દિવસનો એમડીપી (મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ), બહુ થયું તો એકાદ બે મહિના અને એનાથી વધી ને ત્રણ મહિનાના કોર્સ કરીને પોતાના સપના કેમ પુરા થાય ..?
રોજ સવાર પડ્યે છસ્સો કરોડ જીવડા પોતાના સપના પુરા કરવા દોડે છે આ ધરતી ઉપર અને રાત પડ્યે થાકીને નસકોરાં બોલાવે છે ..
જો કે મોટાભાગના સપનાની લાઈફ જવાબદારી આગળ આવી ને પૂરી થઇ જાય છે..!!
જવાબદારી એ સપનાઓનું કબ્રસ્તાન છે..!
અને આપણો સમાજ જવાબદારી `પેહરાવી` દેવામાં બહુ પાવરધો છે.. સેહજ પણ ઉંચે ઉડતો દેખાય કે તરત જ એને “પાડી” જ દેવાનો ..રંગે ચંગે ઢોલ નગારા સાથે ગુલાબ અને મોગરાના હાર ગળામાં ..!!
હા એ જ .. બરાબર છે તમે બરાબર સમજ્યા…!
સાપ ને `દર` દેખાડી જ દેવાનું સીધો ચાલતો થઇ જાય..!!
પરણેલાને પૂછો કે સપના તારા પુરા કરે છે કે તારા શેઠ ના..?
એકાદ બે વર્ષમાં તો કોઈક સાઢું કે સાળો ઇન્શ્યોરન્સમાં હોય જ અને પેલું ભયંકર સપનું દેખાડી પણ દે .. તમે નહિ હો તો આ બધાનું કોણ ..? જલ્દી જલ્દી પોલીસી લઇ લ્યો , મેડીકલેઇમ તો હવે સરખો જ રાખવો રહ્યો ભાઈ ..
સપના ના કલર જ બદલી નાખે …!
અને પછી થઇ જાય પ્રીમીયમ ભરતો..!
એક સાંધે ત્યાં તેર તૂટે..!
વર્ક પ્લેસ ઉપર પોતાના ટેબલ ઉપર એકાદા ભગવાન આવી જાય ,અને મોબાઈલના સ્ક્રીન ઉપર હોટ બેબમાંથી માય લવ અને પછી ટેણીયુ ..!!
ઓવરઓલ મારું ઓબ્ઝર્વરવેશન એવું આવે છે કે મોટેભાગે સપના અને ફેન્ટસી આ બંને વસ્તુઓ આપણી આજુબાજુના લોકોમાંથી જ પેદા થતી હોય છે..
ફિલ્મી હિરોઈનની ફેન્ટસી બહુ લાંબી ચાલતી નથી ,એમ સપના પણ આન્તાલીયા ના લાંબા ના ચાલે, પણ બે ચાર વર્ષ જોડે ભણ્યા હોય વોટ્સ પર ગુડ નાઈટ ગુડ મોર્નિંગ થાય અને એની બર્થડે કે આપણી બર્થ ડે પર ફોનના થોડાક વેહ્વાર હોય પછી ક્યારેક વાર તેહવારે મળી લેવાય તો પછી એવાની ફેન્ટસી લાંબી ચાલે ..
બિલકુલ એવી જ રીતે રોજ સવાર પડ્યે છ વાગ્યે જીમ પર જાય જીમ ખોલે અને કામ કરતો હોય અને શેઠિયો સાંજ પડ્યે કલેકશન લઇ ને ઘેર જતો દેખાય તો પછી બિચારા બૈલ ને એમ જ લાગે ને હું કોઈનું સપનું પૂરું કરી રહ્યો છું મારું સપનું તો ..!!
હવે જીવનના અડતાલીસ પુરા થવામાં થોડાક દિવસ બાકી રહ્યા છે ત્યારે એમ લાગી રહ્યું છે કે સપના કરતા સ્ટ્રેટેજી ઘડવી જોઈએ અને સ્ટ્રેટેજી જ બંધ આંખ કે ખુલ્લી આંખે જોયેલા અને ક્યારેક તો નહિ જોયેલા સપના પુરા કરી આપે છે..!
મારો `બૈલ` મારો રેગ્યુલર રીડર પણ છે
એ ઈ `સાંઢ` આખી વાર્તા તારા માટે લખી છે..સમજણ પડી કઈ..?
સપના નહિ સ્ટ્રેટેજી ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા