સંજય લીલા ભણસાલીને અમદાવાદી ભાષામાં કહોએ તો “પડી”..
કોઈકે લખ્યું એ જ “લાગ” નો હતો ઈતિહાસ જોડે ચેડા કરે છે..!
વાહ..વાહ..વાહ…!
ઈતિહાસ જોડે ચેડા..?…!
કોણે નથી કર્યા..?અને કોણ બાકી છે..? આપણા દેશમાં દરેક માણસનો પેહલો ટાર્ગેટ રૂપિયા, બીજો ટાર્ગેટ સત્તા,પેહલા રૂપિયાના જોરે ઘરમાં,પછી કુટુંબ, પછી સમાજ,ગલી,મોહલ્લો,…થી લઈને વાયા સત્તા તે વાત જાય છેક દિલ્લી અને દિલ્લીથી મહામાનવ બની અને આખી દુનિયા..!
ત્રાસ ત્રાસ કરી નાખ્યો છે..! આ ઈતિહાસ એ તો..!
ઈતિહાસ અને પુરાતત્વ બંને વચ્ચેનો ફરક ખાલી એટલો જ છે કે ઈતિહાસ કથાઓ અને વાર્તામાં લિખિત કે મૌખિક રીતે સચવાય છે જયારે પુરાતત્વ પત્થરોમાં.. બંને એકબીજા સાથે સજ્જડ રીતે જોડાયલા છે,તમે એમને સીયામીઝ ટ્વીન્સ પણ કહી શકો,પણ ઈતિહાસમાં ગમે તે થઇ શકે, ઈતિહાસ લખનારને કે બોલનારને જે મનમાં આવે એમ એ લખે અને મચેડે, જયારે પુરાતત્વમાં તો એક જ વાત “બાપ દેખાડ નહિ તો શ્રાદ્ધ કરો ..” પુરાવો જોઈએ જોઈએ અને જોઈએ જ..! બીજી કોઈ વાત જ નહિ..
પણ સાલુ છે આ “ઈતિહાસ” પણ ગજબની ચીજ,આ દેશના દરેકે દરેક માણસને ઈતિહાસ બનાવવો હોય છે કે એનો એક ભાગ બનવું છે અને ક્યાં તો પછી ઈતિહાસ લખવો હોય છે..! અને કંઈ ના થાય તો પોતાની જાતને ઈતિહાસ જોડે જોડી દેવાની..! અમે રામચન્દ્ર પ્રભુ ના વારસદાર..!
આપણે આપણા ઈતિહાસમાં જો રામકથા કે મહાભારતને જોડીએ તો..?
પેહલો સવાલ એ આવે કે રાવણ હિંદુ તો હતો ને..? હા ચાલો તો આગળ વધીએ તો પણ આટલો નાલાયક..? દુર્યોધન અને વગેરે વગેરે પણ હિંદુ હતાને તો પછી આવા હરામખોર.! સમાજ રચના આવી ખતરનાક ? સગી બેહનના સાત સાત છોકરા જન્મે એવા મારી નાખવાના? સગી ભાભીને ચોટલો ઝાલીને ભરી સભામાં અરરર..શું આ આપણો ઈતિહાસ છે..?
ના ભાઈ આ ઈતિહાસ નથી કથા છે,કથા અને ઈતિહાસના ફરક ને સમજાવો પડે અને એમાં એમ કહી દઈએ તુલસીદાસજી,વેદવ્યાસજી તમે કથાવસ્તુમાં આટલી બધી છૂટ કેમ લીધી..?બંને મહાસતીઓ..! સીતાનો હાથ રાવણે અને દુ:શાસને ચોટલો કેમ પકડ્યો..? ના ચાલે ઠોકી ઘાલો..!
રાણી પદ્માવતીની વાર્તા કે ઈતિહાસ પણ આવો જ કૈક છે(તમે ગુગલ પર વાંચી લેજો) બેક ટુ પોઈન્ટ સંજય લીલાને ઈતિહાસ જોડે ચેડા કરવાનો હક્ક કોણે આપ્યો..?કોઈએ નહિ, પણ શું સંજય લીલા એકલા જ છે ઈતિહાસની જોડે ચેડા કરનારા..?આ તો બહુ જુનો આરોપ છે, કે.એમ.મુનશી એ ઈતિહાસ જોડે ચેડા નથી કર્યા..? મુંજાલ મહાઅમાત્ય ખરેખર આટલો પાવરફૂલ હતો..?ગરજન નો મ્લેચ્છ સોમનાથ ભાંગવા આવ્યો ત્યારે જે પરિસ્થિતિ ચીતરી છે એના કરતા ત્યારે કૈક ખતરનાક પરિસ્થિતિ હશે..! અત્યારે તો કચ્છ અને સૌરાષ્ટ્રનો એક એક પાળિયો મૂંગા મોઢે બેઠો છે,એની વાચા જેમ જેમ પેઢીઓ આગળ જતી જાય છે એમ એમ હણાતી જાય છે,પેઢી દર પેઢી કેહવાતી એ પાળિયાની વાતો ભુલાઈ ગઈ છે અને દિવસે દિવસે પાળિયો મૌન થતો જાય છે,અને હવે તો સિંદૂર થાપા પણ આપણે ચુક્યા છીએ..!
છેવટે પાળિયો પત્થર થઇને રહી ગયો છે..
ઈતિહાસ જોડે ચેડા તો જયારે ઈતિહાસ બનતો હોય ત્યારથી જ થવાના ચાલુ થઇ જાય છે,અને જે “પાવર”માં હોય અને એના પછી એનો જ ફોલોઅર-ભક્ત પાવરમાં આવે તો જ “દેવ” નું ઈતિહાસમાં નામ મોટું થાય નહિ તો થાય પાળિયો પત્થર, અને આ સિધ્ધાંત નેહરુ ગાંધી ફેમીલી એ બહુ સરસ રીતે વાપર્યો, બહુ “ભક્તો” એ કોશિશ કરી ઇન્દિરાજી ને “રાષ્ટ્ર-માતા” બનાવવાની પણ સામે પડેલા લોકો એ મચકના આપી અને કટોકટીના કલંકિત કાળ ને જીવતો રાખ્યો..! બાકી તો એમ.કે. ગાંધીની જગ્યાએ નોટ પર આવી જ ગયા હોત, અને એવું થયુ હોત તો પછી અત્યારના “ભક્તો” નો રસ્તો પણ સરળ થઇ ગયો હોત..પણ હવે તો મેળ નહિ પડે ખાલી ટપાલ ટીકીટ જ રહી, નોટ પર તો મોઢું નહિ છપાય..!
રાણી પદ્માવતીની વાર્તા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને જયારે જયારે ચિત્તોડગઢ ગયા અને ત્યારે જુદા જુદા “ગાઈડ”,આ ગાઈડ એટલે ત્યાં રખડતા છોકરડા,અને એમની પાસેથી નવી નવી સ્ટોરીઓ સંભાળીએ ત્યારે દિમાગ તો ચકરાવે ચડી જાય..! અને જો સાથે સાથે મેવાડના ઈતિહાસની ચોપડી ખોલીએ તો ઓર મગજ ભમી જાય..ચારેબાજુ જુદા જુદા દાવા થયા છે, નક્કી ના થઇ શકે કે ખરેખર સાચું શું..? હજી પણ છાતી ઠોકીને એકપણ ઇતિહાસકાર લખતો નથી કે અકબર વિલન કે હીરો ?મહારાણા પ્રતાપ વિલન કે હીરો..?
ચિતોડગઢ માટે અત્યારે તો એમ કેહવાય કે એ એક “મરેલો” કિલ્લો છે, કઈ જ રહ્યું નથી ત્યાં, અને એક ટુરીસ્ટ તરીકે જાવ તો નિરાશ થવાય એવું છે,પણ મારા જેવો જયારે ત્યાં જમીનમાં દટાયેલા જૌહર કુંડ પાસે જાય અને દસ મિનીટ માટે ત્યાં ઉભો રહે તો સુનમુન થઈ જાય અને જો ત્યાં વધુ વખત બેસે તો આંખે લોહી ટપકી પડે..! એવી વાયકા છે કે મીરાંબાઈ જે દિવસે ચિત્તોડગઢ ઉતરી ગયા એ દિવસ પછી ચિત્તોડગઢ ક્યારેય આબાદ થયો નથી..એક મીરાંબાઈના ભજનમાં પણ આવે છે , “ગઢ સે તો મીરાબાઈ ઉતરી ગઢવાલી નો સાથ, ગાંવ તો મીરાં મેઢતો છોડ્યો પુષ્કર નાહવા જાય..” (ગઢ=ચિત્તોડગઢ અને મેઢતો =મેડતા)
અનેકો અનેક આક્રમણ ચિત્તોડ પર થયા અને લગભગ બધાને મારી હટાવાયા પણ ચિત્તોડની પણ પડતી આવી અને મેવાડની રાજધાનીનો દરજ્જો ચિત્તોડ એ ગુમાવ્યો..મેવાડની રાજધાની આમ તો ચાર શેહરોમાં બદલાઈ ઉદયપુર, સાંગાનેર, ચિત્તોડગઢ અને કુમ્ભ્ભલગઢ..!
રખડવા ભમવા માટેની મારી ફેવરીટ જગ્યામાંની એક મેવાડ રહી છે, બાર મહીને એકાદ આંટો તો મેવાડનો હોય જ અને દરેક વખતે લાઈટ એન્ડ સાઉન્ડ શો કે ગાઈડ કે કોઈ પુસ્તક જે કંઈ રીફર કરો પણ મેવાડના ઈતિહાસમાં ચારેબાજુ ગડબડ જોવા મળે છે, અત્યારે લગભગ શૌર્યગાથાઓ ને અતિશય વીરતાપૂર્વક વર્ણવવામાં આવી રહી છે..! પણ હીરો કરતા વિલન વધારે મજબુત હતો અને અને આસ્તિનમાં ઘણા બધા સાંપ છુપાયેલા હતા..! અને છતાં પણ મહારાણાઓ એ ગજબની ટક્કર આપી..!
ખીલજી ચિત્તોડગઢ સુધી પોહચી ગયો એ વાત સાચી.. ચિત્તોડગઢનું પતન થયું એ વાત પણ સાચી, ચિત્તોડગઢમાં રહેલો પદ્મીની તળાવ કે કાચનો અરીસો જેમાંથી કામુક ખીલજી એ રાણીને પદ્મિનીની એક ઝલક નિહાળી..આ વાત ત્યાનો એક એક ગાઈડ કરે પણ મને ખોટી લાગે છે, જે રીતે અને એટલા બધા જૌહર થયા છે એ જોતા તો રાણી પદ્મિનીએ જયારે ગઢનો પેહલો દરવાજો પડ્યો કે પછી કોઈ બીજા ગમે તે સંજોગો ઉભા થયા હોય અને ગમે તે ઘડીએ જૌહર કર્યું હોય..! ચિત્તોડગઢની ભૌગોલિક સ્થિતિ જોતે એ જમાનામાં ચિત્તોડગઢને પરાસ્ત કરવો બહુ જ અઘરો છે પણ જન્મેલાનું મૃત્યુ છે એમ કોઈપણ દુર્ગ અજેય ના રહી શકે..!
વાયકા કે લેખિતમાં તમામ જગ્યાએ રાણી પદ્મિનીના જૌહરની ઘટના આલેખાઈ છે, એટલે જૌહર થયું એ સો ટકાની વાત અને તો પછી જો જૌહર નક્કી જ હતુ તો રાણી એનુ મુખ તળાવમાંથી કે કાચમાંથી દેખાડે એ વાત શક્ય નથી..હવે જયારે રાણી પદ્મિની મોઢું પણ ના દેખાડવાની ના હોય તો પ્રેમકથા તો શક્ય જ નથી ખીલજી અને રાણી.. હાય હાય .. લખું તોય પાપમાં પડું ..!
ભલે ચિત્તોડગઢમાં પદ્મિની મેહલ કે પદ્મિની તળાવ હોય,પથરા જુઠ્ઠું ના બોલે પણ પથરાની જીભ બની બેઠેલાને ટુરીઝમ વેચવાની લાલચે કે પછી ચિત્તોડગઢના પતન પછી રહી પડેલા “ભક્ત” તો જુઠ્ઠું ચોક્કસ બોલે, ઇસ્લામિક ઈતિહાસકારો એ મોટેભાગે કોઈ હિંદુ રાણી અને મુસ્લિમ શાસકના પ્રેમની વાર્તાઓ લખી છે ભાગ્યે જ મુસ્લિમ રાજકુમારી ને હિંદુ રાજા જોડે પરણાવી છે..! જયપુર રાજઘરાણામાંથી પણ જોધા પછી છેક ઔરંગઝેબ અને એના પછીના વારસદારોને કન્યાઓ પરણાવવામાં આવતી..!અને ત્યાં પણ વિવાદ છે કે જોધા સહીતની જે જે કન્યાઓ ઇસ્લામિક શાસકોને પરણાવવામાં આવી એ રાજપરિવારની બાંદી હતી કોઈ રાજકન્યા નોહતી..!
પર્સનલી મને તો સંજય લીલાની ફિલ્મો જોવી ગમે છે, ઈતિહાસ જોડે ચેડા તો દરેક બાજુએથી થયા છે અને લગભગ સાલ ૧૩૦૦થી ઇસ્લામિક શાસન રહ્યું છે એટલે સ્વાભાવિક ઝોક એ તરફનો જ જાય, ભલુ થાજો ભાટ ચારણની વંશનું કે ભલે થોડા વધારે પડતા વર્ણનો હિંદુ ઈતિહાસ જીવતો તો રહ્યો.!
ચારણની વાતમાં એક વસ્તુ તો હતી સચ્ચાઈ, વર્ણનોને થોડાક બાજુ પર મુકો તો સચ્ચાઈ અંદરથી નીકળી આવે પણ આજકાલ જે ચાલી રહ્યું છે એમાં સત્ય અને અસત્યની વચ્ચેનું અર્ધ-સત્ય..!
અર્ધ સત્યનો નમુનો જોવે હોય તો ગાંધીને મારનારા ગોડસેની કલીપો વોટસ એપમાં ફેરવી ને ગોડ્સે રાષ્ટ્રભક્ત સાબિત કરવાના કેવા કેવા કારસા થાય છે..!
સાંભળી હશે નહિ તમે તો ? અદાલતના ભાષણની પેલી ગોડસે ની કલીપ..! અને અંગુઠા પણ મોકલ્યા હશે વોટ્સ એપમાં જોરદાર બાકી..!
ભાઈ નસીબ આપણા..! ભલે સંજય લીલા ફિલ્મ બનાવતા, જોઈએ પછી કહીએ સંજય લીલા ખોટા કે સાચા,
બાકી તો કોંગ્રેસીઓ હરામીઓ થઇ ગયા અને હરામીઓને “સાચા” માની લીધા છે..!
કથાને કથાની રીતે જોવી ઈતિહાસ તરીકે નહિ,ઈતિહાસનો આધાર લઈને કથા બને ત્યારે ઈતિહાસ તોડાય મરોડાય પણ પછી મૂળ ઈતિહાસની હત્યા કરીને કથા ના બનાવાય..
કલા સ્વતંત્ર છે પણ સ્વછંદ ના થઇ જવી જોઈએ..! અને ઈતિહાસ તો શાસકનો દાસ છે..!
ઈતિહાસમાં સાચું ખોટું જે હોય તે પણ મારા માટે તો મહારાણા પ્રતાપ જ હીરો રેહશે..!
જય એકલિંગજી..!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા