થોડાક દિવસ પેહલા લગભગ મધરાતે મહાદેવ સાંભર્યા એટલે આપણે પ્રયાણ કર્યું ,
આજકાલ મહાદેવમાં અખંડ રામધૂન ચાલી રહી છે એટલે 24*7 મંદિર ખુલ્લું હોય છે..!
મારી બહુ ગમતી સિચ્યુએશન છે આ .. મહાદેવ, મધરાત,હું અને એકલતા ..!
હું અને મારો ભગવાન બંને એકલા, બેકગ્રાઉન્ડમાં રામધૂન ..જય હો ..!! મોજ આવી જાય ..
હવે થયું એવું અમારી એકલતામાં ખલેલ પડી..
એક માનુનીનો મંદિરમાં પ્રવેશ થયો.. અમારું ધ્યાનભંગ થયું ..
જો કે એ વિશ્વામિત્રનું ધ્યાનભંગ નોહતું , પણ અમે મહાદેવ તરફથી અમે અમારું મુખારવિંદ ફેરવી અને એ માનુની તરફ જોયું ..રામ ,રામ, રામ..
એ જ આંખો .. પણ આંખોથી ઈશારો થયો .. મને ઓળખતો નહિ પેલો પાછળ જ છે..!!
આપણે તો અમથો પણ કશો ફર્ક પડતો નોહતો ..માનુનીએ આંખ બંધ કરીને મહાદેવનું ધ્યાન ધરવાનો ઢોંગ રચ્યો ,બે મિનીટ પછી માનુનીની પાછળ એનો આવ્યો અને પછી એ બંને જે ..જે ..કરીને જતા રહ્યા,
હું અને મહાદેવ હસતા રહ્યા..
મેં કીધું .. “અલ્યા મહાદેવ હું ત્રેપનનો થયો તો આ બેવકૂફ પણ પચાસની થઇ હશે તો હજી પણ આમાં તેં અક્કલનો છાંટો ના નાખ્યો ..!!”
મહાદેવ બોલ્યો “ એંહ શૈશાવ્યા.. તું પણ ખરો છે ડફોળ..સોળે સાન અને વીસે વાન આવી તો આવી નહિ તો ગઈ કુતરાને કાન ..”
મેં કીધું .. “વાત તો સાચી મહાદેવ્યા પણ તને યાદ છે અહીંથી જ આ નોટ સીદ્ધી મારી પાછળ પાછળ છેક મારા ઘર સુધી આવી હતી અને પછી જેવી આવી એવી જ રટ્ટી થઇ ગઈ હતી ..?”
મહાદેવજી બોલ્યા.. “અલ્યા તને પણ ખરા ખરા જુના ચિઠ્ઠા યાદ છે ..”
મેં કીધું .. “અલ્યા ..એ ઈ..તારે તો ઠીક છે બધું નક્કી જ હતું ,તું રહ્યો અજન્મા, સતી ગુજરી ગયા તો પાર્વતી થઇને પાછા આવ્યા ,અમારે તો પરણીને ઘર સંસાર માંડવાનો હોય અને ઘર સંસારમાં પણ પાછા કેટકેટલા લફરાં..!!?? સંસાર માંડી લઈએ એ પછી ના તને નથી ખબર ? ઘરબાર ,છોકરા ,માં બાપ ..આખું ગામ અહિયાં તારે ત્યાં રાવ કરવા આવે છે …”
મહાદેવજી બોલ્યા.. “ તું હવે જા ઉપડ હવે ઘરભેગો થા ..નહિ તો તારી પાર્વતી તને સરખાઈનો ઠમ ઠોરશે .. અત્યારે સાડા બાર થાય છે, વચ્ચે પાછો ઉભો ના રેહતો કીટલીએ ..નહિ તો તારી ઘરવાળી અત્યારે જાગતી જ પડી છે, એની વેબ સીરીઝનો હપ્તો પૂરો થવામાં જ છે, એ પેહલા તું ઘરમાં ઘુસી ગયો તો તને વાંધો નહિ આવે ..”
આપણે કીધું “..સારું ..સારું ચલ સાચવજે અલ્યા..”
મહાદેવ કંટાળીને બોલ્યા ..“ હવે જાને નીકળ ને..આખા ગામને હું સાચવું અને તું પાછો મને કહે છે ..સાચવજે ..”
મેં કીધું “ અલ્યા એટલે જ કેહવું પડે તને.. હારું હેન્ડ નીકળ્યો ,કાલે મળ્યા.. બીજી વાતો કરશું ..”
આપણે આપણો હજારેક સીસીનો ઇટાલિયન ઘોડો પલાણ્યો..
રસ્તામાં આઈઆઈએમ પાસે એક બીએમડબલ્યુની મીની કૂપર પાર્ક થયેલી હતી, કન્વર્ટીબલ હતી ,
હૂડ ખુલ્લું રાખીને “પેલી” અને “પેલો” બેઠો હતો..આપણો ઇટાલિયન જાતવાન ઘોડો, એની હણહણાટી દૂરથી સંભળાય , પેલી વાંદરીને ખબર.. એટલે છેકથી રાહ જોતી એની નજરો ..
આપણે પણ ખાઈબદેલા તો ખરા જ ને હવે તો ..
સમ્મ કરતો નીકળી ગયો ..!!! જોયા વિના જ …
શું થયું તમને બકા ? ચટપટી થઇ ને ..? પંચાત કરવી છે ને ?
મારે પણ એવું જ થયું હતું.. પંચાત કરવા જતા જ આ માયા ભટકાઈ હતી ..!!
વાત જાણે એમ હતી કે અમે લગભગ પચ્ચીસેક વર્ષના હતા ત્યારે આ માનુની અમારાથી બે-ત્રણ વર્ષ નાની ,એટલે કે વીસ બાવીસ વર્ષની,
જાન્યુઆરીમાં નગરી અમદાવાદમાં સપ્તકના કાર્યક્રમ થાય અને એ જમાનામાં અમે તાનપુરા લઇ લઇને બહુ રીયાઝ કરતા ને રાગ રાગીણીઓને ઓળખવાની અને સમજવાની કોશિશ કરતા ..
સંગીતમાં વિશારદ તો થઇ ગયા હતા પણ આગળ સમજવાની કોશિશો ચાલુ હતી ..!!
એક મધ્યરાત્રે કાશીરામ અગ્રવાલ હોલમાં શાસ્ત્રીય સંગીત પીરસાઈ રહ્યું હતું,
હું અને મારો એક તબલચી મિત્ર શાસ્ત્રીય સંગીતને માણી રહ્યા હતા,
હોલ ઘણો ખાલી હતો ,અમે સંગીતમાં ખોવાયેલા હતા ક્યારેક ક્યારેક આજુબાજુ નજર પણ કરી લેતા .. એવામાં અમારી એક નજર ફરી ..ઠરી ..આંખો ચાર થઇ ..
“તૈયાર” એવા અમે એક પણ પાંપણનું મટકું માર્યા વિના એના તરફથી નજર ફેરવી અને સ્ટેજ ઉપર લઇ લીધી..
બાજુમાં બિલકુલ બગલમાં ભરાઈને બેઠેલો તબલચી મિત્ર.. જે મારી રગ રગથી વાકેફ અને હું એની.. મારા કાનમાં બોલ્યો ..”પડી ગઈ છે ..એની બેહન મારી ક્લાસમાં અને આ તારા જેવડી જ છે,એના માટે છોકરા જોવાય છે આના માટે, હમણાં અહિયાં આવશે, એ.. ઉભી થઇને અહિયાં આવી સમજ …!”
મેં ફરી એક આડી નજરે જોયું પાર્ટી ધારી ધારીને મને જોઈ રહી હતી ..હવે આપણે તો કંઈ સ્ત્રી તો છીએ નહિ.. કે ઉભા થઇને ઠોકી દઈએ.. કેમ મારી સામે આવી રીતે જોવે છે .. બળ્યો આ પુરુષનો અવતાર ..!!
મેં મિત્રને ચાલુ કાર્યક્રમમાં કીધું ચલ ઉઠ ઉભો થા તો .. પેલો હસ્યો .. કેમ નથી સહન થતું ?
મેં હસતા હસતા કીધું .. “ના ..ના હવે ઉભા થઇ એ એટલે એને મને આખ્ખો જે એન્ગલથી જોવો હોય એ એન્ગલથી જોઈ લે, આ તો આખા ગામને ખબર પડી રહી છે..!!”
અમે બંને મિત્રો ઉભા થયા અને બાહર લાગેલા કોફી કાઉન્ટર તરફ ગયા ..મિત્ર બોલ્યો પાછળ પાછળ આવશે બંને બેહનો ..!!
અનુમાન તદ્દન સાચું .. નાની બેહન હજી અમે કોફીની કુપન લેતા જ હતા ત્યાં આવી ગઈ અને મોટી પાછળ .. “હા..ઈ ..અમારી પણ બે લેજે ..!!”
પેલો મિત્ર મારી સામે ઘુરે દસની નોટ, અમારી વધારાની ઘુસી ગઈ..!
જુનો ચિઠ્ઠો છે પાંચ રૂપિયામાં ત્યારે કોફી મળતી…!!
એની નાની બેહનને જોઈ એટલે મને યાદ આવી ગયું કે મારા મિત્રની જોડે આની પંચાત તો મેં ઘણી ફૂટી હતી ..
નાની મારા તબલચી મિત્ર જોડે વાતોએ વળગી અને મોટી મને ધારદાર નજરે નીરખે અને અમે પણ હોશિયારીમાં એને ધરાઈને નીરખવા દીધી ..
મારો મિત્ર અને નાની ક્યાંક સેહજ અટક્યા , નાનીએ ઓળખાણ કરાવી મારી મોટી સિસ્ટર છે .. સારિકા ..મિત્ર આંખ ઉલાળીને બોલ્યો ..મારો હસબંડ છે શૈશવ..!!
પેલી બંને ભડકી .. પેલો મિત્ર ખડખડાટ હસ્યો મને પણ હસવું આવી ગયું ..
બંને બેહનો સમજી ગઈ કે લેવાઈ ગઈ છે એમની ..!!
મોટીએ સીધ્ધો બાઉન્સર નાખ્યો .. તારે બીઝનેસ છે નહિ શૈશવ ? એલીસબ્રીજ રહે છે ને ..મમ્મી પાપા ડોક્ટર છે ને તારા ? બેહનના હમણાં જ મેરેજ થયા છે નહિ? અમેરિકા?
ધડાધડ એક પછી એક પેહલી વાર મળતા હતા પણ ફુલ્લ હોમવર્ક કરીને આવી હતી ..!!
મારો મિત્ર સમજી ગયો એટલે એણે સામી આપી ..કમ્મર બત્રીસ અને શોલ્ડર ઓગણીસ ઇંચ હાઈટ પાંચ સાત, વજન પાંસઠ કિલો .. બીજું કંઈ ..?
સારિકાએ આગળ ચલ્વ્યું .. તમે લોકો જન્માક્ષરમાં નથી માનતા પણ અમે માનીએ છીએ.. ૩૦ મી સપ્ટેમ્બર છે ને તારો બર્થડે ..?
મને પાક્કો અંદાજ આવી ગયો હતો કે પાર્ટી ક્યાંકથી આપણી પુરેપુરી માહિતી લઈને આવી છે , ઇન્કમટેક્ષના રીટર્ન સુધ્ધા ચેક કરીને આવી છે ..
મેં કીધું .. બહુ ઉતાવળ છે ને તને તો કંઈ .. એક કોફી તો પૂરી કર પેહલા ..
સારિકા એટીટ્યુડથી બોલી .. હા આમ તો ઉતાવળ તારે કરવી જોઈએ પણ હું કરું છું , કોમ્પિટિશન તારે વધારે છે .. લાઈન મારી પાછળ લાંબી છે ..!
મારા મિત્રથી એની ટણી સહન ના થઇ એટલે બધી મર્યાદા મૂકી અને બોલ્યો .. “એ ઈ..પેલ્લો ઝાંપો દેખાય છે ? ચલ જલ્દી નીકળો બંને .. કાળી કૂતરી જોડે પરણાવીશ મારા ભાઈને પણ તું તો નહિ જ ..અરે કોઈ નહિ મળે ને તો હું સેક્સ ચેન્જનું ઓપરેશન કારવાઈ લઈશ અને હું પરણીશ પણ તું તો નહિ જ .. નીકળ અહીંથી ..!!”
આટલું બોલી અને મારો મિત્ર મારો હાથ પકડી અને બાહર ખેંચી ગયો ..આખા રસ્તે ગાળો કાઢી બંને બેહનોના નામની .. અરે નવરંગપુરામાં બંગલો છે ,એનો બાપો કૈંક દુકાન ચલાવે છે ગાંધી રોડ ઉપર ,હજી ફિયાટ લઈને રખડે પણ આને એવું છે કે દુનિયાની પેહલી અને છેલ્લી રૂપાળી આ પોતે જ છે ..ખરી ભિખારણ છે , મેં જ એની નાની બેહનને તારી ડીટેઇલ આપી હતી , તું નાની માટે પંચાતો કરતો હતો એટલે મને થયું કે નાની નહિ તો મોટી તને સેટ કરી દઉં અને નાની તો ઘણી સારી છે એટલે મને એમ કે એની બેહન પણ સારી હશે પણ આ તો અક્કલ વિનાનું નીકળ્યું ..સોરી યાર ..!!
મારો મિત્ર એકદમ સેન્ટી થઇ ગયો.. મેં કીધું એની (ગાળ ,ગાળ ,ગાળ ..) ચલ ભૂલી જા એને ,ચલ વેસ્ટ એન્ડ જઈએ ..!!
રાત્રે દોઢ બે વાગ્યે માદલપુર વેસ્ટએન્ડ ગયા અને રસ્તામાં એના આખા ખાનદાનની ખોદણી કરી નાખી ..!!
બીજા દિવસે સાંજે નિયમ અનુસાર હું મારા બીજા મિત્ર મહાદેવને મળવા મંદિર પોહચી ગયો .. જોયું તો શું ..?
સારિકા મારી રાહ જોતી ત્યાં ઉભી હતી .. “એ શૈશવ મને ખબર જ હતી કે તું આવીશ..કાલે વાત ના થઇ પણ હું તને કહી દઉં કે મારા તરફથી તો લગભગ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી તારું ઘર જ મારે એકવાર જોવું છે અને તારે પણ કોઈ પ્રોબ્લેમ નહિ હોય , કેમ કે આજ સુધી મને કોઈએ ના નથી પાડી ..”
અજબ ગજબની સીચ્યુએશન ..વરમાળા લઈને તૈયાર જ ઉભી હતી ..!!
પોતાના રૂપ ઉપર નો ગજબ કોન્ફીડન્સ ..!!
હું બિલકુલ કોઈ રીએક્શન આપ્યા વિના મંદિરમાં ઘુસી ગયો પાર્ટી પાછળ આવી અંદર .. હું બાહર નીકળ્યો પ્રદક્ષિણા કરી ,પાર્ટી પાછળ પાછળ .. આપણે તો કિક મારી અને ચુપચાપ બાઈક લઈને ઉપડ્યા સીધા ઘેર .. જોયું તો મારતા કાઈનેટિકએ પાર્ટી પાછળ પાછળ ઘર સુધી ..!!!!!!!!
મને મારા ઘરની બાહર જ આંતર્યો .. “ઓકે ઓકે સોરી ..પ્લીઝ પણ કોઈને કેહતો નહિ કે તે મને રીજેક્ટ કરી છે, અને હા મારે બીઝનેસ ,બંગલો ગાડી અને ભણેલું ઘર જ જોઈએ છે, એ સિવાય મારે નથી જ પરણવું અને તને ઇન્ટરેસ્ટ ના હોય તો બીજો કોઈ એવો હોય તો કેહજે .. સોરી ..પ્લીઝ કોઈ ને કેહતો નહિ …પ્લીઝ ..”
મારા કાનમાં સંગીત માર્તંડ પંડિત જસરાજજી ની એક ચીજ ગુંજે “અજબ તેરી દુનિયા માલિક ..” ઘરમાં જઈને પેહલી મમ્મીને વાત કરી કે આવું થયું છે અને એક “છટક” ઘર સુધી આવીને પછી ગઈ છે ..!!
થોડાક દિવસ પછી ફરી પાછી મંદિર આવી .. “જો પેલી મારુતિ એસ્ટીમમાં બેઠો ને એ મારો ફીયોન્સ છે …તારા કરતા વધારે હેન્ડસમ છે, કરોડો રૂપિયા છે, શાહીબાગ બંગલો છે એક નો એક છે ,ખાલી ભણેલા ઓછું છે તારા ઘર કરતા..”
મેં મંદિરમાં જઈને પૂછ્યું “અલ્યા મહાદેવ્યા આ બધું શું હતું અને શું ખેલ માંડ્યા છે તે ?”
મહાદેવ બોલ્યો .. “મજા લે ને .. ગાંડીને ગાંડો મળી ગયો છે ..”
મેં કીધું .. “પણ મારી જોડે કેમ આખી રમત તેં માંડી ?”
મહાદેવ બોલ્યો .. “કેમ તારી લેવાનું મન થાય તો મારાથી ના લેવાય ?”
મેં કીધું “તું બી સુ યાર ખરો છે.. મારા મગજનો અઠ્ઠો કરી મુક્યો તેં ..”
મહાદેવ બોલ્યા .. “દિલ પે મત લે યાર ..”
પછી તો આપણે પણ એક ગાળ પરખાવી મહાદેવને .. ખડખડાટ હસતો રહ્યો એ અને પછી બોલ્યો … “ જો બકા શૈશવ તમારે સંસારમાં દરેક છોકરીને નાનપણથી સમજાવી દેવામાં આવે છે કે ગાડી,વાડી ,ભણતર વગેરે વગેરે વાળું કોઈ મળે તો પકડી લેવું અને પરણી જવું .. આપ કમાઈ અને મેહનત કરીને પણ ઊંચા અવાય એવું નથી શીખવાડવામાં આવતું , છેવટે કોઈક બિચારી બહુ પ્રેશરમાં આવી જાય તો આવી રીતે જાત્તે કોશિશ કરી લ્યે ..”
મેં કીધું .. “સાચ્ચી વાત છે યાર ..અમારે સંસારમાં એવું ખરું દીકરીઓને લગ્ન એટલે પોતાના ઘરથી બે ત્રણ સ્ટેપ ઊંચું ઘર શોધી અને પરણાવવી એવા વણલખ્યા નિયમો અને એના કારણે આવું બધું થાય ..”
મહાદેવ બોલ્યા ..”ઠીક છે ચલ ભૂલી જા ..પણ એ તને નહિ ભૂલે હોં ..”
આપણે કીધું “ તને પણ ટણપા મારી ગાળો ખાધા વિના નથી ચાલતું ..”
હસતો હસતો હું મંદિરની બાહર નીકળી ગયો ..!!
શું લાગે છે ખરેખર નહિ ભૂલી હોય ? હસવાનું નહિ હોં …!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*