સ્કુલ કોલેજો હજી ઝટ ખુલે તેમ નથી, ભણતર નો સોથ વળી જાય એમ છે હવે,
જો કે સ્કુલ કોલેજો આમ તો કઈ બહુ મોટું ભણાવી ને ઉંધા નથી પડી જતા પણ એક ડીસીપ્લીન જેવું કૈક ને બીજું આજ ના જમાનામાં એક કે બે છોકરા હોય એટલે સીબલીંગ વોર ને કોમ્પીટીશન જે ઘરમાં નથી મળતી એ સ્કુલ કોલેજમાં ચોક્કસ મળી રહી છે અને લોક ડાઉન ને લીધે હવે એ તત્વ ગાયબ થતું જાય છે..!
દેશી ભાષામાં કહું તો નવી નવાઈના જણેલા ફાટી હાલ્યા છે..!
એક એક ઘરમાં સ્કુલ કોલેજ જતા છોકરાના ઊંઘવા ના અને ઉઠવાના ટાઈમની પત્તરફડાઈ ગઈ છે, પથારીમાં પડ્યા પડ્યા ઓન લાઈન ક્લાસ ચાલી રહ્યા છે, તમામ પ્રકારની જીવન ની ટાઈમ લાઈનમાંથી આજ પેઢી ધીમે ધીમે બહાર જઈ રહી છે..!
ઘરની બહાર શાક લેવા પણ આ જનરેશન ને જવું નથી હવે ..!
કોરોના નો ડર સાચી વાત છે, બધુય છે, પણ હજુ વધારે ચાલશે તો આ પેઢી મીણબત્તી સળગાવવા માટેનું બટન શોધશે..!!
અઢાર વર્ષના કેટલા છોકરા છોકરી એવા છે કે જેમને ગાડીના ટાયર પંક્ચર થાય તો જાતે બદલાવી અને પંક્ચર કરાવી લ્યે છે ? છોકરા તો કદાચ પણ કરી લેશે પણ છોકરીઓ ?
એક તો ઉછેર એવો હાથમાં ને હાથમાં છે અને ઉપરથી આ કોરોના ને લોકડાઉન, ઘરડાં માણસની જેમ “પ્રજા” ખાટલેથી પાટલે અને પાટલે થી ખાટલે આવી ચુકી છે..!
બીજી તરફ કોલેજ જતા બાળકો એમના જીવનના સુવર્ણ દિવસો ગુમાવી રહ્યા છે, ખરેખર દુઃખ થાય છે એમના માટે..!
મને એક મિત્રના મમ્મીએ હું સેકન્ડ ઈયરમાં હતો ત્યારે કહ્યું હતું કે આ તમારા કોલેજના દિવસો છે એ જીવના સોનેરી દિવસો છે દીકરા, માણી લેજો અને ત્યારે મેં કીધું હતું કે ..શું આંટી યે જીના ભી કોઈ જીના હૈ ..!
ત્યારે એ આંટી હસી ને બોલ્યા હતા.. હા લલ્લુ યે જીના હી જીના હૈ, જી લે ..!
અને બિલકુલ એક વર્ષ પછી દિવાળી વેકેશન પત્યુ અને ભાન થયું કે યે જીના હી જીના હૈ ..જી લે ..! અને પછી તો પીજી ના બીજા બે વર્ષ ભરપૂર માણ્યા ..!
આજ ના કોલેજ જતા છોકરા છોકરી એ બધું જ ચુકી ગયા ..!
તકદીર નો ખેલ છે..!!
આજ ના છોકરા છેલ્લા ચાર મહિનાથી ઘરમાં બેઠા બેઠા ખાઈ ખાઈ ને ગેંડાના સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, કોઈ જ પ્રકારની ફીઝીકલ એક્ટીવીટી નામે નથી થઇ રહી , જે કઈ ચાલી રહ્યું છે એ બધું ઓનલાઈન..!
ઉપરથી એક એક બાળક ને માથે ત્રણ ત્રણ માંબાપ ની પેર એટલે છ-છ માંબાપ છે , માંબાપ ,દાદા-દાદી ,નાના-નાની ..!
બિલકુલ પાણિયારે ઉભા રહી ને પાણી માંગે છે , અને એને આપનારા પણ છે..!
આજે એક આવા મહામૂલા અણમોલ રતન ની માં જોડે વાત થઇ ..
મારે તો હવે બાબા ને એક્સટર્નલ સ્ટુડન્ટ જ રાખવો છે ,સ્પોર્ટ્સ ના કોચિંગ કરાવવા છે અને એક્ઝામમાં એક્સટર્નલ રાખી ને અપાવી દેવી છે.. આ શું આ બધો લોડ
બાળક ને આપવાનો..!!
પેહલા તો મને લાગ્યું કે બેહનની અટક સારાભાઇ હશે પણ બળી એ તો શાહ નીકળી..! બેન એકટીવા ઉપર જ ફરે છે ..!
લોકડાઉનના ચાર મહિનામાં તો બેન એ નક્કી કરી લીધું કે એમનું મહામૂલુ અણમોલ રતન હવે ઘરે રહી ને વધારે સારી રીતે ભણી શકશે..!
ઓળખું છું એવા બે ચાર ઘરે રહી ને ભણેલા મહામૂલા અણમોલ રતનો ને કે જેમણે સ્કુલનું પગથીયું જ નથી ચડ્યું ,
સાચું કહું મારા જેવી પ્રેક્ટીકલ વ્યક્તિ ને તો ત્રાસ છૂટે એમની વાતો સાંભળી ને .. પવાલામાં પાણી પીશો ? આવા સવાલો પૂછે .. જાણે આપણા ઘરમાં તો બુઝારામાં પાણી પીવાતું હોય..!
નરી ચાંપલાશ પટ્ટી , પાણી નું પૂછવામાં પ્રાસ બેસાડે…!
દુનિયાથી જુદા પડવાના અનેક રસ્તા છે પણ આ રસ્તો મને થોડોક “જંગલી” લાગે છે..!
થ્રી ઈડિયટ્સ મુવી ની સાઈડ ઈફેક્ટ એ ઇનોવેટીવ એન્જીનીયર જેટલા પેદા કર્યા છે ને એના કરતા વધારે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર પેદા કર્યા છે..!
પેલા મહામૂલા અણમોલ રતન ના માતૃશ્રી પણ મને થોડાક વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરના જનેતા લાગ્યા..એમનો જાડિયો અડધો કિલોમીટર ચાલે તો ઘણું છે, મેં છેલ્લા ચાર મહિનમાં મહામૂલા અણમોલ રતન ને અર્ધ સુસુપ્ત અવસ્થામાં જ જોયો છે , હવે એને સ્પોર્ટ્સમાં નાખી ને શું કાંદો નીકળવા નો ?
પણ થ્રી ઈડિયટ્સ ઈફેક્ટ..! બાળક ને જેનો શોખ હોય એ જ કરવા દેવાનું..!
સારું ભાઈ ,સારું બેન , કોઈક દિવસ ટીવીમાં જોઈશું અમારી ઘરડી આંખે તમારા મહામૂલા અણમોલ રતન તો આનંદ થશે , બાકી તો વ્યાજ ના દરો હવે ઘટતા જ જવાના છે એનું ઘર તમારી ઉભી કરેલી ફિક્સ ડીપોઝીટ ઉપર નહિ ચાલે..!!
હમણાં એક મિત્ર જોડે વાત થઇ એની ફરિયાદ હતી કે એનો ૧૭ વર્ષ નો છોકરો કશી વસ્તુ લેવા નથી જતો અને જાય તો કશું બાર્ગેન નથી કરી શકતો..!!બહુ જબરજસ્તીથી મોકલો તો જે લેવા મોકલ્યો હોય એ લઈને આવી જાય પણ ક્યારેક ભાવ વધારે ઓછો હોય તો બાર્ગેન નથી કરતો..!
આ પણ ઓનલાઈન ભણતર ને આખો દિવસ ઓનલાઈન ચોંટી રેહવાની સાઈડ ઈફેક્ટ છે …!
ભણવાનું પણ ઓન્લાઈન અને ખરીદી પણ ઓનલાઈન..!!
માણસ ની માણસ જોડે વાતચીત કરવાની કળા ભૂલી રહ્યા છે બાળકો..!
આજે પણ એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં એનો પનારો ભવિષ્યમાં માણસો જોડે જ પડવા નો છે , બધે જ મશીન નહિ આવે અને આવું જ જો લાંબુ ચાલશે તો નવી નવી સ્લેટ કોરી રહી જશે ..
એકડા ઘૂંટવા પડશે ,નહિ ચાલે.. સ્કુલ કોલેજ ને પણ હિંમત કરીને ખોલવી પડશે અને મોકલવા પડશે સ્કુલ કોલેજે બાળકો ને નહિ તો આખી પેઢી માણસ ગંધારી
થઇ જશે ..વાત નહિ કરી શકે એકબીજા સાથે, જેમ કાગળ પત્ર લખવાની કળા ભુલાઈ ગઈ તેમ વાતચીત ની કળા ભૂલી જશે..!!
વાત બંધ થયા પછી નું સ્ટેજ બધા ને ખબર છે …
ડીપ્રેશન..!
વિચારજો અને તમારી આજુબાજુ કોઈ મહામૂલુ અણમોલ રતન હોય તો હૈયે પથરા મૂકી ને રગદોળજો ..!!
એકલા તો મરી
જ..વાય..!!
એકલા જીવાતું તો
હરગીઝ નથી..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)