ફરી એકવાર નોટબંધી ચર્ચામાં આવી ગઈ..!!
આરબીઆઈ એ આંકડા જાહેર કર્યા ૯૯.૩ ટકા નોટો પાછી આવી ગઈ છે..
અરે રે ..
અક્કરમીના પડિયા કાણા..!
કેમેય કરી ને આ “ચોર” પ્રજા હાથમાં નથી આવતી..!!
બહુ બધું લખ્યું `નોટબંધી` માટે અમે, અને દુનિયા આખીએ, અને લખાતું રેહશે સદીઓ સુધી લખાશે,
કેમ લખાશે ?
તો એનું કારણ છે કે દુનિયામાં આવા પગલા બહુ જ ઓછા દેશો એ લીધા છે અને ભારતવર્ષમાં તો ફક્ત બે જ જણાએ ..!!
એક મુહમ્મદ તઘલખ અને બીજા “આપણે”..
આ બે જ સરકારના સમયમાં ૮૫ ટકાથી વધારે કરન્સી પાછી ખેંચાઈ અને તો પણ દેશ ટકી ગયો..!!
“આપણે” લખવાનું કારણ છે..આઠમી નવેમ્બરે તો મેં પણ ઓવારણા લેવામાં કઈ જ બાકી નોહતું રાખ્યું ,મને પણ થઇ ગયું હતું કે જબરજસ્ત બોસ્સ ..દેશની અડધી કરન્સી કાગળીયા કરી નાખી એક ઝાટકે..હું એ દિવસે નોટબંધીનો સહુથી મોટો સમર્થક હતો..!!
પણ..પણ..પણ..
પેહલા પણ લખી ચુક્યો છું અને આજે પણ ફરી લખું છું , નોટબંધી ને આ દેશે “રાષ્ટ્રીય આફત” તરીકે લઇ લીધી, અને આપણા ભારતીયોના સ્વભાવ પ્રમાણે જયારે બધા ની ઉપર એકસામટી આફત આવે ત્યારે નાત-જાત ,ગરીબ-તવંગર ,ઊંચ-નીચ બધું જ કોરાણે મુકાઈ જાય છે અને આવી પડેલી “આફત” સામે આખો દેશ એક થઈને લડે છે..!!
નોટબંધીની સામે આખો દેશ “એક” થઇ ને લડ્યો..અને દેશ જીત્યો,રાષ્ટ્ર હાર્યું…!
જે આશયથી નોટબંધી કરવામાં આવી હતી એ આશય જડમૂળથી નાશ પામ્યો..!!
૯૯.૩ ટકા નોટો પાછી આવી અને એ પણ વિથ એન્ટ્રી ,એટલે એનો સીધો મતલબ થયો કે દેશમાં કાળું નાણું હતું જ નહિ..!!
પણ ખરેખર કાળુંનાણું નાબુદ થયું છે ? શું કેશ કે રોકડ સિલકને આપણે કાળું નાણું ગણતા હતા ?
આખા દેશ એ ફરી એકવાર વિચાર કરવો જ રહ્યો કે કાળુંનાણું શું છે ? કેમ પેદા થાય છે ? લોકો ને ટેક્ષ ભરવો કેમ નથી ગમતો ? આજે પણ દેશ દર વર્ષે સરેરાશ ૮૦૦ ટન સોનું આયાત કરી રહ્યો છે, શા માટે પ્રજાને હજી પણ સોના જેવી ડેડ મૃત-ધાતુમાં ઇન્વેસ્ટ કરવું ગમે છે ? કરન્સી કે સરકારી બોન્ડ કરતા કેમ સોનું વધારે વહાલું લાગે છે ?
“કાળી રાત્રે” સોનાની કિંમત મળશે..એમ કેમ આપણે માનીએ છીએ ?
એ કઈ “કાળી રાત” છે કે જે આપણા જીનેટીક્સ સુધી ઘુસી ગઈ છે ?
શા માટે સરકારી અમલદારી ની આજે પણ બીક છે ?
અનહદ સવાલો છે …!!
શું નોટબંધી કરવા પાછળ પેલી “ગરીબ” માનસિકતા તો નોહતી કામ કરતી ને..?
ગરીબ માનસિકતાની વ્યાખ્યા..ફલાણા પાસે વીસ કરોડના બજાર ભાવ નો ફ્લેટ છે પણ ઇન્કમટેક્ષ તો વર્ષે પાંચ લાખ ભરે છે..આવું કેવી રીતે બને ? હમેશા કોઈની મિલકતો ગણી ગણી ને દુઃખી થવું અને વધારે રૂપિયા છે માટે તે તો “ચોર” જ હોય ..!!
આજે આઝાદીના સાત સાત દાયકા પછી પણ ફક્ત એક જ વર્ગ એવો છે કે જે ટેક્ષ ભરી રહ્યો છે, જેમાં દોઢ કરોડ નોકરી કરનારા અને દોઢ કરોડ ધંધાવાળા છે..!! અને બાકીના મોજ કરે છે..!
કાળાનાણાની સાદી વ્યાખ્યા કરીએ તો ઇન્કમટેક્ષ ભરેલા રૂપિયાને ધોળા અને ઇન્કમટેક્ષ ભર્યા વિનાના રૂપિયા કાળા ..!!
સવાલ ત્યાં આવે છે કે ઇન્કમટેક્ષ એટલે કે ડાયરેક્ટ ટેક્ષ ભરવામાં પ્રજા કેમ પાછી પડે છે ..?
કેમકે ઇનડાયરેક્ટ ટેક્ષ તો સરકાર ગળચી દબાવીને ઓકાવે છે, અને ગેલસપ્પો હસતો હસતો ચુકવે છે, દા.ત. પેટ્રોલ પમ્પ ઉપર ત્રીસનું પેટ્રોલ પુરાવી અને પાંત્રીસનો ટેક્ષ ચૂકવી ને ઘેર આવો છો..
આ દેશમાં સૌથી મોટું `ટેક્ષ કલેક્શન સેન્ટર` હોય તો એ પેટ્રોલ પમ્પ છે,
દેશ ના તમામ પેટ્રોલ પમ્પ ના કર્મચારીઓ અને માલિકો સૌથી વધારે ટેક્ષ સરકાર વતી ઉઘરાવે છે અને સરકારને આપે છે અને એ પણ બિલકુલ મફત..!!
બિચારા પેટ્રોલ પમ્પવાળાઓ ને તો ખબર જ નથી કે એ લોકો શું કરી રહ્યા છે..
હશે જીસસ,
માફ કરી દેજો એમને પણ ..!!
મોટા શેહરોમાં વસતા “ચોરો” દેશ આઝાદ થયો ત્યારથી ઇન્કમટેક્ષ ભરી ને રૂપિયાવાળા થયા છે , ચાલો માન્યું કે એ લોકો એ પણ `ચોરી` કરી છે, પણ જે લોકો એ સાવ બિલકુલ ટેક્ષ નથી ભર્યો એના કરતા તો સારા છે ને ..?
હવે પૂછો કે જે લોકો એ સાવ ટેક્ષ નથી ભર્યો એમાં કોણ આવે ?
જગતના બની બેઠેલા તાત..!!
સરકારી અમલદારોને જગતના તાતની જમીનની બજાર કિંમત કદાચ ખબર જ નથી..!!
મુંબઈનો વીસ કરોડના ફ્લેટ દેખાય છે, પણ કરોડ રૂપિયે વિઘુ અને એવા સો વીઘાવાળા જગતના તાતશ્રી એ ઇન્કમટેક્ષ નહિ ભરવાનો ..!!
આવી અનેકો અનેક અસમાનતાઓ થી દેશ પીડાઈ રહ્યો છે અને કોઈ સમજનાર પણ નથી ,બધા ને ફક્ત અને ફક્ત “ચોર” પકડવો છે..પકડી લ્યો
૧૩૭ કરોડ ચોર છે પુરા , અંકે એકસો સાડત્રીસ કરોડ …!
હજી પણ સમજવાની જરૂર છે સરકારો એ, પ્રજાની સામે પડી ને રાજ કરવા જશો તો તણાઈ જશો અને ઈતિહાસ તમને જ ગાળો આપશે..
ઇન્કમટેક્ષને મીનીમમ લેવલે લઇ જઈને છોડી દયો અને જગતના તા`ત હોય કે ચાર રસ્તે ભીખ માંગતા ભિખારીની મા`ત..!
કોઈ જ બાકી ના રહે..
અને હા ટેક્ષ ના ભરી અને ચોરી કરવાનું એક મોટ્ટું કારણ છે કે પૃથ્વીરાજ ચૌહાણ પછી આ દેશ પરાધીન રહ્યો છે,અકબરને ગમે તેટલો સહિષ્ણુ ચીતરવાની કોશિશ થાય પણ છેક બહાદુરશાહ ઝફર વખતે હિન્દુસ્તાન મેરી જાન થયું બાકી તો તૈમૂરી નસ્લ ચંગેઝી જ હતી…!!
અને આઝાદી પછી પણ એક પ્રોબ્લેમ તો ઉભો જ છે ..
મારા પરસેવાના કમાયેલા રૂપિયાથી ટેક્ષ ભરું છું પણ “સેક્યુલર” સરકારો એ મને શું આપ્યું ..?
લખવા બેસીએ તો અન્યાયોના પાને પાનાં ભરી ને લખાય તેમ છે..
આ દેશ ની “કમીની” મેન્ટાલીટી ચાલીસ પેઢી પેહલા કરેલા બળાત્કારની સજા અત્યારે આપે છે..!!
નઘરોળ ,ઢોર, ભ્રષ્ટ બ્યુરોક્રસી કેટલો ભ્રષ્ટાચાર કરી ગઈ ? અને રાજકારણી ..?
આપણા ટેક્ષની તો ક્યાં વાત જ કરવી..??
આજે પણ ટેક્ષ ભરતો હિંદુ નધણીયાતો છે, અને ક્યાં સુધી રેહશે એ ખબર નથી..
મારો રામ લલ્લા હજી ઝુપડીમાં જ બેઠો છે..અને કાશી મથુરા હજી પણ ઝીલ્લે ઇલાહી વાપરી રહ્યા છે..!!
હવે એમ ના બોલતા કે ટેક્ષને અને એને શું સબંધ ..?
તો શું જખ મારવા કરોડોની જાહેરાત કરી અને એમાં લખો છો કે આપકે ટેક્ષ સે સેનાએ ..અંતરીક્ષ … વગેરે વગેરે…!
અલ્યા એ ઈ..યદા યદા હી ધર્મસ્યવાળા હેંડ હવે આવ બહુ થયું..
બાકી નહિ રહે તારી ગાયો,અને નહિ રહે તારી ગોપીઓ ,
અહી તો “સેક્યુલર” થવાની હોડ લાગી ..
બાકી આજ ના કાયદા પ્રમાણે સાક્ષાત ભામાશા પણ જો આજે પ્રગટ થાય ને તો એમને પણ જેલ ના સળિયા ગણવા પડે..
રોકડા જ હતા ને બધા એમની પાસે..!
એ પણ મેવાડના ધણી થી સંતાડેલા ..???????
અલ્યા ઘાલી દો એમના વંશજો ને..બેસાડો ઈન્કવાયરી..!
રૈયત ને રંજાડ ના હોય..
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા