આજે ઘણા દિવસે લખવા માટે લેપટોપ ખોલ્યુ.. ઇશાન ચિરાગ અને શર્વરીનો અણહાગરો દુર થઇ ગયો..
બે દિવસ પેહલા મારા જીમમાં ત્રણ ચાર ટેણીયા પોકેમોન ગો રમતા હતા .. હું બેંચ પ્રેસ મારતો હતો, અને બાજુના મશીન પર બેઠેલો ટેણીયો બોલ્યો અંકલ પકડાઈ ગયો સાલો, બોલો અહિયાં જીમમાં જ બેંચપ્રેસની બેંચની બાજુમાં જ પડ્યો હતો..
મેં કીધું ઓત્તારી શું પકડાયું ?અને શું પડ્યું હતું..? અઢાર વર્ષનું લબરમુછીયું બાળક બોલ્યું પોકેમોન..!!!!
મેં કીધું અલ્યા ઝટ બતાડ આ શું છે ?અને પછી તો આજુબાજુમાંથી દસ બાર છોકરા આવી ગયા અને ફટાફટ મારા મોબાઈલમાં પોકેમોન ગો આવી ગઈ..અને પછી ચાલુ થયું મારું ટ્રેનીગ સેશન..!
પણ યાર શું ગેઈમ છે ..!! સોલ્લીડ ..જબરજસ્ત ..સખ્ખત .. એટલી બધી ટેમ્પટીંગ છે આ ગેઈમ કે નાં પૂછો ને વાત..
ગઈકાલે સાંજે તો મારે પોકેમોન ગો ના લીધે ગૌતમ બુદ્ધની જેમ ગૃહત્યાગ કરવાની નોબત આવી ગઈ..બસ મન ભરાઈ ગયું આ સંસારથી..!!
જો ડેડી તમે ચાલુ એકટીવા અને ગાડીમાં પોકેમેન રમવાના હોય તો તમને અમે ઘરની બહાર જ નહિ જવા દઈએ, અને જો ઘરની બહાર ગયા તો પાછા નહિ આવવા દઈએ..!
મારા ડ્રાઈવરને સ્ટ્રીક સુચના અપાઈ ગઈ શ્રીમતીજી તરફથી કે આ તારા સેઠ કહે તો પણ કારણ વિના ગાડી રસ્તામાં ઉભી નહિ રાખવાની, અને એમાં પણ જો મોબાઈલમાં પોકેમોન ગો રમતા દેખાય તો મને તાત્કાલિક ફોન કરવો..!!
ઈરાન કરતા ભારે પ્રતિબંધ મારા પર લાગી ગયા..
હવે તમને થશે કે એવું તો શું છે આ પોકેમોન ગો માં.?
એક એવી રમત છે જેને ઈન્ટરનેટ અને જીપીએસ વડે ગુગલ મેપ સાથે કનેક્ટ કરવામાં આવી છે, અને આપણી આજુબાજુમાં ક્યાંક પોકેમેન છુપાયો હોય જેને તમારે પકડવાનો..
હવે એના માટે ક્યાં તો ચાલતા જવું પડે, નહી તો એકદમ ધીમે ધીમે એકટીવા પર કે બાઈક પર જવું પડે. અને મોબાઈલ પર સતત જોતા રેહવું પડે કે પોકેમેન આવી અને જતો ના રહે..
અને એક વાર સ્ક્રીન પર દેખાય તો તો પછી પકડે જ છૂટકો..મેં રોજના ઓછામાં ઓછા પાંચ વધીને સાત પોકેમેન પકડવા એવું નક્કી કર્યું કર્યું છે..
એવી એવી જગ્યાએ પોકેમેન મળે છે કે ના પૂછો ને વાત..મને આજ નો એક પોકેમેન તો મને પતંજલિના સ્ટોરમાં મળ્યો..
બીજો શ્યામલ રો હાઉસમાં એક ઘરમાં ઘૂસેલો હતો ..હું એમના કંપાઉંડમાં ઘુસ્યો તો બિચારા બેહન ઘભરાઈ ગયા શું ખોવાયું છે ભાઈ ..મેં કીધું કઈ નહિ પોકેમોન તમારા ઘરમાં છે..મને કહે.. હાય હાય ક્યાંથી આવ્યો..?
મેં કીધું એક મિનીટમાં હું પકડું છું, એક સેકન્ડ પણ મારી નજર મોબાઈલના સ્ક્રીન પરથી હટતી નોહતી ..
અને બેન બિચારા સમજી જ ના શકે કે આ ભાઈ મોબાઈલમાં શું પકડી રહ્યા છે..!
બેનને એમકે કઈ જીવ જંતુ હશે એમના ઘરમાં પોકેમેન નામનુ..પણ મેં એ પોકેમેનને પકડી અને પછી એમને ગેઈમ સમજાવી..
બિચારા સાવ અવાક થઇ ગયા કે દુનિયામાં આવું પણ હોય..! અને એ પણ છેક મારા ઘરમાં પોકેમેન ભરાઈ ગયો હતો…! અને મને તો ખબર જ નથી..!
ત્રીજો પોકેમેન આજ નો મને કર્મશ્રેષ્ઠ ટાવરની બહાર પાણીપુરીવાળા પાસે મળ્યો ત્યાં તો મારા જેવા ચાર પાંચ છોકરા એને પકડતા જ હતા..
મને ત્યાં માહિતી મળી કે વસ્ત્રાપુર અને કાંકરિયા માં લગભગ દસ બાર પોકેમેન છે ત્યાં જાવ ફટાફટ લેવલ કુદાશે..
ચોથો પોકેમેન મને સંજય ટાવરના ઉકરડામાં મળ્યો સેહજ પણ ગંદકીની પરવા કર્યા વિના આપણે તો ઉકરડા પર ચડ્યા અને પછી એને પકડ્યો ..ચસ્કો બોસ ચસ્કો..!
પાંચમો જોધપુર ગામ શાક માર્કેટમાં મળ્યો, શાક લેવા આવેલા બધા બૈરા જોવે કે આ ભાઈ મોબાઈલમાં શું શોધે છે..!
અને ત્યાં જ બીજા તદ્દન અજાણ્યા વીસેક વર્ષના છોકરાએ કીધું બોસ પ્રેરણાતીર્થ દેરાસર જાવ ત્યાં ત્રણ પોકેમેન છે અને એની પાછળ જ જીમ છે પોકેમેનનું ફાઈટ કરવા મળશે..!
હવે એનો વારો કાલે રવિવારે..
પણ મેં એક બુદ્ધિ વાપરી, આજે હું મારી દીકરીઓને લઈને પોકેમેન પકડવા ગયો એટલે એમને પણ મજા આવી અને રસ્તામાં મારી સેફટી રહી..!
હવે કાલે શ્રીમતીજી ને પણ ચસ્કો લગાડી દઈશ એટલે પ્રતિબંધો દુર..!!
હા બંનેમાંથી એકેય ડ્રાઈવરને ચસ્કો નહિ લગાડાય નહિ તો જીવ નું જોખમ..!
ગઈકાલે કૈક કામથી બેંકમાં ગયો હતો,અમારી નેશનાલાઈઝ બેંકમાં એક છવ્વીસ વર્ષનો જુવાનીયો નોકરી કરે છે,નવાઈની વાત કેહવાય નહિ..!
એને અને બેંકના પટાવાળાને મેં ચસ્કો લગાડ્યો તો એ બને આજુબાજુમાં જઈને મારા મોબાઈલમાં ત્રણ પોકેમોન પકડી લાવ્યા..!!
મારું બેટુ એવો આનંદ આનંદ થઇ જાય છે કે ના પૂછોને વાત..!
અમે સ્કુલ અને કોલેજ કાળમાં પેલી પ્રિન્સ ઓફ પર્શિયા એટલી બધી રમ્યા કે નાં પૂછોને વાત..પણ પાછળથી એની ક્રેક ફાઈલ આવી ગઈ એટલે ધડાધડ લેવલો કુદી જતા..!
મેં આઈટી માં ભણતા બેચાર છોકરાઓ જોડે એક સ્કીમ ડિસ્કસ કરી, મેં કીધું અલ્યા છોકરાઓ આનું કઈ પ્લગઇન શોધી પાડો, અને પછી હોટલો અને કોફી બારવાળાને ઝાલો..!
અમે તારે ત્યાં દસ પોકેમોન મુકીએ, જનતા શોધતી શોધતી આવશે અને તારો ધંધો વધશે..!
પણ અમદાવાદમાં તો હજી થોડા સાધન સંપન્ન છોકરાઓ જ પોકેમોન ગો રમે છે..કારણ કે ઈન્ટરનેટના ડેટા પ્લાનને આ ગેઈમ જબરજસ્ત રીતે પૂરો કરી નાખે છે આ પોકેમોન ગો..!
એટલે મહીને બસ્સો પાંચસોના રીચાર્જ કરાવતી જનતાને પોકેમોન ગો રમવી પોસાય એમ નથી..!
સેહેજે હજાર દોઢ હજારના ખાડામાં ઉતારી દે આ પોકેમોન ગો..!
સાઉદીમાં પ્રતિબંધ મુકાયો અને લંડનમાં તો મેળા જમ્યા..!
ભારતમાં થોડી ઈન્ટરનેટની સ્પીડ વધે અને ઈન્ટરનેટ સસ્તું થાય તો આ રમત કાઠું કાઢી જશે પ્રતિબંધ તો સરકાર નહિ મૂકી શકે અને મુકશે તો ક્રેક થઇ જશે..!
ડીમાંડ અને સપ્લાઈના આ માર્કેટમાં ડીમાંડ સખત હોટ છે, એટલે પોકેમોન ગો પર પ્રતિબંધ મુકવો પોસાશે નહિ..! કેમકે એનાથી સેલ્યુલર કંપનીઓનો ધંધો વધે સમજોને યાર…!
રમાય પણ બે જણાએ સાથે રમવું એટલે એક મોબાઈલ જોવે અને બીજો રસ્તો, નહિ તો પોકેમોન ગો સીધા સમશાન ભેગા કરી દે એ પણ નક્કી છે..
રમત બનાવનારાને એટલું કેહવું પડે કે ભાઈ પબ્લિક ગાર્ડન અને બીજી પબ્લિક પ્લેસ પર આ પોકેમોન ગોઠવો, રસ્તા પર નહિ જેથી અકસ્માતની શક્યતા ઓછી થાય ..
સાચી ખોટી ઘણી વાતો ઉડી છે આ ગેઈમ માટે..
જોઈએ કાલે શું થાય છે..આપણા ઘરની હાઈકોર્ટ નહિ માને તો પછી ડીલીટ મારવી પડશે..!
ભાઈ ઘરવાળી આગળ તો દેવતાઓનું પણ નથી ચાલ્યુ તો આપણે શું ચીજ છીએ હે..!
શુભ રાત્રી
શૈશવ વોરા