બે ત્રણ દિવસ પેહલા એક ઘટના ઘટી..
હું અને મારો ટ્રેઈનર મારા ઇટાલિયન ઘોડા ને પાણી પીવડાવવા નીકળ્યા હતા, અમદાવાદના ઈસરો નો ઢાળ ચડી અને વચ્ચેથી સત્યાગ્રહ છાવણી તરફ પડતા ઢાળ તરફ અમે વળી ગયા હતા, લગભગ રાતના સાડા નવ નો સુમાર હતો ..
આખા રોડ ઉપર સન્નાટો રાજ કરી રહ્યો હતો ,સેહજ સત્યાગ્રહ છાવણી તરફ આગળ વધ્યા ત્યાં રોડ ઉપર કશુક અજુગતું થતું દેખાયું..
એક આધેડ અને એક સત્તર અઢાર વર્ષની છોકરી , બંને સાયકલ ઉપર હતા પણ સાયકલો ઉભી હતી ને પેલા આધેડ પુરુષ પેલી છોકરી ને ગાલે અને છાતીએ હાથ પછાડતા કે ફેરવતા લાગ્યા..!!
ટીવી ઉપર અને સોશિઅલ મીડિયા ઉપર આખો સમય બળાત્કારના સમાચારો જોઈ જોઈ ને ફરી ગયેલા મગજે કૈક ગડબડ હોવાનું વિચાર્યું, પાછળ બેઠેલો ટ્રેઈનર બોલ્યો ભાઈ ગડબડ છે ઉભું કરો..!
આજુબાજુ નજર મારી ..રસ્તો ભયંકર સુમસાન.. કોરોના કાળ પાછો ઉપરથી..!
બાઈક એમની પાસે લઇ જઈ ને ડરાવવા માટે એક્સીલેટર ત્રણ ચાર વાર આપ્યું એટલે જાતવાન ઇટાલિયન ઘોડો ગરજ્યો પણ બંને માંથી કોઈ ને અમારી તરફ જોવાની પડી જ નોહતી..
અચાનક બંને જણાએ સાયકલો રોડ ઉપર ફેંકી દીધી ને પેલી છોકરી ને આધેડ એ ફૂટપાથ પર બેસાડી દીધી , મેં બાઈક રોડ ઉપર આડી
પાર્ક કરી જેથી આવતા ટ્રાફીક ને ફરજીયાત ઉભું રેહવું પડે ને અમને મદદ ની જરૂર પડે તો મળી રહે..
થયું પણ એવું કે બે ચાર ગાડીઓ આવી ને બધા જ ઉભા રહ્યા અને જુવાનીયાઓ ગાડીઓમાંથી બાહર પણ આવ્યા..!!
પેલી છોકરી ની ફૂટપાથ ઉપર બેઠા બેઠા આંખ જ ના ખુલે , બન્ને જણા પરસેવે રેબઝેબ, એકદમ નજીક જઈને જોયું અને બંને વ્યક્તિઓ વચ્ચે ના રીલેશન ને પ્રસ્થાપિત કરવાનો મેં પ્રયત્ન કર્યો ..
બંને ના મુખારવિંદ ઘણા સમાન લાગ્યા એટલે બાપ દીકરી હોવાની સંભાવના ખુબ હતી , એક ગાડીવાળો છોકરો ગાડીમાંથી પાણી ની બાટલી લઈને આવ્યો , પેલી છોકરી ના મોઢે પાણી માર્યું ને એ છોકરીએ એ થોડુક પાણી પીધું ત્યાં સુધીમાં મારી ટ્રેઈનર સાયકલો નો સર્વે કરી આવ્યો હતો ..
એક સાયકલ નવી નક્કોર હતી અને બીજી જૂની ..
છોકરી પાણી પી ને સેહજ ઢીલા અવાજે બોલે ડેડી ..એટલું કરી ને એના બાપ ને વળગી પડી .. મને હાશ થઇ કે બાપ-દીકરી છે , મારા ટ્રેઈનર ગણિત ગોઠવી દીધું .. નવી નવી સાયકલ લઈને પેહલી વાર નીકળ્યા છે ને ?
પેલા ભાઈ બોલ્યા હા આની સાયકલ નવી છે.. ટ્રેઈનર બોલ્યો સ્યુગર ઘટી ગઈ છે,કેટલા કિલોમીટર ચલાવી છે ?
ભાઈ બોલ્યા પાંચ છ કિલોમીટર થયા છે પણ આ ઢાળ ચડાવી ને ઉતારવામાં થાકી ગઈ..!
તરત જ બીજી ગાડીમાંથી આવેલું કોઈક એક મુઠ્ઠી ચોકલેટ્સ લાવ્યું , મારા ટ્રેઈનર એ કીધું ઝટ ખવડાવો .. ચાર પાંચ ચોકલેટ્સ એક સાથે મોઢામાં મૂકી ધીમે ધીમે પેલી છોકરી ના મોઢા ઉપર નૂર તેજ આવતા થયા ..
મેં બાઈક રોડ ઉપરથી ખસેડી ને ટ્રાફિક જવા દીધો લગભગ પચીસેક મિનીટ સુધી ઉભા રહ્યા અમે ..
એટલી ખબર પડી કે ભાઈ રેગ્યુલર સાયકલ ચાલવતા હતા કસરતના ભાગ રૂપે લોકડાઉન ખુલ્યું પછી ,દીકરી માટે નવી નવી સાયકલ આજે જ આવી હતી ને દીકરીએ ચોર ને વાદે ચડી ને ચણા ઉપાડયા હતા….!
બંને જણા નજીક જ રેહતા હતા .. સાયકલો ને દોરી અને ચાલતા ચાલતા એમના ફ્લેટ સુધી જતા રહ્યા..!! અમે ત્યાં સુધી એમની સાથે રહ્યા..!
પછી અમે ઘોડા ને પાણી પીવડાવી ને ઘેર..!!
આખી ઘટનામાં મારો ટ્રેઈનર બોલ્યો મગજ કેટલું હલકું
થઇ ગયું છે નહિ ? બાપ દીકરી હતા તો પણ આપણને કેવું લાગ્યું ?
બોલો મિત્રો આવું કેમ થયું હશે ? એક ના એક સમાચારો જોઈ જોઈ ને ..!!
મેં એને પણ આ જ જવાબ આપ્યી કે આ સમાચારો જોઈ ને મગજ બગડી ગયા છે આપણા બાકી કઈ એવું નોહતું , ટોપિક બદલવા મેં કીધું ..અને આ સાયકલો ના રવાડે સોશિઅલ મીડિયા ઉપર જોઈ જોઈ ને પ્રજા ચક્કર ખાઈ ને રોડ ઉપર પડી રહી છે..!
ટ્રેઈનર બોલ્યો ભાઈ અમદાવાદમાં અત્યારે સાદી સાયકલો મળે છે બાકી પચ્ચીસ હજાર ઉપર વાળીમાં મહિનાનું વેઈટીંગ છે ..!
મેં કીધું હેં …? !!
અરે સર લાખ રૂપિયા ઉપર ની “સારી” વાળી તો ત્રણ મહિના વેઈટીંગ .. આજકાલ નવા મોડેલ ની ગાડી મળી જાય પણ સાયકલ ના મળે..!! જોરદાર ઓળખાણ કે નસીબ જોઈએ..!!
લાખ રૂપિયા ની સાયકલ અને એના ઉપર ત્રણ મહિના નું વેઈટીંગ ..!!
જય હો ભારત ભૂમિ ..
દે દી હંમે આઝાદી બીના ખડગ બીના ઢાલ ..!!
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ..!!
છોળો ઉડી રહી છે અમદાવાદના રોડ રસ્તા ઉપર સાયકલો ની ..!!
બાપડા “ગરીબ” (કેહ્વાતા ગરીબ ) ભાડે લાવે છે પેહલા અને પછી વેઈટીંગ માં નામ નોધાવે છે..!!
ઘરમાં એક છોગું વધ્યું ..!! સુપર બાઈક છે તો સુપર સાયકલ પણ જોઈએ..!!
ઇમ્યુનિટી અને શરીરની જાળવણી માટે કોઇપણ પ્રકારની કસરત એ ખુબ સારો વિકલ્પ છે ,પછી સાયકલ હોય કે સ્વીમીંગ કે પછી યોગ ..
પણ દરેક વસ્તુ પોતાના શરીરના બંધારણ ને સમજી અને અનુરૂપ થઇ ને થવી જોઈએ , સોળ સોળ વર્ષથી જીમમાં જઈને અમે ડમ્બેલ્સ ને બાર બેલ જોડે લમણા કૂટ્યા હોય પછી એકદમ જ સાયકલ લઈને એસ જી ઉપર નીકળી જઈએ ..હેંડો લ્યા ગાંધીનગર જતા આવીએ તો પછી રસ્તામાં ચક્કર ખાઈ ને પડાય ને ચોકલેટો ખાવી પડે..!!
કસરત શરીર ને અનુકુળ હોવી જોઈએ અને ધીમે ધીમે આગળ જવાય..!
હજી થોડાક વર્ષ પેહલા સો કિલો ને બેંચ પ્રેસ આરામથી મારી લેતો હતો પણ જેવો પચાસની નજીક આવ્યો ત્યારે મમ્મી એ એક વાત કીધી કે બેટા હવે ઢાળ ઉતરવાનો છે..! એટલે સાચવીને અને થોડું ઓછું..!
મને પણ લાગ્યું કે અડધા થી આગળ આવ્યા પછી વધારે પડતા શરીર ને ઘસારા આપવા ની જરૂર નથી એટલે કાઉન્ટ વધાર્યા અને વેઇટ ઓછા ..!!
આજકાલ જીમ જવાતું નથી , ભયંકર બીક લાગે છે એટલે ઘરના ધાબે જ નાની મોટી કસરત થઇ રહી છે ટોટલ બધી એકસરસાઈઝના લગભગ છસ્સો કાઉન્ટ દોઢ બે કલાકમાં થાય છે..
પણ સોળ વર્ષ પુરા થશે જીમ જોઈન કર્યે આ ડીસેમ્બરમાં..!!
ત્યારે છસ્સો કાઉન્ટ..!!
મોરલ ઓફ ધ સ્ટોરી બીજા શબ્દોમાં ટુંકસાર :- બહુ ટીવી ના સમાચારો જોઈ ને આંખે કમળો કરવો નહિ ,નહિ તો બાપ દીકરીના પવિત્ર સબંધમાં પણ ખોડ જોતા થઇ જવાશે, કસરત કરવી પણ માપમાં ,અને શરીર ને અનુકુળ હોય તેવી જ ,પણ કરવી ચોક્કસ.. સાયકલના ચસકા થાય તો ભાડે સારી મળે છે ,બે ત્રણ મહિના ચલાવો અને પછી વેઈટીંગમાં નામ નોધાવો (આ મારી જાત માટે હતું )..!
અને છેલ્લે કોરોનાથી ચોક્કસ ડરવું ને કોઈના થી પણ દૂર રેહવું..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)