બે ત્રણ દિવસથી ચારેબાજુ રશિયા-રશિયા અને યુક્રેન-યુક્રેન થઇ ગયું છે સોશિઅલ મીડિયા અને મીડિયામાં ..!
૧૯૯૩નું સદ્દામ હુસેનવાળું ઈરાક વોર યાદ આવી ગયું.. ત્યારે નવી નવી ચેનલો ચાલુ થઇ હતી અને એક મિત્ર ને ત્યાં ઈરાક વોર જોવા માટે અમે ભરાયા હતા , ત્રણ-ચાર કલાક બધું ટીવી સામે બેઠું પણ ખરું પછી જોઈએ એવી “મજા” નાં આવી ..!
અમુક મિત્રોને એમ હતું કે રામાયણ મહાભારત સીરીયલની જેમ સામસામે બધું આવી જશે અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક વિનાના રીયલ
સીન્સ જોવા મળશે, ત્યારે લોકલ ચેનલોનો ઉદય નોહ્તો થયો એટલે કદાચ સીએનએન કે બીબીસી જોતા , એમના અંગ્રેજી એ મિત્રોને જરાક અઘરા પડતા એટલે છેવટે ધીરજ ખૂટી ને કીટલીના કલ્યાણ કર્યા..!!
આજે મરી મસાલા નાખવા,લસણીયા વઘાર કરવા એન્કર્સ અને એમના “મેહમાનો”ના ઢગલા છે, હવે બધાને ખબર છે “એવું કશું” જોવા મળશે નહિ એટલે કોઈ ટીવી સામે બેસીને ટાઈમ બગાડતું
નથી ને સોશિઅલ મીડિયા ઉપર મચેલા રહે છે, સમયનો “સદુપયોગ”..!!!
વોર જોવા માટે વોર મુવી કે વેબ સીરીઝ જોવાઈ રહી છે…!!!
એક વેબ સીરીઝ મને પણ મગજમાં કોતરાઈ ગઈ છે ..”ધ ક્રાઉન” ,
જ્યારે જ્યારે યુરોપ ,રશિયા, અમેરિકાના લફડા
પડે છે ત્યારે આંતરમન એ સમયે ધ ક્રાઉન સીરીઝ નો રેફરન્સ લેવા પોહચી જાય છે..!! રાણી એલીઝાબેથના સાસુના મોઢે એક સંવાદ બોલાવ્યો છે તેમાં .. “કોઈ દેશ આપણો છે જ નહિ ,જે રાજ કરવા દે તે આપણો દેશ આપણે રાજ કરવા માટે જન્મ્યા છીએ..”, પોતાના દેશ ને પણ પોતાનો નહિ માનવાનો ..?? રાજ કરવા મળે એ અમારો દેશ ..!!
રશિયન ઝાર એમના દૂરના સગા થતા જેમના પરિવારને ક્રૂર રીતે મારી નખાયા અને પછીનો ઈતિહાસ છે.. હજી આજે પણ બ્રિટન અને રશિયાને જરાક ઓછું ભળે ..!!
આખી કહાની દ્વિતીય વિશ્વયુદ્ધની આજુબાજુના સમયગાળાની વચ્ચે જ ફરે છે , આજના સંજોગોમાં એ રેફરન્સ લઈએ તો એક તારણ એવું નીકળે કે દ્વિતીય વિશ્વયુધ્ધ પછી જે કોઈ ભૌગોલિક રેખાઓ બે રાષ્ટ્રોની વચ્ચે ખેંચાઈ એમાં બહુ આઘીપાછી
નાં કરવી એવો મત મોટાભાગના દેશોનો રહ્યો છે અને એનું સમ્માન કરવું..!
છતાંય આજે પણ પશ્ચિમ અને રશિયાની આંખો હંમેશા સામસામે આવે ત્યારે લઢતી રહી છે, પણ જયારે જયારે એમના સ્વાર્થ આવે ત્યારે ભેગા થઇને ત્રીજાનો ઘડો લાડવો કરી મુકે છે ,જેમ ઈરાકમાં સદ્દામને પુરા કરી મુક્યા ..!
ઈરાક યુદ્ધમાં કુવેતને છોડાવવું જરૂરી હતું કારણ એક જ હતું એની ધરતીમાં ધરબાયેલા કુદરતી સ્ત્રોતના ભંડાર..!!
આજે પણ સામ્રાજ્યવાદનું પતન થયું જ નથી, આમ જોવા જાવ તો એ આર્થિક રાજનૈતિક અને બીજા કદાચ આપણા નાં ઓળખાયેલા સ્વરૂપે આપણી વચ્ચે જ છે , અત્યારે પશ્ચિમ એમના કુદરતી રીસોર્સીસને બિલકુલ અકબંધ રાખીને ચાલી રહ્યું છે, પ્રોડક્શનની લાહ્યમાં એશિયા અને આફ્રિકાની ઘોર ખોદાઈ રહી છે, જ્યાં જે કઈ કિંમતી ખનીજ મળે એ જમીન ખોદી ખોદીને કાઢી લેવાય છે ..!! પછી પાણીના મૂલે પડાવી લેવામાં આવે છે..!!
અમેરિકન વસ્તી હવે આગળ નીકળી છે એ લોકો ચન્દ્ર ,મંગળ અને રખડતા એસ્ટ્રોઇડને પકડી પકડીને એના શારકામ કરીને એમાંથી કીમતી ધાતુઓને ,તત્વોને કાઢી લઈને નવા નવા એનર્જી સોર્સ ઉભા કરવાની ફિરાકમાં છે ,
એમને મળી પણ જશે, કેમ કે આ બ્રહ્માંડમાં શોધો તો બધું જ મળી રહે છે, ફક્ત એશિયા અને આફ્રિકામાં જીવનને તુચ્છ ગણીને જીવવામાં આવે છે..! કેમ કે અહિયાં મૃત્યુ મહાન છે અને જીવ્યા કરતા મર્યા પછીની જિંદગીને વધારે મહત્વ અપાય છે ,એટલે આપણે આવી કોઈ કામના જ નથી કરતા ..!!
ત્યાગ કરવો ..! ભોજનથી ચાલુ થાય અને પછી હેઈ….લાંબી ચાલે ..!!
છેલ્લા બારસો વર્ષમાં થયેલા પતનનું મુખ્ય કારણ આ છે..!!
સંશોધન નહિ પણ આંતરિક શાંતિ શોધવા જઈએ છીએ ..!!
પેહલા શાંતિ તલવારની ધાર ઉપર ચમકતી ,પછી બંધુક ના નાળચે જઈને બેઠી, આજે પરમાણું મિસાઈલની ટોચે જઈને બેઠી છે..!!
અતિધાર્મિકતા અને અતિઅહિંસા શાંતિને ક્યાં તો બાળી મુકે છે ક્યાં તો દફનાવી દે છે અને પછી અશાંતિ રાજ કરતી થઇ જાય છે..!!
અમેરિકાનો સત્તા પલટો થયા પછી અતિશાંતિપ્રિય અમેરિકન પ્રમુખે ચારેબાજુથી પારોઠના પગલા ભર્યા છે, એકવાર સંપૂર્ણ કબજો થઇ ગયા પછી યુક્રેનનું શું થશે એની સહુને ખબર છે પણ હવે એની આજુબાજુ બેઠેલા બીજા દેશોનું શું થશે ?
ડોશી મરી તે જમ ઘર ભાળી ગ્યો ..?
આવી ગજ્જ્જ્બની લુખ્ખાગીરી ,દોંગાઈ જોયા પછી આપણે પણ જરાક ઉભા રહીને વિચારી લેવું જોઈએ..!!
એકવાર તો “જ્યાં ઘાંસનું તણખલું નથી ઉગતું” એવી જગ્યા લોંઠકાને ધરી દીધી, પણ હવે ખબર પડે છે કે જ્યાં તણખલા ના ઉગે ત્યાં સેમી કંડકટર અને ઇલેક્ટ્રોનીક્સની ફેકટરીઓ નાખી શકાય ,પણ હવે શું ? રાંડ્યા પછીના ડાહપણ શા કામના ?
લગભગ તાસકમાં મૂકીને યુક્રેન ધરી દેવાયું છે,ભારતીય મીડિયા ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા વગેરે વગેરેની વાતો કરી રહ્યું છે, વિદેશ મંત્રાલય પણ એવી જ બધી વાતો કરી રહ્યું છે, યુક્રેનની ધરતી ઉપર કદાચ થોડાક મહિનાઓ એરક્રાફ્ટ ઉતરશે નહિ એવી હાલત છે, દાવો એવો છે કે બધી એરસ્ટ્રીપ નષ્ટ કરી મૂકી છે એટલે આજુબાજુના દેશોને હાથપગ જોડ્યા છે કે અમને હવે અમારા છોકરા ઘર ભેગા કરવા છે તો તમારે ત્યાંથી જરાક ડોકાબારી ખોલીને આવવા દો ..!!
ઠીક છે ,હવે લઇ જાવ, આમ પણ યુદ્ધમાં સમાન ઉંચકતા મજુરોને કોઈ મારતું નથી હોતું એવા ન્યાયે બધાએ ડોકાબારી ખોલી આપી છે, મજુરીયાઓનો દેશ અહિયાં હરખાશે..!!! જોયું અમે કેવા બધાને કાઢી લાવ્યા..!!!
ઈમિગ્રેશનની એપ્લીકેશનમાં “સ્કીલ્ડ લેબર” ની કક્ષામાં આવે છે એન્જીનીઅર્સ..!!!
હજી પોતાની જાત ઘસીને, ગુલામીઓ કરીને કેટલી પ્રગતિ કરવાની છે એ ખબર નથી પડતી, પણ ખુબ મજબુત રીતે લશ્કરી તાકાત એ પણ સ્વદેશી ઉભી કરવી પડે તેમ છે..!!
નબળો અને ઘરડો જગત જમાદાર અમેરિકન હવે આર્થિક મોરચે લડવા જઈ રહ્યો છે,
સાપ ને ઘેર સાપ પરોણા થયા છે, એમાં પણ કઈ બહુ સારા વાટ કાઢી લે એવું લાગતું નથી ..!!
ગુજરાતી માણસ દરેક પરિસ્થિતિનો પોતાના માટે લાભ લેવામાં એક્કો ગણાય છે , દિલ્લી બેઠેલા ગુજરાતીઓ કૈક તો કૌવત દેખાડશે એવી આશા ચોક્કસ..!
કદાચ ભારતની નીતિ.. મારું શું ..? નહિ તો મારે શું ..? એવી અત્યારે તો લાગી રહી છે, શાંતિ પાઠ ચાલુ કર્યા છે આપણે, પણ શસ્ત્રો અસ્ત્રો સજાવી ને ભાથા ભરી લેવા જોઈએ ,,! જો સબળો રશિયન જીતી જાય તો પછી લોંઠકો હિમાલયની પેલેથી પાર કાંકરીચાળો સતત કરતો જ રહે છે એ ચીનાને ચાનક ચડે તો જડબાતોડ જવાબ આપવો પડે, એટલે આપણો ઊંઘવાનો સમય પૂરો..!!
જોઈએ હવે આગે આગે હોતા હૈ ક્યા ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)