ભારત દેશે SUV ના વેચાણ અદ્વિતીય અદ્દભુત રીતે વધ્યા ..!!
એક રીપોર્ટ વાંચતો હતો એમાં કૈક લખ્યું છે કે છેલ્લા બે વર્ષમાં SUV કે પછી MINI SUV આ બધાના વેચાણમાં ધરખમ વધારો આવ્યો છે , ૨૦૨૨માં કૈક ચૌદ લાખ છોંતેર હજાર નંગ અત્યાર સુધીમાં વેચાઈ ગયા છે અને હજી થોડા ઘણા દિવસો બાકી છે એમાં કદાચ પંદર લાખ યુનિટનો આંકડો પાર કરે તો નવાઈ નહિ ..એની સામે હેચબેક બાર લાખ તોંતેર હજાર વેચાયા છે જે ૨૦૧૯માં ચૌદ લાખથી વધારે વેચાયા હતા ..!!
ભારત દેશ છે બકા .. અહિયાં ક્યારે શું ચાલે અને શું વેચાય એની કોઈ ને ખબરના પડે..!!
ગાડીઓ બનાવવાની કંપનીઓવાળા નવી નવી વસ્તુઓ લાવે એટલે અહિયાં તો લોકો લેવા બેઠા જ હોય છે .. શું વેચાશે એનો બહુ મોટ્ટો આધાર આજે પણ માઉથ પબ્લીસીટી છે , ગમ્મે તેટલા મોટા જાહેરાતોના પાટીયા લગાડે કંપનીઓ કે પછી ટીવી કે છાપામાં પત્તે પત્તા ભરીને જાહેરાતો ઠોકે પણ વસ્તી ચાર જણને પૂછે પછી જ ગાડી લેવા દોડે ..!!
SUV એટલે બહુ સાદી ભાષામાં કહું તો ઉંચી ગાડીનો ક્રેઝ ખરો ,ભારત દેશના ગગાને કે ગગીને ગજે ચડીને આવવાનો શોખ ખરો ..
મારા જેવાને બીજું પણ એક કારણ , જેટલી ઉંચી ગાડી એટલું દૂર સુધીનું દેખાય વત્તા ગ્રાઉન્ડ ક્લીયરન્સ વધારે હોય લગભગ અઢાર ઇંચથી ઉપરનો તો પછી ખાડા ટેકરાથી ગાડી બચી જાય..
નીચે ચેસીસ ઘસાય નહિ ..
અહિયાં નગરી અમદાવાદે તો બધું હમણાં નવું ચાલ્યું છે, પેહલા ખાડા હોય રોડ ઉપર એટલે કકળાટ મચાવે અને નવા રોડ રસ્તા કરાવે, પછી એની માં મરવા પડી હોય એમ બૂમાબૂમ કરીને દર પચાસ સો ફૂટના અંતરે બમ્પ ઠોકાવે અને એ પણ એટલા ઊંચા કરાવે કે ઓછા ગ્રાઉન્ડ ક્લીયરન્સવાળી ગાડીઓ ઘસાઈ ઘસાઈને જાય ..!!
અલ્યા પિત્તળ, તો પછી ખાડો જ શું ખોટો હતો કે આ ટેકરા કર્યા ..!!!!
પણ જેવી પ્રજા એવો રાજા ..!
અભણ અને અણઘઢ પ્રજા .. જેણે જીવનમાં કોઈ વેહિકલ ચલાવ્યું ના હોય એવા એવા લોકો કકળાટ કરે અને બમ્પ કરાવે અલ્યા ઉંચો કરજે જરાક , દે દાળમાં પાણી….!!
અમદાવાદને ફરતે રીંગ રોડ ઉપર તમે જાવ તો અમુક અમુક જગ્યાએ એવી અને એટલી બધી માત્રામાં નાની નાની બમ્પડીઓ બનાવી છે કે બધ્ધો ટ્રાફિક એ બમ્પડીઓ ઉપર ભેગો થાય
અને ત્યાં પાછા નાન્યતર જાતીના લોકો તાબોટા પાડતા પાડતા આવે ,જાણે એમના પિતાશ્રીઓ ઉર્ફે નવા ઉભા કરેલા રાજા રજવાડાઓ કે જેમને તેઓ હપ્તો પોહચાડતા હોય એ લોકોએ લખી આપ્યું હોય એમ રૂપિયા માંગે ..!!
બહુ ગંદો અનુભવ શેર કરું ..
બસ્સો ફૂટના રીંગ રોડ ઉપર હમણાં હમણાં ખરીદેલું નવું ઇલેક્ટ્રિક વાહન લઈને અમે અને અમારા સારથી નીકળ્યા હતા ,નંબર પ્લેટ હજી આવી નોહતી એટલે સ્વાભાવિક છે કે ખબર પડી જાય કે નવું વાહન છે ..
નરોડા જીઆઇડીસીના પાછળના ભાગે ફ્લાય ઓવર બની રહ્યો છે ત્યાં આવી નાની નાની બમ્પડીઓ મૂકી અને ટ્રાફિકને ધીમો કરી નાન્યતર જાતિને રૂપિયા ઉઘરાવી આપવાની “સગવડ” કરી આપવામાં આવી છે..!
હવે અમારું નવું ઇલેક્ટ્રિક વાહન જોયું એટલે ચાર પાંચ “જણી-જણો”એ બમ્પડીઓ ઉપર ધીમા પડેલા વાહનને ઘેરી લીધું અને ઘાઘરા ઉલાળવાના ચાલુ કર્યા ..
હવે જરાક એક ઘાઘરો વધારે ઉલળી ગયો તો અમને ખબર પડી ગઈ કે આ તો બધા `હી`, `શી` અને `ઈટ` માંથી કોઈ `ઈટ` નથી …
`હી` છે ..!!!
પુરુષો સ્ત્રીના કપડા પેહરી અને તાબોટા પાડે અને સ્વાંગ રચીને ઉઘરાણું કરતા હતા .. અમે સારથીને હુકમ કર્યો કે આખી ગાડી આડી કરી મુક બમ્પડીઓ ઉપર એટલે આજુબાજુમાંથી એક પણ ખટારો આગળ પાછળથી જઈ ના શકે ..
અમે રીતસર ટ્રાફિક જામ કર્યો એ બમ્પડીઓ ઉપર .. કારણ શું કે ટ્રાફિક જામ થાય તો એમના ભાગીદારો આવે,
અને આવ્યા પણ ખરા દસ મિનીટમાં તો એક બે કિલોમીટર લાઈન પાછળ થઇ ગઈ એટલે ભાગીદાર આવ્યા ,પબ્લિક અકળાઈ હતી હોર્ન જબરજસ્ત વાગતા હતા એટલે ના છૂટકે શરમે ધરમે પેલા `બદમાશ ઘાઘરા`ઓને કાઢ્યા ત્યાંથી અને અમારો છુટકારો થયો ..!!
બોનેટ ઉપર ચડીને ઊંઘી ગયા હતા બે `જણા-જણી` જે હોય તે ..!!
ટોલ નાકે કે ફાટકે આવતી બમ્પડીઓ ઉપર ગાડી ધીમી કરવી એ પણ જોખમ થઇ ગયું છે.. તાબોટા પડતા જ હોય ..!!
સારું પડે SUV હોય ને ત્યારે આવા સંજોગોમાં રમ ..રમ.. કુદી જાય બમ્પડીઓ અને ધીમા ના પડવું પડે ..!!
બીજા પણ ઘણા ફાયદા છે SUVમાં જગ્યા અંદર વધારે હોય અને આપણે ખચાખચ ભરવા માટે ટેવાયેલી પ્રજા ચારની જગ્યાએ આઠ ઘુસાડે ..! સામાનની હેરફેર પણ ઘણી થાય ..!
પરદેશમાં એવું કેહવાય કે SUVના સેન્ટર ઓફ ગ્રેવિટી ઊંચા હોય એટલે પલટી મારી જવાની સંભાવના વધારે હોય છે પણ હવે આપણે ત્યાં સામાન્ય સંજોગોમાં તો એટલી સ્પીડ જ નથી આવતી , હા રતનપુર બોર્ડરથી પાછા આવતા હોય અને વચ્ચે ઉભા રહ્યા હોય અને છાંટોપાણી કર્યા હોય તો પછી સ્પીડ મળી રહે અને પછી તો ના થવાનું થાય… બાકી …
એક બીજું કારણ પણ મને દેખાય છે કે હેચબેક અને SUVની એવરેજમાં બહુ ફર્ક નથી રહ્યો એટલે સારું ચાલી જાય છે..!!
પણ ગીચ શેહરી વિસ્તારમાં મોટા SUVને અટકાવવા પડે એવું થયું છે , રતન બાપા હવે હટાહટ નેનોને ઇલેક્ટ્રિક કરીને બજારમાં મુકે તો કામ થઇ જાય ..
આ ભારત દેશના માથે ત્રણ પૈડાના વેહિકલનો જે શ્રાપ છે એ શ્રાપ અને કલંક જાય,
શટલિયાના કકળાટ ઓછા થાય..!
દેશની ટ્રાફિક સમસ્યાના મૂળમાં “ગવંડર” છે “સ્ટીયરીંગ વ્હીલ” નહિ ..!!
ગવંડર હોય તો `કટીયા` વાગે , સ્ટીયરીંગ વ્હીલ હોય તો `કટિયા` ઝટ વાગે નહિ ..!!
વિચારજો સાયકલ ,મોટર સાયકલ અને રીક્ષા આ ત્રણ પાસે ગવંડર છે અને ટ્રાફિકમાં અશિસ્ત કોણ સૌથી વધારે કરી રહ્યું છે ?
બ્રેક વિનાના વાહનો તો હવે નથી રહ્યા રોડ ઉપર ..
શું થયું ?
ઘોડાગાડી ,બળદગાડી ,ઊંટગાડી આ બધા ને બ્રેક નાં હોય બકા ..!!!
હવે ગવંડર પણ ઓછા કરો ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*