બે દિવસ પેહલા નવરાત્રી માટે સરકારની સામે કકળાટ માંડ્યો, એક તો ગળું બેઠેલું વત્તા શરદી સખ્ખત, તો પણ બે ચાર ગોળીઓ ગળી અને ટીવી ઉપર જઈને પણ ફુલ્લ `ભડાસ` કાઢી..
આ `પાર્કિંગ`ની પેહલા પેલા `લવરાત્રી` વાળાની પાછળ પડી ગયો હતો, એની ઉપર પણ બબ્બે એપિસોડ કરી નાખ્યા..
યાર નવરાત્રી ઉપર કઈ થાય ને એ આપણાથી સહન નથી થતું..
ખોટ્ટી વાત કરવાની જ નહિ…
ના ચાલે એટલે નાં જ ચાલે, સો વાત ની એક વાત..!
હવે આજે કકળાટ નથી માંડવાનો પણ કૈક જુદી વાત કરવી છે, નવી અને જૂની ભેગી કરીને..
આ ઓગણપચાસમી નવરાત્રી..જીવનની..!!!
હેં..હાય..હાય.. બહુ થયું નહિ ..?
એ ડો`હા હવે તો ઘેર જઈને હુ`ઈ જા..ટચકિયું ફૂટ્યું તો ..
કોણ બોલ્યું…? એ કોણ બોલ્યું..?
એ બુઢ્ઢા હોગા તેરા બાપ સાલે..આપડા તો પાસ નો વહીવટ થઇ ગયો છે અને ઝભ્ભા પણ ઈસ્ત્રીમાં અપાઈ ગયા છે..
આ વખતે પેસ્ટલ કલરના ઝભ્ભા ઇન છે,અને બ્લેક તો ફોરએવર પણ જો ઝભ્ભાની અંદર થોડુક બોડી સારું બનાવેલું હોય,તો સફેદ થોડું ટ્રાન્સપેરન્ટ કપડું..ગરબા ગાતા પરસેવાથી પલળે અને બોડી પમ્પઅપ થઇ જાય તો…
પછી ..પછી તો તીરછી નજરે ઘણી જોઈ લેશે બકા, ત્નને તો..!!
બસ હો આટલું બહુ..આનાથી આગળ નહિ
હવે ટોપિક..
છેલ્લા બે-ત્રણ વર્ષથી ડાક્લું ઇન થયું છે, ગઈસાલ પણ ડાકલા ઉપર લખ્યું હતું પણ આ વખતે થોડી હિસ્ટ્રી કાઢી..
લગભગ એશીના દાયકામાં સોસાયટી અને પોળોમાં મ્યુઝીક પાર્ટી ગાવા માટે આવી, અને એ પેહલા ભજનીકો અને લોકગાયકો અને ગાયિકાઓ ગરબા ગવડાવતા..
એ જ સમયગાળામાં આ બાજુ ગુજરાતી સંગીતમાં સુગમ સંગીતના પ્રયોગો થઇ રહ્યા હતા..
પચાસ, સાહીઠ અને સિત્તેરના દાયકામાં, જે આપણે જોયો નથી પણ સાંભળ્યો છે એના માટે એટલું કહીશ કે એકદમ જુના જુના ગરબા અને લોકગીતોને લઇને કલાકારો ગરબા ગાતા..!
અને એ જ સમયમાં દિવાળીબેન ભીલ જેવા ઉચ્ચ કોટીના લોકગાયિકા આપણને મળ્યા, અને એક નામ તો હું કેવી રીતે ભૂલું ..?શ્રીમતી સરોજબેન ગુંદાણી મારા સંગીત ગુરુ જેમણે મારા ગળામાં સૂર પૂર્યા અને કાનને સોનાના કર્યા..!!
એ જમાનામાં પણ ગુજરાત પાસે નરસિંહ સિવાય પણ લોકગીતો અને ગરબાનો અમુલ્ય ખજાનો હતો..ગંગાસતી કે પાનબાઈ ગજ્જબ નો સ્ટોક ..
આજે પણ ઘણીવાર યુટ્યુબ ઉપર જઈને સાંભળીયે તો ચકરી ખાઈ જવાય છે,
મજાની વાત એ છે અમુક લોકગાયકો એવા છે કે આખો ગરબો કે ગીત તમે સાંભળો અને પછી હાર્મોનિયમ લઈને સૂર પકડવા બેસો તો આંગળીઓ અટવાઈ જાય કે અલ્યા ક્યા સૂરથી ગાય છે અને ક્યા રમે છે ભૈ`લા ..
અને તો પણ દિલ ને અનેરો આનંદ આપે એ ગીત..!
ગરબામાં જુદા જુદા વાદ્યોનો પ્રયોગ સમય સમય પર થતો રહ્યો છે ,એમાં તંત વાદ્યમાં રાવણહથ્થ્થા થી લઈને તાર શરણાઈ આવી જાય છે, સુશિરમાં તો વાસળી એવર ગ્રીન છે ક્યારેક કોઈકે મોરચંગ ને ઘાલવા ની કોશિશ કરી હતી પણ નાં ચાલી..
હવે વાત કરીએ તાલ વાદ્યની.. તો એમાં ઢોલ ,ઢોલકી વગેરે વગેરે તો હતા જ અને છે..તબલા પણ ખરા, પણ મને લાગે છે કે પચાસ અને સાહીઠના દાયકામાં “માણ”ની એન્ટ્રી થઇ અને એ બહુ ઝડપથી જતી પણ રહી..અને પછી તો ડ્રમ , ટીમ્બાની , બોંગો ,કોન્ગો એવું ઘણું બધું ઘૂસ્યું..
પણ અત્યારે લેટેસ્ટમાં ડાક્લું એન્ટર થયું છે અને કૈક વધારે પોપ્યુલર થઇ રહ્યું છે..ડાકલું બેઝીકલી ડમરું છે પણ સાઈઝ થોડી મોટી…
મોટાભાગની જગ્યાએ ડાકલું અવેલેબલ ના હોય ત્યારે તબલાના બાંયા નો ઉપયોગ કરી ને ડાકલાનો અવાજ સેટ કરવામાં આવે છે,એક્ચ્યુલી ડાકલાની જોડે એક તાર ખેંચેલો હોય તો એમાંથી થોડોક વધારે બિહામણો અવાજ કાઢી શકાય છે..
અને હા ડાકલા જોડે આજકાલ `રોજો` બહુ ચાલ્યો છે..
હવે કોઈ એને `રોજો` કહે છે અને કોઈ એને `રોઝો` કહે છે..
માતાજીના બે-ત્રણ ભગતો ને પૂછ્યું અલ્યા આ રોઝો શું છે ..?
ખોડિયાર માં નો રોઝો બહુ ચાલ્યો છે, જવાબ રસપ્રદ હતો માતાજીની કામળી હોય એને કોણે ઓઢી એમ કરી ગવાતું, એ કામળી ને રોજો કેહવાતું ..
પણ એમાંથી કોઈકે ખોડીયારમાં નો રોઝો ઉર્ફે રોઝડું (નીલગાય ) કર્યું, અને એની ઉપર આખી કથા બની , ચોક્કસ કાવ્ય સ્વરૂપમાં છે કથા,અને એમાં કોઈકે `માં` નો રોઝો મારી નાખ્યો અને પછી માં એ અમૃત સંજીવની નાખી ને જીવતો કર્યો રોઝા ને અને પછી રોઝાને મારનાર રાક્ષસને માં મારી નાખે છે..આવી મતલબની કૈક વાર્તા આવે છે ..અને ગરબા સ્વરૂપમાં ગવાય છે..!! અને એને ખોડિયાર માં નો રોઝો કેહવાય છે..!
અમદાવાદીને કૈક નવું જોઈએ ..
પેહલા ગરબા પતે પછી રાસ થતા, પછી આવ્યો ડિસ્કો ,એના પછી આવ્યા ભાંગડા ,પછી પેલું આવ્યું ભાઈ ભાઈ, અને એની પછી છેલ્લે સનેડો ચાલ્યો અને હવે ગઈસાલથી ઉપાડ્યું છે અને આ સાલ બધે પોહચશે `રોઝો` ..
ડાકલા સાથે ગવાતો રોઝો ..
યુટ્યુબ ઉપર જોઈએ તો અમુક અમુક કલીપો બિહામણી અને બાલીશ લાગે , કોઈકે સોફેસ્ટીકેશન નાખવાની કોશિશ કરી છે ,પણ બેઝીકલી `રોઝો` હું માનું છું કે એક નવા લોકગીતના જન્મવાની પ્રક્રિયા છે..
જુના લોકગીતમાં બહુ જાણીતું મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે ..એનું ઉદાહરણ લઈએ તો શબ્દોમાં કઈ જ નથી..
પેહલા એમ કેહવાનું મારે ટોડલે બેઠો મોર અને પછી પૂછવાનું કે ક્યાં બેઠો ..?
અલી બો`ન હમણાં તો કીધું ટોડલે બેઠો ..
પણ એનું નામ જ લોકગીત..
તાલનો ટેમ્પો પકડાયો હોય, અને બેપાંચ હજાર પગ અને જુવાન હૈયા ધસમસતા ગરબે ફરતા હોય ત્યાં બધું જ ચાલે..
એક ગીત પેલી સ્થપતિઓની સંસ્થામાં બહુ ચાલે..
કુંજલ ગામની શેરીએ માનીતી માનબા આં ,ઓ ,ઈ
માનીતી રે માનીતી માનબા આં ,ઓ ,ઈ ..
હવે આ ગીત ગવાય અને પબ્લિક જે તાનમાં આવે, મને એમ થાય કે આમાં છે શું ?
કઈ શબ્દો સાંભળવામાં મારી ભૂલ થાય છે કે શું ? એટલે આપણે વિરામમાં પોહ્ચ્યા એ કલાકાર બેહન પાસે મેં કીધું બેન આ કુંજલ ગામની માનબા માં છે શું ? શબ્દો શું ..?
બેન ઘણા નિખાલસ મને કહે ..ભાઈ ઈ`માં કાંઈ નો હોય, બે લીટી ગા`યા કરવાની અને પછી લપેટ્યા કરવાનું ..
મેં કીધું શું લપેટવાનું ..
મને કહે માનીતી રે માનીતી જેઠજીની માનીતી માનાબા આં ,ઓ ,ઈ …
પછી નણંદ ,દિયર એમ જેની માનીતી કરાવી હોય ઈ`ની માનીતી માનબાને કરી મુકવાની ..
એ કલાકાર બેને એક લીટીમાં લોકગીત કેવી રીતે જન્મે એ શીખવાડી દીધું..
લાગે છે ખોડિયાર માં નો રોઝો પણ આ જ દિશમાં જઈ રહ્યો છે કદાચ નવું લોકગીત જન્મશે..!!
અને ડાક્લું બે ચાર વર્ષ ચાલશે..!!
ચાલો તમે બધા પણ નીકળજો, ચોસઠે જોગણી ઉતારશે રમવા …એની જોડે ..
પાસીસના વહીવટ કરી લેજો..
બહુ ઊંઘ ઊંઘ કરીને નો`રતાની રાતો ઘોર્યા ના કરતા ,નીકળજો અને એકાદા ડાકલે તાલ મેળવી લેજો, નહી છાતીમાં દુખાવા થાય ડોહલા..અને છાતીમાં દુઃખે ને ગરબે રમતા મા`ડી લઇ જતી હોય એવું રૂડું ક્યાં હે..
પણ આજ સુધી માં કોઈ ને નથી લઇ ગઈ..
હાલો ત્યારે ..
ખોડલ તારો ખમકારો..
હે માં ચંડી ચામુંડા માવડી ..
સ્મરણ રે`ળાય એ પેલા આવજો રે મારી ચંડી ચામુંડ માવડી,
એ મારો સાદ સુણી આવજો રે મારી માં ચંડી ચામુંડ માં..!
સુતેલા હો તો જાગજો એ માં …મારી ચંડી ચામુંડા માવડી ..!
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।
શૈશવ વોરા