એ ભાઈ તમે મહેશ શાહને ઓળખો..?
હા ઓળખુ ને..!
પેલા તેર હજાર આઠસો કરોડવાળા મહેશ ભાઈને..?
એ ના..ના..ના ભાઈ અમારા વાળા મહેશભાઈ એ નહિ હો..!
અમદાવાદમાં રેહતો હોય અને એને તમે પૂછો કે મહેશભાઈ શાહને ઓળખો જવાબ ચોક્કસ “હા” માં જ આવે, દરેકની ફોનબુકમાં મીનીમમ એક મહેશ શાહ તો હોય જ…!
પણ બાકી આ “મહેશ શાહ” એ તો બહુ કરી યાર, તેર હજાર આઠસો કરોડ જાહેર કર્યા..! ટોક ઓફ ધ ટાઉન..
મારા જેવા કેટલાય લોકો ને એમના જીવતર પર ફિટકાર જાગ્યો હશે અને કૈકના બૈરાએ ગાળો આપી હશે જુઓ જુઓ રૂપિયા તો આમ કમાવાય અને તમે જુવો અઢી લાખ લઈને બેંકમાં ભરવા નીકળ્યા હતા એ પણ લોકરમાંથી કાઢીને..અને એમાં પણ પાછુ કોઈને કેહવાય એ નહિ કે અમારે તો અઢી લાખ પણ પુરા નોહતા થયા..!
ખરેખર મધ્યમ વર્ગ અને ઈમાનદારીથી નોકરી કરતા લોકોને મોદી સાહેબે ક્યાંનાય ના રાખ્યા એક તો અઢી લાખ ભરી દો અને બીજું ૫૦૦ ગ્રામ સોનું,
સાલું પચાસ તોલા સોનુ..કકળાટ મચી ગયા છે એફડી તોડાવી ને ૫૦૦ ગ્રામ સોનું લેવડાવશે બૈરા..! અને દાઝ્યા પર ડામ આપ્યો આ મહેશ શાહએ..
ગુ.છો.શાહના લેખમાં આવતા મીંડા જેવી વાત થઇ ગઈ,મારા તમારા જેવા માટે તો એક કરોડ રૂપિયા કેશ જોવા એ જ બહુ મોટી વાત થઇ જાય અને આ તો તેર હજાર આઠસો કરોડ..!
મહેશ શાહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે છે કે સડસઠ વર્ષના ઈન્ટેલીજન્ટ માણસ છે કોઈ સનકી માણસ નથી.! અને જમીનો નો ધંધો છે..
મારા જેવાને સવાલ થાય કે પણ યાર આવું થાય કેવી રીતે..? રસ્તે જતો માણસ એમ કહી દે કે મારી પાસે અમુક હજાર કરોડ છે એટલે ઇન્કમટેક્ષના અધિકારીઓ માની લે..?
મારા જેવો તો એના ચપ્પલથી લઈને અન્ડર વેરની બ્રાંડ સુધ્ધા ચેક કરી લે પછી કોઈને કરોડ રૂપિયા જાહેર કરવાનું ફોર્મ આપે..! અને આ તો તેર હજાર આઠસો કરોડ અને પાછા ઇન્કમટેક્ષ ઓફિસરો કહે કે સાહેબ પેહલો હપ્તો ટેક્ષનો ભરી જાવને પ્લીઝ..!
અલ્યા આ તો કાળા નાણાને જાહેર કરાવવાના ઉત્સાહના અતિરેકમાં ક્યાંક બહુ મોટું કાચું કપાઈ ગયું છે અને ક્યાં તો પછી હિમશિલાની ટોચ છે અને મહેશ શાહ કોઈ એક મોહરું છે અને પાછળ કોઈ મોટ્ટા રાજા રમત રમવાના હતા..
સવાર સવારમાં છાપુ ખોલ્યું અને લગભગ રાડ ફાટી જતા રહી ગઈ..અને મગજ ડોફરાઈ ગયું કે યાર છેંતાલીસ વર્ષ અમદાવાદમાં કાઢ્યા, કોઈ રસ્તો અને ખૂણો નાં જોયો હોય એવું નથી અને તો પણ મેં આવડા મોટા “મહાત્મા”નું મેં નામ પણ ના સાંભળ્યું..! ધિક્કાર ધિક્કાર..તેર હજાર આઠસો કરોડ જાહેર કરનારા આસામી એક ફ્લેટમાં રહે છે..!
અહો રૂપમ અહો ધ્વની..
લગભગ અમદાવાદના મોટાભાગના “કોટ્યાધિપતી” લોકોના દુરથી તો દુરથી પણ દર્શન જરૂરથી કર્યા છે, પણ આ કેસ જોઈને તો સાવ ડીપ્રેશન આવી ગયું કે શૈશવ તને એટલી પણ ખબર નોહતી કે આ કુબેર ભંડારી ખજાનો લઈને ક્યાં સંતાયા હશે..?
સાલુ અમદાવાદની એકેય ક્લબની કમિટીમાં પણ પ્રભુનુ નામ નહિ..!
ધન્ય ધન્ય કેહવાય સિમ્પલ લીવીંગ અને હાઈ થીંકીંગ..
પણ “દાવ” જોરદારનો થઇ ગયો છે ટોટલ એક લાખ પાસઠ હજાર કરોડ આઈડીએસમાં જાહેર થયા અને એમાંથી એકલા મહેશ “કાકા” ના લગભગ ચૌદ હજાર કરોડ..!
“મહેશકાકા” જેવા બીજા ચાર પાંચ જો આઈડીએસમાં હશે તો તો ગજબ નો ફજેતો થઇ જશે આઈડીએસનો..!
કાળું નાણું..કાળું નાણું.. ચારે તરફ એક જ વાત ચાલી છે..રોજ એકાદો નવો કાયદો અને નવું કૌભાંડ..
જુગાડ,તોડ અને દરેકના રસ્તા શોધવાવાળી જનતાને સીધા ટ્રેક પર લાવવાનું ભગીરથ કામ હાથ પર લીધું છે..હજી કેટકેટલા “મહેશ શાહ” મળશે..!
આંગડીયા પેઢીઓ ખુલતી નથી અને બહુ બધા લોકોની ધડકનો હવે વધતી જાય છે, ઊંટ કઈ બાજુ બેસશે એની ખબર પડતી નથી, ફક્ત અને ફક્ત રોકડાના ધંધા કરવાવાળા ધંધાદારીઓનું ધીમે ધીમે ડીપ્રેશન વધતું જાય છે, કૈક રોકડાના ધંધા કરનારા દિવાળી પેહલા આંગડીયામાં રૂપિયા જમા કરાવીને બહારગામ ફરવા ગયા હતા અને પાછા ઘેર આવ્યા ત્યારે ધબધબાટી બોલી ગઈ..!
ઉપર ઉપરથી બધું બરાબર હોવાનો દાવો કરતા અનેક લોકો ના બ્લડ પ્રેશર હાઈ થતા જાય છે..!
સેટિંગ કરનારા ઉપર ગાળિયો કસાઈ રહ્યો છે..આજ રાતથી પેટ્રોલ પમ્પો પાંચસોની નોટ્સ નહિ લે, દેશભરના પૈડા કેટલા દિવસ અને કેવી રીતે જેટલી સાહેબ હવે ફેરવે છે એ જોવું રહ્યું..
કેશલેસ ઈકોનોમી થશે તો એક ઝાટકે થશે તો થશે નહિ તો પછી હરિ હરિ..!
બે દિવસથી બેંકોમાં કેશ નથી,જબરજસ્ત હાડમારી ચાલી રહી છે..ઢગલો ડેબીટ કાર્ડ બેંકો એ ડીસ્પેચ કર્યા છે, પણ ખિસ્સામાં પડેલા રૂપિયાની ગરમીની ટેવ જતી નથી,વળી વળીને મન પાછું ખિસ્સામાં કેશ શોધે છે..
મારા જેવા પાસે તો ક્રેડિટકાર્ડ ઘણા છે, ઇન્ડિયન ઓઈલ સીટી બેંકનું કાર્ડ વાપરી અને પોઈન્ટ ભેગા કરીને વર્ષે દા`ડે દસ બાર હજારનું મફત પેટ્રોલ અમે વાપરી ખાતા હતા એમાં અચાનક બધી ક્રેડિટકાર્ડ બેંકોઓ એ હલકાઈ કરી પેટ્રોલ ભરાવા પર પોઈન્ટ નહિ મળે..મફતનું પેટ્રોલ બંધ,સો રૂપિયે બે રૂપિયાનું મફત પેટ્રોલ બંધ
ક્રેડિટકાર્ડ વાળાઓને ધંધો સામેથી મળ્યો એટલે ગરજ સરીને વૈદ વેરી..!
કેશલેસ ઈકોનોમીના ઘણા ત્રાસ છે, એકદમ ચોકન્ના રેહવું પડે નહિ તો આખું ખાતું કે હોય એટલી બધી લીમીટો “ભમ” થઇ જાય અને કંપનીઓ રૂપિયા લીધે જ છોડે..અને કેશલેસ ઈકોનોમી માટે બે વસ્તુ બહુ જ જરૂરી છે એક ઇલેક્ટ્રિકસીટી અને બીજું કનેક્ટિવિટી..
અને આ “બે” ના હોય તો પછી બાર્ટર સીસ્ટમ..
એ પેલે બાઈણી.. પ્યલા બઈણી.. જુના કપડા આપીને વાસણો લેવાના અને વાસણો આપીને શાક..!
ભાઈ,
મને યાદ હોય એવો બાર્ટર બીઝનેસ તો એક જ છે આ પ્યલા બઈણી..એટલે આવું એકઝામ્પલ આપ્યું..!
એ હા એક લાઈટ સવાલ
ઘરમાં વેચાતી પસ્તીનું પેમેન્ટ જો કેશલેસ લઈએ તો એને ડાયરેક્ટ ઇન્કમમાં ગણવાની કે ઇનડાયરેક્ટ ઇન્કમ..?
આવતા વર્ષની બેલેન્સશીટ માં તો અચ્છા અચ્છા સીએની વાટ લાગી જવાની છે..!
અને હા પૂરું કરતા પેહલા તેર હજાર આઠસો કરોડવાળા મહેશ કાકા જોડે જેટલા લોકોની છેલ્લા બે અઠવાડિયામાં ખાલી કેમ છો કેમ નહિની પણ વાત થઇ હશે એ બધાને અત્યારે નિંદ્રાદેવી ગાયબ હશે..
મારા ઓળખીતા બધા મહેશ શાહ એમના ઘેર જ છે, એટલે બધાને
શુભ રાત્રી
શૈશવ વોરા