*પેહલાના જમાનામાં ઘેર પ્રસંગ હોય ત્યારે ઘરની સ્ત્રીઓ રસોઈ કરતી અને નાચવાવાળી બહારથી આવતી અને આજકાલ ઘેર પ્રસંગ હોય તો રસોઈ કરવા બાહરથી સ્ત્રીઓ આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે..!!*
વોટ્સ એપ યુનિવર્સીટીનું આ ઓબ્ઝર્વેશન ..!!
સાચું છે..!!
આપણને થોડુક કઠયું , નાચવાવાળી શબ્દ.. પણ હવે ત્યારે ઈન્ટરનેટ હતા નહિ, એટલે નાચવાવાળીથી “કામ” ચલાવતી પ્રજા..પણ આજકાલ “નાચ” તરફ જોવાની “નજર” ઘણી બદલાઈ ગઈ છે..
ટીવી ના રીયાલીટી શો એ “નાચ” ને એક સારી અને સન્માનીય જગ્યા સમાજમાં અપાવી છે, એટલે મીનાકુમારીની ફેન્ટસીવાળું કોઈ ડોહુંડગરું હજી પણ “નાચ” ને `પેલી` દ્રષ્ટિથી જોતું હોય તો એને એકાદી સાઈટ નું એડ્રેસ આપી દેવું એટલે `નાચ` તરફ જોવાની એની નજર ફરી જશે,
એની વે ..પણ એક વાત તો ચોક્કસ કે આજકાલના ઘરોમાં ભૂલથી પચાસ માણસ જમવા આવવાના હોય તો ઘેર રસોઈ કરવી અશક્ય છે..! એમાં કોઈ જુગાડ ચાલે તેમ નથી..
થોડાક વર્ષોથી અચાનક રવિવાર સવારે ફરસાણની દુકાને લાગતી લાઈનો જોઈએ છીએ ત્યારે એમ થાય કે આ શું ..? પણ દુનિયા એનાથી પણ આગળ જતી રહી છે..
હમણાં અમે એકદમ `તાજ્જી નવી પેઢી` ની બે નવી પરણેલી જોડે સત્સંગ કરવા બેઠા હતા અને બંને જણીઓ એમના `ચકા` જોડે એકલી જ રહે છે , ઘરમાં `ચકો` અને `ચકી` બે જ ..
બંનેનાં ઘરમાં એકપણ ટાઇમ જમવાનું બનતું નથી.. સાંજે `માસી`ને ત્યાંથી ટીફીન અને સવારે તો ઓફીસમાં ઓનલાઈન ઓર્ડર કરી દેવાનો..!!
મેં આંખો પોહળી કરીને પૂછ્યું અલી ઓ કેમના ઘર માંડ્યા છે તમે ..? આને ઘર કેહવાય ..? જ્યાં બે ટાઈમ ચૂલો ના સળગે એને ઘર કેમનું કેહવું..?
અરે શૈશવભાઈ શું તમે પણ.. ચૂલો સળગે છે ને ,સવારે ચા બનાવવા અને રાત્રે માસીના ટીફીન ની રોટલી ગરમ કરવા, માસીને ત્યાંથી ટીફીન સિત્તેર રૂપિયામાં આવે અને એક શાક એક કઠોળ સાત રોટલી દાળભાત અને બીજું કઈ ખાવું હોય જોડે તો એકાદું સમોસું કે ઢોક્ળું કે ખમણ તો ક્યા નથી મળતા ? પચાસના ખમણ તો બહુ થઇ ગયા..!
અને સવારે તો બ્રેકફાસ્ટમાં બ્રેડ અને ખાખરા ,પછી બપોરે ઓફીસથી ઓનલાઈન ઓર્ડર કરી દેવાનું..!!અને રસોડું ના ખોલીએ એટલે ના બાર મહિનાના ભરવાના કે શાકભાજી લેવાની ઝંઝટ કશી લમણાકૂટ જ નહિ..
જય હો ,જય હો..
અમારી માં અને ઘરવાળી ને આ પેઢી તો તદ્દન મુર્ખ સાબિત કરી દે એવી હાલત છે..!!
રેડીમેઈડ બધ્ધું જ.. ટીફીન સુધ્ધા “માસી” ને ત્યાંથી ..એ પણ સિત્તેર રૂપિયામાં એક ટીફીનમાં ચકો ચકી બે ખાય..!!
બદલાતા સમાજની બદલતી તાસીર..!!
પેહલા ફરસાણ અને નાસ્તા ઘરમાં ઘુસ્યા ,એની પાછળ ખાખરા અને પાપડ ઘુસ્યા , પછી દિવાળીના મઠીયા અને ચોળાફળી ઘુસ્યા એ બધાની જોડે સાવ ધીમે પગલે પડીકા ધીમે ધીમે ઘરમાં ઘુસ્યા અને હવે ટીફીન ઘુસી રહ્યા છે..!!
એક બહુ જ બેઝીક વાત કે *દરેક પુરુષને કમાતા આવડવું જોઈએ અને દરેક સ્ત્રીને રોટલી વણતા..*
*સમાજ રચનાના આ પાયાના સિધ્ધાંતમાં હવે બધું ઊંચું નીચું થઇ રહ્યું છે..*
આજે રવિવારે સવારે કેટલાય ઘરોમાં બાહરથી ભાજીપાંવ ની ભાજી આવી ગઈ હશે અને પાંવ બેકરીમાંથી લઇ આવ્યા હશે અને ઘેર શેકી અને ખાઈ લીધા હશે..!
કેટલી મમ્મી એ સમોસા જાતે વાળીને પોતાના સંતાનને ખવડાવ્યા..? દસ નું એક નંગ મળતું હોય અને એ પણ ગરમ ગરમ, ઘરમાં આખા એક બે ને અઢી જણ હોય ત્યાં “કુથા” કોણ કરે..?
અરે એક કલાકાર જોડી તો એવી મળી કે જે ઘરમાં ચા સુધ્ધા નથી બનાવતી…
રોજ સવારે `હીરો` એક અમુલ ગોલ્ડની થેલી લઈને કીટલી એ જાય છે અને ત્યાં જ ચા બનાવડાવવાની પછી પોતે ત્યાં જ પી લ્યે ,અને બાકીની વધેલી ચા પાછી અમુલ ગોલ્ડની થેલીમાં જ ભરીને ઘેર લઇ જવાની,જોડે બાજુની લારીએથી પૌવા લેતો જાય અને એમની હિરોઈન એ કીટલીએ બનાવેલી ચા પીવે..
અમે પૂછ્યું કે અમુલની થેલીમાં જ કેમ ચા લઇ જવાની ? તો કહે આ ફૂડગ્રેડની થેલી છે એટલે એમાં જ ચા ભરાય, જો બીજા કોઈ પ્લાસ્ટિકમાં ભરીએ તો કેન્સર થાય..
મને થાય પાંચે આંગળીએ પૂજ્યા હશે ને આ બાઈએ તો..અને મારી વાળી તો બચારી પૂજા કરતા કરતા ઝોકું ખાઈ ગઈ હશે તે આ ચાર ટાઈમના રસોડા માથે આવ્યા ..!!
પેલી ચા પણ નથી બનાવતી પણ એને કેન્સર નાં થાય એટલે અમુલની થેલીમાં જ ચા ભરાવે..!!
હરે કૃષ્ણ..હરે રામ..!!
*પાકશાસ્ત્ર લાગે છે કે હવે ચોપડીમાં જ રેહશે..!!*
છેલ્લી કેટલીય દિવાળીથી કોઈના પણ ઘરે જાઉં છું તો બિલકુલ મોફાટ થઇને અને સામે ચડીને કહું છું કે તમે જે જાત્તે બનાવ્યું હોય તે મને ખવડાવો મારે બજારનું નથી ખાવું અને જો કઈ જ ના બનાવ્યું હોય તો પાણી નો ગ્લાસ ચાલશે..
પણ સદભાગ્યે હજી એવું ક્યાંય થયું નથી..કૈક તો મળી જ જાય છે ઘરનું બનાવેલું..!
રસોઈને સ્ત્રી ભારરૂપ કામ જોતી થઇ ગઈ છે, કમાતા થયા એટલે, એવું કેહવું થોડું વધારે પડતું થશે પણ સંસારરથના ચાર પૈડાના બે પૈડા ક્યાંક ડખે ચોક્કસ ચડ્યા છે..
હું એક એવી પેઢી છું કે જેણે એવી સ્ત્રીઓને પણ જોઈએ છે કે જે જીવતી હોત તો આજે તો ૧૧૦ વર્ષના હોત અને એમને પણ મેં કામ કરતા જોયા છે..અને એમણે કામ કરવાની જોડે એમના ઘરના રસોડા સાચવ્યા છે,
આજે ૭૫ વર્ષની ઉંમરે મારી મમ્મી હજી પણ દવાખાનું સંભાળે છે,અને ઘરનું જેટલું થાય એટલું કામ કરે છે,પત્નીજી પણ એમના વ્યવસાય સાથે ઘર સંભાળે છે..
પણ રસોડું છુટ્ટું નથી મુક્યું..
પરંતુ આવનારી પેઢી માટે પોતાનો વ્યવસાય અને રસોડું આ બંને વસ્તુ સાથે કરવી અઘરી થઇ પડી છે..*પુરુષ તરીકે તમારી ઈચ્છા હોય કે ઘરમાં રસોડું ચાલુ રહે અને તમારું સંતાન `માં નાં હાથનો સ્વાદ` ચાખે અને યાદ રાખે તો પુરુષે પણ હવે રસોડે જોતરાવા ની તૈયારી રાખવી રહી..!*
બાકી તો આવનારી પેઢી માટે સોસાયટી કે શેરી માં કે ફ્લેટના પગથીયા ચડતા ચડતા એક રસોડામાંથી ઘી જોડે શેકાતા મગસ માટેના ચણાના લોટ ની સુગંધ , કે પછી સુખડી માટે થતો ઘી ગોળનો પાયો ,કે પછી ઊંધિયા નો વઘાર,તળાઈ રહેલા મઠીયા, શેકાઈ રહેલી પાપડી ..
અરરરર રરર …
કેવી કેવી સુગંધ ઉપરથી આપણે પકડી પાડતા કે જ્યોત્સનાકાકીને ત્યાં મગસ બન્યો છે અને બાળા બા એ મઠડી બનાવી, નિર્મળા બા ને ત્યાં તો આજે મસ્ત સેવ, ગાંઠિયા , મઠીયા તળાયા છે,શંકુતલા કાકીએ ઢોકળા બનાવ્યા છે..ભારતીકાકી ને ત્યાં ઊંધિયું છે આજે તો..
અને જાણે સગ્ગી કાકી કે દાદી હોય એમ એ પાડોશીને ત્યાં જઈને પુછવાનું મગસ ક્યા ડબ્બામાં છે..?
અને એ બધા જ `બા` કે `કાકી` એકદમ પ્રેમથી એક વાડકીમાં ખાવાનું આપે, અને પોતે ડબ્બો જોડે લઈને બાજુમાં લઈને બેસે, એટલું પૂરું કર પછી બીજું આપું..
એ ને`હ નીતરતી પાડોશી `બા` અને `કાકી` ની નજર, અને એમના હાથે પ્રેમથી બનેલા મગસ સુખડી સેવ મઠીયા..ખમણ ,ઢોકળા ,ઊંધિયા ..
બધું ય ખોવાયું..બાળપણ સુધ્ધા..
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા