સંતાન ને સપોર્ટ ..
થોડાક દિવસ પેહલા ક્યાંક એકાદ ટીવી ઉપર કલીપ આવી રહી હતી ,કૈક પરદેસમાં એક વાઘણે ત્રણ બચ્ચા ને જન્મ આપ્યો ,
હું ને મમ્મી સાથે બેસી ને ટીવી જોઈ રહ્યા હતા..
મારા મોઢામાંથી નીકળી ગયું કે આટલું સબળ પ્રાણી ..!! પણ કેટલા નિર્બળ બચ્ચાને જન્મ આપે છે ? આના કરતા તો ગાય ના બચ્ચા ઝડપથી ઉભા થઇ ને ચાલતા થઇ જાય..!! કેટલો બધો વખત એને સપોર્ટ કરવો પડે ..!! મમ્મી એ તરત જ કીધુ કે વાત તો ખરી ..પણ આપણા માણસજાત ના છોકરા ને તો ક્યાંય સુધી વળગાડી રાખવા પડે છે..! મારું દિમાગ દોડ્યું પેહલા એવી થીયરી લગાડી કે જેટલા અલ્પઆયુ જીવો છે એમના સંતાનો જન્મે એ ભેગા ચાલતા થઇ જાય છે અને લાંબુ જીવન જેને કુદરતે આપ્યું છે એ લોકોના સંતાન નિર્બળ હોય અને એના માંબાપ ને સપોર્ટ વધારે કરવો રહ્યો...! પણ ના , એ થીયરી મને લાગે છે કે ખોટી છે.. મને લાગે છે કે જે પ્રાણી સૃષ્ટિમાં બીજા પ્રાણી નું ભક્ષણ સેહલાઈથી બની શકે છે એવા પ્રાણીઓના સંતાન ઝટ ઉભા થઇ ને દોડતા થઇ જાય છે..!! અને જે પ્રાણી બીજાનું ભક્ષણ કરે છે એમના સંતાનો ને ઘણો વખત સુધી સાચવવા પડે એમના માંબાપ એ અને શિકાર કરતા પણ શીખવાડવું પડે છે..!! તૃણભક્ષી તો માંબાપ નું જોઈ જોઈ ને તૃણ ખાતું થઇ જાય પણ શિકાર કરી ને ખાનારા પ્રાણીના સંતાનોને શિકાર કરતા શીખવાડવું પડે અને એના માટે પેહલા સીબલીંગ વોર થાય પોતાની જાત ને શિકાર કરવા માટે કસવી પડે પછી બીજા પ્રાણી ઉપર હાથ મરાય બાકી તો શિકારી ખુદ શિકાર થઇ જાય..!! હવે ઉપર ની આખી વાત માનવજીવન ના સંદર્ભમાં મુકો તો..!! સામાજિક “પ્રાણી” ઉર્ફે માણસ પોતાના કેવા સંતાન ને જન્મ આપે છે ? નબળો કે સબળો ? હસવું આવે છે ..!! પછી વિચાર એ આવે છે કે માણસ એ પોતાની જાત ને માણસ જેવી રેહવા ક્યાં દીધી છે...? માણસ સિવાયની સૃષ્ટિ તો ઘણી સારી છે .
એટલીસ્ટખબર તો છે કે આ પ્રાણી શિકારી જ છે અને આ પ્રાણી અહિંસક જ છે, જયારે માણસમાં તો સમજણ જ ના પડે કે શિકારી છે કે શિકાર છે..? શારીરિક રીતે તો માણસ નું બચ્ચું ઘણું નબળું , છેક એક વર્ષે તો ચાલતા ખાતાપીતા શીખે અને પછી ની બીજી બધી પ્રોસીજર ..ઓ..બાપરે .. લગભગ માંબાપ જીવે ત્યાં સુધી એના બચ્ચા ને પાલવે..!!! ઘણા કેસમાં તો માંબાપ મરે ત્યાં સુધી સંતાન જોડે નો એમ્બીયકલ કોર્ડ કપાતો નથી..!! એક બહુ જાણીતા વકીલ મિત્ર સાથે આ ચર્ચા થઇ હતી કે છોકરા ક્યારે સેલ્ફ સફીશીયંટ થાય ? પોતાનો શિકાર જાત્તે કરી ને ખાતો થાય ? તો એમણે બહુ સરસ જવાબ આપ્યો હતો.. જો શૈશવ જેના માથે બાપ ના બેઠો હોય ને એ લગભગ અઢાર વર્ષે તૈયાર થઇ જાય ,અને ૨૧ વર્ષે તો કમાતો થાય જ , જેના માથે બાપ બેઠો હોય એને અઠ્યાવીસ વર્ષ થાય , અને જેના માથે બાપ વત્તા ભાઈ બેઠો હોય એ બત્રીસથી પાંત્રીસ વર્ષે અને જેના માથે બાપ વત્તા ભાઈ વત્તા ભાઈ એમ ત્રણ ચાર જણ સાચવવાવાળા હોય એ પ્રજા જીવનભર પાલવવી પડે..!! તમે પણ તમારી આજુબાજુ માર્ક કરજો ,બહુ સાચી વાત છે આ જેટલો બાપ મોટો શિકારી એટલો એનો દીકરો નિર્બળ , ટ્રેઈન કરતા કરતા વર્ષો ના વર્ષો નીકળે ત્યારે બાપાની જેમ શિકાર ખેલતો થાય.! હા તૃણભક્ષી માણસના તો જન્મી ને જ ચાલતા થઇ જાય..!! સામાન્ય બોલચાલ ની ભાષામાં આપણે એને
બાળમજુર` કહીએ..!!
આજકાલ દરેક ને પોતાના સંતાન ને મોટ્ટો શિકારી બનાવવો છે , એકદમ જાડ્ડો રૂપિયો કમાવવા તૈયાર કરવા છે..!
પણ આપણી સામાજિક સંરચના પ્રમાણે તૃણભક્ષીના બચ્ચા બહુ જ ઓછા પ્રમાણમાં શિકાર ખેલી શકે છે , અમદાવાદ જેવા શેહર ની વાત કરી એ તો એકાદ ટકા પબ્લિક ને બાદ કરતા એકેય તૃણભક્ષી બહુ ઉંચો ના આવે, એક ઘર અથવા ધંધાની જગ્યા “પોતાની” કરવામાં આખો જન્મારો જાય ..!!
અને એટલું થઇ જાય તો બાકીના વધેલા છોકરા ભણાવવાની “ફી” ઓ ભરવામાં જાય..!!
માંસાહારીઓ ની વાત અલગ ..!
એને શિકારની જુદી જુદી ટ્રીક શીખવાડવામાં આવે, કમાતા પેહલા ઇન્વેસ્ટમેન્ટ ગેઈમ શીખવાડવામાં આવે , સેલ્સ પેહલા પરચેઝ અને માર્કેટ પેહલા પ્રોડક્ટ નોલેજ અપાય ..!!
પેલા તૃણભક્ષી બળદયા ને ખબર જ નથી કે એ જે કામ કરી રહ્યો છે એ શા માટે અને કોના માટે કરી રહ્યો છે ,એને એના ફ્લેટના હપ્તા અને છોકરા ની ફી જ દેખાય ,
જયારે શિકારી પોતાના બળદ ને તાજોમાજો થવા દે ..મેનેજમેન્ટ ની ભાષામાં તાજામાજા બળદ ને હાઈલી પેઈડ પર્સન કેહવાય..!!
ખૈર … મોટેભાગે બળદના જીનેટીક્સમાં વાઘ થવાનું લખ્યું જ નથી હોતું , વાઘ ના બળદ ઝટ થાય પણ બળદના વાઘ થવા માટે ચમત્કારોની જ રાહ જોવી પડે છે..!!
આજે દેશમાં અમેરિકન પરિસ્થિતિ આવતી જાય છે ..
પરદેસમાં કામ કરતા ભારતીય ને એટલી જ ખબર હોય છે કે આ આ કામ મારે આટલા ડોલર માટે કરવાનું છે ,
જયારે અહિયાં હમણાં સુધી એવું ચાલતું કે ખેડૂત ને ખબર હતી કે હું ધાન વાવું છું અને એનાથી અમુક તમુક લોકોના પેટ ભરાશે , રોટલા બનશે..!
હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે સપ્લાઈ ચેઈન ના ભાગ બની રહ્યા છીએ આપણે ..!
શું ઉગાડું અને કોણ એને ખાશે એ નક્કી નથી ,
ખેતરમાં ઉગેલા ઘઉં ની રોટલી કે રોટલો બને એવું નથી રહ્યું .. એમાંથી મેગી પણ બને અને બિસ્કીટ પણ..!!
હું કયું કામ કોના માટે કરી રહ્યો છું એ વાત કોરાણે મુકાતી જાય છે..!!
કદાચ હું ઈચ્છતો હોઉં કે મારા ઉગાડેલા ઘઉં માંથી ફક્ત રોટલી જ બને તો એ શક્ય નથી રહ્યું ..! માલ બજારમાં રમતો થઇ જાય પછી કોઈ નો નહિ..!!
રૂપિયાની દોટ લાગી છે , દરેક ને શિકાર ખેલવા છે પોતાના બેઝીક જીનેટીક્સ ને ભૂલી ને..!!!
બધા કામ રૂપિયા માટે કરો છો કે પછી કોઈક બીજો આશય ખરો ?
તૃણભક્ષી કે માંસાહારી ?
લો ગાર્ડનમાં તૃણ અને ભાટિયાર ગલીમાં પેહલા ચેક કરી લેવાનું કોઈ જોતું નથી ..!!!
સંતાન ને પણ એ જ શીખવાડી દેવાનું..!!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)