આ તું શું લખ લખ કરે છે ? અને આટલું લાંબુ કેમ લખે છે ? ટૂંકાણમાં પતાવ ને તો મારા જેવા ને વાંચવું પણ ગમે..!
જવાબ આપવાનું મન થાય કે તારી ટૂંકી એટલે મારે પણ ટૂંકમાં પતાવવાનું ?
તારે આવું ના લખવું જોઈએ …!!
કેવું લખવું જોઈએ ? એવો સવાલ સામો કરવાનું મન થાય પણ પછી અટકી જાઉં ..!
શું મળે છે તને તે આટલા વર્ષો થી બેઠો બેઠો લખ લખ કરે છે તો ? આવા બીજા અનેકો અનેક સવાલો આવે જીવનમાં ..!
બહુ બાળપણ થી ટેવાયેલો છું, મારે શું કરવું એ વિષે મને કેહવામાં, ટોકવામાં સતત આવ્યો ,પણ જવાબ રૂપે મેં મૌન ધારણ કરવાની ટેવ પાડી દીધી,
કેમ કે જેટલા લોકો સવાલો લઇ ને આવતા એ બધા ને મારી જોડે ખુલ્લા મનથી ચર્ચા કરવાની કોઈ જ ઈચ્છા નોહતી બસ બેચાર વાક્યો લઈને આવે ને એકદમ જજમેન્ટ આપી દે ..
ઘણીવાર તો પેહલું વાક્ય સવાલ અને બીજું વાક્ય જજમેન્ટ , પછી ત્યાં તો ચર્ચા ને કોઈ અવકાશ જ ના રહે..!
એટલે ટેવ પાડી સાંભળવા ની અને ધીમે ધીમે વિચારવાની કે ફલાણી વ્યક્તિ મને આમ કેમ કહી ગઈ ? એના મનમાં મારા માટે શું ચાલી રહ્યું હશે કે એણે મને આમ કીધું ?
પછી થોડોક આગળ વધ્યો એ વ્યક્તિ કે જે મારા ઉપર સવાલ ઉભો કરે છે એનું પોતાનું બેકગ્રાઉન્ડ શું ? એનું લેવલ કેટલું ? આ પ્રકાર નો સવાલ કરવા માટે એણે મારા માટે કઈ વિચાર્યું હશે કે પછી જે મનમાં આવ્યું તે `બકી` માર્યું ?
હવે જો સવાલ કરતા પેહલા એણે મારા માટે વિચાર્યું છે તો એ મારા માટે ઘણો કામ નો માણસ છે એમ હું આજે સમજુ છું અને એની સાથે સંપર્ક ચોક્કસ રાખવા નો કેમકે બે વ્યક્તિ ની જીવનમાં બાદબાકી ક્યારેય ના થવી જોઈએ ..!
એક જે તમારા માટે કઈ વિચારે છે ,સારું કે ખોટું એ પછી ની વાત છે અને બીજી કે જે તમારા માટે પ્રાર્થના કરે છે..!!
સારું વિચારવાનું કે ખોટું વિચારવાનું એ માણસ ની પરિસ્થિતિ અને સંજોગ ઉપર જાય છે , કોઇપણ વ્યક્તિ ફક્ત અને ફક્ત સારું જ વિચારી શકે એવી અપેક્ષા ખોટી છે ,
ફક્ત અને ફક્ત સારું જ વિચારવા માટે રાગ ,દ્વેષ , ઈર્ષ્યા જેવા ઘણા દુષણો થી પર થવું પડે પણ એ બધું આ સંસારમાં રહી ને શક્ય થતું નથી , અને કદાચ શક્ય થાય તો એના માટે ઘણી મોટી ઉંમર થઇ જતી હોય છે ,
ઘણી બધી ખત્તા માણસ ખાય પછી જ બધું છૂટે , એ સિવાય આ બધાથી પર થવાય એ વાતમાં માલ નહિ..!!
અને જે મનમાં આવે એ બકી મારતો હોય એને પછી બહુ તવજ્જું આપવા નો કોઈ મતલબ નથી હોતો..!
બાળપણથી સૌથી પેહલા તો એક વાત આવતી કે ડોક્ટર માંબાપ નો છોકરો છે એટલે તારે તો ડોક્ટર જ થવું જ પડે, અરે ત્યાં સુધી કે મારે ગાળ બોલાવી કે નહિ એ સામે ની વ્યક્તિ નક્કી કરે , પોતે ધાણીફૂટ ગાળો બોલે પણ શૈશવ એ ગાળ ના બોલવી જોઈએ..!!
ઘણી બધી આચારસંહીતા મારી ઉપર લાગેલી રેહતી ..!
મને મનમાં થતું અરે વાહ ..ખરો તું તો શૈશવ..!!
મારા બોલવા, ચાલવા ,ખાવા ,પીવા ,વાણી ,વર્તન લગભગ દરેકે દરેક વાત ઉપર કોઈ ને કોઈ વ્યક્તિ પોતાનો મત રજુ કરી ગઈ છે જીવનમાં ..!
અરે ત્યાં સુધી કે મારા હંગવા ઉપર પણ મત આવેલો છે કે દિવસમાં એક કરતા વધારે વાર જવું પડે એ ખોટું હો ..!!
ઓહ બોય ..!!!!!
સિક્કાની બીજી બાજુ ..બહુ બધી વાર એવો વિચાર પણ આવતો કે જેટલા સવાલ મારી ઉપર ઉઠ્યા છે કે સલાહો ના ભંડાર મારી ઉપર ઠલવાયા છે એટલા મારા સરાઉન્ડ માં બીજા કોઈ ઉપર કેમ નથી થતા ?
જવાબ આવે છે કે હું મન ને ખોલું છું , કોઈ ને કોઈ રીતે અભિવ્યક્ત કરું છું મારા વિચારો ને મારી લાગણીઓ ને,
માટે આ બધા સવાલો અને જજમેન્ટ આવે છે મારી ઉપર ,
હું જો મૂંજી માણસ ની જેમ કશું બોલ્યા વિના બેસી જ રેહતો હોઉં તો પછી કોણ મને વતાવા નું છે ?
કોઈ નહિ ..!
એક સમય હતો ગ્રુપ ડિસ્કશનમાં મારી જાત ને પ્રૂવ કરવા માટે ગજ્જબ રીતે ઉતરી પડતો, હતું એટલું બધું ઠાલવી દેતો પણ પછી ધીમે ધીમે અંગારા ઠરતા ગયા સામે વાળા ને મેદાનમાં આવવા નો પુરતો મોકો આપતો થયો અને પછી તો એવું લાગ્યું કે મજા તો મેદાન છોડી ને બાહરથી જ લેવામાં છે..!!!
કદાચ એટલે જ જેટલી કોમેન્ટ્સ આવે એને ચુપચાપ લાઈક મારી ને અને બે હાથ જોડી ને છોડી દઉં છું ..!
નથી લેવા લમણા ..!!
ખોટી ખોટી નમ્રતા નો ડોળ પણ કરી લઉં છું , ખોટા વખાણ કરું ..!
ઓહહ થેંક્યું , થેંક્યું સો મચ ..આભાર આપનો ,ના ના બધી ઉપરવાળા ની કૃપા ..!
નર્યા નાટક ખેલી લઉં ..!
દંભ ..!!
ચાલે છે જિંદગી …
ટીકા ,ટિપ્પણ ,ટોળટપ્પા , ટીખ્ખ્ળ ,ટપલી ..બધા ની વચ્ચે..!
થયું છે તમારી સાથે આવું ?
ઉંદર સાત પુછડીયો થયો છે ..!
યાદ કરજો .. મેં તો લખી માર્યું અને મનનો ભાર હલકો કરી નાખ્યો,
વિચારજો , મને તો ઊંઘ ચડી છે ..!
તમારી ઉડી ગઈ ને 😉 વિચારો વિચારો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*