આજે વાઘબારશ..
જ્ઞાનીઓ એ વાક બારશ હોય એવું કહ્યું પણ એવા વોટ્સ એપ ઘણા ઓછા થઇ ગયા છે આ વખતે..!!
એક વિવાદ ચાલ્યો છે સોશિઅલ મીડિયા ઉપર અને એ પણ વાઘ ને લાગતો જ..
મહારાષ્ટ્રમાં યવતમાલ જીલ્લામાં `અવની` ઉર્ફે ટી-૧ નામની વાઘણ ને ઠાર મારવામાં આવી..
અંગ્રેજી મીડિયા લખે છે મધર ઓફ ટુ ને મારી નાખી..બે નાના નાના બચ્ચા ની માં ને મારી નાખી..!
મહિનાઓથી ઓપરેશન ચાલતું હતું બસ્સો માણસો, અઢળક કેમેરા, ડ્રોન અને હેલીકોપ્ટર સહિત આખી જંગલ ખાતાની ફોજ કામે લાગી હતી, છેક હૈદરાબાદથી એક શાર્પ શુટર ને પણ બોલાવવામાં આવ્યા હતા..
અવની ને મારવી કે જીવતી રાખવી એના માટે જબરજસ્ત કાનૂની લડાઈ પણ ચાલી હતી ,નાગપુર બેંચ થી મુંબઈ હાઈકોર્ટ થઈને છેક સુપ્રીમ સુધી લડાઈ ચાલી હતી ..
પણ વાંક શું હતો અવની નો ..?
તેર માણસો નો `કોળીયો` અવની કરી ગઈ હતી માટે એને ઠાર મારવી પડી ..!!
બધી જ કોર્ટઓ એ કહી દીધું કે જંગલ ખાતું નક્કી કરે એ સાચું , અને જંગલ ખાતા એ બે નના નાના બચ્ચાઓ ની માતા ને ઠાર મારી ..!!
બહુ દુઃખ થયું..
પણ માણસ જાત કોને કીધી સાલ્લી..?
માણસ નું લોહી પીનારા બીજા કોઈ જ `જનાવર` ને ધરતી ઉપર જીવવા નો `અધિકાર` માણસ જાત નથી આપતી ..!!
એ પછી મચ્છર હોય કે વાઘ..!!
માણસ પોતે ગમે તેટલા જીવનું ભક્ષણ કરે પણ માણસનું કોઈ ભક્ષણ કરે તો થઇ રહ્યું ..
એને મોત આખી માણસજાત ભેગી થઇ ને આપ્યે જ છૂટકો કરે ..
મરઘા,બતકાં ,ગાય ,ભેંસ , કુતરા, બિલાડા, સાપ સુધ્ધા ખાઈ જનારી માણસ જાતે એનો કોળીયો કરી જનારી ને છળ વાપરી ને મારી નાખી..!!
મહિનાઓથી અવની એના બચ્ચાઓ ને લઈને આખા જંગલખાતા જોડે સંતાકુકડી રમતી હતી પણ `શાતિર` અવની એના પગલાની છાપ સુધ્ધા હાથ નોહતી લાગવા દેતી ..!!
વાઘણની એક પ્રકૃતિ છે, એના બચ્ચાને જણ્યા પછી બચ્ચા સરખા મોટા નાં થાય ત્યાં સુધી એ બીજા વાઘ અને એના જેવા બીજા હિંસક પ્રાણીઓથી પોતના બચ્ચાને બચાવવા માટે અત્યંત ગોપનીય સ્થળે જતી રહે છે..!!
અવની એ પણ એ જ કર્યું હતું ..!!
પણ અફસોસ કે એને પકડવા માટે `છળ` નો ઉપયોગ થયો..અવની ને પકડવા માટે જંગલ ખાતું કાયું કાયું થઇ ગયું હતું , છેક અમેરિકાથી બીજી વાઘણના મૂત્ર ના પરફ્યુમ મંગાવ્યા અને એ જંગલમાં છાંટી અને અવની ને પોતાના ગુપ્ત સ્થાનમાંથી બહાર કાઢી..!!
અવની તેર લોકોના મૃત્યુ માટે જવાબદાર હતી માન્યું ,પણ એને મૃત્યુદંડની જગ્યાએ આજીવન કારાવાસ આપી શક્યા હોત ..!!
આજે કોઈપણ પ્રાણી ને બેભાન કરી અને `પક્કડ` માં લેવાની અનેક ટેકનીક વિકસિત થયેલી છે, પણ કદાચ જંગલખાતું પેનિક થઇ ચુક્યું હતું..અને જંગલખાતાના માણસોમાં પેલી જૂની શિકારીવૃત્તિ જાગી ઉઠી હતી .. `આદમખોર` વાઘ ને ઠાર મારવો જ પડે..!!
કદાચ ગીરના સાવજ એટલે જ `સુધરી` ગયા છે…!!
ભૂલ ભૂલથી પણ માણસ ઉપર હુમલો નથી કરતા..
ગુજરાતી માણસ એને `કુતરા`ની જેમ રાખે તો પણ `બિચારો` ગીર નો ડાલમથ્થો એની મર્યાદા નથી ચૂકતો ..
એને ખબર છે કે આ માણસ નામના પ્રાણી ને જો ભૂલથી પણ `છેડ્યું` તો બસ મોત જ મળશે..!
*કેવી વિધાતાની વિડંબણા છે નહિ ..!!??*
*બિચારા જનાવર જેને ઘાસ પચતા જ નથી એ બાપડા ને પણ આ ભગવાનીયા એ `પેટ` દઈ દીધા..!!* *અને માણસ એ જાનવર ના પેટની આગ ઠારે એ `બધા`ને પોતાના મનની આગ ઠારવા મારી ખાધા..!!*
જીવનમાં થોડીઘણી વાર આ કેહવાતા જંગલી હિંસક જાનવર નો આમનો સામનો થોડીક મીનીટો માટે અમે પણ કર્યો છે..!!
લગભગ જે વર્ષે અધિક મહિનો હોય એ વર્ષે આ વર્ષની જેમ દિવાળી નવેમ્બરના પેહલા અઠવાડિયામાં આવી છે એક નવેમ્બર ના પેહલા અઠવાડિયામાં હોય, અને એ વર્ષની દિવાળીનું વેકેશન બને ત્યાં સુધી અમે જંગલમાં કરીએ ,*કારણકે જંગલખાતું અત્યારે છે એટલું `ભુખાવડું` ત્યારે નોહતું થયું..!!*
બહુ જ સ્ટ્રીકલી જંગલખાતું ત્યારે પેહલી નવેમ્બર સિવાય જંગલના દરવાજા નોહતું ખોલતું અને પોતાની જીપ્સી સિવાયની ગાડી તો હરગીઝ જંગલમાં ના જવા દે ..!!
*હવે તો દિવાળી આવી એટલે ભારતના તમામ જંગલોની બાહર રાજકારણીઓ અને સરકારી અધિકારીઓના રૂપિયે બનેલા રિસોર્ટ ના માલિકો દબાણ કરે અને જંગલના દરવાજા ઓક્ટોબરમાં ખોલાવી નાખે..!!* અને બહુ ધસારો વધે એટલે પ્રાઈવેટ એસયુવી ને પણ જંગલમાં રખડવા ની છુટ્ટી આપે.. પેલા રિસોર્ટ “ચલાવવા” ના ને..!!
વાઘ ને જોવા અમે રણથંભોર ,કાન્હા ,બાંધવગઢ ,અને જીમ કોર્બેટ માં ભ્રમણ કરી ચુક્યા છીએ..!!
અને રણથંભોર સિવાય બધે જ અમને વાઘે દર્શન દીધા છે..!!
બાંધવગઢમાં અઢાર વર્ષ પેહલા દુનિયાનો એ સમય નો મોસ્ટ હેન્ડસમ વાઘ બી-૧ અને મોસ્ટ ફોટોજેનિક વાઘ બી-૨ એ અમને દર્શન આપ્યા હતા..!
બી-૧ સરેરાશ વાઘની લંબાઈ અને ઉંચાઈ કરતા દોઢો લાંબો અને વજનદાર હતો વત્તા રૂપાળો હતો એના શરીરના વ્હાઈટ પટ્ટા એકદમ ચમકદાર અને પીળા પટ્ટા એકદમ સોનેરી હતા ..ખરેખર સોહામણો દીસતો હતો ..
જયારે બી-૨ મારો બેટો કેમેરા જોવે ને ફોટા પડાવવા ઉભો રહી જાય..!!
બાંધવગઢમાં મેં ત્રણ દિવસમાં છ જંગલ સફારી લીધી હતી અને દરેક ગાઈડનું કેહવું હતું કે દેખના હૈ તો બી-૧ ઔર ફોટો નિકાલના હૈ તો બી-૨ મિલના ચાહિયે..!!
એ સમયે બી-૨ ના સૌથી વધારે ફોટા આખી દુનિયામાં ફેલાયેલા હતા.. ભારત સરકાર અને મધ્યપ્રદેશ સરકારની તમામ વેબસાઈટ થી લઈને પોસ્ટર, દરેક જગ્યાએ બી-૨ ના જ ફોટા હતા ..
અને અમે જ્યારે એ `બી ટુ ડા` ને જોયો ત્યારે પણ મારો વાલીડો મસ્ત ખુલ્લા મેદાનમાં બેઠો બેઠો પચીસ જીપ્સીમાં બેઠેલા સો લોકો ને બગાસા ખાતો ,માખીઓ ખાતો ,પોતાના શરીરને ચાટતો , ઉભો થઇ ને આળસ મરડતો ,પૂછડી ઉંચી કરી ને ઉભો રેહતો ,એક આંખ બંધ કરી ને , ખાલી ખાલી ફ્ર્લાંગો ભરતો અને ઝાડની નીચી ડાળીએ ચડી અને ઉતરતો એવા બધા ઢગલાબંધ પોઝ બી-૨ આપતો હતો..
ખરેખર શંકા જાય કે મારો હહારો `જંગલી` છે કે `સર્કસવાળો` છે ..?
પણ એની આ બધી અદાઓ અને આદતે એને વર્લ્ડ ફેમસ કરી મુક્યો હતો .. પચાસ ટકા પરદેસી ફોટોગ્રાફરો બી-૨ ને કચકડે મઢવા જ આવતા હતા..!!
મને છ વખતની સફારીમાં બી-૨ ફક્ત એક જ વખત હાથ ચડ્યો હતો અને ત્યારે મારા ગાઈડે કીધું સા`બજી ઇસ કી અદાએ દેખીએ ,ઇસકે ફોટો તો ઈન્ટરનેટ પે બહોત મિલેંગે ..આપ દેખો ઔર એન્જોય કરો .. વાત સો ટકા સાચી હતી..આપણે તો નાના કેમેરા લઈને ગયા હતા ..કૈક લોકો પેલા મોટા મોટા ભૂંગળા વાળા કેમેરા લઈને આવ્યા હતા ,ખરા ફોટા તો એનાથી જ આવે એટલે આપણે તો બેચાર ક્લિક મારી ને પછી `બીટુડા` ની અદાઓ નો આનંદ લીધો હતો..!!
આજે બી-૨ કરતા વધારે ફેમસ અવની ઉર્ફે ટી-૧ થઇ ગઈ છે અને જંગલખાતા ને માથે કલંક થઇ ને ચોંટી છે અવની..!!
વાઘ અત્યંત ભૂખ્યો હોય અને કોઈ જ શિકાર ના મળે તો જ એ નરભક્ષી થાય..!!
અવની નરભક્ષી થઇ એનો મતલબ જ એ કે અવની ને ખોરાક જંગલ પૂરું ના પાડી શક્યું અને એના માટે વાંક આવે જંગલખાતાનો જ ..
અવની ની હત્યાનું પ્રાયશ્ચિત હવે એના નાના નાના બે બાળ વાઘને ઉછેરી ને જંગલ ખાતાએ કરવું જ રહ્યું ..!!
ચાલો દુઃખી મને વાઘબારસ ગઈ ..!!
*શ્રદ્ધાંજલિ અવની તને..મારો રામ તારા બાળુંડાં ના રખોપા રાખે..!! ને આવતા જન્મમાં પણ તને વાઘણ જ બનાવે..!!*
*મન ની આગ ઠારવા કોઈ જીવનું ભક્ષણ કરવું એના કરતા પેટ ની આગ ઠારવા જીવ નું ભક્ષણ કરવું સારું..!!*
શુભ રાત્રી
શૈશવ વોરા