અષાઢ સુદ બીજ ..પ્રભુ જગન્નાથ નગરયાત્રાએ નીકળ્યા છે..!
ઘણા વર્ષો પછી સળંગ બીજીવાર રથયાત્રાના દર્શને જવાનું થયુ..મન ને આનંદ મળે છે..થોડાક વર્ષો પેહલા મને એવું થઇ ગયું હતું કે કોઈ સારી મોંઘી ફાઈવ સ્ટારમાં જઈએ તો જ મજા આવે, કે પછી સારું એકદમ પ્યોર ક્લાસિકલ ઘરની બેઠકમાં કોઈ પંડિત પાસે સંભાળીએ તો જ સૂર કાનમાં જાય,
ટૂંકમાં એવું થઇ ગયું હતું કે રૂપિયા જ્યાં સુધી “સરખા” ના ખર્ચું ત્યાં સુધી મારા મનને બહુ આનંદ ના આવે..એક “ક્લાસ”ની ટેવ પડી હતી શરીર અને મનને બંને ને..!
છેવટે શરૂઆત સંગીતથી જ કરી આ ભ્રમ ભાંગવાની..,એક મારા નાનકડા ભત્રીજાને કીધું ચલ મારી જોડે ફલાણા મંદિરમાં ડાયરો છે..રોડ પર એકટીવા પાર્ક કર્યું અને લગભગ અડધી પોણી રાત સુધી એકટીવા પર બેસી અને ભૂંગળામાંથી ડાયરો સાંભળ્યો..
મન મોર બનીને થનગાટ જે કર્યું છે..!
બસ રથયાત્રામાં પણ મને એવી જ કૈક ફીલિંગ આવે છે..હેઈ મજાના લોકો હિલ્લોળે ચડ્યા હોય,અને એક પછી એક હાથી આવે, ખટારા આવે, અખાડા આવે અને છેલ્લે ભજનમંડળીઓ આવે..
ફૂટપાથ પર ઉભા રેહવાનું અને જોવાનું,આજુ બાજુમાં તદ્દન અજાણ્યા લોકો પોતાના બાળકોને એ જો જો ..પેલા ખટારામાં પેલો શંકર ભગવાન બનીને આયો છે..અને એ નાનું ટેણીયુ ખુશ ખુશ થઇ જાય, અને એનો હરખ જોઇને એના માબાપ હરખાય..
કેવો નિર્દોષ આનંદ..બસ મને રથયાત્રા જોવા આવેલા ચેહરા પરની ખુશી જોઇને જેટલી મજા આવે છે ને એટલી મને જાવા+ માં અડધી રાત્રે બેસીને નથી આવતી..
એક વિચાર આવ્યો કે કોઈ ડીપ્રેશનના પેશન્ટને પેહલા માનસિક રીતે તૈયાર કરો કે આ વખતે રથયાત્રામાં જવાનું છે અને પછી એને એમાં છુટ્ટા મૂકી દો ભક્તિરસ માં તરબોળ થવા દો..ખરેખર માહોલ જ એવો હોય છે કે તમે દુનિયાભર ના સુખદુ:ખને બાજુ પર મૂકીને એમાં ખોવાઈ જાવ..
હા આવું કરવામાં શરત એટલી ચોક્કસ કે પેહલા એ ડિપ્રેસડ વ્યક્તિ પોતના મનથી આવવા તૈયાર થાય અને પછી એને કોઈ ગેલેરી કે વીઆઈપી ટ્રીટમેન્ટ ના મળવી જોઈએ..
ખટારામાંથી ફેંકતા મગ,ચોકલેટ,જાંબુ, ખાવાના અને ફેંકતી પાણી થેલીઓ પીવાની બોસ્સ ખરેખર ચાર કલાક જો એ ડિપ્રેસનનું પેશન્ટ રથયાત્રામાં જોડાય તો પંદર દિવસ તો એને ગોળીઓ ચોક્કસ ના લેવી પડે..
લોકોનો તેહવાર રથયાત્રા..મારા જેવા જન્મે અને કર્મે અમદાવાદીને પૂછો તો અમદવાદના પોતના કેહવાય એવા તેહવારોમાંનો એક તેહવાર એટલે રથયાત્રા..!
ટીપીકલ અમદાવાદી ભાષા અને લેહકો ,મિજાજ જોવો હોય તો રથ..જાત્રા .. રથયાત્રાની બદલે અમદાવાદી માણસ રથ..જાત્રા બોલે એમાં “થ” પર ભાર, “ય” ની બદલે “જ” પર થોડો ભાર આપીને અને “ત્રા” લગભગ સાઈલેન્ટ ..એમ બોલાય રથ જાત્રા..
ભજન મંડળીઓ પૂરી થાય અને પોલીસની હલચલ વધે, કાન ફાટી જાય એવા ઢોલનગારાની જોડે પોલીસની જોરદાર સીટીઓ વાગતી જાય, કાળા કપડામાં ભરી સ્ટેનગન સાથે કમાન્ડો અને ગુજરાત પોલીસ..અને નાનું જામર,કેમેરાવાળી પોલીસની ગાડીઓ આવે..એટલે એંધાણી આવી જાય કે પ્રભુ પધાર્યા…
હેંડો અલ્યા આગર, હેંડો હવ..ચલ બે નીકળ નીકળ, ફાટફાટ કર હેંડ, એઈ પેલો ઠોલો વચ્ચે ઉભો છે ..ચલ હટ ને હવે ..પાછળ રથ આવે છે લ્યા..
અને એકદમ જ બુમ પડે..એ આયા..અને આખી શેરીમાં ઉભેલા દસ બાર હજાર લોકો ના ડોકા તણાય..અને દુર દુર..એક રથ દેખાય અને બુમ પડે..
મંદિરમાં કોણ છે..અને સામે પડઘો ઝીલાય ..રાજા રણછોડ છે..
દસ બાર વખત બોલાય અને પછી બદલાય
જય રણછોડ ..માખણચોર ..
અને ઉપરથી ગેલરીઓ અને ધાબાઓ પરથી ડોલે ડોલે પાણી છંટાય..કંકુ ચોખા અને રૂપિયાના સિક્કાના વધામણા થાય..
અને ખલાસીયાના છોકરા ઉઘાડા પગે રથ ખેંચે..
ધમાલ ધમાલમાં એક રથ આગળ જાય અને થોડી શાંતિ થાય…
થોડી આડવાત
આજની રથયાત્રામાં બે ઘટના ઘટી મારી નજર સામે..એક હોમગાર્ડનો જવાન પેહલો રથ ગયો પછી મારી પાછળ ઉભેલા લગભગ દસ વર્ષના ટેણીયા અને આઠેક વર્ષની બાળકી અને એની માતા માટે ક્યાંકથી ત્રણ કાગળની ડીશ ભરીને ગાંઠિયા ,વેફર અને પેંડા આવી ત્રણ ડીશ એ હોમગાર્ડનો જવાન લઈને આવ્યો, અને એ ત્રણે જણ ખુશ ખુશ થઇ ગયા..નાનકડી દીકરી બોલી પપ્પા તમે લો ને .. એટલે મારી સમજમાં આવી ગયું કે એ હોમગાર્ડના જવાનનું ફેમીલી છે પેલા એ એક દાણો ગાંઠિયાનો લઇને મોઢામાં મૂકી અને પાછો ફરજ પર જતો રહ્યો..મને થોડું અજુગતુ લાગ્યું પણ છેવટે એ પણ માણસ જ છે ને એમ કરી ને હું સુભદ્રાજી ના રથની રાહમાં ઉભો..
ફરી એ જ હલચલ ..અને સુભદ્રાજી નો રથ પસાર થઇ ગયો..
મનમાં થોડુ સારુ કે ખોટું લાગતુ હતુ ..પેલા હોમગાર્ડને નાસ્તો આપ્યો એ વાળી ઘટનાથી, પણ ભગવાન જગન્નાથના રથે બધું ક્લીયર કરી આપ્યુ..
દુરથી આવતો ત્રીજો ભગવાન જગન્નાથજી નો રથ રોડની એકદમ વચ્ચો વચ ચાલતો હતો અને અચાનક જમણી બાજુ ફંટાયો, ખાડિયા મહાલક્ષ્મીની ભીત પર લાગેલી મૂર્તિ તરફ ,કદાચ એ તરફ રથને લઇ જવાની પરમ્પરા હશે
પણ..મારા મનને સમાધાન મળી ગયુ..!
અલ્યા ભગવાન થઇને તું જો તારી બાયડીની તરફ આવી જતો હોય, અને એ પણ આટલા બધા માણસોની વચ્ચે, તો પેલા હોમગાર્ડના જવાનની તો ક્યાં ઓકાત હતી.. એ તો બાપડો એના બૈરી છોકરા માટે ત્રણ પેંડા અને ગાંઠીયા તો લાવે ને..ભલે ને ડ્યુટી પર હોય.!
સંસારનો સાર આપી દીધો પ્રભુ એ આજે મને..ભલે લાખ માણસો કેમ ઉભા ના હોય..આગળ આપણા ભાઈ અને બેહન રાહ જોતા ઉભા હોય..સરસપુરમાં મોસાળિયા રાહ જોતા હોય..એ બધા જ્યાં છે ત્યાં જ રેહવાના છે, રસ્તામાં આપણા ઘરવાળા મળે તો કેમ છો કરી લેવુ..! અને પૂછી લેવુ કઈ લેતો આવુ..?
પ્રભુ દર્શન આપીને આગળ નીકળી ગયા પાછળ છેલ્લે તુલસીજી હતા..!
આજનો દિવસ તો ભાઈ બેહન જોડે ફરવાનો છે..
અત્યારે મોસાળું પૂરું થયું છે અને રથયાત્રા આગળ વધી રહી છે..
હું પેહલા પણ લખી ગયો છું એમ ૧૯૮૫ પછીની બધી જ રથયાત્રા ગુજરાતના મુખ્યમંત્રીની એન્યુઅલ એક્ઝામ છે.. પ્રભુ હેમખેમ નિજ મંદિરે પધારે એટલે મુખ્યમંત્રી પાસ..!
જો કે છેલ્લા વર્ષોથી કોમી એખલાસ જળવાયેલો રહે છે અને કાલે ઈદ છે એટલે છમકલાની શક્યતા નથી, લગભગ આખા ગુજરાતની પોલીસ ખડકી દેવામાં આવી છે..!
એક વિચાર એવો પણ આવે છે કે શાહપુર દરવાજા બહારથી રથયાત્રાને ગાંધી બ્રીજ પર લાવી ઇન્કમટેક્ષ ગરનાળેથી સીજી રોડ પર લાવી અને સમર્થેશ્વર મહાદેવ લોગાર્ડન થઇ ને પાલડી ચાર રસ્તાથી સીધા જમાલપુર પુલથી પ્રભુને નિજમંદિરે લઇ જવામાં આવે તો પશ્ચિમ અમદાવાદને પણ લાભ મળે અને રથયાત્રામાં થોડો ચાર્મ વધે..!
પણ મારું કાઉન્ટર મન એવું ક્હે છે રેહવા દે ને ભાઈ..
આ ગરીબ લોકોની પાસે જે એક તેહવાર છે એ તું ના લઇ લઈશ.. નવરાત્રી તો તમે પશ્ચિમ અમદાવાદવાળાઓ એ પ્રેક્ટીકલી છીનવી લીધી છે..ઉતરાયણ તો લઇ શકો એમ નથી..! એટલે બાકી તો ..!
એક્સ્પ્લેઇન કરુ ..
એક જમાનો હતો કે નવરાત્રીનો ગરબો ભદ્રકાળી ના ચોકે ઉપડતો અને ત્રણ દરવાજે ઝીલાતો ..એટલું માણસ ગરબે ઘૂમતુ..એકપણ રૂપિયો ખર્ચ્યા વિના..! ફરી એકવાર “એકપણ રૂપિયો ખર્ચ્યા વિના”..! લોકો મફતમાં ગરબા ગાતા અને આનંદ કરતા..
અને અત્યારે તમે શું કર્યું..? ટોટલ કમર્શયલાઈઝેશન..
એ જ નવરાત્રી અને જેવી જેની ઓકાત..ખર્ચા જ ખર્ચા..
મેં પાટણના ઓરીજીનલ પટોળા પેહરી ને ગરબે ઘુમતી ગુજરાતી નારને જોઈ છે, હા અમદાવાદમાં જ ભાઈ
અત્યારે એક પાટણનું પટોળું મીનીમમ સાતથી દસ લાખ રૂપિયાનું થાય છે..!
અને પાટણના પટોળા પેહરેલી સાત-આઠ ભદ્ર ગુર્જર નાર ગરબે ઘુમતી હોય તો ટોટલ મારો કેટલા લાખ થાય..?
નવરાત્રીને ખર્ચાનો ખાડો બનાવી દીધો છે..!
તેહવાર એટલે આનંદ, અને એ પણ ઓછામાં ઓછા ખર્ચે સમાજનો દરેક વર્ગ માણી શકે.. એનું નામ જ તેહવાર..!
મને ઘણીવાર વિચાર આવતો કે અમદાવદના જુના ગામો અને નાના નાના વાસમાં હમણાથી ગણપતિ વધારે ઉજ્વાય છે, અને નોરતા કેમ ઓછા જતા જાય છે..?
જયારે નોરતા એ આપણો તેહવાર છે અને ગણપતિ એ મરાઠી તેહવાર છે..
પણ ક્યાંક આ પોઈન્ટ પર પણ વિચારવા જેવુ ખરુ..
ઉપલો વર્ગ ખર્ચા કરે એટલે એની અસર છેક નીચે સુધી આપોઆપ આવે છે, એ આપણા સમાજની કમબખ્તી છે..!
સરકાર ઘણા તાયફા કરે છે..ઓરીજીનલ લોક ગાયકોને સરખા અને ઊંચા રૂપિયા આપી અને પબ્લિક પ્લેસ પર ગરબાનું આયોજન કરો..પેલા ઠેસ મારીને ગવાતા ગરબાને જીવાડૉ.. બાકી દોઢીયા અને પોપટિયા તો અમે પશ્ચિમ અમદવાદ કરી લઈશું ..
લોકરંજન એ પ્રજાને ફિલ ગુડ કરવવાનું બહુ મોટું સાધન છે..અને તેહવારનો જો યોગ્ય ઉપયોગ થાય તો પ્રજા ચોક્કસ ફિલગુડ કરે..
આજે તો રથયાત્રા..હવે ચાતુર્માસ ચાલુ થઇ ગયો તે છેક દેવઉઠી અગિયારસ સુધી એકપછી એક તેહવારો આવ્યા કરશે..!
અષાઢ વરસે અને શ્રાવણના સરવરીયા..!
વરસ બાપલા વરસ હવે એકલા અમીછાંટણાંથી મેળ નહિ પડે..!
ભગવાન જગન્નાથને તો આજે નિજમંદિર પોહચીને પણ આખી રાત બહાર રેહવાનુ છે..રુકમણીજી રીસાયા છે..બારણું નહિ ખુલે ..રાત તો બહાર કાઢવાની છે..!
એક વધુ સીખ આપી ભગવાને..શું ?એમ ના પૂછો ,
હવે સમજી જાવને યાર..!!
આપનો દિવસ શુભ રહે