ગઈકાલનો લગભગ આખો દિવસ ૧૭ થી ૨૫ વર્ષના છોકરાઓ સાથે ગયો..
થોડી બીક લાગી ગઈ એ બધાને મળીને..મગજ ચકરાવે ચડી ગયું એ નવી ઉગતી પેઢીના વિચારો જોઈને..થોડું ફાઈનાન્શિયલ બેકગ્રાઉન્ડ આપું એ બધાનું તો એવરેજ મહીને એક લાખથી પાંચ લાખની આવક ધરવતા કુટુંબોમાંથી આવતી પ્રજા હતી , કોઈના પાપા (ડેડ) INR માં કમાય છે અને કોઈના USD માં..
દરેક છોકરો એના બાપે એની પાછળ ખર્ચેલા રૂપિયાથી સ્કુલ કોલેજ નામની દુકાનમાંથી ખરીદેલું “જ્ઞાન” અને પછી ઉપરથી બાપે એની ઉપર છાંટેલું પ્રેકટીકલ “મહાજ્ઞાન” અને પછી પોતાની આજુબાજુમાંથી અને ગુગલમાંથી પોતે મેળવલું “બોધીજ્ઞાન” લઇને લગભગ “બુદ્ધ”ની અવસ્થામાં છે, અને એનો બાપ એને “પ્રબુદ્ધ” ગણે છે..!
કેટલાક છોકરાઓને એમની “હોબી”ને એમનો ધંધો બનાવવો છે (કર્ટસી થ્રી ઈડિયટ્સ) અને કેટલાક ને કોઈપણ રીતે ભયંકર રૂપિયા જોઈએ છે, ક્રાઈમ કોઈ જ પ્રોબ્લેમ નથી યુ સે (તમે કહો એ કામ કરવા તૈયાર)..
એકપણ છોકરો એવો નથી કે જેને કોઈપણ કામ એટલા માટે કરવું છે કે મારે મારી આજુબાજુના અને બીજાને માટે કઈ કરવું છે..
દરેક છોકરાને કોઈ સ્ટાર્ટ અપ ખોલવું છે ,કે કોઈ ધંધો કે ફેક્ટરી કરવી છે,
કોઈ સ્વિત્ઝરલેન્ડથી ભણીને આવ્યો છે,કોઈ લંડન કે અમેરિકા કોઈ બીજી કે ત્રીજી “બી” સ્કુલમાંથી બહાર પડ્યો છે ,કોઈની પાસે એકાદા ફિલ્ડમાં જોરદાર માસ્ટરી છે અને પચીસ ત્રીસ મેડલો છે અને સ્પોર્ટ્સ એકેડેમી કરવી છે, ગુજરાતી પિકચર બનાવવું છે , નોવેલ લખવી છે અને રાઈટર બનવું છે , વાઈલ્ડલાઈફ,મરીન લાઈફ ફોટોગ્રાફર બનવું છે..
આ બધા છોકરાને એ ખબર છે કે જનતા જનાર્દન લોકો રૂપિયા શેમાં ખર્ચે છે અને લોકોએ ખર્ચેલા રૂપિયા કોઈપણ રીતે મારી પાસે આવવા જોઈએ અને એમાંથી હું અમનચમન કરુ..
જનતા જ્યાં રૂપિયા વાપરે છે એના બેઇઝ પર દરેક પાસે ખુબ જ ઓછા સમયમાં ઢગલો રૂપિયા કમાવાય એવા પ્લાન્સ છે.. શીખવું ,મેહનત, ધગશ, ધન,ધીરજ અને ધક્કા .. એ ડોહા બકવાસ બંધ કર એ બધું તારા જમાનામાં હતું ..!!
નવા આઈડિયા છે અમારી જોડે ..બે છોકરા સકસેસ જાય છે અને બસ્સો ખાડા પડે છે,
રાતની ચકાચોંધ ગમે છે..!
હુક્કા બાર, રેસ્ટોરાં, જીમ ,ગેમિંગઝોન, ઈમ્પોર્ટ એક્સપોર્ટ (શેનું ? તો કહે રામ જાણે) , સોફ્ટવેર, એન્ડ્રોઈડ અને આઈઓએસની એપ, સીએ થઇને સર્વિસ ટેક્ષનું ,એન્જીનીયર થઈને સીધું યુએસ કે ઓસ્ટ્રેલિયા બસ ક્યાંક કઈક મોટો હાથ મારવો છે..!
રૂપિયા પાણીની જેમ વાપરવા છે, જુનો મુહાવરો છે ..
રૂપિયા ધુમાડા બંધ ઉડાડવા છે.. આ પણ જૂની વાત થઇ..
રૂપિયાનીમાં બેન એક કરી નાખવી છે.. આ કઈક જામ્યું..!
એક ફોન આવે છે, અરે ફલાણાના લગ્નમાં જવાનું છે ને સાંજે ? હા બકા
પણ હું છેક શાહીબાગ ઘેર કપડા બદલવા જઈશ તો લેઈટ થશે.. આલ્ફા પર આવો ને..ત્યાંથી સીધા જતા રહીશું..
એક જોડ કપડા નવા લે છે અને પેહરી લે છે અને બીજી એકાદ જોડ કપડા સેલ્સમેન છોકરો માર્કેટિંગ કરીને વળગાડે છે સર આ સ્પેશીઅલી તમારા જેવા ક્લાસ લોકો માટે છે ,ધડાધડ ક્રેડિટકાર્ડ ઘસાય છે અને શર્ટ ,પેન્ટ, બેલ્ટ ,શુઝ અને સોક્સ “ફક્ત” પચાસ હજાર રૂપિયા પુરા થાય છે ..!
બકાની જીગર જોઇને આપણે તો સંપૂર્ણપણે ફ્લેટ..!
બાપનો ફોન રણકે તે કઈ લીધું ક્રેડીટ કાર્ડથી ?હા ડેડ થોડા કપડા લીધા..
સારું ફોન કપાઈ જાય..
જય હો ..
લગ્નમાં જાય અને ઇવેન્ટ મેનેજમેન્ટનું પણ થાય ,રીવરફ્રન્ટની એકાદી ઇવેન્ટ પણ હાથમાં આવે ને તો કામ થઇ જાય , કોઈ ગવર્મેન્ટના ટેન્ડર મળે તો પણ ..પછી તો આઉટ સોર્સિંગ કરી લેવાનું..
કોઈ ઓળખાણ ખરી પેલા “બેન” ની ?
ઇન્વેસ્ટર જોઈએ છે..જોરદાર પ્લાન છે, એકદમ ફ્લીપ કાર્ટનું મોડેલ છે .
લાઈટીંગ ઇન્ડસ્ટ્રીમાં બૂમ છે.. ટ્રાવેલ એજન્ટ ના બે યાર એ બધું જુનું છે..
એ પછાત..પેલો ”ઓયો” વાળો જોયો કેવો ચાલ્યો છે ? ચારેબાજુ પાટિયા લાગ્યા છે , બ્રાન્ડીંગ કરતા આવડવું જોઈએ..!
રાત પાછી રાતના ધંધામાં જાય
સવાર ફેસબુક અને વોટ્સ એપ .. સોફ્ટવેરમાં જાય, બપોર ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટ અને ઇન્વેસ્ટરમાં પાછી આવે રાત..!
બસ આમને આમ દિવસો જાય છે અને છેલ્લે અઠ્યાવીસનો થાય અન પગમાં બેડી પડે ..અને સાપ દરમાં જાય એટલે સીધો ચાલતો થઇ જાય..!
ક્યારેક જૂની પેઢીના મિત્રના દીકરા સાથે રાતે રખડું છું તો ..
કેલિડોસ્કોપમાં દેખાતી નવી નવી ડીઝાઈનની જિંદગી..કાચની બંગડીના રંગ એક ના એક જ પણ ડીઝાઈન જુદી..
જ્યાં બાપ અટકતો ત્યાં જ દીકરો અટકે છે , એક જ પ્રોબ્લેમ રૂપિયા..રૂપિયા અને રૂપિયા..!
બાપ કોઈ કંપનીની મીટીંગનું બહાનું કરી ને બેંગકોક ગયો હતો દીકરો ખુલ્લે આમ આમસ્ટરડેમ જાય છે..!
અને લોકો મને પૂછે છે શૈશવ યાર આ બધી તારી વાર્તાઓમાં તું એક થી એક ચડે એવા કેરેક્ટર ક્યાંથી લાવે છે ?
પીવા છે મારે ઝાંઝવાના જળ, તરસ્યો બાપ હજી ઝાંવા મારે છે અને દાદાએ તરસમાં ડૂબી ગયા..!!
ઝાંઝવાના પાછળ દોડતી આ દુનિયા, દોડી દોડીને બાપ થાક્યો અને અટક્યો, હવે દીકરો દોડે છે અંત ક્યાં છે એની ખબર નથી ,પણ આરંભ ક્યારે થયો એની પણ ખબર નથી..!
છતાં પણ આગળ નીકળી જવું છે મારે તારાથી બસ ..
ન્યુટનનો સાપેક્ષવાદ ફીઝીક્સમાં જ નહી .. ફિલોસોફીમાં પણ એટલો જ લાગુ પડે છે..!
બાપ દાદા ગાઈ વગાડીને કહી ગયા છે અને હવે જીનેટીક્સમાં ઉતરી ગયું છે ..
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
છૈયા છોકરા શાલીગ્રામને બૈરી મારી ગુરુ
કરું તો કરું કોની સેવા …?!!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા