શિયાળાની સાંજ ઢળતો સૂરજ અને ઓફીસથી છૂટ્યાનો હાશકારો.. આજે તો લીફ્ટની રાહ નથી જોવી,એક તો પંચિંગ કરવાની લાંબી લાઈન અને એ પૂરી કરીને પાછા લીફ્ટની લાઈનમાં ક્યાં ઉભા રેહવુ..
ફટાફટ એક પછી એક પગથીયા ઉતરીને પાર્કિંગમાં અને વેહિકલ કાઢો અને ટ્રાફિક ઓછો હોય એવા રસ્તે ઘેર પોહચવાનું…અડધું અમદાવાદ સાંજ પડ્યે રોડ પર આવી જાય છે..!
ઘેર પોહ્ચ્યા ત્યાં તો અંધારું થઇ ગયુ હોય..શિયાળાના એક તો ટૂંકા અને નાના દિવસો..વર્કિંગ વુમન સીધી રસોડામાં જાય અને માટીડો કરિયાણા શાકભાજીના લીસ્ટ કે પછી છોકરાને એક્ટીવીટી કે પછી ટ્યુશનમાં લેવા મુકવાના ધક્કા..
રાતના નવ થાય ટીવી અને જમવાનું પત્યું અને સાડા દસ થાય એટલે શૈશવનો બ્લોગ આવ્યો છે કે નહિ ચેક કરીને નસકોરા..!
માણસ છું કે નહિ ..? થાક લાગે છે ? એની પણ ખબર નથી..દિવસ ક્યારે ઉગ્યો અને રાત ક્યારે પૂરી થઇ ગઈ..!!
ક્યારે શનિ-રવિ આવ્યા અને ગયા..વર્ષ પૂરું થયું..?
ખબર જ નથી પડતી..એકધારી સતત..અવિરત..ચાલ્યા જ કરે જિંદગી..
“હું” ખોવાઈ જાય છે અને અટવાઈ જાય છે…
બહાર નીકળવું છે…? આમાંથી ?બહુ બધું છે..ડીસેમ્બર એટલે વર્ષનો અંત પણ અમદાવાદ માટે તો હિલ્લોળે ચડવાનો સમય..
એક પછી એક ક્લબોમાં ઢગલાબંધ શો થશે અરિજિત થી લઈને શ્રેયા ઘોષાલ આઈઆઇએમ ના ફૂડ ફેસ્ટીવલ,લીટરેચર ફેસ્ટીવલ,ગુજરાતી નાટકો,ફ્લાવર શો..કાંકરિયાનો કાર્નિવલ ..મારા માટે સપ્તક અને બીજા અનેકો અનેક જલસા..
ભાઈ એમ ના પૂછતા કે રૂપિયા કેટલા જશે .? તો યાર ઘેર મૂકી રાખશો તો પછી મોદીસાહેબ એ લોકોના કાઢવી લીધા એમ તમારા પણ..એના કરતા વાપરોને મજા કરોને ભાઈ ત્યારે શું હે ..!
જો રેડીયામાં આવે છે..
જનમ જનમ સાથ સાથ ચલના યુંહીં …મેરી સુબહ તુમ્હી, ઔર મેરી શામ તુમ્હી હૈ…તુમ દર્દ હો તુમ આરામ હો…મેરી હો કે હમેશા રેહના કભીના કેહના અલવિદા..અરિજિત ગાય છે..
તેરી બાંહો મેં હૈ મેરે દોનો જહાં…
નવા પરણેલા લાગે છે..બાકી તો પથારીમાં પડ્યા એટલે દસ મિનીટમાં તો નસકોરાં ચાલુ..
પણ સારું લાગે,આવું કઈ અચાનક સાંભળવા પણ મળી જાય તો નહિ..?
મધ્યમ વર્ગની મોંઘવારીની આજુબાજુ ફરતી જિંદગી,ગમે તે કામ કે ખર્ચો કરતા હંમેશા બીક લાગે..!
ક્યારે શું થશે અને જીવન પલટો મારી દેશે એની બીકમાં ને બીકમાં સતત જીવવાનું,પીવાનું પાણી માટે આર.ઓ. વસાવ્યું પણ આર.ઓ. નું પાણી પણ માટલામાંથી લઇને પીવાનું અને એ પણ માપમાં..
કેમ ?
એક ગ્લાસ આર.ઓ. નું પાણી માટે લગભગ બીજો એક ગ્લાસ પાણી બગડે છે, ખોટા આર.ઓ. ના મેમ્બરન અને ફિલ્ટર વેહલા બદલવા પડશે અને લાઈટનું બીલ વધે એ જુદું..
અને લાઈટના બીલ અત્યારે શિયાળામાં તો મિનીમમ જ આવવા જોઈએ પાછળ કાળઝાળ ઉનાળો દસ મહિનાનો બાકી પડ્યો છે,કમ્મર તોડી નાખે એવા બીલો આવે છે અને છોકરાઓને કઈ કેહવાતું નથી..!
ગમે તેટલા ઊંચાનીચા થઈએ ઇન્કમ કે સાઈડ ઇન્કમ વધારીએ અને એમ થાય કે ક્યાંક હવે બે પૈસા બચશે, ત્યાં એકાદો એવો મોટો ખર્ચો મોઢું ફાડીને આવે કે બધી મેહનત એળે જાય અને છતાં પણ સંતોષ લેવાનો જોયું આ વધારા ની આવક હતી તો બધું સમુસુતરું પાર ઉતરી ગયું નહિ તો કેવા હાલ થાત..? એફડી તોડવાના વારા આવ્યા હોત..!
તો ક્યારેક બ્રાંડ ફેક્ટરીનું જબરજસ્ત સેલ..અરે યાર પાંચ હજારની ખરીદી ઉપર લગભગ સાડા ત્રણ હજાર પાછા આવે છે.. તૂટી જ પડો બેંકોના એટીએમ કરતા લાંબી લાઈનો લાગી ગઈ અને છતાં પણ ધીરજ રાખી અને શોપિંગ પતાવ્યુ..!
પાંચ ના દસ હજાર જતા રહ્યા અને સાત પાછા આવે એની રાહ જોવાની..
ચારે બાજુ ચીજવસ્તુઓ અને ઓપ્શન જ ઓપ્શનના આ જમાનામાં મધ્યમ વર્ગનો માણસ લગભગ સવારના ઉઠે ત્યારથી પોતાની જાતને ના પાડ્યા કરે ના હવે આ નથી લેવું કે પેલું નથી ખાવુ..!
ખિસ્સામાં પડેલી એકમાત્ર ગુલાબી નોટ અત્યારે તો શનિની પનોતીની જેમ આવી હોય એમ છે, લાગે છે સાડા સાત વર્ષે જ બહાર આવશે..! જળોની જેમ ચોંટી છે આ ગુલાબી નોટ પાકીટને,ઉખડતી જ નથી..
થોડુક મારું ઓબ્ઝર્વેશન મુકું તો એવુ લાગે છે કે આખો દેશ એક લેયર સીસ્ટમથી જોડાયેલો છે..
વર્ષે લાખ રૂપિયાની આવક ધરાવતો એનાથી નીચેના લેયરના વર્ષે પચાસ હજારની આવકવાળા લોકો અને એમનાથી એક લેયર ઉપર વર્ષે બે લાખની આવક જોડે રમતો હોય છે..એ લેયરવાળો પછી બહુ મોટો જમ્પ મારીને વર્ષે કરોડ કમાનારાની સાથે રમવા નથી જતો..
પણ હા એ પણ ચોક્કસ છે કે એક આવા લેયર સીસ્ટમમાં ચાલતો આખો દેશ અત્યારે એકબીજાને ચીપકી અને એકબીજાની હૂંફથી જીવી રહ્યો છે,દરેક વ્યક્તિ પોતાનું લેયર છોડી અને એકાદ બે લેયર ઉપર જવાની હંમેશા કોશિશ કરતો હોય છે અને સપના સીધા દસ વીસ લેયર ઉપર જવાના રાખતો હોય છે અને જે લોકો બહુ ઉપરનાં લેયરમાં રમે છે એ એમનાથી બહુ નીચના લેયર જોડે હાય હેલ્લો પુરતો સબંધ રાખી અને પછી પોતના ઉપરના લેયર તરફ વળી જાય છે..!
લગભગ ભારતીય સમાજની દરેક વ્યક્તિ એક વણલખ્યા સામાજિક બંધારણને અનુસરીને જીવે છે..અને એ વણલખ્યા બંધારણની પેહલી જ લીટી છે “ભાઈ માપમાં રેહવાનુ..”
અને બોટમ લાઈન “ઈશ્વર કરે તે ખરું,નસીબથી આગળ અને સમયથી પેહલા કોઈને કશું મળતું નથી”
જેને માથે ઘર પડ્યું છે એ “ચાલશે ફાવશે અને ભાવશે” આટલું જખ મારીને શીખી જાય છે અને પછી જીવી જાય છે..!
સતત ચાલતી જિંદગીમાં ક્યારેક હાશકારો લેવાનું મન થાય,બ્રેક લેવાનું મન થાય, સ્કુલના વેકેશનની જેમ તદ્દન ફ્રી અને ખાલી મગજ અને કાલની બિલકુલ ચિંતા નથી કરવી એવા હળવા મને જીવવાનું મન થાય..!
નથી આગળ જવું કે નથી પાછળ,બસ જ્યાં છું ત્યાં જ પડી રેહવાની ઈચ્છા થાય પણ શક્ય છે ..? ના
ચલતી કા નામ ગાડી રુકે તો ખટારા..!
ખટારો તો જાય ભંગારવાડે
પેટ્રોલ પુરાવતા જાવ અને આગળ વધતા જાવ..
બદલાતો સમય અને બદલાતી જિંદગી પેહલા લખી ચુક્યો છું રીપીટ કરું છુ કેલિડોસ્કોપમાં દેખાતી તૂટેલી બંગડીઓના કાચ જેવી જિંદગી,રંગ એકના એક પણ ડીઝાઈન અલગ અલગ, સેહેજ ગોળ ફેરવો એટલે ડીઝાઇન ફરે અને એક ડીઝાઈન ક્યારેય પછી ફરીના આવે છતાં પણ જોતા રેહવાની મજા..
સ્કુલનું વેકેશન જોઈતું હોય તો સ્કુલમાં જેમ દરેક નાની નાની વાતમાં આનદ લેતા,હસતા રમતા અને આજુબાજુની પ્રકૃતિને સ્વીકારીને ફરી એકવાર નાની નાની વાતનો આનંદ લેતા થવું અને પડશે અંદરના બાળક ને ફરી એકવાર જગાડવો પડશે..
બાજુના ઔડા ગાર્ડનમાં જઈને હીંચકા ખાતા ટેણીયાના મોઢાની ખુશી અને હાસ્યને માણવું પડશે પણ હા ધ્યાન રાખજો કોઈ કાકો ભટકાઈ ના જાય, નહી તો તમને નવરાશમાં જોઇને એમની જિંદગીનો ટુંકસાર આપી દેશે..
સહુને જય શ્રી કૃષ્ણ અને જય જીનેન્દ્ર
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા