સીરિયામાં મસ્ટર્ડ ગેસ વપરાયો..
સીરિયામાં ક્યાં શું ચાલી રહ્યું છે થોડાક ઈન્ટરનેશનલ ઓનલાઈન છાપા વાંચીએ અને ટીવી ચેનલો જોઈએ તો એવું લાગે કે બધુ જ અંધારામાં ફાંફા મારી રહ્યું છે, આપણા દેશી,અને એમાં પણ ગુજરાતી છાપા તો બિચારા અને બાપડા લાગે આ બધાની કમ્પેરીઝનમાં..
ઝીણા ઝીણા અક્ષરે રશિયન પીએમનું બયાન છાપી માર્યું કે વિશ્વયુદ્ધથી હવે ફક્ત એક ઇંચ દુર છીએ..
થોડી મારી સમજણ પ્રમાણે કહું તો પેહલુ અને બીજું વિશ્વયુદ્ધ યુરોપએ પોતાની ધરતી પર થવા દીધું,અને એના અનુભવે યુરોપને ખબર પડી ગઈ કે યુદ્ધ લડાય ખરું પણ બીજાની ધરતી ઉપર..
બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર સિવાય અમેરિકાની ધરતી અછૂતી રહી ગઈ અને ત્યાર પછીનો અમેરિકાનો જે વિકાસ થયો એ દુનિયાએ જોયેલો છે..યુરોપને બેઠા થતા બહુ જ વાર લાગી, જે બ્રિટીશ એમ્પાયરમાં સુરજ આથમતો નોહ્તો એને પોતાના તાબામાં રહેલા લગભગ બધા સંસ્થાન ખાલી કરવાના વારા આવ્યા, જોડે જોડે ફ્રેંચ પોર્ટુગીઝથી લઈને બધા જ યુરોપિયનો પોતાના ઘર ભેગા થયા,
બીજું વિશ્વયુદ્ધ એ દુનિયા આખી માટે એક મોટો પદાર્થપાઠ રહ્યો અને એને ધ્યાનમાં રાખીને બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા બધા જ દેશો બને ત્યાં સુધી પોતાની ધરતી પર યુદ્ધ નથી લડતા, અને જો લડે તો બહુ જ ઓછા સમયમાં યુદ્ધ પૂરું કરી નાખે છે અને યુદ્ધ લડવામાં પણ એક મર્યાદા રાખે છે, ફક્ત પરંપરાગત હથીયારો જ વાપરે છે.
આઝાદી પછી આપણે લડેલા ચાર યુધ્ધો અને પાંચમું કારગીલ દરેકમાં કેમિકલ કે પરમાણુ હથિયારથી બંને પક્ષો દુર રહ્યા છે,મસ્ટર્ડ ગેસ આમ તો બહુ જુનું હથિયાર છે, હજ્જારો યહૂદીને હિટલરે મસ્ટર્ડ ગેસથી મારી નાખ્યા હતા અને ભારત પાકિસ્તાન કે ચીન દરેકને મસ્ટર્ડ ગેસ બનાવતા આવડે છે છતાં પણ બધા જ યુદ્ધ પરંપરાગત હથિયારો વપરાયા,અને મોટેભાગે હજી યુદ્ધ લડતી દુનિયા આખી કેમિકલ અને પરમાણુ હથિયારથી દુર રહે છે..
આમ જોવા જાવ તો સરવાળે અત્યારે બધા દેશો જેમને પોતાની તાકાત અને રાજનીતિ રમવી છે એ બધા અત્યારે સીરિયામાં પડ્યા છે,અને ધબાધબી બોલાવે છે..
જે ટ્રમ્પકાકાને સીરીયન રેફ્યુજી દીઠા નોહતા ગમતા અને એમની ઉપર અમેરિકામાં આવવા પર પ્રતિબંધ ઠોકયો એ સીરીયન નાગરીકોની તરફેણમાં દે ધનાધન ટોમ હોક ક્રુઝ મિસાઈલ્સ ઠોકી દીધા અને દુનિયા આખી એના જુદા જુદા અર્થ કરવા બેસી ગઈ..!
અત્યારે ટ્રમ્પકાકા અને ચીની રાષ્ટ્રપતિ શી પીંગનું હનીમુન ચાલી રહ્યું છે અને ત્રણ ત્રણ હનીમુન કરી અને માણી ચુકેલા ટ્રમ્પકાકાને હવે તો હનીમુનથી જ કન્ટ્રોલ પકડવાની ફાવટ આવી ગઈ હોય,
દુનિયાનો એક ભાગ એવું માને છે કે ચાઇનીઝ રાષ્ટ્રપતિ શી પીંગની ઊંઘ ઉડાડી દેવા માટે સીરિયામાં ૫૯ મિસાઈલ્સ ઠોકી દીધા અને એક સંદેશો આપ્યો કે ઉત્તર કોરિયાના મામલામાં તમે સાથ આપો નહિ તો અમે જેમ સીરીયામાં રશિયાની સાડીબારી રાખ્યા વિના સીરિયામાં હુમલો કર્યો,રશિયાએ સામે ભલે એડમિરલ ગ્રીગોરોવીચ (લેટેસ્ટ રશિયન નેવીનું જહાજ જેમાં ઢગલો ક્રુઝ મિસાઈલ્સ અને સ્ટીલ્થ બોમ્બર વિમાનોનો કાફલો તેનાત હોય છે) ને મેડીટેરિયન-સી તરફ રવાના કર્યું પણ અમે ઉત્તર કોરિયામાં ઉપર પણ તમારી સાડીબારી રાખ્યા વિના આ જ ધંધો કરીશુ..
ઘેર બોલાવી સરખા જમાડી કરીને ચીમકી આપી દીધી..
એક બીજો મત એવો નીકળે છે કે ઘરમાં પણ ટ્રમ્પકાકાની હાલત ખરાબ છે અને ઓબામા કરતા હું વધારે સારો અને કામ કરતો છુ એવું બતાડવા આ હુમલો કર્યો..!
હવે જોવાની ખૂબી એ છે કે બે વર્ષ પેહલા પણ કેમિકલ વેપન્સ સીરિયામાં વપરાયા હતા, અને ત્યારે ઓબામા વ્હાઈટ હાઉસમાં બિરાજતા હતા અને એમણે ત્યારે સીરીયામાં નાક ખોસવાની ચોખ્ખી ના પાડી દીધી હતી..
પણ આ બધાની વચ્ચે સવાલ એ આવે કે આ કેમિકલ વેપન્સ સીરિયામાં આવ્યા ક્યાંથી ?તો કહે સાઉદીમાંથી અને સાઉદી અરેબિયા એટલે અમેરિકાનું એક નંબરનું પીઠ્ઠું..
ચોરને કહે ચોરી કર અને ધણીને કેહવાનું ધાકમાં રેહ્જે..
રશિયા,સાઉદી,ઈરાન,અમેરિકા,ઈરાન,ટર્કી,અને બીજા કેટકેટલા દેશો સીરિયામાં પોતાની ખીચડી પકવે છે, ખોબા જેવડું સીરિયા અત્યારે કમસે કમ દસ જુદા જુદા દેશો અને એજન્સીસ (આઇએસઆઇએસ)ના હાથમાં વેહચાયેલું છે..
બગદાદના પતન પછી છેલ્લા છ વર્ષથી સીરિયાની ઘોર ખોદાઈ ગઈ છે.. સીરિયાની ભૌગોલિક સ્થિતિ દરેકને એની ઉપર કબજો જમાવી રાખવાની લાલચ આપે છે,એક છેડો ટર્કીને અડે જ્યાંથી યુરોપ ચાલુ થાય, એક છેડો ઈરાકને એક છેડો જોર્ડન ઈઝરાઈલ આફ્રિકાને અડે ઉપરની બાજુએ આર્મેનિયા થઇ ને રશિયાને અડે..
સામરિક મહત્વ બહુ જ વધી જાય, યુરોપ અને રશિયાને હજી પણ એકબીજા પર ઓછો ભરોસો, આફ્રિકાની વાત જ નહિ પણ ગલ્ફમાં રહેલુ મબલખ તેલ, ક્રુડઓઈલ બધાનો ડોળો ક્રુડ પર છે, આજના જમાનામાં દરેક દેશની ઈકોનોમીને કન્ટ્રોલ કરતુ ફેક્ટર એટલે ક્રૂડતેલ..
દુનિયામાં રૂપાળી સ્ત્રીનું સૌથી મોટું દુશ્મન કોણ ?તો કહે એનું રૂપ
એમ કોઈપણ દેશનું સૌથી મોટો દુશ્મન કોણ ? તો એ દેશની ખનીજ સંપત્તિ, જેની પાસે ખનીજ સંપત્તિ વધારે એમ એની ઉપર મહાસત્તાઓ યેનકેન પ્રકારેણ કબજો જમાવવાની કોશિશ વધારે કરે અને કબજો જમાવીને ચૂસે..
સોનાની ચીડીયા ભૂખડીબારશ હાડપિંજર થઇ ગઈ ત્યાં આ દેશને સુધી ચુસ્યો અને પછી ટુકડા કરીને દેશને ફેંકી દીધો..
ઉભા થઇ રહ્યા છીએ,પણ જો સામર્થ્ય નહિ કેળવીએ અને સંપત્તિ ભેગી કરી તો ફરી આ જ લુંટારા અંદર અંદર લઢાવી અને પુરા કરી નાખશે..
હવે લેટેસ્ટમાં પાશ્ચાત્ય મીડિયા પૂછી રહ્યું છે કે ખરેખર મસ્ટર્ડ ગેસ વપરાયો હતો ખરો..?અને વાપર્યો તો કોણે વાપર્યો ?સીરિયાની સરકારે કે વિદ્રોહીઓએ ?
બે વર્ષ પેહલા યુનોની કમિટીએ સર્ટીફીકેટ આપ્યું હતું કે સીરીયામાં એકપણ કેમિકલ વેપન નથી તો પછી ક્યાંથી આવ્યા આ મસ્ટર્ડ ગેસ ?
એક નવો જવાબ એવો આવ્યો કે સીરીયન સરકારે નાશ કરવા માટે દાટી દીધેલા કેમિકલ વેપન ઉપર વિદ્રોહીઓએ હુમલો કર્યો એમાં કેમિકલ વેપન ફાટ્યા..!
જીભ સાચી તો ઉતર ઝાઝા ..
વાલ્દમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેની ઘર આંગણે હાલત ખરાબ છે ઘરનો બળ્યો ગામ બાળે..
જોઈએ ફરી રશિયન પ્રધાનમંત્રીના હવાલાથી છાપાવાળા વિશ્વયુદ્ધથી એક ઇંચ દુર લઇ જાય છે કે પછી અડધો ઇંચ નજીક લાવે છે..!
રવિવારની સાંજ શુભ રહે
શૈશવ વોરા
તા.ક. :- ગુગલમાં admiral grigorovich નાખો યુ-ટ્યુબ પર ક્લીપીંગ મસ્ત મસ્ત છે..!