બાબુમોશાય ઝીંદગી બડી હોની ચાહિયે લંબી નહિ…
આનંદ ફિલ્મનો ડાયલોગ બિલકુલ ફીટ બેસે છે તમિલ મહાનાયિકા જયલલિતા માટે..
બાળપણથી એકલતામાં મોટા થયેલા જયલલિતા ફક્ત અડસઠ વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કહી ગયા..
આમ જોવા જઈએ તો આજના જમાનામાં અડસઠ વર્ષ એ મરવાની ઉંમર નથી અને એ પણ જયલલિતા જેવી હસ્તિ માટે..જેમના માટે દુનિયાની તમામ સવલતો હાજર છે એવી વ્યક્તિ ફક્ત અડસઠ વર્ષની ઉંમરે એક્ઝીટ લઈલે એ થોડું કઠે..!
ક્યા રોગ હતા એમને..? શું તકલીફ હતી ? આવા ઘણા બધા સવાલો થાય પણ આવા સવાલોના જવાબ ક્યારેય મળવાના નથી..!
પેહલી નજરે એવુ લાગે કે ઓવર વેઇટને કારણે થતા બધા જ રોગો એમને હશે, અને એ જ રોગો એમનો જીવ લઈને ગયા હશે, મારા પપ્પા હમેશા એમના દરેક પેશન્ટ ને કહે છે કે જાડુ શરીર બધા રોગની માં..!
જયલલિતા જીવનભર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા અને મૃત્યુ પછી પણ એમની અંતિમવિધિ વિવાદોમાં સપડાઈ..એમના અગ્નિસંસ્કારની બદલે એમની દફનવિધિ કરવામાં આવી..!
કોઈ આધિકારિક રીતે અંતિમવિધિનું સ્પષ્ટીકરણ આવ્યું નથી અને કદાચ ક્યારેય આવશે પણ નહિ..
ઘણું બધું લખાયું અને હજી લખાતું રેહશે એમની જિંદગી વિષે અને કદાચ એક સુપર હીટ ફિલ્મનો પ્લોટ છે જયલલિતાની જીવની..દરેક ટીવી ચેનલો એક જ ન્યુઝ બતાડી રહી છે અને ભાવનાઓના મહાસાગર દેખાડાઈ રહ્યા છે..!
એકના એક કલીપીંગ્સ બધી ચેનલો ઉપર ફરી રહ્યા છે અને જુદા જુદા શબ્દોને ફેરવી ફેરવીને બતાડાઈ રહ્યા છે..
જયલલિતાની એક લોકપ્રિય સ્કીમ અમ્મા કેન્ટીન..
જયલલિતાની અમ્મા કેન્ટીન, જેમાં પાંચ રૂપિયામાં પેટ ભરીને જમવાનું આપવામાં આવે છે.. આ અમ્મા કેન્ટીન નો આઈડિયા આજ સુધી બીજા કોઈ જ રાજ્ય એ અપનાવ્યો નથી, કદાચ એવું પણ હોય કે રાજ્ય સરકારોને બજેટની તંગી હોય પણ ગુજરાતમાં આવી કેન્ટીન કરાવવી હોય તો પીપીપી મોડેલ પર કામ કરી શકાય એમ છે..
આવી પાંચ રૂપિયામાં જમાડવાની કેન્ટીનો માટેની જગ્યા સરકાર આપે ચલાવવાની જવાબદારી કોર્પોરેટ ઘરાના લે અને ત્રણ દરવાજાની બહાર આવેલી મુસાની હોટેલો જેમ ગરીબો લાઈનોમાં બેઠા હોય છે અને કોઈ નાનો દાની આવે અને અમુક રૂપિયા આપે અને પાંચ સાત લોકોને હોટેલવાળો જમાડવા અંદર લઈલે અને જમાડી દે.! બસ આ જ રીતે કેન્ટીનમાં પણ કોઈ દાની આવીને ગરીબોને જમાડી જાય..
વિજયભાઈ રૂપાણી માટે મુઠ્ઠી ઊંચેરા સાબિત થવા માટેની એક બહુ મોટી તક છે આવી અમ્મા કેન્ટીન..આખી કેન્ટીન જો ઉભી ના કરી શકાય તેમ હોય તો બિલાડીના ટોપની જેમ ઉભા કરવામાં આવેલા અમુલના ડેરી પાર્લર પરથી કોઈ એક દસ રૂપિયાનું સબસીડીવાળું ફૂડ પેક લોન્ચ કરી અને મૂકી શકાય જે સમાજના લોકો જ ખરીદી અને સમાજના જરૂરતમંદ લોકોને પોહચાડી દેશે..!
નાના પાયેથી લઈને મોટા એવા દાનવીરોની કમી ગુજરાતમાં નથી..આવી કેન્ટીન કે ફૂડ પેક માટે અક્ષય પાત્ર,સ્વામીનારાયણ સંસ્થાન ,જૈન ભોજનશાળાઓ અને આવા બીજા ઘણા ધાર્મિક સામાજિક સંગઠનોની મદદ લઇ શકાય તેમ છે..
બીજું અમ્મા મિનરલ વોટરની જેમ નર્મદા મિનરલ વોટર પણ સસ્તા ભાવમાં મૂકી શકાય તેમ છે, છેક અમદાવાદ સુધી નર્મદાનું ૫૦ ટીડીએસનું પાણી આવી ગયું છે ખાલી પેકિંગના જ રૂપિયા ચડવાના છે, પાણી તો નર્મદાનું મફત છે..
દરેક એસટી ડેપો અને એમટીએસ અને બીઆરટીએસ પર મુકીને ઉનાળે લોકોની આંતરડી ઠારી શકાય તેમ છે..! પચાસ રૂપિયાની એસટીની ટીકીટ જોડે એક નાની ૨૦૦ એમએલની બોટલ ફ્રી આપી શકાય..
બીજી પણ એક પોલીસી જયલલિતાની ખુબ પ્રશંનીય હતી એ એમની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી.. તમિલનાડુ સામાજિક રીતે સિંગાપુર મલેશિયા અને બીજા અગ્નિ એશિયાના દેશો જોડે સારી પેઠે જોડાયેલું છે અને એનો લાભ સારી પેઠે ઉઠાવ્યો..
મહરાષ્ટ્ર પછી બીજા નંબરે ઓટો ઇન્ડસ્ટ્રી,આઈટી અને ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડસ્ટ્રીને પ્રેક્ટીકલી ખેંચી ને લાવ્યા..
નોકિયા જો પ્રોપરલી જીવી ગઈ હોત આજે એકલી નોકિયા જ તમિલનાડુને દુનિયાના નકશામાં એક જુદી જગ્યા અપાવી હોત..
ગુજરાત ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડસ્ટ્રીઝને ખેંચવામાં બિલકુલ મોળુ પડ્યુ છે, પ્રાંતિજનો સેમી કંડકટર પ્લાન્ટ જન્મ્યો તે પેહલા મરી ગયો, ઓટોમાં નેનો પ્લાન્ટ ડચકા ખાઈ રહ્યો છે ફોર્ડ અને મારુતિ ઉપર બહુ મોટો આધાર છે હવે..
અભિનેતામાંથી નેતા બનનારા લોકો દુનિયાભરમાં છે પણ જયલલિતાની સ્ટોરી અલગ છે અને આવી વય્ક્તિઓની કારકિર્દી જયારે પીક પર હોય એક્ઝીટ આવે ત્યારે તેમની વિદાય ભવ્યાતિભવ્ય હોય છે..
વારસદાર વિનાના અમ્માનો વારસો લેવા માટે યાદવાસ્થળી થવાની એ તો નક્કી છે.. કોંગ્રેસી “યુવરાજ” અને ભાજપી “રાજાધિરાજ” બંને પોતાની મક્કમ હાજરી મૈણામાં પુરાવતા આવ્યા છે..
આમ પણ હવે રાજકારણ ને છોડો તો મોટા મોટા ઘરોથી લઈને મધ્યમ વર્ગમાં પણ હવે સ્વજન બેસણા એ શક્તિ,પૈસા કે સત્તા પ્રદર્શનનું આજકાલ થઇ ગયું છે..
બેસણું યુનિવર્સીટીના કન્વેન્શન હોલમાં હોય એટલે સમજવું કે બેસણું ઇવેન્ટ મેનેજરને હવાલે કરવામાં આવ્યું છે, “ભવ્યતા” ચોક્કસ જોવા મળશે..
આપણા દેશની પરંપરા રહી છે જીવતા નેતા લાખના અને મરેલા સવા લાખના.. એટલે જયલલિતા જેવો ભવ્ય વારસો હેન્ડકેશ કરવા માટે હોડ જામશે
જોવાનું એ રેહશે કે શરૂઆત ક્યારે અને કોણ કરશે..
કે પછી એમજી રામચન્દ્રનના મૃતદેહની પાછળ એકવીસ કલાક ઉભા રહીને જેમ જયલલિતાએ એમનો વારસો કલેઈમ કર્યો અને મેળવ્યો એમ શશીકલાજી એ જયલલિતાજી ની અંતિમક્રિયા કરી અને વારસો કલેઈમ કરી લીધો છે..?
જવાબ સમય જ આપશે, હિન્દુસ્તાનની ઈતિહાસ કહે છે કે વારસો ગમે તેટલો મોટો હોય પણ વારસદારમાં પાણી ના હોય તો બહુ જલ્દી બધું ફનાફાતિયા થઇ જાય છે..
વારસા માટે મને નરેન્દ્ર મોદીના શબ્દો બહુ ગમે છે “મારો વંશ હું છું અને મારો વારસ પણ હું જ છું”
બહુ સાચી વાત છે હું સો ટકા એગ્રી છું..
“મારો વંશ હું છું અને મારો વારસ પણ હું જ છું”
કેમકે વારસો આપ્યો અપાતો નથી અને લીધો લેવાતો નથી, “યોગ્યતા” એ એક જ માપદંડ છે વારસો સ્વીકારવા કે આપવા માટે..
આશા રાખુ હિન્દુત્વના સમર્થક એવા જયલલિતા માટે આજે RIP લખીશ તો કોઈ હિંદુવાદી વાંધો નહિ ઉઠાવે..
RIP જયલલિતા
શુભ રાત્રી
શૈશવ વોરા