રાષ્ટ્ર ની અંદર `મહા`રાષ્ટ્ર કેવી રીતે બને ..?
અટકો, અને વિચારો ,પછી આગળ વધો..!!
એવી જ રીતે કે જેમ ભારતમાં `મહા`ભારત..!!
તો પછી અત્યારે જે ખેલ રચાયો છે એમાં નવાઈ શેની ?
જૂની ઉક્તિ “દોન મરાઠી માણુંસ તીન રાજકીય પક્ષા” ,
એક રાજ્ય અને ચાર પક્ષો ..
ઉપરથી પાંચમો .છઠ્ઠો ,સાતમો .. લટકાના,
પાછી બધાય ને વિધાનસભામાં સીટો જનતા આપે ..!!
તો પછી આજે જે થઇ રહ્યું છે એ તો ઘણું પેહલા થવાનું હતું..
દરેક છાપા પોતના વહાલા ને દોષમુક્ત કરી અને સમાચાર છાપી રહ્યા છે અને ચેનલો પણ એ જ પ્રમાણે વર્તી રહી છે, સોશિઅલ મીડિયા માં ઠઠ્ઠા થઇ રહ્યા છે મીમ્સ બની ને પણ બે ચાર ટકા લોકો એવા પણ છે જેમના કાળજે કાળી બળતરા ઉપડે છે અને વિચાર કરે છે કે આ લોકતંત્ર છે ?
આવી જ બધી ઘટનાઓથી દ્રવિત થયેલા લોકો જ પછી મતદાન સમયે ઘરની બહાર નીકળતા નથી ..
મહાભારતની જેમ જ વિચાર કરીએ તો એટલા બધા સાટાપાટા ગોઠવાયા છે કે કશું જ નક્કી જ ના કરી શકાય કે આમાં વાંક કોનો ?
દેવવ્રત નો વાંક ? કે ખોટી ખોટી ભીષ્મ પ્રતિજ્ઞા લઈને બેઠા ? કે પછી શાન્તનું નો ? અડધી ઉંમરે પ્રેમ કરવા ગયા ? કે પછી ગંગાનો ? પોતાના ધણીને કહી ના દેવાય કે મારા પેટે આઠ વસુઓ અવતરશે અને એમને મારા જલમાં સમાવી દઈશ અને પછી નવમો પ્રતાપી પુત્ર આપીશ ..
ચાલો એટલો ભૂતકાળ છોડી દઈએ તો દ્રૌપદીનું હાસ્ય અને કોમેન્ટ જવાબદાર હતી ? કે ગાંધારી જોડે બોલાયેલું અસત્ય કે અર્ધસત્ય ? ધ્રુતરાષ્ટ્ર નો પિતૃમોહ કે એમનું અંધત્વ ?
કુરુસભામાં બેઠેલા આચાર્ય કૃપા નું મૌન કે દ્રોણાચાર્ય ની સ્વામીભક્તિ ?
કુંતી નું રહસ્ય ? કે બધાથી ઉપર સોળે કળા લઈને અવતરેલો મધુસુદન ?
અઢાર અઢાર અક્ષેણી સેના હણાઈ ગઈ .. ધર્મક્ષેત્રની ધરા આજે પણ લાલ છે..!
બસ બિલકુલ એમ જ રાષ્ટ્રના મહરાષ્ટ્રમાં નક્કી નથી થતું કે કોનો દોષ ?
ચારેય પક્ષો એ પ્રિપોલ એલાયન્સ કર્યા અને પછી નાટક ચાલુ થયું , મુખ્યમંત્રી અમારા..
પછી ખેલો શરુ થયો..
અંતહીન દિશામાં જઈ રહ્યો છે, નામદાર સુપ્રીમ કોર્ટ ગુંચાયેલી ફીરકી નો છેડો શોધવા બેઠી છે અને મહામહિમ મૌન..!!
કેમ અચાનક વાસનાઓ ભભૂકી ?
એવું તો શું થવાનું છે કે મુખ્યમંત્રી પદ અચાનક આટલું બધું અગત્યનું થઇ પડ્યું ?
મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા મોટા રાજ્યો હાથથી ગયા અને હવે મહારાષ્ટ્ર, બ્રહ્માસ્ત્ર તો ભાથામાં હતા એ બધાય નીકળી ચુક્યા છે રામ મંદિર અને કલમ ૩૭૦ હવે કોઈ જ મુદ્દો રહ્યો નહિ ..!!
એકલો વિકાસ, વિકાસ અને વિકાસ અને આ મુદ્દે તો પ્રજામાં પણ બાર ભાયા ને તેર ચોકા છે ..
જો કે એકલા આપણે ત્યાં છે એવું નથી જેનું બંધારણ આપણે મોટેભાગે કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી કર્યું છે એવી સલ્તનતે બર્તાનીયામાં પણ વિકાસ ઉર્ફે બ્રેક્ઝીત ના મુદ્દે ભાગલા છે અને ત્યાં રેફ્રેનડમ લીધા , જુવાનિયા ઊંઘી રહ્યા અને ડોસુડગરું વેહલું વેહલું ઉઠી ને મત આપી આવ્યું ..
પત્યું , પછી જુવાનીયાઓ ને સમજણ આવી કે આ તો ભરાઈ ગયા પણ હવે શું ? તો કહે મુદત ઉપર મુદત માંગે છે જે ભાઈ કે બેન દસ ડાઉનીગ સ્ટ્રીટ માં રેહવા આવે એ..!!
એકે એક રાજકીય પક્ષ રાષ્ટ્રની અંદર બનેલા મહારાષ્ટ્રમાં ગમ ખાઈને જીવી રહ્યો હતો , જુના અને નવા બધાય બોલેલા અને ના બોલેલા પોતાના ને પોતાના બધાય થુંક ચાટી ચાટી અને કુરનીશો બજાવાઇ રહી છે..
દિલ્લી બેઠેલા મુખ્ય પક્ષો ને એમ લાગ્યું કે દાવ આવ્યો છે રમો અને રમાડો અને ત્યારની રમત જામી છે ..
સત્ય કલ્પના કરતા વધારે ભયાનક હોય છે એનો ઉત્કૃષ્ઠ નમુનો જોવા મળી રહ્યો છે..
લગભગ બીજી અને ત્રીજી પેઢી એ જંગ જામ્યો છે ,
મહાભારત જોડે સરખામણી કરવાનું એટલે જ મન થઇ ગયું..
એક ના દાદાએ બીજાની દાદીને પેટ ભરી ને કોસ્યા હતા અને ત્રીજાના દાદા એ બીજાની મમ્મી ને ધરાર રાજસિંહાસન ઉપર નોહતા બેસવા દીધા..
આ બધામાં મોટા ના રામભક્ત દાદા ને એમના જ છોકરા ઘરડાઘર ભેગા કરી ગયા અને પોતે ચડી બેઠા અને રાખડીઓના ભાર ભૂલી અને બે ભાઈઓ ઉપમુખ્યમંત્રી બનવા દોડ્યા ..
સિંહાસન વિનાના રાજમાતા ના ભાયાતો ગોળમાં મધ નો સ્વાદ લેતા હતા ઘણા સમયથી ,તે એમને થયું લાવો ને જરાક મધ ચાટી લઈએ..
રામરાજ્યના સીધા વારસદારો ને એમ જ કે અમે કોણ ? અમે એટલે અમે બસ પૂર્ણવિરામ ..
કેવી કમબખ્તી છે નહિ ?
આપણે મતદારો તો પ્રેક્ટીકલી આ લોકશાહીના આવા સ્ટ્રીપ ક્લબના પોલ ડાન્સ જોઈએ ત્યારે એમ થાય કે શું છે આ બધું ?
ઘણીવાર એમ થાય કે આના કરતા તો દેશ આખાને કામક્રીડા માટેની ફેન્ટસી આપનાર કામક્રીડાના નિષ્ણાત એવા પેલા “રાષ્ટ્ર-વધૂ” સારા..!!
રસાતળ જઈ રહ્યું છે રાજકારણ ..!!
જો કે કાગડા બધે કાળા છે આજે પણ ડોનાલ્ડ ટ્રમ્પ ને અમેરિકન પેટ ભરીને ગાળો આપે છે ચૂંટણીમાં થયેલા એમના વિજયને સ્વીકારતી નથી..!
દેશની આર્થિક રાજધાની છે મુંબઈ ,
દિલ્લી યુપી પછીની બીજી સ્થિરતા ખુબ જરૂરી છે મુંબઈમાં ..
વિકાસની હવે જે ગાડી પકડી લીધી છે તેમાં રીવર્સ ગીયેર નથી અને ભારતમાં પ્રવેશવા નો રસ્તો `ગેટ વે ઓફ ઇન્ડિયા` છે ,
`ઇન્ડિયા ગેટ` નહિ..
વધુ વખત આ ખેલ ચાલશે તો તેની સીધી અસર આવનારી ચૂંટણીઓના મતદાનની ટકાવારી ઉપર પડશે , સંવેદનશીલ સભ્ય સમાજનો એક ભાગ જે ઘણો આહત છે આ સત્તાનો નગ્ન ખેલ જોઇને એ બહાર નીકળતા અચકાટ અનુભવે છે ..
ફાયદો કોનો અને કેટલો એ તો આવનારો સમય કેહશે પણ સત્ય હકીકત એ છે કે ગમે તેટલા રૂપિયા સરકાર ડાયરેક્ટ એક વર્ગના ખિસ્સામાં નાખશે પણ એમના મત ભાજપ ને નથી જ મળવાના અને રામમંદિર અને ૩૭૦ કાઢ્યા પછી હવે કોઈ જ મુદ્દા ભાજપ માટે બચ્યા નથી ..
પાકિસ્તાનની જોડે યુદ્ધ એ શક્ય હાલ પુરતું તો આંતરરાષ્ટ્રીય પ્રવાહો જોતા દેખાઈ રહ્યું નથી એટલે દેખીતો વિકાસ કરવો રહ્યો અને દેખીતા ભ્રષ્ટાચારને નિર્મૂલન કર્યા છે એવું પણ દેખાડવું રહ્યું..
બાકી તો સાત આરસીઆર ઉર્ફે સાત લોકશક્તિ માર્ગમાં આવનારા ચાર વર્ષ તો જે થાય તે લડી લેવાનો મૂડ રેહશે..!!
કોમેન્ટ કરવી નહિ, પર્સનલ બ્લોગ છે મારે આ અખાડામાં ઉતરવાની કોઈ જ ઈચ્છા નથી ..કોઈપણ રાજકીય કોમેન્ટ ચોક્કસ ડીલીટ કરીશ ..
આપની રવિવાર ની સાંજ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*