બે દિવસ પેહલા લખેલા હુક્કાબારવાળા બ્લોગમાં કોઈક ને થોડી તકલીફ થઇ..છેવટે તો નશો કરવાની જ જગ્યા ને..!
મને થોડી અકળામણ થઇ ગઈ,પેલું શરાબી પિક્ચરનું બચ્ચનદાદાનું ગીત યાદ આવ્યું નશા શરાબમેં હોતા તો નાચતી બોટલ..નશે મે કૌન નહિ હૈ મુઝે બતાઓ ઝરા..!
થોડી વિયર્ડ સરખામણી કરું છું પણ બોલો હુક્કાબારની જગ્યાએ એ લાયબ્રેરીએ નશો કરવાની જગ્યા નથી..?
છે.. છે..છે..અને છે, બસ્સો ટકા લાયબ્રેરી પણ “નશો” કરવાની જ જગ્યા છે, પૂછો એ લાયબ્રેરીમાં પડી રેહતા “વાચકો” ના બૈરાને..! મણ મણની ગાળો આપશે, મેં લાયબ્રેરીમાં પડી રેહતા વાંચવાના “નશા”વાળા “ગંજેરી”ઓ ને પણ જોયા છે, રીતસરની “લત” લાગી હોય છે એમને ચોપડીઓ વાંચવાની,અને એકાદ બે દિવસ જો લાયબ્રેરી ના જાય તો તેમને અસહ્ય “તલબ” ઉપડે એને લાયબ્રેરી જવા માટે.. આકળવિકળ થઇ જાય..
વાંચન,સંગીત,કે બીજું કોઈપણ પ્રકારની કલાકારી કે સાહિત્ય તરફ પેહલા કુતુહલ જાગે પછી એના થકી જીજ્ઞાસા, અને પછી ભૂખ ઉઘડે અને આદતમાં પરિણામે અને છેલ્લે વ્યસન થઇ જાય ..
જયારે એ “વ્યસન” છૂટે પછી ભયાનક ખાલીપો અને વિડ્રોઅલ સીમ્ટમ્સના ભાગ રૂપે ભેટમાં “ડીપ્રેશન” આવે..!
આ કુતુહલથી શરુ થયેલી જર્ની જયારે ડીપ્રેશન સુધી પોહચે ત્યાર સુધીમાં “શોખ” પાછળ સમય અને જીવનના અતિમહત્વના એવા વર્ષો ખતમ થઇ ચુક્યા હોય અને આર્થિક પ્રગતિ બિલકુલ ના થાય,
કારણ શું તો એક જ મને જ્ઞાન લેવાની “તલબ” લાગી હતી અને જ્ઞાન મળ્યુ તો કહે હા મળ્યું, પણ એના કોઈ રૂપિયા નથી આપતુ પછી ઘરવાળી શું કરે? મણ મણની જ જોખાવે ને..!
મેં પણ સંગીતનો “નશો” કરેલો છે, પણ એક મનમાં મક્કમ ગાંઠ મારેલી કે સંગીતમાં ક્યારેય કેરિયર નથી બનાવવી..જેનો ઘણીવાર અફસોસ થાય છે,એક જમાનામાં રાતોની રાતો અમદાવાદમાં જ્યાં અને જેવું સંગીત વગાડતું હોય કે ગવાતું હોય પોહચી જવાનુ..
ઈશ્વરકૃપાએ હું સાતે સાત સૂરને પકડી અને છુટા પાડી લેતો, પણ ના.. કમાવુ તો ધંધામાંથી જ શોખને શોખ જ રાખો..! એ એક વાતને પકડી રાખી હતી..! અને હા ક્યારેક કોઈ થ્રી ઈડિયટ્સની અસરમાં આવેલા કોઈ “વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર” મળી જાય તો ચોક્કસ ધક્કો મારીને “જંગલ”માંથી બહાર ફેંકી દઉં છું..!
થ્રી ઈડિયટ્સ મુવી આવ્યું એના જ સમયગાળામાં સપ્તકના ચૌદ દિવસ ચાલતા શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામમાં એક નાનકડા મિત્રનો મિત્ર આવતો,
એણે આઈ.સી.માં એન્જીનીયરીંગ પૂરું કર્યું હતું ટોફેલ જી.આર.ઈ ના સ્કોર અફલાતુન હતા,અમેરિકન યુનીવર્સીટીમાં એડમીશન થઇ ચુક્યું હતું પણ પાર્ટી ને થયું કે સંતૂર વગાડતા શીખવું છે અને સંતૂર વગાડીને કેરિયર બનાવવી છે..
લગભગ દસેક દિવસ સપ્તકમાં ભારતીય બેઠકમાં મારી બાજુમાં બેઠો, ખાસ્સો પંદરેક વર્ષ નાનો મારાથી,મને ભૈયા ભૈયા કરે અને ચાલુ પ્રોગ્રામે સંગીતને લગતા ઘણા બધા સવાલો પૂછે અને હું એને જવાબો આપુ..
એક કલાકાર મંચ પરથી જાય અને બીજા આવે એ સમય દરમ્યાન અમે બહાર એકાદો આંટો મારીએ અને કોફી પી લઈએ ,એક દિવસ કોફી પીતા પીતા એ સામેથી ખુલ્યો..ભૈયા મેં સંતૂરનો ઓર્ડર આપી દીધો છે અને હું મારું અમેરિકાનું એડમીશન કેન્સલ કરુ છું..મને એનામાં “નશાખોર” દેખાયો..
મેં કીધું ચલ બહાર નીકળ અહીંથી, મારા અચાનક હુમલાથી એ ભડક્યો મેં કીધું ચલ બહાર હું પણ આવું છું.. ગાડીમાં નાખ્યો મારી એને..સીધો આઈ.આઈ.એમની કીટલીએ મારા સવાલો ચાલુ થયા..સંતૂર ના તાર કેટલા હોય..?સંગીતમાં સૂર કેટલા? સંગીત કેટલા પ્રકાર નું? લગભગ વીસેક સવાલોની ઉપરા છાપરી મેં ઝડી વરસાવી..
સખ્ખત ગૂંચવાઈ ગયો એ છોકરો મને કહે.. ભૈયા આ તો બધું મને ખબર નથી એટલે મેં એક મોટ્ટી ગાળ કાઢી મોઢામાંથી કે તો પછી જે ખબર છે એમાં આગળ વધને..
એણે બીતા બીતા દલીલ કરી પણ ભૈયા મારું નેચરલ ઇન્ક્લાઈન મ્યુઝીકમાં છે.. મેં કીધું તને થ્રી ઈડિયટ્સ જોયા પછી ખબર પડીને આ તારું “નેચરલ ઇન્ક્લાઈન”? કઈ બોલ્યો નહિ રાતના એક વાગી ગયો હતો અને જાન્યુઆરીની જામેલી ઠંડી હતી મને પૂછે ભૈયા સિગારેટ પીઉ ? મેં કીધું હા પી લે..
એ સિગારેટ લેવા દોડયો એટલે મેં કીધું બે લાવજે.. એને એમ હતું કે હું પણ સિગારેટ પીશ,પણ મને ખબર હતી કે મેં એને જે લોડ આપ્યો છે એ એક સિગારેટથી નહિ પતે એને અત્યારે બે સિગારેટ જોઇશે અને કાલના દિવસમાં તો પાકીટ આખું પી જવાનો..!
એણે સિગારેટ સળગાવી બીજી મને આપી મેં ના પાડી,એણે પ્રશ્નાર્થ ચિન્હ એની આંખેથી મને કર્યો મેં કીધું..બકા મેં ચાલુ જ નથી કરી પણ તારે હજી બીજી જોઇશે..પછી ચાલુ થયું ડિસ્કશન મેં એને કલાકારના અને એક એન્જીનીયરના “સ્વોટ” એનાલિસિસ કરી આપ્યા..
બે સિગારેટ એ પી ગયો અને અમે છુટા પડ્યા.. બીજા દિવસે પ્રોગ્રામમાં એ દેખાયો નહી હજાર માણસોમાં મારી આંખો એને જ શોધતી હતી, છેક અગિયાર વાગ્યે આવ્યો મારી બાજુમાં આવીને બેઠો અને મારો હાથ એણે દબાવ્યો અને આંખોથી થેંક યુ બોલ્યો મને હાશ થઇ..
મેં કીધું ચલ બહાર અમે બન્ને પ્રોગ્રામમાંથી બહાર નીકળ્યા અને ફરી આઈઆઈએમ ની કીટલીએ પોહચ્યા એને દુઃખ હતુ, મેં એને ફરી એકવાર શાંતિથી સમજાવ્યો કે તું અત્યારે સંગીતમાં કેરિયર બનાવે તો તારા આટલા વર્ષો ની એન્જીનીયરીંગની મેહનત તારા માબાપની ફીના રૂપિયા બધું પાણીમાં જાય અને તારી ટ્રાન્સક્રીપ્ટ તો જો કેટલી રીચ છે.. પેહલા ભણીગણીને કેરિયર બનાવ અને પછી આવજે હું અને મારા જેવા અહિયાં જ બેઠેલા મળશે,દોસ્ત શીખજે સંગીત સમજજે અને પછી માણજે પણ કેરિયર જોડે રમત ન થાય..
ભીની આંખે ભેટી પડ્યો ..અમેરિકા ગયો ખુબ કમાયો આવે છે ક્યારેક ક્યારેક વર્ષે બે વર્ષે માણે છે સંગીતને અને હા એણે સિગારેટ પણ છોડી દીધી છે..!
“નશો,રવાડો,વ્યસન” ગમે તેનું થઇ શકે છે આભાસી દુનિયા એ આભાસી દુનિયા છે એમાં ક્ષણ મિનીટ કે કલાકમાં જ જીવાય એનાથી વધારે થાય તો પછી બરબાદી જ નોતરે..
પછી ભલેને એ ખરેખર માં સરસ્વતીનું વરદાન કેમ ના હોય..?અતિની ક્યારેય ગતિ નથી હોતી.. શોખ શોખની જગ્યાએ જ રાખવો પડે છે.. બહુ પ્રેક્ટીકલ વાત છે પણ નક્કર હકીકત છે.
જે લોકો શોખને કેરિયર બનાવે છે એના માટે એવું કેહવાય છે કે એમના માટે જીવનનો એકપણ દિવસ કામ કરવાનો નથી હોતો..
મારા જેવાને આશ્ચર્ય થાય કે કામ કર્યા વિના રાત્રે ઊંઘ કેમની આવે..? અને કામ કર્યા વિનાની રોટલીનો હું હક્કદાર છું?
શોખને કેરિયર બનવેલા લોકોનું થોડું પ્રેકટીકલ એનાલીસીસ કરી જોજો.. કદાચ એન્જીનીયર થયેલો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર એની એન્જીનીયરીંગની કેરિયરથી કમાઈ અને દસ દિવસનો બ્રેક લઈને સારી ફોટોગ્રાફી કરી બતાડશે..!
લાયબ્રેરી અને હુક્કાબારની સરખામણી પણ જાતે કરી લેજો પણ હા સરખામણી કરો ત્યારે સાંભળેલી વાતોથી ના કરતા તમારા ખુદના અનુભવથી કરજો..
ચોક્કસ તમને બંને જગ્યાએ “નશાબાજ” મળી આવશે.. એક છાનો છે અને બીજો છતરાયો..બંને જગ્યાએ તમને “લુંટવાવાળા” જ મળશે..!
બીજું બધું ભાડમાં જાય પણ જો તમારી અંદર કોઈ “નશાખોર” ઘુસી ગયો હોય તો ખેંચી કાઢજો બહાર,અને દિવસ આખો ભરપૂર કામ કરીને મીઠી અને સંતોષની નીદરડી લેજો..
સંસાર માંડ્યો હોય કે માંડવાની ઈચ્છાવાળા લોકોએ “નેચરલ ઇન્કલાઈન” તરફ ઢળતા પેહલા સો વાર વિચારવું જોઈએ..અને લાયબ્રેરી કે હુક્કાબાર તરફ વળતા પણ..!
આ મારો તદ્દન અંગત મત છે સહમત કે અસહમત એ તમારો પ્રોબ્લેમ મારો નહિ,મને તો બંને જગ્યાએ સરખી મજા આવે છે..ચર્ચા કરવાના મૂડમાં હું નથી..
જય શ્રી કૃષ્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા