સ્કુલોમાં બેફામ ફી વધારા ઉપર સરકારી અંકુશ..વિજય રૂપાણી સરકાર કામ કરે છે ખરી..! મને તો એમ કે વિજયભાઈને ખાલી અને ખાલી ઉદઘાટન કરવા માટે જ બેસાડ્યા છે..!
ખુબ સારો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે, પણ શાળાઓના સંચાલકો માટે આ મોકાણના સમાચાર છે.
શાળાઓના સંચાલકો એ “લાલચ બુરી બલા હૈ..” બાળકોને શીખવાડ્યું પણ પોતે ભૂલી ગયા,અને “બેફામ” થઇ ગયા..!
લોભને થોભ જ ના રાખ્યો..
હવે એકદમ અચાનક જ ગુજરાત સરકારે કાંડા કાપી લીધા એટલે હવે એ બધા ભેગા થઇને હૈયાફાટ રુદન કરી રહ્યા છે પણ વ્યર્થ છે..કર્યા ભોગવવા જ પડે, અને હવે જો આ શાળા સંચાલકોના “રંડાપા” માં જો વિજય રૂપાણી સરકાર રેલાઈ ગઈ અને હવે જો પાછીપાની કરીને પારોઠના પગલા લે તો પછી એને “ફાતડા વિદ્યા” કરી એમ જ કેહવાય..!
વિજયભાઈ પોતે ગૃહસ્થ છે, એમની પેહલા “બેન” આવ્યા પણ આ તરફ બહુ ધ્યાનના પડ્યું, એ પેહલા તો “સાહેબ” કુંવારા, એમની પેહલા “બાપા” અને બાપાના છોકરા તો લગભગ મારી જેમ “મફત”માં ભણી ઉતર્યા..
એટલે વિજયભાઈ પાસે તો આ બાબતે આશા રાખવી જ ઘટે..!
ઘાયલની ગત ઘાયલ જાણે..
વર્ષોથી શિક્ષણના નામે લુંટ ચાલી રહી છે,આમ જોવા જાવ તો કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં લુંટ ચાલતી ના હોય,પણ આ ક્ષેત્રમાં તો હદબાહરની વાત થઇ ગઈ છે..
સરકારી સ્કૂલોના ટીચર્સનું માનસિક લેવલ અને પગાર બંનેની સરખામણી કરો તો ક્યાય મેળ ના બેસે, સરકારી સ્કૂલોમાં પગાર તોડો ઓક્સફર્ડ ગ્રેજ્યુએટનો અને માનસિક લેવલ તદ્દન ભિખારી, જયારે પ્રાઈવેટ સ્કુલમાં એનાથી વિપરીત પગાર ભિખારી નો અને કામ આપવાનું ઓક્સફર્ડ ગ્રેજ્યુએટનું..!
બચારી પ્રાઈવેટ સ્કુલની ઈંગ્લીશ મીડીયમની માસ્તરાણીઓ તૂટી તૂટીને મરી જાય છે,સવારે ઘેરથી નીકળીને સાંજે ઘેર જતા લગભગ દસ-બાર કલાક થઇ જાય છે અને હાથમાં આવે શકોરું.. અને એ શાળા સંચાલક રૂડી અને રૂપાળી જીમમાં જઈને તન તોડે, પણ હરામ છે સ્કુલમાં જઈને કોઈ દિવસ વાંકી વળી હોય..!
જો કે અપવાદ પણ હોય છે એની ના નહી, મારા એક સ્નેહીની પાંત્રીસેક વર્ષની દીકરી નાના નાના બાળકોનું કિન્નરગાર્ડન ચલાવે છે..અને ત્યાં જ એ બાળકોને નાસ્તો આપે છે, જોવાની ખૂબી એ છે કે બિલકુલ બધે બધો જ નાસ્તો એ સંચાલિકા જાતે જ બનાવે છે.. મેં કીધું બેટા તું ચાલીસ ચાલીસ ટેણીયાનો નાસ્તો જાતે બનાવે છે ? અને તારા ઘરની રસોઈ..?
જવાબ બહુ જ સુંદર હતો .. શૈશવભાઈ મારા બે છોકરા જેવા જ મારા ચાલીસ સ્ટુડન્ટ, એમના ખાવાનું જો હું માણસોના ભરોસે મુકુ અને કઈ આડુઅવળુ થાય તો મારે એમના માબાપ તો ઠીક પણ ઉપરવાળાને તો જવાબ આપવાનો ને ..!
મને એક અહોભાવની લાગણી આવી ગઈ એ બેન માટે…! છેતાલીસ જણનું જમવાનુ એકલે હાથે બનાવે છે..!
અને એ પણ ઈશ્વરનો ડર રાખી ને..
શૈશવભાઈ હું કોઈને જવાબ આપવા બંધાયેલી નથી, પણ ઈશ્વરને તો મારે જવાબ આપવાનો છે ..!
ઈશ્વરને જવાબ આપવાનો છે એવી જવાબદારી રાખી ને કામ કરે છે..!
શાળા સંચાલકો ત્યાં જ ભૂલ્યા “ઈશ્વરનો ડર” ભૂલી ગયા,મનમાંથી ઈશ્વરનો ડર જતો રહ્યો અને પોતાની જાતને બાળકોના “ભાગ્ય નિર્માતા” કે “ભાગ્ય વિધાતા” સમજવા લાગ્યા..
અરે જ્યાં સુધી “ભાગ્યવિધાતા” સમજતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પણ બાળક મોટું થઇને કરોડો કમાવાનું છે જ એમ સમજી અને એ ભવિષ્યના નાગરિક પાસેથી એમણે રૂપિયા વસુલવાની “કંસ વૃત્તિ” દાખવી..
મથુરાના રાજા કંસે જેમ કોઈ કારણ વિના હજી જન્મ્યો પણ નથી એવા કૃષ્ણના માબાપને દંડ આપ્યો હતો, એમ જ બાળક મોટું થઇને કમાશે એમ માની લઈને આ કલિયુગના કંસો જે પેદા પણ નથી થયો એવા કૃષ્ણના માંબાપ પાસેથી રૂપિયા વસુલવાના ચાલુ કરી દીધા છે..!
સારું શિક્ષણ એ આજના યુગ નો પ્રાણ પ્રશ્ન છે, એમ.કે.ગાંધી એ ક્યાંક કીધું હતું કે “શારીરક શ્રમ અને માનસિક શ્રમની કિંમત એક સરખી હોવી જોઈએ..”
પણ આપણા દેશમાં શારીરિક શ્રમની કોઈ કિંમત જ નથી, અને માનસિક શ્રમને બેહિસાબ કિંમત મળે છે, જેના પરિણામે શારીરિક શ્રમ કરતો દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે એનું સંતાન ફક્ત અને ફક્ત માનસિક શ્રમ કરે અને શારીરિક શ્રમથી દુર રહે..
સરકારો એ પણ “પઢેગા ઇન્ડિયા બઢેગા ઇન્ડીયાની” જેવી જાહેરાતો કરી..અને આ બધા સંજોગોએ જ્યાં બાળકનું ભણતરની સાથે ગણતર અને ઘડતર થતું એવી જગ્યા એટલે નિશાળ અને એ “નિશાળ” નામની જગ્યાને સંચાલકોએ “દુકાન”માં ફેરવી નાખી.
સાહીઠના દાયકામાં શિક્ષણની “નાની-મોટી દુકાનો” ખુલી,સિત્તેરના દાયકામાં “માર્કેટો”..એશીના દાયકામાં શિક્ષણના “શોપિંગ કોમ્પ્લેક્ષ” (ટ્યુશન કલાસીસ)અને એકવીસમી સદીમાં શિક્ષણના મોટા મોટા સંપૂર્ણ એ.સી. “મોલ” ખુલી ગયા અને એ મોલમાં વિદેશી “સામાન” પણ એટલો જ વેચાઈ રહ્યો છે..!
શિક્ષણનું સંપૂર્ણપણે કોમર્શિયલાઈઝેશન થઇ ગયું, અને છેલ્લા બે દસકામાં સામાન્ય માણસ જે પોતાની દાળ રોટીના ચક્કરમાંથી માંડ બહાર આવ્યો હતો અને સીધો ઈએમઆઈના ચક્કરમાં ભરાઈ ગયો એને તો એટલી જ ખબર પડી કે છોકરા વધારે થવા નહિ દેવાના, એક છોકરું હશે તો જ સારી રીતે ભણાવી શકાશે..!
અત્યારે સંઘ સરચાલક મોહનભાગવતજી નું બયાન યાદ આવે છે, વધુ છોકરા થવા દેવાનુ..
રામ મંદિર બનાવો કે નહિ એ મુદ્દો બાજુ પર મુકો અને ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એને સેન્ટ્રલમાં અને ભાજપની સરકારો છે ત્યાં લાગુ કરાવો અને અમલ કરાવો ને તો પણ “બિચારો” હિંદુ એક ને બદલે બે છોકરા પેદા કરવાનું વિચારશે..!
હિંદુઓની ઘટતી વસ્તીનું એક મોટું કારણ વધતી સ્કુલ કોલેજોની વધતી ફી પણ છે..!
આજ નો હિંદુ પોતાના છોકરાને “ક્વોલીટી લાઈફ” આપવા માંગે છે અને કદાચ સમજણવાળો મુસલમાન પણ..! ઘણા બધા એવા મુસ્લિમો પણ છે આ દેશમાં કે જે પોતના સંતાનોને ક્વોલીટી લાઈફ મળે એના માટે ભણતર આપે છે સ્કૂલિંગ સીસ્ટમમાં (મદરેસા સિવાય)…
એક વાસ્તવિકતાનો સ્વીકાર સમાજે કરવો જ રહ્યો કે શાળા કોલેજના સંચાલકોની બેફામ ફી વધારાની લાલસાએ કેટલાય માંબાપના એક ઉપર બીજા સંતાનના સપના રોળી નાખ્યા છે..
એક જ દીકરો કે દીકરી બસ ફી ઓ ભરવી નહિ પોસાય..!
અત્યારે તાજા પરણેલાને કહીએ છીએ કે બે સંતાન તો જોઈએ ભઈલા,
તો પેહલો જ જવાબ આવે બીજા છોકરાની સ્કૂલો અને કોલેજોની ફી તમે ભરશો શૈશવભાઈ..?
પછી જવાબ તો આપવો જ પડે.. “ બીજા છોકરાની ફી ભરવા જેટલી તાકાત હોત ને તો બકા હું બે થી અટકી ના ગયો હોત પણ ત્રણ ચાર થવા દેત..!
સમાજનું ઘડતર જ્યાંથી થઇ રહ્યું છે એ સ્કુલ અને કોલેજોના મૂળમાં સડો ઘુસી ગયો છે, મોટી મોટી કોલેજો અને સ્કૂલો આજે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને બીજા ધંધામાંથી કમાયેલા રૂપિયા “પાર્ક” કરવાની જગ્યા થઇ ગઈ છે, અને એ “પાર્ક” કરેલા રૂપિયાનુ એમનો “ઇન્વેસ્ટર” વળતર માંગી રહ્યો છે..
એક જાણીતો એસએમએસ છે કે અમારું કેમ્પસ ૩૦૦ એકરમાં ફેલાયેલું છે અને મારા જેવો બાપ પૂછે છે કે છોકરાને તારે ત્યાં ભણવા મૂકવાના છે કે ચરવા..?
અમદાવાદમાં શ્રેષ્ઠીઓ એ ખોલેલી સ્કૂલો અને કોલેજો છે, સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવનાથી ટીચર બનવું અને શાળા કોલેજો ખોલવી એ વાત કે સિદ્ધાંત મરી આજે પરવાર્યો..
હકીકત એ છે કે મોટી મોટી સ્કૂલો અને કોલેજો હજારો એકરમાં ઠેર ઠેર ખોલી અને જમીનો ઉપર કબજો રાખવાનો કારસો છે અને એ ઉભી કરેલી મિલકતને મેન્ટેઈન કરવાના રૂપિયા વિદ્યાર્થી પાસેથી તોડી લેવામાં આવે છે,જોવાની ખૂબી એ છે કે પારકા રૂપિયે ભેગી કરેલી અને મેન્ટેન થતી જમીનની માલિકી તો છેવટે સંચાલકની જ રહે છે..!
અલ્યા તમે સ્કુલ ખોલી છે કે ક્લબ ..?
કોઈકના રૂપિયે સંપત્તિ ઉભી કરી અને એના ટ્રસ્ટી થઇને ચડી બેસવાનું અને એ પણ પાછુ વંશપરંપરાગત, ટ્રસ્ટીનો દીકરો ટ્રસ્ટી થાય..ક્યાં તો જમાઈ..!
સાત પેઢી બેઠી બેઠી ખાય એટલી જમીનો લઈને પ્રાઈવેટ સ્કુલના સંચાલકો જમીન લઈને પડ્યા છે..!
ક્યાય “ધરાઉં” થતો હોય એવું દેખાતુ જ નથી..!
જરૂર છે બેંકોની જેમ શાળા અને કોલેજોના રાષ્ટ્રીયકરણ કરવાની અથવા એક મોનીટરીંગ ઓથોરીટીની કે જે દરેક કોલેજ અને સ્કૂલોના હિસાબોનું પ્રોપર તટસ્થ રહીને ઓડીટ કરે અને નક્કી કરે કે મફતના ભાવમાં પડાવેલી જમીનો કે પછી “દાતા” એ આપેલી રકમોને જે હેતુથી “દાન”માં અપાઈ હોય છે એ “હેતુ” બર આવ્યો છે કે નહિ એ ચેક કરે..કે પછી રૂપિયાનું “પાર્કિંગ” થયું છે..?
અને હા ઘણી બધી જગ્યાએ બિચારા પ્રાઈમરી ટીચરોને પચીસ હજારની રસીદ ઉપર સહી લઈને પંદર હજાર અપાતા હોય છે અને દસ રોકડા સંચાલકો ઘેર લઇ જાય છે, આ ધંધા કેટલી સ્કૂલો કરે છે..?
સફેદ કોલર અને માં સરસ્વતીના સાડલાના ધોળા કપડા પેહરી અને “બુચડખાના” ચલાવતા “કસાઈઓ” ને ઈશ્વર સદબુદ્ધિ અર્પે ..
અને પ્રભુ વિજયભાઈ રૂપાણીને આ કાયદાનો અમલ કરવાની શક્તિ આપજે..
મારે એમને આ નિર્ણયમાં સંચાલકોને કોઈ છટકબારી આપી અને એ બારીમાંથી “તાબોટા” પાડતા નથી જોવા..!
દોસ્તો વધુને વધુ મારા આ બ્લોગને ફોરવર્ડ કરો જેથી પેલી “બારી” ખુલે નહી અને સરકાર મક્કમ રહે..
ઘણુ બધું ચોખ્ખું કરવાનો સમય છે તો શરૂઆત વિદ્યાલયોથી કેમ નહિ..?
કરો ફોરવર્ડ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા