અટલબિહારી બાજપાઈના અસ્થિ કળશની યાત્રાઓમાં નતનવા ફારસ થઇ રહ્યા હોય એવા વિડીઓ અને ફોટા સામે આવી રહ્યા છે ,
ક્યાંક કાર્યકર્તાઓ જાણે વર્લ્ડ કપ જીતી અને આવ્યા હોય અને હાથમાં વર્લ્ડકપ પકડ્યો હોય તેમ આનંદ અને ઉલ્લાસપૂર્વક અસ્થિકળશને ઊંચકી અને ફોટા પડાવે છે, અને છત્તીસગઢમાં અસ્થિકળશ યાત્રા દરમ્યાન એક બાજુ મંત્રોચ્ચાર ચાલી રહ્યા હોય અને ત્યાં જ બીજી બાજુ છત્તીસગઢના બે મંત્રીઓ જોરદાર ખીખીયાટા કરી અને એકબીજાને તાળીઓ આપી રહ્યા છે એવો વિડીઓ સામે આવ્યો અને પ્રદેશ અધ્યક્ષે ટપાર્યા પછી એ બંને `શાંત` થયા..
હવે શું કેહવું આપણે ..?
પેહલા જ સ્ટેટ્સ મુક્યું હતું કે ભાઈ ઘરડું મરણ છે અને લીલી વાડી છે , વરસી વિવાહની જેમ ઉજવાય..
પણ કોંગ્રેસની નકલ કરવા ગયા…
હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી હોદ્દા ઉપર હોય કે ના હોય એ જીવતા કરતા મરેલા વધારે કામના એવા જુના “સર્વસામાન્ય” નિયમને અનુસરવા ગયા અને પછી જે નોહ્તું કરવાનું એ બધું કર્યું અને હવે `જોણા` થઇ રહ્યા છે…!!
દસ દસ વર્ષથી પીડાતા વૃદ્ધ અને એ પણ નેવું પાર કરી ચુક્યા હોય એમના મૃત્યુ માટે શોક કેટલો લાંબો ખેંચી શકો ..?
આજ ના જમાનામાં સગ્ગો બાપ મરી જાય છે તો લોકો સવારે બેસણું પતાવી અને સાંજે દુકાને એક આંટો મારીને આવે છે ત્યારે ભાજપ આવું બધું લાંબુ ખેંચે તો શું થાય ..?
આવા ઠીઠયારા અને મજાક મસ્તી જ થાય ને..
અને આમ પણ ઘરડું મરણ હોય દસ વર્ષથી ખાટલામાં હોય એવું કઈ હોય ત્યારે તમે સ્મશાનમાં પણ જેવું બોડી ઇલેક્ટ્રિકની ભઠ્ઠીમાં જાય કે તરત જ કેવી મોટે મોટેથી દુનિયા આખીની ચર્ચાઓ ચાલુ થઇ જાય છે ..?
ફટાફટ પાણીની બાટલીઓ ફરવા માંડે છે ,અને હજી ઘરનાઓ એ સેહજ હાથ જોડ્યા એ ભેગા અડધી વસ્તી રટ્ટી થઇ જાય , છેલ્લે અસ્થિ લેવામાં પરાણે જેને રેહવું પડે એવા બે પાંચ માંડ હોય અને બારમાં તેરમાં તો ખરેખર વિવાહ જેવો માહોલ હોય …
સોળમે દિવસે સુતક મુક્યું એ ભેગા ચાંલ્લા થઇ જાય અને સાડલા બદલાઈ જાય.. દાદા કે બા નો ફોટો પછી પૂજા રૂમમાં મુકાઈ જાય..!!
ભાજપ ખોટું ખેંચી રહ્યું છે અટલ બિહારીના શોક ને..ફાયદા કરતા ગેરફાયદો વધારે થશે આમાં તો..
મરણ ને “ધુણાવવા” ના દિવસો ગયા..
હવે પ્રજા જબરજસ્ત પ્રેક્ટીકલ થઇ ચુકી છે, ઘરના મરણમાં પણ પ્રજા મજબૂતીથી બેઠી હોય છે..
મોતના મલાજા હોય છે, પણ પછી કોઈ સેહજે “વધારે” કઈ પડતું કરતુ હોય તો પછી પાછળથી પેટ ભરી ને કુથલી થાય છે..જનતા વધારે પડતી પ્રેક્ટીકલ થઇ ગઈ છે, અને વેવલાવેડાના જમાના જતા રહ્યા છે..
છેલ્લા અઠવાડિયાથી અસ્થિકળશ ઉપર અનહદ જોક્સ ફરી રહ્યા છે વોટ્સ એપ ઉપર , લાગે છે જેમ ગાંડા વિકાસને ડાહ્યો કરવા માટે જેહમત ઉઠાવવી પડી હતી એમ અસ્થિકળશ ને જસ્ટીફાય કરવા માટે પ્રવક્તાઓની ફોજો એ મેહનત કરવી પડશે..
ભાજપને કોંગ્રસથી જુદી ગણીને પ્રજાએ મત આપ્યા છે અને ભાજપ આજે લગભગ તમામ મોરચે કોંગ્રસ જેવું જ વર્તન કરી રહ્યું છે અને બાકી હતું તો અસ્થિકળશ યાત્રાઓ કરી..
બદલાતા સમયને ઓળખવો શાસક માટે ઓળખવો હમેશા મુશ્કેલ રહ્યો છે કેમકે સત્તા નામના ચશ્માં એક વાર પેહરી લીધા પછી રાજકારણી ચારેબાજુ હું ,હું અને હું જ દેખાતા હોય છે..
વિચારધારાની લડાઈઓ ના નામે મૂળ મુદ્દાઓ ઉપરથી ધ્યાન સિફતપૂર્વક હટાવી લેવાયા છે, ૨૦૧૪ને યાદ કરીએ તો એમ લાગતું હતું કે દેશ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, અને આજે એ ભ્રષ્ટાચારના આરોપીઓ હેઈ મજાના લીલાલેહર કરી રહ્યા છે, ૨૦૧૪ પછી એમ લાગ્યું કે દેશનો રૂપિયો હવે વિદેશ નહિ જાય, પણ એક નહિ તો બીજી રીતે”લલિયો” , “નીરવો” અને “વિજયો” રૂપિયા લઈને ફરાર થઇ ગયા, અને પ્રજા ડફોળની જેમ મોઢા વકાસીને બેઠી રહી..
અત્યારે રફેલ રફેલ કરીને ભૂત ધુણાવી દેવામાં આવ્યું છે.. સરકાર સિક્યુરીટીના નામે કશું મોઢામાંથી બોલવા તૈયાર નથી અને વિપક્ષને કઈ `થેક` નથી..
ભૂતકાળમાં જે બોફોર્સના નામે ધમ્માલ મચાવી હતી એ જ બોફોર્સ તોપો વાપરીને અટલબિહારી બાજપાઈ એ કારગીલ જીતાડ્યું હતું..
અટલ બિહારી બાજપાઈના ગુણગાન ઘણા થઇ ગયા પણ હવે બધું દસેક વર્ષ મોડું થયું અને ટાઈમ ગેપ ઘણો વધી ગયો,ખરી જરૂર એમની હારના કારણોની સમીક્ષા કરી અને અત્યારે પણ આત્મમંથન ની છે..
બીજી જરૂર એ છે કે કારમી હાર પછી અટલબિહારી બાજપાઈને થયેલો ડિમેન્શિયા નામનો રોગ કેમ આટલો બધો વકરી ગયો અને રાષ્ટ્રને એમનું “મર્યા મોઢું” પણ આપણે નથી બતાડી શક્યા એની વાત કરવાની..
એકપણ ચેનલે લગભગ એમનું “મર્યું મોઢું” પણ બતાડ્યું નથી.. એક ખુબ ખરા અર્થમાં મહાન વ્યક્તિત્વ અચાનક કાળની ગર્તામાં એક દસકા માટે કેમ ખોવાઈ ગયું અને છેક મૃત્યુ પછી જ કેમ યાદ આવ્યા ..?
ઘણા બધા રોગો એવા હોય છે કે જે વારસાગત હોય છે અને ભારતના રાજકારણીઓને એકાદ બે રોગ “વારસા”માં મળે છે.. એમાંનો એક રોગ છે અત્યંત લાંબુ આયુષ્ય..અને બીજો છે ડિમેન્શિયા..
ઘણા બધા રાજકારણીઓ નેવું વર્ષ રમતા રમતા ખેચી જાય છે પણ એશી પંચ્યાશી પછી ગડબડ ચાલુ થાય છે અને એમના બ્રેઈનની કેમેસ્ટ્રીની ગડબડની અસર સીધી એમના વાણી વર્તન ઉપર પણ પડે છે..
હું કોઈ જ નામ કે ઉદાહરણ મૂકી અને વિવાદ ઉભો કરવા નથી માંગતો પણ એક હકીકત પ્રત્યે ધ્યાન દોરવા માંગુ છું..
ઈશ્વરે આપેલા શરીરને ગમે તેટલી કસરતો કે યોગ કરીએ પણ એક ઉંમર પછી જે ઘસારો પોહચે છે એ પોહચે જ છે, રાજકારણીઓ પણ એ જ પંચમહાભૂતમાંથી બનેલા છે કે જેમાંથી આપણે..
રીટાયર્મેન્ટની ઉંમર નક્કી કરવી જરૂરી છે , ભાજપે કદાચ પંચોતેર વર્ષની મર્યાદા બાંધી છે એ સારી વાત છે , કોંગ્રેસ પણ આવું કૈક કરે તો સારું ..
જો કે કોંગ્રેસની સમસ્યા અત્યારે માનસિક ઉંમર વધારે હોવી એ નહિ પણ શારીરિક ઉંમર કરતા માનસિક ઉંમર ઓછી છે એ છે ..!!
એની વે આપણું ભારત ભ્રમણ ચાલુ છે દેશ આખામાં શ્રી અટલબિહારી બાજપાઈના ફોટા રોડે રોડે લાગ્યા છે અને શોકનું વાતાવરણ ઉભું કરવાની કોશિશ થઇ છે પણ વ્યર્થ છે..
પ્રજા ઢીટ થઇ ચુકી છે , હોદ્દા ઉપર હોય અને સારી એવી લોકપ્રિયતા ધરાવતા હોય એવા પ્રધાનમંત્રી જ “સવા લાખ” ના થાય બાકી તો અસ્થિકળશ યાત્રામાં પોતાના જ લોકો સ્ટેજ ઉપર ખીખયાટા કરે..
બાપડા ટીવીના એન્કરો આવડે એટલી એક્ટિંગ કરીને મોઢા ભારમાં રાખીને રીપોર્ટીંગ કરે પણ એ એન્કર પણ ઘેર જઈને તેર દિવસ ખીચડી ખાય એવી અપેક્ષા મિથ્યા છે..!!
સો વાતની એક વાત ઘરડા મરણમાં વરસી વિવાહની જેમ થાય અને બારમાં તેરમાં માં લાડવા ને વાલની જોડે બીજા ચાર પાંચ ફરસાણ મીઠાઈ પણ હોય છે અને લોકો પ્રેમથી જમીને મજા કરીને જાય છે , એ વાત ને ભૂલી ને નેતા નામના “એકટર” જોડે `એક્ટિંગ` કરાવવાનો મતલબ નથી..
યથા પ્રજા તથા નેતા..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા