શનિવારે રાત્રે “બજાર” થોડી “નવરી” હતી, અને ઘરની બહાર હિંચકે વાયરો ઠંડો હતો, હિંચકે બેઠા બેઠા વિચાર આવ્યો ચાલો રીવર ફ્રન્ટ જઈએ,
પત્નીજીની અને દીકરીઓની આજે પરીક્ષા હતી, એટલે આગલી રાતના એ બધા જાગેલા અને શનિવારે રાતે ઊંઘવાના ફૂલ મૂડમાં હતા,
આપડા માટે મોકો હતો રખડવાનો અને મને એક ઘાતકી વિચાર આવ્યો રીવર ફ્રન્ટની પાળીએ બેઠા બેઠા મેહફીલ જમાવીએ તો..? દારુની નહિ ભાઈ સૂર ની …!
વિચારનો અમલ થયો,વાંસળી વાદક મિત્ર કૌશલને ફોન લગાડ્યો એનઆઈડી આવી જા અને તારું હથિયાર જોડે લેતો આવજે..ઓડીયન્સમાં એક જીમનો પેહલવાન લીધો..! એક બોસ(બોઝ) નું ફુલ્લ ચાર્જ કરેલુ બ્લ્યુટુથ સ્પીકર નાખ્યુ ગાડીમાં અને પોણા દસ વાગતા પોહચી ગયા રીવર ફ્રન્ટે..!
પેહલા તો શાંત જગ્યા શોધવા ચાર પાંચ કિલોમીટરનું પેટ્રોલ બાળ્યું પછી એક જગ્યા માંડ મળી..
ફોનમાંથી તાનપુરાની એપ ખોલી અને કાળી ત્રણનો ષડજ અને પંચમ સ્પીકરથી હવામાં રેલાવ્યા..સમો બંધાઈ ગયો..!
કૌશલે એની વાંસળીમાં ચારૂકેશી છેડ્યો..પછી વારો આવ્યો બાગેશ્રી નો અને છેલ્લે ભૈરવી..ઓડીયન્સમાં એક એકલો પેહલવાન જ હતો, એટલે આપણે પણ ગળું ખંખેરી લીધુ..
મોજ આવી ગઈ..ઉધારના સિંદુરે સોહાગણ દીસતી સાબરમતી અને એના લેહરાતા પાણીમાં સામે ના છેડેથી પડતી લાઈટના પ્રતિબિંબ, આંખમાં સીધો જ ઘુસી જતો ધીમો ધીમો વા`તો વાયરો અને કાનેથી મનમાં ઉતરતા વાંસળીના સૂર..માંહ્યલો તરબતર થઇ ગયો..!!
રાતના સાડા અગિયાર થયા પણ રીવર ફ્રન્ટની પાળી છૂટતી નોહતી..!
કૌશલ પણ મારી જેમ પાક્કો અમદાવાદી છે અને કોરી ધાક્કોર સાબરમતીને જોઈ જોઈ ને મોટો થયો છે..
અમે બંને મિત્રો મનભરીને સાબરમતીને માણતા હતા,પેલો પેહલવાન ટીંડર પરથી પટાયેલી કોઈ જોડે ફોન પર ચેટીંગમાં મચ્યો હતો..
અને કૌશલે મને સવાલ પૂછ્યો યાર શૈશવ વીસ પચ્ચીસ વર્ષમાં આ રીવર ફ્રન્ટ પર ત્રીસ ચાલીસ માળના બિલ્ડીંગ બંધાઈ જશે..?
ત્યારે તો મેં જવાબ આપ્યો ના ભઈલા ના મેળ પડે કેમકે રીવર ફ્રન્ટની જમીનની બેઇઝ વેલ્યુ જ એક લાખ રાખી છે અને નીચે નદીની રેતાળ જમીન છે એટલે પાયાનું પાઈલિંગ કરવાનો ખર્ચો એક વારે લાખ રૂપિયા બીજો આવે, એટલે કોઈ રીતે અત્યારની માર્કેટ પ્રાઈઝ પર વાયેબલ થાય તેમ નથી..!
કૌશલ બોલ્યો એટલે આપણે આપણી જિંદગીમાં તો સપના જ જોવાના ને..!
મેં કીધુ હા દોસ્ત એવું જ કૈક..!
પાળીએ ઉભા ઉભા અમે જોયું નીચે એકાદ કપલ આંટા મારતુ હતુ,ચાર પાંચ છોકરા રીવર ફ્રન્ટની નીચે લાઈટમાં ભણતા હતા (એવું હરગીઝના માની લેતા કે ગરીબ છોકરા હશે અને એમના ઘરે લાઈટ નહિ હોય, એ જમાનો ગયો હો ભાઈ બધા પાસે મોબાઈલ હતા અને બધા બાટલીઓ લઇને આવેલા,અમુલના દૂધની યાર) સારા વાતાવરણ નો લાભ લેવા આવ્યા હતા ફોટા બ્લોગ પર મુક્યા છે..!
પણ પછી વીસેક મિનીટ એ જ પાળી પર હું બેઠો રહ્યો જોતો રહ્યો વિચારતો રહ્યો..
અને પછી વિચાર એ આવ્યો કે ખરેખર રીવર ફ્રન્ટ ઉપર ત્રીસ ચાલીસ માળના બિલ્ડીંગ બની જાય તો ..? અમદાવાદ પાસે ખરેખરી સ્કાય લાઈન આવી જાય તો..?
દુનિયાભરના ઘણા બધા મોટા શેહરો જોયા ટોક્યો થી પેરીસ..વર્ટીકલ(ઉભું) વધેલુ સીટી કેવુ ..? એની જિંદગી કેવી..?
નકરા હડીયાપાટા જ હોય..!
એક જબરજસ્ત મોટા ઉભા અને સીધા ત્રીસ માળીયામાં કેટલા બધા લોકો ભરાય? એનો ટ્રાફિક અને એને ખાળવા મેટ્રો અને બીજી પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને પછી જોડે આવે મેટ્રો સીટીના ન્યુસન્સ..
મારું મન પ્લસ માઈનસ કરવા લાગ્યુ ..
ખરેખર અમદાવાદ વર્ટીકલ સીટી થઇ જાય તો શું મળે અને શું ગુમાવે..?
અમદાવાદનું પેહલુ બહુમાળી મકાન અપનાબજાર મારી આંખ સામે થયુ, પેહલુ બહુમાળી કોમર્શિઅલ બિલ્ડીંગ “પુષ્પક” ખાનપુરમાં ,પેહલુ બહુમાળી રેસીડેન્સ બિલ્ડીંગ “ફિરદોસ” મારી આંખ સામે ખાનપુરમાં થયુ..
દસ માળિયા મકાનોની લીફ્ટ એ પણ એ સિત્તેરના જમાનામાં અજુબો હતો પણ અમદાવાદી માનસ એ સ્વીકારી લીધી..સાહીઠના દાયકાનું અંતિમ ચરણ અને સિત્તેરના દાયકાની શરૂઆત.!
ખાનપુરમાં ઉભા થયેલા બહુમાળી મકાનો એ અમદાવાદની આગવી ઓળખ એવી માયા અને પ્રેમ બંનેને પકડી રાખ્યા..!
એક એક માળ પર આઠ આઠ ફ્લેટ અને એકે એક ફ્લેટના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા..! આડોશ પાડોશના વાટકી વ્યવહાર જીવતા રહ્યા..!
પણ હવે જો દસ માળીયા જાય અને ત્રીસ માળીયા મકાનો આવે તો..? અમદાવાદીએ ના જોયેલા બધા રંગ જોવા પડે અને મેટ્રો સીટીના બધા જ ન્યુસન્સ અમદાવાદે મને કે કમને અપનાવવા પડે કોઈ ઓપ્શનના બચે..
એક કુતરા કરતા ખરાબ જીવન સામાન્ય અમદાવાદીના નસીબમાં આવી જાય દિવસ રાતની ભાગાદોડી અને સ્ટ્રેસ ,રીલેક્સ થવા માટેના પબ અને બાર..પછી તો જોઈએ જ એમા કોઈનું કશું ના ચાલે એક વાર “વિકાસ” મોટો થઇ જાય પછી એ કોઈનું ના સાંભળે..!
હરવા ફરવા માટે સિંગાપોર, હોગકોંગ ,પેરીસ, ટોકિયો, શાંઘાઈ ,બેંકોક, દુબઈ એ બધું બરાબર છે પણ શાંતિથી રેહવા અને જીવવા માટે અમદાવાદ જ ભલુ અને અમદાવાદને જો મોદીકાકા હોંગકોંગ બનવવાની વાય કરે તો આપડો સો ટકા વિરોધ છે..
નથી જોઈતી એ કુતરા જેવી લાઈફ છ વાગે ઉઠો અડધા ઊંઘમાં લંચ બનાવો અને સાત વાગ્યે ડબો લઈને બહાર .. લીફ્ટની લાઈનમાં ૧૫ મિનીટ જાય, ૧૫ મિનીટ દોડો ત્યારે મેટ્રો મળે, વીસ મિનીટ મેટ્રોમાં, અને પછી પંદર મીનીટ દોડો ત્યારે આવે ઓફીસ, પાંચ વાગે છૂટો અને સાત વાગ્યે ઘેર પોહચો, રસ્તામાં બેબી સીટીંગમાંથી છોકરા લ્યો કંટાળેલા તમે અને છોકરા ઘરમાં ધમાધમ, ક્યારે કોણ ઊંઘે અને કયારે સવાર પડે એની ખબર ના રહે..!
પોતાની ગાડી લઈને ઓફીસ જાવ તો પણ બબાલ, ગમે તે ફ્લાયઓવર જામ થાય અને ક્લચ દબાવી અને છોડીને ઘૂંટણની તો ..ખાલી અને ખાલી રસ્તામાં પેલા રેડિયાના આર જેની લવારી સાંભળવા મળે..!
આવી જિંદગી કરતા તો અમદાવાદની આજની જિંદગી ઘણી સારી, હજી આડોશ પાડોશ અને માંબાપ જોડે છોકરા ક્યાય મોટા થાય છે એની ખબર નથી પડતી, હા મેટ્રો સીટી જેટલી કમાણી નથી પણ સામે એવા ખર્ચા પણ નથી ,બધું માપેમાપ નીકળી જાય છે..!
ફાઈનલ કનક્લુઝન આપુ છુ ..
નથી વેચવી રીવર ફ્રન્ટની જમીન મુઈ પડી રેહતી, “વિકાસ” નાનો જ સારો..
નાનો હશે તો “વિકાસ” કીધું કરશે મોટો થઇ ગયો ને તો પછી હાથમાં ઝાલ્યો નહિ ઝલાય..બે ચાર બીજા ગાર્ડન અને એમ્ફીથીયેટર બનાવો ચાલશે..
હેઈ આવા મજાના બાલુડા પરીક્ષામાં વાંચવા નદીના કિનારે આવે અને ભણે એનાથી રૂડું બીજું શું હોય હે ..?
હાલો ત્યારે તમે પણ પરીક્ષા પૂરી થયે રાતે રીવર ફ્રન્ટ પર એક આંટો મારજો ભાભી છોકરાને લઈને,
મારી જેમ એકલા એકલા ના ભટકતા, મારે તો રવિવારે એકલા ભટકવાની કિમત ચૂકવવી પડી છે ..બદ્રીનાથ ની દુલ્હનિયા મારી આખી ગુલાબી નોટ લઇ ગઈ..!
શુભ રાત્રી
શૈશવ વોરા