વિશ્વ યોગ દિવસ ..
બારેય મહિનાને ચોવીસે કલાક ભોગ
કર્યા પછી યોગ
કરો..!!
લગભગ આખે આખી અમારી પેઢી અંકરાતીયાની જેમ ભચડે છે અને પછી યોગ,જીમ, ડાયટ , ઝુમ્બા ,…વગેરે..વગેરે થેરાપીઓ ઉપર જવાના વારા આવે છે,
મોઢા ઉપર કાબુ રેહતો નથી અને પછી આ બધું ચાલુ થાય..!!
મારી જેમ નવ્વાણું ટકા લોકો દુનિયામાં ખાવા માટે જીવે છે
, જીવવા માટે ખાવું
પડે એવું તો કદાચ એક જ ટકો લોકો માંડ શોધો તો મળે,
ફળસ્વરૂપે જે કઈ થેરાપી કરવી પડે એ બધી કરવાની ચાલુ થાય ..!
બાર કલાક ભૂખ્યું પેટ રાખો ને ચૌદ કલાક રાખો, ઘઉં છોડો ને ચોખા તો ખવાય જ નહિ, ટામેટા ના ખવાય, દૂધ તો પીવાય જ નહિ અને તેલ છોડી દો..
પણ બધું રાંડ્યા પછી ડાહપણ ચડે ..!!
જે કોઈ થેરાપી ચાલુ કરો છો એની સાઈડ ઈફેક્ટ ખબર છે ખરી ?
જીવનભર બોડી બિલ્ડીંગ કરેલા કેટલા લોકોને પાર્કિન્સન્સ થાય છે એ જોયું છે ? કોઈ એક વ્યક્તિ યોગ કરીને સવાસો દોઢસો વર્ષ જીવે છે એ વ્યક્તિ શું એકલો યોગ જ કરે છે ? એમની મન:સ્થિતિ, આહાર, આચાર,વિચાર, વ્યહવાર આ બધું કેવું ? એનો કોઈ પ્રભાવ ખરો જીવન ઉપર ?
ચાલો શરુ કરું ડાયટના ચક્કરથી ..
એક ચૌદ વર્ષની દીકરી ..કોવીડના છેલ્લા વેવના અંતિમ તબક્કામાં પોઝીટીવ આવી, આઈસોલેટ કરી, બે દિવસના આઈસોલેશન દરમ્યાન જમવાન ઓછું કરી નાખ્યું અને ત્રીજા દિવસે રૂમમાં બેભાન મળી , તાત્કાલિક હોસ્પિટલ ..વેન્ટીલેટર અને નિદાન આવ્યું કે કોમામાં છે બચશે કે નહિ એ ભગવાનની મરજી..!!
પરિવાર પાગલ થઇ ગયું .. રોજના લાખ, બે લાખની ઘાણી બોલી રીપોર્ટસ થયા અને એચબી-એવન-સી (ત્રણ મહિનાના ડાયાબિટીસની એવરેજ ) આવ્યું ૧૨ ..!!!
મતલબ સીધો થયો કે આ દિકરી જન્મથી ડાયાબિટીસની પેશન્ટ હશે પણ કોઈ ને ખબર ના પડી ,છેક અમેરિકા સુધી ડોકટરોને હલાવ્યા, ત્યાંથી સાદો સવાલ પૂછવામાં આવ્યો કે શું આ છોકરી ડાયટ કરતી હતી ..?
જવાબ આવ્યો હા હમણાં જ એનું પાંચ કિલો વજન ઉતર્યું હતું .. બસ થયું ત્યારે ..!
આ છોકરી હાપયોગ્લાસીમિયામાં કોમાં માં જતી રહી છે, બચી જશે પણ બે ત્રણ મહિના થશે..!! આખું ઘર ખુવાર થઇ ગયું .. રોજ ના એક લાખ મીનીમમ ..!!
હવે એની ડાયાટીશીયન એ પેહલા રીપોર્ટ કરાવ્યા હોત તો ? આ દિવસો જોવાના ના આવતે..!!
બીજો કિસ્સો .. હું જે જીમમાં જાઉં છું ત્યાં એક બાર વર્ષનો અદોદરો બાળક આવે, અતિશય જાડ્ડો લગભગ સો કિલો ઉપર ..મને એની ચાલમાં ગડબડ લાગી એટલે મેં મારું દોઢ ડાહપણ ડોળ્યું .. એના ટ્રેઈનરને પકડ્યો ..ટોપા
આ છોકરાના રીપોર્ટસ કરાવ કૈક મેજર ગડબડ છે, અહિયાં ચાલુ ટ્રેઈનીંગમાં કઈ થયું ને તો તારી બેન્ડ વાગી જશે ..!
માંબાપ ને કીધું , અને એટલા સમજુ કે માન્યા , મોટેભાગે તો મેં જણ્યો છે એટલે અલ્ટીમેટ
જ પેદા થયો હોય , એવી વાતો હોય.. રીપોર્ટમાં વિટામીન ડી-૩ નું લેવલ ફક્ત ૩ , અને કેલ્શિયમ હાડકાંમાં સાવ ઓછું ,ડોકટરે કીધું એકસરસાઈઝ તો છોડો પણ આ દોડશે અને ક્યાંક અથડાયો તો પણ હાડકું બટકી જશે ..!
ટ્રેઈનર હાથ જોડી ગયો “મને બચાઈ લીધો તમે શૈશવભાઈ ..!!”
ત્રીજો કિસ્સો ..
મમ્મીને લઈને એકવાર એક્ષરે કરાવવા ગયો હતો ત્યાં કાયમ રોજ સવારે ચાર વાગ્યે ઉઠી અને યોગ કરતા કરાવતા બે મિત્રો મળ્યા ..
કેમ અલ્યા તમે .. ? પેહલા તો અચકાયા કેહતા પણ પછી લાગ્યું કે નહિ કહીએ તો આ શૈશવ તો પંચાતિયો છે ડોક્ટરને પૂછીને જાણી લેશે ..!
એટલે સામેથી બોલી ગયા .. “કમ્મર ખેંચાઈ ગઈ છે આની યોગ કરતા કરતા ..!!” વર્ષોથી યોગ કરે પણ ખેંચાઈ ગ
ઈ..!! રીપેર થતા ત્રણથી ચાર મહિના લાગ્યા..!!
ફીઝીયોથેરાપીસ્ટ પાસે જવું પડ્યું..!!!
કેહવાનું તાત્પર્ય એ છે કે મરી ને માળવો ના લેવાય ,થાય એટલું જ કરવું ,
પોણા બસ્સો વર્ષ ભીષ્મ પિતામહની જેમ જીવવાના ચક્કરમાં ધબાકોના બોલાવી દેવાય..!!
આજે ઠેર ઠેર ફિટનેસની હાટડીઓ ખુલી છે, પણ ટેકનીકલ નોલેજની બાબતમાં બધું શૂન્ય છે, જીમમાં ફીઝીયોથેરાપીસ્ટ શોધ્યોના ના મળે ,ડાયાટીશીયન ને પેથોલોજીના ચાર રીપોર્ટ વાંચતા જ આવડે ખાલી ,સમજતા નહિ ..!
યોગના સર્ટીફીકેટ કોર્સ કરેલા શરીરના મસલ્સના નામ બોલી જાણે પણ એને રીપેર કેમના કરવા એની ના ખબર હોય ..!
બિલકુલ દવાની દુકાનવાળો જેમ ડોકટરી કરે છે એમ..! પેહલા બે દિવસ દવાની દુકાનવાળો દવા આપે છે અને ત્યાં સુધી કે ચણા મમરાની જેમ એન્ટીબાયોટીક અને સ્ટીરોઈડ લોકોને ઠોકારી દેવામાં આવે છે, તદ્દન એવો જ ઘાટ થઇ રહ્યો છે..!!
યોગ કરવા જોઈએ પણ પેહલા ભોગ જે ચાલી રહ્યા છે એને થોડા ઓછા કરવાની જરૂર છે , પ્રજા શું ખાઈ રહી છે એની સમજણ આપવી જરૂરી છે , બટાકા ,મરચા,કાંદા કે કેળાના ભજીયા ખાઈ રહી હતી ત્યાં સુધી ઠીક છે પણ મેગીના અને આઈસ્ક્રીમના ભજીયા ખાતી હોય વસ્તી તો એને માટે સ્પેશિઅલ પ્રીમીયમ લઈને “માં કાર્ડ” આપવા જોઈએ..!!
પડીકા એ દાટ વાળ્યો છે , માણસ અને કુતરામાં ઝાઝો ફર્ક રહ્યો નથી કુતરા પણ પુણ્ય મેળવવા ખવડાવામાં આવતા બિસ્કીટ ખાઈ ખાઈને પાડા જેવા થયા છે અને એનાથી આગળ પુણ્ય મેળવવા ચકલા ,કબૂતરો ,કબર સમડી વગેરેને હવે ગાંઠિયાની લત લગાડી છે અરે ત્યાં સુધી કે કીડીઓને નથી છોડી .. કોપરાની ઝીણી છીણ અને જોડે બુરું ખાંડ ભેળવીને કીડીયારા પૂરવા પ્રજા દોડી જાય છે..!!
પુણ્ય કમાવવાની આ બધી રીતોમાં જાનવરો ની આખી જાતિઓને સાફ કરી મુકશે વસ્તી..!!
જે કરવું હોય તે કરો પણ ખાધાની ખબર રાખો ..!!
“જો કે ડાહ્યી સાસરે નથી જતી ને ગોંડી
ને શિખામણ આલે સે
.. બોન હહારે જવું જોઈએ, તોં
જ આપડું હાચું ઘર કે
વાય,આ બાપ ને ઘેર ભાભીઓના રાજમોં બહુ પડી
નો રેવાય પછ્ માન મોભા કોઈ ના જાળવે .. ઇના કરતા
તોં જ રેવાય ..!” ડાહ્યી બે દિવસથી બબ્બે કપ આઈસ્ક્રીમ ઠઠાડે છે અને પછી જીમમાં જાઉં છું એવા વેહમ મારી રહી છે..!! કાંટો અચળ છે ..!! ખાલી લખવાનું ચાલુ કરો દિવસ દરમ્યાન શું મોઢામાં નાખ્યું તો પણ ખબર પડી જશે..!! પછી પેલા ગીત જેવું થશે .. જા
કે બાબુલ (ઘરવાળી કે મમ્મી) સે નજરે મિલાઉ કૈસે ઘર જાઉં કૈસે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)