રાષ્ટ્રની અંદર મહારાષ્ટ્ર ..!
બોલો શું થશે ?
ગુજરાતી પંડિતો
રાત પડ્યે પેલી ત્રણ ચાર ચેનલો જ્યાં જ્ઞાનનો વરસાદ થઈ રહ્યો હોય છે ત્યાંથી જ્ઞાન લઈને ઘચડી
મારે છે, અને તમે ને હું સવાર પડ્યે હોંશે હોંશે છાપું ખોલીએ કે મેગેઝીન ખોલીએ કે કંઈક નવું જાણવા મળશે પણ મળે શું ?
તો કહે વસ્ત્રાપુર તળાવે મળતી ચાઇનીઝ ભેળ..!!
આવું પેહલેથી કહી દેવાનું કારણ એ જ કે આપણી પાસે પણ અંદરની કોઈ જ એવી માહિતી નથી કે જેનાથી કોઈ આગાહી કરીને મુકીએ , પણ અત્યારે તો સુરત અને ગૌહત્તી છવાયેલા છે ચારેય બાજુ..!
હવે શું થઇ શકે ?
તો બહુ બધું થઇ શકે ..
ચાલીસે ચાલીસ મુંબઈ આવીને સીધા માતોશ્રી જતા રહે અને એમ પણ કહે કે અમને તો યોગ શિબિર કરવા મોકલ્યા હતા..!!
યાદ છે પેલી સવાર સવારમાં રાજ્યપાલને ઉઠાડીને સરકાર બનાવી હતી પવાર સાહેબના ભત્રીજાને તોડી ને..!!
અને પછી કેવો “ખેલ” પડી ગયો હતો..!!
આ મહારાષ્ટ્રની રાજનીતિ છે ,અહિયાં બાપે માર્યા વેર હોય એવી કોંગ્રેસ અને શિવસેના ભેગા થઇને સરકાર બનાવે અને એ જ સરકાર પાછી કટ્ટર લઘુમતી સમુદાયને વરેલી પાર્ટીનો ટેકો લઇ લે ..!
ભાજપને ગજ્જબની ભોંઠી પાડે અને ધડલ્લાથી છડેચોક સરકાર બનાવે અને અઢી વર્ષ રાજ પણ કરે..!!
હવે વાતમાં મોણ ઘાલ્યા વગર મને શું લાગે છે એ કહી દઉં..!
તો મને એમ લાગે છે કે ભાજપ બેઠી બેઠી ખેલ જોયા જ કરશે ,જેટલું વધારે શિવસેનાની કોઠી ઉલેચાય અને કાદવ બાહર નીકળશે એટલો વધારે કાદવ બાહર નીકળવા દેશે ,પાછલા બારણેથી રમત ચાલ્યા કરશે , દિવસો ખેંચાય જેટલા વધારે એટલા ખેંચશે , હજી એવું પણ બને કે શિવસેનાનો ખેલ ચાલુ હોય અને એનસીપી અને કોંગ્રેસનો ખેલ પણ શરુ થઇ જાય..!!
હવે આવો ને આવો “ખેલ” મહિનો ,બે મહિના ચાલુ રહે તો પ્રજા પોતે ત્રાસે
કે આ બધું શું માંડ્યું છે ?
અને જે ઘડીએ પ્રજા ત્રાસે
એ ઘડીએ ઈલેક્શન આવે તો એ ત્રાસ
મતપેટીઓમાં પુરાય અને કમળ ખીલે ,
બિલકુલ એમ જ જેમ ઉત્તર પ્રદેશમાં ખીલ્યું હતું તેમ ..!
પ્રજા સપા,બસપા, કોંગ્રેસથી ત્રાહિમામ કરી કરી ગઈ હતી અને ભાજપને સત્તાનો શીરો એક નહિ બબ્બે વાર જમવા મળ્યો..!
મોર ગમ્મે એટલો ગોળ ગોળ ફરીને કળા કરે પણ પાછળથી તો નાગો જ દેખાય..!
ભાજપની કળા અને કારીગરી પેહલા રાઉન્ડમાં દેખાઈ ગઈ એટલે આ વખતે હવે શાંતિથી બીજાને કળા કરવા દે છે,
પવાર સાહેબ જમાનાના ખાધેલ છે અને એમને કદાચ ખબર છે કે એમનો મતદાર છે એ એમનો જ રેહવાનો છે ,જુનો જવાનો નથી અને નવો એમની પાસે આવવાનો નથી ,એટલે શાંત ચિત્તે નાના નાના પથરા માર્યા કરે છે , આખા ખેલમાં કોંગ્રસ બઘવાયેલી લાગે છે શું થઇ રહ્યું છે ? કેમ થઇ રહ્યું છે ? અને જે થઇ રહ્યું છે એમાંથી કોંગ્રેસને લાભ થાય એવું કંઈ ખરું ?
જવાબ લેવા મંદિર જવું કે મજાર ઉપર જવું એ પણ અવઢવ છે..!!!
છેલ્લા ત્રણસો વર્ષની રાજનીતિ ભારતની જોઈએ તો મુઘલ પડ્યા પછી મરાઠા સામ્રાજ્ય આવ્યું પણ એમાં બાર ભાયાને તેર ચોકા થયા હતા, અંદર અંદર ના રાજકારણ એટલા બધા રમાયા અને એમાં ને એમાં દિલ્લી સુધી પોહચેલી મરાઠી હકુમત પછી પડી,અને પછી તો અંગ્રેજનો સ્વીકાર કરી લેવા આવ્યો હતો..!!
ઇસ્લામિક શાસન વખતે અને એના પતન પછી પણ ભારતમાં પ્રિન્સલી સ્ટેટમાં એટલી બધી રાજકારણમાં ગંદકી હતી કે આજે પણ પ્રજા બિલકુલ રાજાશાહીની તરફ જોવા સુધ્ધા તૈયાર નથી ,કદાચ એવું કહું કે ભારતે જીનેટીક્સમાંથી કાઢી નાખી મોનાર્કીને ભારતના લોકો એ તો ખોટું નથી.!!
અત્યારે જે ચાલી રહ્યું છે એ નકરો પરિવારવાદ છે, મોનાર્કી ને ઠોકી બેસાડવાની વાત છે ,પણ કદાચ આજનો છોકરો કે છોકરી આદિત્ય ઠાકરેને પોતાનો નેતા એટલે માને કે એ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેનો પૌત્ર છે તો એ વાતમાં માલ નહિ..!!
મોનાર્કીનું ભવિષ્ય ધૂંધળું છે આવનારા સો વર્ષ સુધી કદાચ, અને એ રાજકારણ છોડો કોર્પોરેટમાં પણ આ જ વાત ધીમે ધીમે આવી જશે, અનિલ અંબાણીના ધબડકા પછી મુકેશ અંબાણી પણ જો ભૂલ કરી ગયા તો સૂપડા સાફ થતા વાર ના લાગે ત્રીજે ત્રિકમલાલ ચોક્કસ જાગી જાય..!!!
ભાજપની રાજનીતિના બે ધ્રુવ છે એક દિલ્લી વાયા ગાંધીનગર અને બીજો ધ્રુવ મુંબઈ વાયા નાગપુર..!!
હિન્દુત્વના મુદ્દાની વાત આવે એટલે નાગપુર પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ અને પરોક્ષ નહિ તો માનસિક રીતે તો વચ્ચે આવે આવે ને આવે જ !!
દસકાઓથી હિંદુ જાગરણ ચાલી રહ્યું છે અને આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ,એક સમય હતો કે રાષ્ટ્રીય ચેનલ ઉપર દબાતે સ્વરે હિંદુ શબ્દ પણ માંડ બોલાતો અને આજે બિન્દાસ્ત ચર્ચાઓ થઇ રહી છે હિંદુ અને હિન્દુત્વની ,ઈલેકશન લડાઈ રહ્યા છે તો યશ નાગપુરને આપવો તો રહ્યો..!
એક કલ્પના છે ..સાકાર ક્યારે થશે કે નહિ એ ઉપરવાળો જાણે પણ પક્ષ અને વિપક્ષ બંને જગ્યાએ હિન્દુત્વ તરફેણની જમણેરી સરકાર હોય એવી મનિષા ઘણા લોકો સેવી રહ્યા છે અને એ જ સમયને હિન્દુત્વનો ઉદય સમજવો એવું કેહવામાં આવે છે , શિવસેના વિરદ્ધ ભાજપ ત્રીજા ચોથા પક્ષનું અસ્તિત્વ ના હોય અને શિવસેના પરિવારવાદની ચુંગાલમાંથી મુક્ત હોય ,આદર્શો બાળાસાહેબ ઠાકરે ના હોય પણ એમના વંશજો થકી નહિ આવી પરિસ્થિતિને આદર્શ પરિસ્થિતિ માનવાવાળા ઘણા છે અને એનો કારસો આ ઘટના થકી ગોઠવાયો હોય તો સોનમાં સુગંધ ભળે ..!!
મને પોતાને બાળાસાહેબ ઠાકરેના આદર્શો ખુબ પ્રિય,
પણ નરેન્દ્રભાઈની એક વાત એનાથી પણ વધારે પ્રિય..
મારો વંશ હું અને મારો વારસ હું ..!!!
સત્તા ભાજપની અને વિપક્ષ શિવસેના પણ ઠાકરે અટક વિના..!!
અત્યારે તો દિવાસ્વપ્ન જેવી વાત લાગે છે પણ ન જાણ્યું જાનકીનાથે..!!
એનું નામ જ રાજકારણ અને રાજનીતી ,બાકી રામચન્દ્રજીને બધાએ કીધું હવે બેહી જાવને બાપા , ભરતે પણ કીધું કે મે
લોને છાલ ભ
ઈ , માડીની છટકી ગઈ
તી `તે બોલી ગ્યા…અને રામચન્દ્રજી માની ગયા હોત તો ? રામાયણ થાત ? સવાર પડ્યે આમ વનમાં હાલી નીકળવાની ક્યાં જરૂર હતી ..?
આ કળિયુગ..અને એ ત્રેતા ..!
જુવો જુવો.. મજા લો ..પણ મગજને કષ્ટ નહિ આપવાનું ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)