સેમ માણેકશા જોયું પછી ચારેય બાજુની ચર્ચાઓ સાંભળીને `ફોમો` થયું એટલે એનિમલનો વારો કાઢ્યો..!
સેમ માણેકશામાં મોટ્ટી ભૂલ પાત્રોના મોઢે એકબીજાના નામ જ નહિ બોલાવ્યા, પરિણામ શું ? તો કહે નવી પેઢીને યશવંતરાવ ચ્વહાણ કોણ એની ના ખબર હોય, એવા ઘણા બધા ઐતિહાસિક પાત્રો દરકિનાર કરી ગયા એટલે ફિલ્લમ ધીમે ધીમે ઉતરી જશે..
બાકી `કેટરીનાપતિ`ની એક્ટિંગ ઘણી ઘણી સારી , મારા જેવાને મજા આવે ,
આપણું દિમાગ ખૂટતી કડીઓ આપો આપ મેળવી લ્યે એટલે વાંધો ના આવે..બાકી ઉભડક ઉભડક જાય બધું, ૧૨૬ વાનગી રાખી હોય એવા રીસેપ્શનમાં જઈએ અને દાળભાત ખાઈને પાછા આવીએ એવો ઘાટ,
પણ જૂની પેઢીએ જોવાય એકવાર ચોક્કસ જોવાય સેમ માણેકશા પણ એનિમલ ..ઓ બાપા રે..!!
મગજ માળીયે મૂકીને જોવું પડે..
જૂની પેઢી માટે આઘાત અને નવી નેટફ્લીક્સ પેઢી માટે રૂટીન..
રણબીરને નાગો કર્યો પણ પછી ઢાંકી દીધો, જો કે એઆઇનો જમાનો છે એટલે મિમ ફેકટરીઓ આખો નાગો ગમ્મે ત્યાંથી કરી લાવશે..
બોલીવુડ વર્ષોથી હોલીવુડના રવાડે ચડેલું છે એટલે આ બધું ચાલતું રેહવાનું, લગભગ દરેક પુરુષ એકટરને પણ હોલીવુડ નાગા કરે છે કોઈને કોઈ રીતે, એ હવે બોલીવુડમાં ચાલુ થયું છે, હમણાં કૈક વિદ્યુત જામવાલે પણ દિગંબર અવસ્થામાં ફોટા મુક્યા અને લખ્યું કે હું હિમાલયમાં આવી રીતે થોડાક દિવસો રહું છું..
હશે ભાઈ, તમારા શરીર એ જ તમારા શણગાર છે,
અમે આવું કરીએ તો છોકરા છોકરીને કોઈ પરણે નહિ ,અને પરણી લાવ્યા છીએ એ અમને ઘરની બાહર કાઢી મૂકે એટલે આવા અભરખા ના કરાય, બધી મર્યાદાઓ ,લાજ ,શરમ આવું બધું મધ્યમવર્ગ માટે જ છે..!
જો કે વિદ્વાનો કહે છે ..
કપડા પેહર્યા પછી જ જગતમાં નાગાઈ આવી છે , માણસ સિવાયની સૃષ્ટિ તો ..
ઠીક છે ચાલ્યા કરે ..આપણે માપમાં રેહવું..
નકરી મારધાડ અને થોડાક ઉઘાડા ડાયલોગ છે એટલે આજની સ્ટેન્ડઅપ કોમેડીવાળી પેઢીને ગમે ..વિડીઓ ગેઈમ રમતા હોય એમ એક પછી એક મારા તમને મારવા આવે અને એને તમારે મારતા જવાનું ,અને નવા નવા લેવલ ક્લીયર કરતા જવાનું,
એમાં સ્ટોરી જેવું થોડુક ભભરાવવાનું, પેલું પીઝા ઉપર ટોપીંગ્સ એટલે એનિમલ તૈયાર તમારા મારા જોવા માટે..
મગજને માળીયે મુકીએ તો પણ એક વાત છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી માણસ આટલી બધી ફાઈટીંગ કેમની કરે ? પણ ચાલે .. વિડીઓ ગેઈમમાં લાઈફ મળી જાય એમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે વિડીઓ ગેઈમની લાઈફ એવું માની લેવાનું ,
બોબી દેઓલને ઘણા વર્ષે પડદે જોયો પણ થોડાક સમય માટે..જગત આખું બેંગકોક પછી બાકુ જાય છે , ઓરીજીનલ રશિયન નહી પણ એની નજીકની અપ્સરાઓ મળી રહે ત્યાં એટલે એ દિશાના કોઈક દેશને મૂકી અને પીક્ચરાઈઝેશન કરી લીધું એટલે નવી પેઢીને ગલગલીયા થઇ જાય જુના રમેશ-સુરેશ-મહેશ જેઠાલાલની જેમ મૂછો ચાવે..!
હવે હગજને માળીયેથી ઉતારું તો એમ થાય કે આવા ગાંડા હોય ખરા જગતમાં..
હા .. બિલકુલ હોય, અને આઠ દસ ભેગા કરો તો એક એનિમલ બની જાય..!
થોડાકને નગરી અમદાવાદે વસેલા જોયા છે..
બાળપણનો પ્રેમ ..પછી એક દિવસ બંને `બાધ્યા`, તે ઢોર માર માર્યો પેલીને લગભગ મરવાની અણી ઉપર આવી ગઈ, પોલીસથી લઈને બધું તૈયાર, ત્રણ દિવસે ભાનમાં આવી ધરપકડ થવાની તૈયારી ,
પણ અક્કલમઠી ભાનમાં આવી કે પાછી “બેભાન” થઇ ગઈ અને પેલાનું નામ જપવા માંડી, પોલીસ પણ લીલા તોરણે પછી ગઈ અને મજાની વાત તો એ છે કે બંને ફેરા ફર્યા અને હજી પણ એકબીજાને છુટ્ટા હાથે મારે છે પણ એકબીજાથી છૂટવું નથી..
આપણા જેવાને થાય કે શે` જિંદગી જીવાય આમ તો ? પણ ભગવાનનું દીધું હામ,દામ ને ઠામ બધુય છે તો પછી સમય ક્યાં કાઢવો ?
આવા બધામાં..!!!!
બીજું એક પ્રાણી રંગે રૂડો રૂપે પૂરો દીસંતો કોડીલો કોડામણો ..
એની માતાએ ત્રણ જન્મ્યા અને એમાં બે લંપટ..!
ધરતી ઉપર વિચરતી અપ્સરાઓ ઘેર લાવે..
ભાઈ-પિતા સહીત ઘરમાં લાવીને જ ઉપભોગ કરે અપ્સરાનો..!
મારા જેવા આવી વાત સાંભળે તો બોલે હે ભગવાન ધરતી રસાતાળ કેમ ના ગઈ ?
પણ નથી જતી..
કુટુંબ પ્રત્યેનો પ્રેમ .. ઓહો એવાય ઘણા .. ગમ્મે તે કરીને આવે બચાવી લેવાનો એટલે બચાવી લેવાનો બીજી કોઈ વાત નહિ તિજોરીઓ ખુલ્લી મૂકી દેવાની અને કોન્ટેક્ટસ તમામ લગાડી દેવાના..
બદલાયેલા જગતની આ તાસીર છે..
એક વિચાર એવો પણ આવે છે કે પિક્ચરની હિંસાની અસર સમાજ ઉપર થાય ખરી ?
બે ચાર છુટા છવાયા કિસ્સાની હું વાત નથી કરતો પણ સમાજના બહુ મોટાભાગને અસર કરે ખરી ?
હા કરે છે ..
ભારતમાં સ્કૂલોમાં ગોળીબાર કેમ નથી થતા ? તો બંદુકો નથી એટલે બાકી અમેરિકાની જેમ અહિયાં પણ ચાલુ થઇ ગયા હોત , લંપટતા પુરેપુરી વણાઈ ચુકી છે..!
સેહજ પણ ઢીલા મનનો માણસ પોતાની ઓરબીટમાંથી છટકી જાય છે અને સલવાય..
આ પેઢી હવે એમના જીએફ-બીએફ પાસે ન્યુડસ માંગે છે, સમજણ ના પડીને રમેશ ?
સમજાવું તમારે તમારા નાગાપૂગા સેલ્ફી લઈને તમારા જીએફ-બીએફને મોકલવાના.. ઈન્ટરનેટ ઉપરથી ઉતારેલા ના ચાલે, તમારા પોત્તાના અને એ પણ ઘણીવાર લાઈવ ઓનલાઈન પણ ચાલે ..
વાત થાય છે માતાપિતા અને દાદાદાદી જોડેના સબંધોની એનિમલના ..
હસવું આવે જયારે રમેશ-સુરેશ-મહેશ પેરેન્ટિંગની વાર્તા ચલાવે ત્યારે..
તમે કોઈ પંચ્યાશી વર્ષની ડોશીને ઓળખો છો કે એના વિશે જાણ્યું છે કે પંચોતેર વર્ષના આર્મીના કોઈ એકદમ ફીટ મજબૂત ડોસા જોડે “ચાલુ” હોય ?
નગરી અમદાવાદમાં આવી ઘણી ડોસીઓ અને ડોસાઓ છે કે જેમના હોર્મોન્સ થલતેજની ભઠ્ઠીમાં નાખ્યા પછી પણ ઉલાળા મારતા હોય છે, અને આવા “એક્સ્ટ્રા હોર્મોન ગ્લેન્ડસ” ધરાવતા લોકોની ત્રીજી પેઢીએ એનિમલ પેદા થાય..
રમેશ-સુરેશ-મહેશ સિધ્ધાંતના પુછ્ડે વૈતરણી તરવાની વાત તમારે અને શૈશવને હોય, સ્વર્ગે જવાની કામના આપણે હોય આ બધાને જીવતે જીવ જ સ્વર્ગ છે,
ગજ્જબનો રૂપિયો ત્રણ ચાર પેઢીએ સળંગ રહી જાય ત્યારે “એક્સ્ટ્રા હોર્મોન ગ્લેન્ડસ” ફૂટી નીકળે અને પછી `એનિમલ` પેદા થાય ..
બિચારા બાપડા મધ્યમવર્ગના ડોસા-ડોસીઓ અને આધેડોને ચર્ચા કરવી હોય તો એ થાય કે આ “એક્સ્ટ્રા હોર્મોન ગ્લેન્ડસ”નું લક્ષણ ક્યાંય તમારા ઘરમાં નથી ને ?
નગરી અમદાવાદે ઘણા એનીમલ્સ છે ..
શૈશવની નજર જોઈએ તો ..
સાચવજો આંધી ચાલી રહી છે, ક્યાંક ઘરના દીવા ઘર ના સળગાવે..!
બોલીવુડ સમાજનું અને એના મૂડનું દર્પણ ચોક્કસ છે..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*