સમસ્યા યૌવન ની ..
શૈશવભાઈ બહુ રૂપિયા કમાવા છે કોઈક સારી લાઈન બતાડો , આ છોકરો ત્રેવીસ નો થયો પણ કામધંધે લાગતો નથી , મારે શું કરવું એ જ સમજાતું નથી હવે તો પચ્ચીસ પુરા થઇ ગયા ક્યાં સુધી આવા ફાલતુ કામ કર્યા કરવાના ?, મીકેનીકલ પૂરું થઇ ગયું માસ્ટર્સ કરવું છે કોણ જાણે કેટલું ભણવું છે ખાલી ભણ ભણ કરશે તો કમાશે ક્યારે ?
વિકરાળ સમસ્યા એ પણ અંતહીન ..
સરકાર અને સમાજ બંને માટે..!!
બહુ ગંદુ તંત્ર ગોઠવી નાખ્યું છે ભારતના આ યુનિવર્સીટી બેઇઝ શિક્ષણ એ ..!!
એક બકુડો ગઈકાલે રાત્રે મને ઉપાડવા આવ્યો હતો ,મેં લીમીટ બાંધી હતી સાડા અગિયારે પાછો નાખવા નો તો જ આવું ..
યાર સારી લાઈન બતાડો.. બની બેઠેલા “જગદગુરુ” ઉવાચ્યા.. સારી નો મતલબ ?
સરખા રૂપિયા મળે એવી .. ફરી અમે ઉવાચ્યા
..સરખા રૂપિયા એટલે કેટલા ?
બકુડો બાપ ની ત્રીસ લાખ ની ગાડીમાં મને ઉપાડી ને આવ્યો હતો..
આપણા ખર્ચા નીકળે અને થોડુક ઇન્વેસ્ટ થાય .. ઉવાચ્યા ખર્ચા કેટલા છે અને કેટલા થશે ? ઇન્વેસ્ટ કેટલું કરવું છે ?
અંધારું ઘોર .. ત્રણ ચાર સવાલ માં જ..
સામો સવાલ તમારે કેટલા રૂપિયા જોઈએ “જગદીશ્વર”..?
રીવર્સ ગીયરમાં ગાડી આવી..
મને પણ આન્તાલીયા જોઉં અને નીતાબેનના અંગે ઓઢેલા પાટણના પટોળા જોઉં ત્યારે એમ થાય કે ઘર તો આવું હોવું જોઈએ અને ઘરવાળા તો પાટણના પટોળા પેહરી ને મ્હાલવા જોઈએ..
તો એ કેવી રીતે થાય પદ્મનાભ ..?
“પદ્મનાભ” ઉવાચ ..બાપા ની જોડે રહી ને એક કારખાનામાંથી મોટા મોટા કારખાના ઉભા કરવા પડે , રીફાઇનરી નાખવી પડે , જીઓ ઉભી કરવી પડે ..મેહનત કરવી અને કરાવી પડે ને એ પણ બુદ્ધિ વાપરી ને નહિ તો ધારાવી નું ઝૂંપડું પણ નાં આવે..!!
મેં આખી ધીરુભાઈ..ઈ..ઝમ વાંચી છે ..
“નારાયણ” ઉવાચ્યા ..મતલબ નથી ધીરુભાઈ જે રસ્તે ચાલ્યા એ રસ્તો ગાયબ થઇ ગયો છે , ત્યાં ફરી ઝાડી ઝાંખરા ઉગી ગયા છે , ધીરુભાઈ ની ચોપડી હોય કે સુધા મૂર્તિ વાંચ્યે કઈ મેળ ના પડે એમાંથી એકાદી લાઈન પકડી અને એની ઉપર મનન કરી એ પણ ત્રણ ચાર દિવસ અને એ તારા પ્રેક્ટીકલ જીવનમાં ઉતાર એ એપ્લાઇ કર ત્યારે મેળ પડે..!!
એ વાત તો સાચી છે “મુકંદ” અમને સ્કુલમાં એક મેમ તમે માનશો પેલા સંદીપ મહેશ્વરી ને સંભળાવતા અને પછી એમાંથી ક્વેશ્ચન પૂછે .. જબરી બોર કરતી હતી ..પોઝીટીવ પોઝીટીવ પણ શું પોઝીટીવ રૂપિયા જોઈએ રૂપિયા..!!
જો બકુ ડા રૂપિયા તો જોઈએ જ .. કઈ જ નહિ હોય અને રૂપિયા હશે તો બધું જ આવશે પણ બધું જ હશે અને રૂપિયા નહિ હોય તો નહિ ચાલે પછી ખોટી ખોટી વાતના સંતોષ લેવા પડશે..
બકુડો હવે બ્રુહ નલ્લા
થઇ ને રણ છોડી ને ભાગવાની તૈયારી કરી ..યાર આ બધી બકxxx છોડો અને લાઈન બતાડો..
રણમધ્યે અમે પેહલા અમારું વિરાટદર્શન કરાવ્યું ..
જો બકા ભણ્યા પછી એક ટાર્ગેટ નક્કી કર્યો કે આટલા રૂપિયા કમાવા છે ,એક એમાઉન્ટ નક્કી કરી એ પણ હેસિયતમાં રહી ને ,પછી સમય નક્કી કર્યો કે આટલા વર્ષમાં કમાવા છે , પછી શોધ્યું કે કોણ કમાય છે અને ક્યા ક્યા ફિલ્ડમાં કમાય છે ,પછી એક ફિલ્ડ નક્કી કર્યું અને એમાં ઝંપલાવ્યુ ધીમે ધીમે કરતા એક જ ફિલ્ડ ઝાલી રાખ્યું અને આગળ વધતા ગયા જોડે શોખ જીવતા રાખી ને “જીવતા” રહ્યા ,એક સમય પછી શોખ પણ આગળ લઇ ગયા અને અત્યારે તારી સામે છું..અસ્ખલિત વાણી ચાલતી રહી..!!
બકો ઉર્ફે મારો મહાબાહો અહોભાવથી વિરાટ દર્શન કરતો રહ્યો..!!
વારો હતો ગીતા ના વચનો કેહ્વાનો યુદ્ધ માટે તૈયાર કરવાનો ..
બકો મારો રંગે રૂડો રૂપે પૂરો દીસંતો કોડીલો કોડામણો .. પેહલું હથિયાર તો કામદેવની કૃપા એ લઈને જ જન્મ્યો હતો જીવનના યુદ્ધ નું ..
જો બકા પેહલા તો તારી પર્સનાલીટી ડેવલપ હવે છોકરડા જેવી પર્સનાલીટી નહિ ચાલે.. ઠરેલ લાગવો જોઈએ..!!
બીજું હથિયાર પણ માં સરસ્વતી એ આપ્યું હતું બોલવે ચલાવે પરફેક્ટ ..
પછી થોડાક છાપા ,કોલ્મસ ,અને મેગેઝીન્સ વાંચો જેથી કરીને રૂટીનમાં કોઈની સાથે ચર્ચામાં ઉતરાય અને વાતથી સબંધ કેળવી શકાય..
ત્રીજું હથિયાર .. અહંકાર ને મારો .. કોઈને નાં ગમતી વાત નહિ જ કરવાની અને. અને વખાણ જ કરવાના , યાદ રાખ પાર્થ જો કોઈ તારા વખાણ કરી રહ્યું છે તો તું કઈ ચોક્કસ ગુમાવીશ કેમકે દુનિયામાં કોઈ તમારા વખાણ એ પણ કોઈ મોટા માણસો
કરી રહ્યા છે તો નક્કી તમે કશું ક ગુમાવશો કુંતીસુતા..સમસ્ત સૃષ્ટિમાં વખાણથી મોટી કોઈ ચીજ નથી અને માન મેળવવા ઘણું બધું ગુમાવવું પડે છે જયારે સન્માન મેળવવા ઘણું બધું છોડવું પડે છે ..
એટલે શું કમલનયન ?
તને તારાથી ઉંમરમાં મોટો કોઈ અર્જુનીયો કહી ને બોલાવશે તો તું સેઈફ છે પણ એ તને અર્જુનભાઈ કહીને બોલાવશે તો તું ગયો ,તારી જોડે કામ કઢાવી લેશે ,માટે માન આપવું ખરું પણ લેવાની ઈચ્છા ના રાખવી પાર્થ..!! અને સન્માન તો એનાથી પણ મોંઘુ છે..!!
તું કોઈ જોબ કરી રહ્યો છે “ધનંજય” અને તારે એન્યુઅલ મીટીંગમાં ફર્સ્ટ આવી અને ટ્રોફી મેળવવી છે તો તારે ભયંકર સેલ્સ લાવવું પડે અને એ સેલ્સ એચીવ કરવા માટે દિવસ તો છોડ રાતની પણ કુરબાની આપવી પડે ,પેઈન લેવા પડે , સ્ટ્રેસ લેવો પડે ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની ગોળીઓ લેવી પડે ત્યારે તને સન્માન પ્રાપ્ત થાય “ધનુર્ધર” ..!!
સમય હતો હવે રણમાં ઉભેલા મહારથીઓના દર્શન કરાવવા નો..
એમના પિતાશ્રી ની ત્રીસ પેટી ની ધૂરા હવે અમે હાથમાં લીધી અને અમદાવાદ દર્શને નીકળ્યા , મધરાતે મોટા મોટા મહારથીઓ એ ઉભ કરેલા ઈંટ માટી સિમેન્ટના સ્મારકો દેખાડ્યા..
બોલ “સવ્યસાચી” તું આ બધામાંથી કોને કોને ઓળખે ?
પ્રભો લગભગ બધા ને ..
તો જાવ અને એ બધા ને ઓફીસમાં મળો ,ઘેર અને બાહર નહિ ..હવે તમારા હેંગ આઉટના એ દિવસો પુરા થયા ,તમારો રસ્તો તમારે જાત્તે શોધવા નો છે અને બનાવવા નો છે..જો કોઈના બનાવેલા રસ્તે ચાલશો તો થોડાક આગળ જશો પણ તમારી કેડી કંડારશો તો ઘણા બધા આગળ જી શકશો અને એ લોકો તને દિશા સારી રીતે બતાવી શકશે ..તું એ દિશામાં જા અને તારી કેડી જાત્તે કંડાર ..જાવ યુદ્ધ કરો ..!
બહુ લોડ આપ્યો તમે તો યાર ..
નહી “જીષ્ણો” નહિ મદિરાપાન વર્જિત ..
અરે તારી તો ડોહા xxx , ધૂમ્રપાન તો થાય ને , આ ગલ્લે ઉભી રાખો યાર તમે તો મારી નસો ખેંચી કાઢી ..
વત્સ આગળ આવવું હશે તો પછી ..
એક શર્તે હું બધા ને મળવા જાઉં , પેલા ની જોડે તમે ગયા હતા એમ મારી જોડે તમારે આવવું પડશે..
સારું ..
રથ ગલ્લે ઉભો કરો ..
એક બેન્સન લાઈટ ..તમે તો સાવ નક્કામાં છો દારૂ નહી સિગરેટ નહિ ..ચાલો કોફી પીવડાવું..!
ના વત્સ ના ..મારે સત્યભામા કે રુકમણી બધું એક જ છે, એ રીસાયા તો કાલ સવાર નું ટીફીન જોખમાશે … ઘેર હવે ઘેર..!! અને જો સાડા અગિયારની બદલે કાંટીયું માથેથી નીકળી ગયું છે..!!
હે ભગવાન શું બોલો છો આ બધું એ ખબર નથી પડતી આના બદલે ભાભી પાસેથી શીખી ને ફ્રેંચ બોલો તો પણ સમજાય..કોણ જાણે કેવું કેવું ગુજરાતી બોલો છો…!!
અધ્યાય સમાપ્ત ..
“વસુદેવં સુતમ દેવં કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ’’ “કૃષ્ણમ્ વંદે જગત ગુરુ......”
જય હો ગિરધારી ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)