સનેપાત ..
અમુક ટીપીકલ ગુજરાતી શબ્દોના અંગ્રેજીમાં અર્થ કરવા અઘરા થાય છે અને એનું વર્ણન પણ થોડું કાઠું પડે ..!
બીજો આવો શબ્દ છે ગભરામણ .. એનું એકદમ નજીકનું અંગ્રેજી મળે પણ બેઠ્ઠો શબ્દ હાથ ના લાગે..!!
ખૈર આજે તો સનેપાતની જ વાત કરાવી છે ,
આ સનેપાત શબ્દ મને એકાદ દસકા પેહલા જાણવા મળ્યો અને એ પણ પ્રેક્ટીકલી ,
કોરોના કાળ પેહલા ની વાત છે , ક્યાંક નજીકના પરિવારમાં એક વૃદ્ધની ખબર પૂછવા જવાનું થયું હતું અને એ વૃદ્ધની માનસિક અવસ્થા બિલકુલ હાલી ચુકી હતી ,ક્યારે શું બોલે અને શું કરે એની સમાજ ગુમાવી ચુક્યા હતા અને અત્યંત જુના એમના બાળપણના લોકો અને એમના માતાપિતા ને બીજા સબંધીઓ ને યાદ કરતા હતા..!
એવા સમયે એમના દીકરા ને મેં પૂછ્યું કે ડોક્ટર શું કહે છે ત્યારે એમના પુત્રવધુ બોલી ઉઠ્યા ડોક્ટર શું કહે ..આ તો સનેપાત ઉપાડ્યો છે એટલે કઈ ઝાઝું નો ખેંચે ..!!
એમનો વાત નો ટોન જોતા મને લાગ્યું કે બેન ને દાદા લાંબુ ખેંચે એમાં રસ ઓછો છે, હવે આપણા ઘરમાં ચારેબાજુ ડોક્ટર હોય એટલે આપણે તો લત ઝટ મુકીએ જ નહિ ,મેં કીધું સારા ન્યુરો ફીઝીશીયન કે ન્યુરો સાય્ક્યા ને બતાડો ફર્ક પડશે..!
બેન જરાક જોરથી બોલ્યા સૈસવભાય (શૈશવ નું સૈસવ થઇ ગયું ) એકવાર સનેપાત ઉપડે ને પછી કોઈ દવા કે દારુ અસર નો કરે ,ઈ પછી માયા મુકાવે જ છૂટકો કરે અમારે ફલાણા ને પણ આવું જ થ્યું તું ..એમ કરી ને દસ ઉદાહરણ સનેપાત ના આપી દીધા ..!
છેવટે આપણે મનમાં કીધું હરી હરી ..ભલે ત્યારે ,પાંચમ ની છઠ નથી થતી તે પાંચમ ની ચોથ એ ઉપરવાળો નહિ કરે ,આપણે કોઈના ઘરમાં બહુ ટાંગ અડાડવાનો મતલબ નથી એમ વિચારી ને બાહર નીકળી ગયા..!
જો કે પાછળથી એ વડીલના દીકરાએ ત્રણ ચાર ન્યુરો ફીઝીશીયન ના ઓપિનિયન અને દવાઓ ચોક્કસ કરાવી ,એમના ઘરવાળા ના વિરોધ છતાં , પણ બેન સાચા પડ્યા ..!
સનેપાત ઉપાડે એટલે ઝાઝું નો ખેંચે..!!!
દિવાળી એ આવો સનેપાત ફરી એકવાર જોયો , પ્રજા જુનું જુનું યાદ કરી અને જૂની જિંદગી જીવવા દોડી ગઈ ..!!
મારે પણ નવરાત્રી ગઈ પછી ઘણા બધા ને ધંધાકીય કારણોસર મળવાનું થતું ,પણ સામાજિક કારણોસર મળવાનું બિલકુલ ટાળ્યું હતું , થોડાક ગેટ ટુ ગેધરના ઇન્વીટેશન પણ હતા અને બહારગામ ફરવા જવાના દુરાગ્રહ પણ હતા ..!
પણ ઘરમાં રહેલા બે “સાચ્ચા કોવીડ વોરિયર” ની હૂંફે ટકી ગયો એ આંધી ની સામે..!!
ના એટલે ના..!!
સાચ્ચા કોવીડ વોરિયર એટલે જે રોજ સવાર પડે પીપીઈ કીટ પેહરી ને કોવીડ ની સામે લડત આપે છે એવા ,નહિ કે કોવીડ પોઝીટીવ આવે અને સાજા થઇ જાય અને પોતાની જાત ને કોવીડ વોરિયર ગણાવે એ ..!!
મારી મમ્મી અને દીકરી બંને રોજ સવારે પીપીઈ કીટ ચડાવે છે અને પચ્ચીસ ત્રીસ પેશન્ટ રોજ જોવે છે..!!
દાકતરી કરવાની ગધેડી પકડી છે ને તે પછી જવું જ પડે ને ..!!
બેક ટુ પોઈન્ટ .. સનેપાત ..!
વર્ષોની ટોળામાં અને ભીડમાં જીવવા ટેવાયેલી જિંદગી સુધરવાનું નામ નથી લઇ રહી અને હવે ડોક્ટર્સ ઘરમાં પણ માસ્ક પેહરવાની સલાહ આપી રહ્યા છે..!!
ગઈકાલના ટોક શોમાં મારી સાથે જે ડોક્ટર હતા એમણે ઘરમાં પણ માસ્ક પેહરવા ની વાત કરી..!!
આજે આપણા પોતાના જ ઘરમાં આપણા જુવાનજોધ બાળકો એસીમ્ટોમેટીક થઇ ને ફરતા હોય તો પણ ખબર ના પડે એવી પરિસ્થિતિ સુધી આવી ગયા છીએ..!!
નવી જિંદગી ન્યુ નોર્મલના નામે આવી છે, પણ એ નવી નથી ..ક્યાંક હું મારા બાળપણની વાત કરું તો મારી નાની અમે જયારે જયારે અમરેલી જઈએ ત્યારે ધરાર અમને એકાદ બે વાર એમના ખોળામાં બેસાડતા .. લગભગ દરેક ને એમનાથી દુર રાખતા..!!
આઘો બેસ ..આઘો રહી ને વાત કર ,ક્યાંય પણ ભીડ કે અડાઅડી થાય એવી જગ્યાએ એ આવે જ નહિ , હું ઘણીવાર મમ્મી ને એવું પૂછતો કે બા કેમ આવું કરે છે અને મમ્મી કેહતા કે ઘણા નો એવો સ્વભાવ હોય જા તું મામી ના ખોળામાં જઈને બેસ..! અને લગભગ હમણાં સુધી જો મામી હિંડોળે બેઠા હોય તો હું મારા મામી ના ખોળામાં માથું રાખી ને આડો પડતો..!!
પણ નાની તો ધરાર એવું ના કરવા દે ..!!
આજે નાની નું ખોળામાં ના બેસવા દેવું કે ખોળામાં માથું મૂકી ને ના ઊંઘવા દેવું એ યાદ આવી રહ્યું છે અને ઘરમાં પણ સોશિઅલ ડીસ્ટન્સ રાખવું એ યાદ આવી રહ્યું છે..!!
ક્યાંક આપની અંદર જ “સોશિઅલ ડીસ્ટન્સ” ના સંસ્કાર છે પણ પશ્ચિમની અસરમાં ભૂલી ગયા હતા..!
હવે ફરી એકવાર ઘરમાં પણ એ ઈ આઘો ખસ દૂર બેસ એવું કેહવા નો વખત આવી ગયો છે..!!
જુનું યાદ કરવું એ સનેપાત નથી પણ એવું જુનું યાદ કરવું કે જે હવે શક્ય નથી અને છતાં પણ એ જ પ્રવૃત્તિ કરાવી એ સનેપાત છે ..!
કોરોના નું કોગળિયું કેટલું ચાલશે એની કોઈને ખબર જ નથી , વેક્સીન વેક્સીન કરીને મંડાણા છીએ પણ એના રીઝલ્ટ માસ ને આપ્યા પછી કેવા કેટલા એ બધું રામભરોસે છે..!
ટોળામાં અને ભીડમાં રેહવાના સનેપાતમાંથી બહાર આવવા ની જરૂર છે , ઘરમાં પણ ..!!
જુના જમાનામાં પણ કોઈ ને યાદ હોય તો બહુ રૂપિયાવાળા કે સત્તાધીશ હોય એ સામાન્ય પબ્લિકથી અંતર રાખતા ,પોતાનો રૂતબો બતાડવા પણ એનો ફાયદો હતો કે વાઈરસ નજીક નોહતો આવતો..!
અત્યારે કમસે કમ દરેક ઘરમાં રહેલા બા દાદા ઓ પોતાનો રૂતબો દેખાડવો જરૂરી છે .. એ ઈ આઘો ખસ અને અમારા લોટા પ્યાલા તમારે વાપરવાના નહિ..!!
અને રહી વાત સનેપાતની તો આમ તો કરવું જ પડે ,અને તેમ તો કરવું જ પડે ,ઘરમાં ને ઘરમાં રહી ને કંટાળી ગયા , જાણે કોરોના આપણને જ લાગવા નો હોય ,ફલાણા ને ત્યાં લગનમાં તો જવું જ પડે , ભાઈ બીજ નું જમવાનું તો ગોઠવવું જ પડે એમ ના ચાલે..!
આવા વિચારો સનેપાત જ પુરવાર થાય તેમ છે , ગયા ઉનાળે એક પ્રસંગ લખ્યો હતો એક ડોક્ટર પરિવારમાં કેરીગાળો કરવા વીસ જણ ભેગા થયા હતા અને એમાંથી આઠ પોઝીટીવ હતા .. સોળ લાખ નો ખર્ચો થયો હતો ..!
જન્મારો આખો કેરીઓ મફત બધા ને ખવડાવી શક્યા હોત..!
ભેગા થવાના સનેપાતી વિચાર થી દૂર રહો શૈશવકુમાર ..!!
સાચ્ચે મને પણ રહી રહી ને દોસ્તો ની મેહફીલ અને બર્થડે યાદ આવે છે કેવા જલસા કરતા હતા કોણ જાણે કોની નજર લાગી ગઈ બાકી આવી મસ્ત ગુલાબી ઠંડી અને એસ જી હાઇવે ની ઓપન રેસ્ટોરાં ,એક ગીટાર ને રાત્રે જમાવટ ,ક્યાં રાતના અઢી ત્રણ થઇ જાય એની ખબર ના પડે ..ને ઉપરથી મારો ઇટાલિયન ઘોડો…
અરરરર ક્યા સે ક્યા હો ગયા ..હેંડો ફરી એકવાર ..
સનેપાત આને જ સનેપાત કેહવાય ..!!
આઘો ઘસ છેટો રહે..!
સજાવજો .. મનના માંકડા ને કાબુ કરજો..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
તા.ક. ફોટા જુના મુક્યા છે..!
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)