સ્ટેચ્યુ ઓફ યુનિટી .. ભાગ બીજો..
ટીવી ઉપર ચર્ચાઓ જોઈએ છીએ અને શાસક પક્ષ એક સવાલ નો જવાબ ખાઈ જાય છે કે આ પુતળું બનાવવામાં ચીન દેશની મદદ કેટલી ..?
ઘણા મેસેજ એવા આવ્યા કે ભાગ્યે જ કોઈ ફ્રાન્સીસી હશે જેને એફિલ ટાવર ઉપર ગર્વ ના હોય , વગેરે વગેરે..!!
દુનિયાનું સૌથી ઊંચું પુતળું બન્યું છે..એ પણ ગુજરાતમાં, કોઈ દુઃખ લગાડવાની વાત જ નથી અને એમાં પણ સરદાર પટેલનું , ગુજરાતી તરીકે દિલમાં ટાઢક થાય, પણ પછી એમ પણ થાય કે સરદાર કે ગાંધી ગુજરાતી હતા ..?
જવાબ આવે ના ભાઈ, એમને આપણે તો એમને ક્યારનાય દેશ ને રાષ્ટ્રને સમર્પિત કરી ચુક્યા છીએ.. ખોટું ખોટું ગુજરાતી ગુજરાતી કરી ને એમના વિરાટ કદ ને નાનું કરવા નો શું મતલબ ..?
હવે વાત રહી પુતળું બનાવવામાં ચીન દેશ ની મદદ લેવાની..
તો એક હકીકતનો દુનિયા આખી એ સ્વીકાર કરવો રહ્યો કે દુનિયાભરમાં કોઇપણ જગ્યાએ કશું ક પણ જાયન્ટ બની રહ્યું છે કે કશું જાયન્ટ બન્યું છે તો એમાં ચીન દેશ ક્યાંક તો રેહવાનો જ છે..!!
ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે આપણે અમેરિકાને ફરી એકવાર ગ્રેટ બનાવીએ, એનો મતલબ જ થયો કે અત્યારે અમેરિકા ગ્રેટ નથી રહ્યું..!! જાયન્ટ વસ્તુઓ પેદા કરવામાં અમેરિકા ને પણ ક્યાંક ચીનની મદદ લેવી પડે છે..!!
ચીન આજે દુનિયાભરનું `પ્રોડક્શન હાઉસ` હોવાનો દબદબો ભોગવી રહ્યું છે…!
અમે ચીન દેશની ઘણી યાત્રાઓ કરી, હોંગકોંગના બારામાંથી સમુદ્રી જહાજ પકડીએ શેનઝેન જવા માટે એટલે અધધધ કન્ટેનર શીપસ ની મુવમેન્ટ દેખાય..
ચોક્કસ `જેએનપીટી` જ યાદ આવે, પણ આંખ જે જોતી હોય એનો પણ સ્વીકાર તો કરવો જ રહ્યો..!! મુઆ દરેક વસ્તુ જાયન્ટ બનાવે છે ..!
આપણને આપણા રાજનેતાઓ સપના દેખાડે એક એમ કહે કે મુંબઈ ને શાંઘાઈ બનાવીશું અને બીજા એમ કહે કે આપણી હરીફાઈ હવે ચીન અને જાપાન જોડે છે..!!
મારા જેવા એમ જ વિચારે કે કેમ આ લોકો આવું બોલતા હશે ..? ખરેખર આ લોકો એટલા અજ્ઞાની કે અબુધ છે ? કે પછી આપણને મૂરખ જ સમજે છે..?
જે કંપની એ શાંઘાઈ બનાવ્યું હતું એ જ કંપનીએ બેંગકોક બનાવ્યું છે અને જો ખરેખર નિયત હોય ઈમાનદાર પ્રયત્ન કરવા નો હોય તો મુંબઈ શાંઘાઈ ના બને તો ચાલશે, યાર બેંગકોક બનાવી દો પ્લીઝ..!! (ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની રીતે)
અને રહી વાત ચીન કે જાપાન જોડે હરીફાઈ કરવાની ..
કેમ..?
આપણે કોઈ નવો ચીલો ના ચાતરી શકીએ.. સદીઓ થી આપણે શું કોઈ ની હરીફાઈ કરતા આવ્યા છીએ ..?
આપણા હાથના હુન્નર ને મારી નાખતા પણ બ્રીટીશર ને બસ્સો વર્ષ લાગ્યા..!!
શિલ્પ અને સ્થાપત્ય શું આપણો `એરિયા` નથી..?
ગંધાર થી રંગુન અને કૈલાસ થી કન્યાકુમારી સુધીના અનેક શિલ્પો ચિલ્લાઈ ચિલ્લાઈને બોલી રહ્યા છે કે અમે પણ છીએ..!!
અરે દૂર ક્યાં જવું, ખાલી કાલુપુર સ્ટેશન જઈએ તો ઝુલતા મિનારા લઇ લ્યો ..
ચાઇનીઝ ટેકનોલોજી છે ? જાપાનીઝ ટેકનોલોજી છે ?
સવાલ નિયત નો છે,
અને આવા સ્થાપત્યો હમેશા રાજા કે બાદશાહ જ બનાવી શકે એટલે આજના જમાનામાં સરકાર એ કરવું રહ્યું..!!
૩૦૦૦ કરોડ ખર્ચ્યા , ઠીક છે..
ચાલો હવે કોઈ બીજા આવા બે પાંચ હજાર કરોડ બાજુ પર મુકાશે ..?
હું તો બાર મહીને બાર વાર ધ્રાંગધ્રા વટી ને કચ્છ જાંઉ છું, અને મને તો હજી સોમપુરાઓ ના હથોડી, ટાંકણા અને કાંડાના કૌવત ઉપર ભરોસો છે..!!
કરો જાહેરાત…એક મોટું સ્મારક આઝાદીના પંચોતેર વર્ષ પુરા થાય છે તો બનાવવાનું..
કરાવો બેનમૂન કારીગરી સોમપુરાઓ જોડે, અને વાપરો દિલ દઈને ધ્રાંગધ્રા ના પત્થર..!!
કરો ધુમાડાબંધ ખર્ચા..
અરે આ દેશમાં કારીગરો પણ પાછા નહિ પડે..દેલવાડાના દેરા વસ્તુપાળ તેજપાળ એ બનાવ્યા તો એના કારીગરો એ પણ મફત એક દેરું ઉભું કરી મુક્યું..!!
આ દેશની માટીની આ ખાનદાની છે..!!
આવે મલક આખું ચાઈના અને જાપાનથી કે પત્થર પણ ગીત કેવા ગાય છે મારા દેશમાં..!!
મદુરાઈમાં પાછલી સદીઓમાં બનેલા પેલા સંગીતમય થાંભલા જોયે છે..? મેં તો વગાડ્યા છે ..!!
અહિયાં આ દેશમાં તો જલ તરંગ ,લોહ તરંગ ,કાષ્ઠ તરંગ છે એમ સ્તંભ તરંગ પણ છે..!!
પથરા પણ એવા કંડારાય છે કે સેહજ એની ઉપર `આઘાત` થાય ને તો સૂરમાં બોલે..!!
વગર `એલ એન્ડ ટી` એ અનેકો અનેક કિલ્લા અને મહાલયો આ દેશમાં ઉભા થયા છે..!!
આ તો `એલ એન્ડ ટી` ને કોન્ટ્રકટ આપ્યો અને એણે સબ કોન્ટ્રકટીંગ કરું મુક્યું..!!
શિવાજી મહારાજની પ્રતિમા હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ મોટી થવાની છે.. એલ એન્ડ ટી ને વિનતી કે શીખી લીધું હોય તો સબ કોન્ટ્રકટીંગ ના કરશો..!!
હમણાં ગયા મહીને બેંગ્લોર એક એક્ઝીબીશનમાં હતો.. એક ચીનો “પટાવ્યો ” હતો, સારો દોસ્ત બની ગયો હતો .. મારો સવાલ હતો કે તમે દરેક ટેકનોલોજીનું ક્લોનીગ કેવી રીતે કરો છો ? તમને કોણ મદદ કરે છે ..?
બિચારો નિખાલસપણે બોલી ગયો અમારી યુનિવર્સીટી..!!!
યુનિવર્સીટીના પ્રોફેસર્સ અને યુનિવર્સીટી ની લેબોરેટરી..!!
રખિયાલ,ઓઢવ ,નરોડા ,વટવા,ચાંગોદર, છત્રાલ ,કઠવાડા અમદાવદની પેરીફરીની બધી જ જીઆઇડીસી ઓ છેલ્લા પચ્ચીસ વર્ષથી ફરું છું ..હજ્જારો કારખાના જોયા પણ એકપણ કારખાનામાં આજ સુધી ગુજરાત યુનિવર્સીટી નો એકપણ પ્રોફેસરને જોયો નથી અને ગુજરાત યુનિવર્સીટીમાં એકપણ ઉદ્યોગકાર ને કોઈ પ્રોડક્ટ લઈને જતો જોયો નથી ..!!
ચાઈનાથી ઈમ્પોર્ટ કરેલી ફલાણી પ્રોડક્ટ મારે દેશમાં બનાવવી છે પ્રોફેસર સાહેબ મદદ કરો .. તમારી લેબોરેટરી ખોલો ..!!
હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે દેશભરમાં વેહચવામાં આવતી પીએચડી ની ડીગ્રી ..માઈન્ડ વેલ વેહચવામાં આવતી શબ્દ વાપરું છું .. (વેચવું એટલે પૈસા લઈને કશુક આપવું અને વેહચવું એટલે મફત ..) દેશભરમાં વેહચવામાં આવતી પીએચડી ની ડીગ્રીમાં લગભગ ૭૨ ટકા થીસીસમાં નાના મોટા ફેરફાર કરીને આપી દેવામાં આવે છે અને એના માટે તપાસ બેસાડવામાં આવી છે..!!
બોલો હવે ..??
બ્રીટીશરો એ મારી નાખેલા હાથના હુન્નર ને ફરી પેદા કરવો જ રહ્યો અને નવી ટેકનોલોજી ઉપરની બીજી ટેકનોલોજી ને જન્મ આપવો રહ્યો..!!
એમએસએમઈ ઉપર એક બ્લોગ લખ્યો હતો અને ખાસ્સો વાઈરલ થયો હતો.. આજે સાડા ચાર વર્ષે સરકાર જાગી છે આવતીકાલના છાપામાં વાંચી લેજો..
મારે કોઈ પ્રકારનો જશ નથી જોઈતો કે લેવો..હું ખિસકોલી છું અને રહીશ..!
આખા ભારતવર્ષમાં ચારે બાજુ `સેતુ` ઉભા કરવા ના છે..!!
મારો હક્ક પણ છે અને ફરજ પણ છે ટીકા કરવાનો કે સરદારના પુતળામાં ચીનાઓનો હાથ રહ્યો છે તો શિવાજી મહારાજની પ્રતિમા ઉભી મારો દેશ `જાત્તે` ઉભી કરે, નહિ કે સબ કોન્ટ્રકટીંગ ..!!
જય હિન્દ
જય હિન્દ કી સેના
શુભ રાત્રી
શૈશવ વોરા
આધાર લીંક :- https://indianexpress.com/article/india/india-news-india/statue-of-unity-to-be-made-in-china-gujarat-govt-says-its-contractors-call/