સરદાર મનમોહનસિંહની વિદાય ..
लगता नहीं है दिल मिरा उजड़े दयार में
किस की बनी है आलम-ए-ना-पाएदार में
कितना है बद-नसीब ‘ज़फ़र’ दफ़्न के लिए
दो गज़ ज़मीन भी न मिली कू-ए-यार में
હિન્દુસ્તાનના દરેક રાજકારણીની જે ખ્વાહીશ હોય છે એ પદ સુધી પોહચવાની એ પદ એમને મળ્યું ,રાજકારણી નહિ હોવા છતાં ..
દરેક રાજકારણીની ઈચ્છા જીવતે જીવ પ્રધાનમંત્રીનું પદ અને મર્યા પછી જમનાજીને કાંઠે એક ઘાટ , આટલી ઈચ્છા તો હિન્દુસ્તાનનો દરેક રાજકારણી રાખતો જ હોય છે ,પણ બે ગજ જમીન માટે બદનસીબ રહ્યા , જમનાજીને કાંઠે ઘાટ નસીબ ના થયો , અંતિમસંસ્કાર નિગમબોધ ઘાટ ઉપર જ કરવામાં આવ્યા ..!!
દસ દસ વર્ષ હિદુસ્તાનના સર્વોચ્ચ પદ ઉપર રહ્યા પછી પણ બે ગજ જમીન ના મળી..!
આમ તો કોઈપણ પ્રકારની ફૂટપટ્ટી લઈને બેસો તો પણ એ ફૂટપટ્ટી નાની પડે એમને માપવા માટે એટલે કઈ વધારે પડતું લખવાનો મારા જેવા માટે મતલબ નથી.
પણ હા એમના કાર્યકાળના સભાનપણે સાક્ષી બન્યા અને એમની ખોલેલી ઈકોનોમી અને બંધ ઈકોનોમી બંનેના જાત અનુભવ કર્યા ..
ડોબો કે ડોબી ફાયનાન્સ મીનીસ્ટર જે ને તે વસ્તુ ઉપર નકરા ટેક્ષ નાખે અને પછી જાત્તે જાતે પોરસાય ,જયારે હોશિયાર ટેક્ષ પેલી મધમાખીવાળી વાત જેમ ફૂલમાંથી રસ ચૂસે મધમાખી એમ ટેક્ષ લઇ લ્યે ..!
બંધ ઈકોનોમીમાં શું હતું ?
તો કહે “ઇન્સ્પેક્ટર રાજ”.. ઓફિશિયલી બજેટ પ્રસ્તુત કરતી વખતે વપરાયેલો શબ્દ હતો આ ,
ખતમ થઇ ગયું ?
હા ..
તો અત્યારે કોનું રાજ ?
પૂછો દેશભરના બિલ્ડર્સને કે કોના રૂપિયા સૌથી વધારે તમારે ત્યાં “ઇન્વેસ્ટ” થવા આવે છે ?
એમનું રાજ ..!
આ દેશના લોકોના મગજમાં ઇન્વેસ્ટમેન્ટ ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યું છે સદીઓથી, એટલે જેની પાસે ઓછું છે એ ભમરડો તત્તડબંબા ભમરડાની જેમ ઉલળે ,અને અવાજ કરે ,જયારે જેની પાસે જગ્યા છે અને ધોધમોઢે આવે છે એ ચાક ભમરડો જેમ ફરે અવાજ કર્યા વિના એમ જ ફર્યા કરે.
તત્તડબંબો ફટાફટ ઓલવાઈ જાય અને ચાક ફરતો જ રહે..
મિલકત દોડશે ,માણસ ગમ્મે તેટલું દોડે પણ મિલકત જેટલું ના પોહચી વળે..
આવું બધું જીનેટીક્સમાં ઘાલ્યું અને “રાજ” કરતા લોકો ઇન્વેસ્ટમેન્ટની જગ્યા શોધતા થઇ ગયા..!
નેવું ના દાયકામાં એક એવો સમય આવ્યો કે બેંકની કે બીજા ગમ્મે ત્યાંથી લોનો લઇ ને પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ..
ખુલ્લી ઈકોનોમીનો એક દાખલો આપું મારા એક મિત્રનો ભાઈ જયારે કોઈને પણ મળે ત્યારે એની પાસે ઉધાર રૂપિયા માંગે પાંચ પચ્ચીસ થઇ ને લાખ્ખો સુધી અને એના કુટુંબની આબરૂ પણ ખરી, એટલે લોકો એને આપતા ,પછી એ હોશિયાર કટકે કટકે પાછા પણ આપી દે ,
પણ આપણો જીવ રહ્યો ખણખોદીયો એટલે ખોદી કાઢ્યું કે પાર્ટીએ આવા હાથ ઉછીના કરીને પચાસ લાખ ભેગા કર્યા છે અને ઢગલો એક પાન કાર્ડ ભેગા કરીને ખાતા ખોલાવી અને શેરબજારના “ઇસ્યુ” ભરે છે , મહીને છ થી આઠ ટકા વ્યાજ છૂટે છે અને ગામ પાસેથી હાથઉછીના રૂપિયામાંથી પાર્ટીએ કોઈ બિલ્ડર જોડે ભાગીદારી કરી અને ફ્લેટોમી સ્કીમમાં જોડાઈ ગઈ છે..
અદ્દભૂત મોરલો .. જોર જોર કળા કરે ..!!
ખુલ્લી ઈકોનોમીમાં આવા કેટલાય મોરલા ફાવ્યા ,પણ જે કાગડા કબૂતરાં આ ધંધા કરવા ગયા એ બધા આજે પણ દેવા ભરે છે ..!
એક મિત્રના પ્રાત:સ્મરણીય પિતાશ્રી .. અચાનક સરકારી નોકરી મૂકીને જમીનના દ્લ્લ્લા થઇ ગયા , દસ ટકા આપી અને બાનું આપવાનું બાનાખત કરી અને પોદળો પાડી દેવાનો ધૂળ લઈને જ ઉખડશે એમ કરીને ખેલ કરે મારુતિ એસ્ટીમ આવી ગઈ એમના ઘરે, પણ પછી ઘરની સાયકલ પણ વેચાઈ ગઈ . પ્રાત: સ્મરણીય એમના છોકરાને સપનામાં અત્યારે આવે તો પેલો ઉભો થઈને ભાગવા લાગે છે ..
એની સામે બીજો એક દલ્લો .. પ્રોપર કામ ગોઠવ્યું ,લોકોને જ્ઞાન આપે જમીન ખૂટશે માણસ વધશે ઇન્વેસ્ટમેન્ટ કરો , વચ્ચે “ગાળો” રાખે અને “ગાળા” પેટે ખાધેલા રૂપિયાને જમીનમાં નાખ્યા અત્યારે કરોડોમાં રમે છે ..!
ખુલ્લી ઈકોનોમીમાં જેટલા લોકોએ ધાપ મારવામાં પણ ઈમાનદારી રાખી અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ બધું અત્યારે ફાવ્યું , અને જેણે સો ટકા ધાપબાજી રમી એ બધું ગયું..
ખુલ્લી ઈકોનોમીએ લોકોને વસ્તુ વાપરતા કરી મુક્યા , ભારત દેશ ખુબ ઓછી જરૂરીયાત સાથે જીવતો હતો , એ ભારત દેશ આખે આખો વાપરી લેવાના ચસકે ચડ્યો જરૂરિયાતોને વધારી મૂકી ..
માણસ ને માણસ સદીઓથી વાપરે છે ,પણ ખુલ્લી ઈકોનોમીમાં માણસ માણસ ને વાપરે એને પ્રોફેશનાલિઝમનું રૂડું નામ મળ્યું ..!
વિકાસની ગાડી દોડી ,બુલેટ ટ્રેઈન માટે અરવલ્લીના ડુંગરા કાપી અને કપચી આવી , સદીઓથી જેને કંઈ ના થયું એવા રોક સોલ્ટ ઉપર એક્સપાયરી ડેઈટ લાગી ગઈ..!
આમ જોવા જાઉં તો મારો જનમ જ ૧૯૯૨માં થયો ,પેહલી દસ પત્તાની ઈમ્પોર્ટની બીલ ઓફ એન્ટ્રી અને બીલ ઓફ લીડીંગ ત્યારે જ જોઈ અને પછી ધીમે ધીમે ઈમ્પોર્ટના દરવાજા ખુલ્યા આજે આલીયો ,માલિયો અને જમાલિયો બધાય ઈમ્પોર્ટ કે એક્સપોર્ટ કરતા થઇ ગયા ,કોઈ નવાઈ ના રહી ..
શ્રેય જાય ખરું એમને ..
ક્યારેક ક્યાંક વાંચ્યું હતું કે હિન્દુસ્તાનને રાજકારણી હોય અને પ્રધાનમંત્રી હોય એવા પ્રધાનમંત્રી ઘણા મળ્યા પણ ફૂલ ટાઈમ પ્રધાનમંત્રીની નોકરી સ્વીકારી હોય એવા પ્રધાનમંત્રી આ એક જ હતા ..!
અને હવે ભવિષ્યમાં આવા ફૂલ ટાઈમ પ્રધાનમંત્રી મળશે કે કેમ એ વિષે શંકા , હા અત્યારે ભારતને ફૂલ ટાઈમ વિદેશમંત્રી ચોક્કસ મળ્યા છે ..!
ઘણા બધા વાદ વિવાદ હોઈ શકે એમની કાર્યશૈલી માટે પણ એટલું તો કબુલ કરવું જ રહ્યું કે જે કર્યું તે પુરા ખંતથી અને ઈમાનદારીથી કર્યું ..
પૂરું કરતા પેહલા એક વાયકાનો ઉલ્લેખ કરવો જરૂરી ..
“જ્યાં સુધી કોંગ્રેસી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જીવિત હોય છે ત્યાં સુધી કોંગ્રેસ ફરી સત્તા ઉપર નથી આવી શકતી ..”
હવે એકપણ ભૂતપૂર્વ કોંગ્રેસી પ્રધાનમંત્રી જીવિત નથી તો …??????
વાયકા છે હોં , ભવિષ્યવાણી નહિ !
ઈશ્વર દિવંગતને સદ્દગતિ આપે
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*