સૌ પેહલા તો સર્વે ને શુભ દિપાવલી ..!
આવનારું નવું વર્ષ સહુ નું સુખ, શાંતિ અને આરોગ્યપ્રદ રહે તેવી માં ભગવતી ને અભ્યર્થના..!!
વીતેલા વર્ષની વાત કરવા જેવી નથી એટલે નથી કરતો ,પણ આવનારું વર્ષ હજી કળાતું નથી , એટલે વર્તમાનમાં રહી ને જ જીવવું પડશે ,
હા , ગ્રહોના આધારે વર્તારા લેવા જઈએ તો દેવગુરુ બૃહસ્પતિ હવે એમની પોતાની ધન રાશી છોડી ને મકરમાં પ્રયાણ કરી જશે ,જ્યાં શનિ મહારાજ બિરાજમાન થઇ ચુક્યા છે..!
મકર રાશી એ શનિ મહારાજની પોતાની રાશી છે અને ત્યાં દેવગુરુ નીચત્વ ભોગવે છે , આમ તો ગુરુ અને શનિની યુતિ એટલે જીવ અને શિવ ની યુતિ છે,
એટલે સાચો યોગી કે જેનામાં શિવત્વ જાગેલું છે એને આ યુતિ આધ્યાત્મના નવા શિખરોના દર્શન કરાવે ..!
ગુરુ અને શનિ નું મહત્વ એટલે વધારે છે કેમકે ગુરુ તેર મહીને રાશી બદલે અને શનિ મહારાજ તો છેક અઢી વર્ષે ..!!
પ્લસ બંને ગ્રહો ના દળ ખુબ જ વધારે રત્નગર્ભા કરતા..! એટલે એમની અસર દુરગામી રહે..!
મને ઘણા લોકો એમ પૂછે કે તમે માનો આવા બધામાં ..? મારો જવાબ સાદો હોય છે કે ના માનવાનું કશું કારણ નથી અને કોઈપણ વસ્તુ ને માની લઈને બેસી રેહવાવાળો હું છું નહિ એટલે એક નજર નાખી ને કર્મની ગતિ ને આગળ ધપાવી દેવાની ..!!
શનિ મહારાજ મકર રાશીમાં એમની પ્રકૃતિ પ્રમાણે અત્યંત ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ,શનિ એટલે ન્યાય નો દેવતા , સુખ આપ્યું હશે કોઈને તો એ તમને સુખ અપાવશે , કોઈની સામે ચાલ રમી ને પાડી દીધો હશે તો શનિ મહારાજ ન્યાય કરી ને તમને બીજા કે ત્રીજા મારફતે પાડી દેશે ,
ટૂંકમાં કર્મ ની થીયરી ને જ શનિ મહારાજ આગળ વધારે ..!
જયારે દેવગુરુ થોડી દયા-માયા રાખે , હશે જવા દો , એમ કરે.. પણ આવનારા સમયમાં દેવગુરુ પોતે જ શનિ મહારાજના ઘરમાં એમના આશ્રયે આવશે અને નીચત્વ ભોગવશે એટલે શનિ મહારાજ એમનો પણ ન્યાય તોળી કાઢશે..!!
ટૂંકમાં આવનારા વર્ષનો ફળાદેશ એવો કરી શકાય કે જ્યાં સુધી ગુરુ મકર રાશીમાં છે ત્યાં સુધી માપમાં રહી ને ચાલવું કરેલા કર્મો ગમે ત્યારે સામા આવી ને ઉભા રહે ..!!
અને સંસારી જીવો માટે તેરા કિયા આગે આયેગા
એના જેવી પરિસ્થિતિ બીજી કોઈ જ નથી હોતી કેમ કે સત્કર્મો પણ જયારે સામે આવી ને ઉભા રહે છે ત્યારે પણ આંખમાં પાણી આવે અને કરેલા કાંડ પણ સામા આવીને ઉભા રહે તો પણ આંખોમાં પાણી આવે..!!
વર્તમાનની વાત હવે ..!!
ઘણા વર્ષે અમદાવાદના બજારો એ હૈયે હૈયા દળાય એવી ભીડ જોઈ અને મારા જેવા કોરોનાની ડરી ડરી ને ચાલનારા એ થોડીક જૂની જાળવી રાખેલી પરંપરાઓ નો ત્યાગ કર્યો..!
પુષ્ય નક્ષત્રમાં ચોપડા તો ફર્નાન્ડીઝ બ્રીજની નીચેથી જ એક ચોક્કસ દુકાનેથી જ લેવાના અને પછી દોશીવાડા ની પોળે ગોપીનાથજીના દર્શને જઈ ને આવવાનું એવું નક્કી પણ બજારો ની ભીડમાં એકટીવા નાખવાની હિમ્મતના થઇ આ કોરોના કાળમાં એટલે પછી ઘરની બાજુમાંથી ચોપડા લઈને નજીક આવેલી હવેલીએ જઈને બાહરથી દર્શન કરી લીધા.!!
ઘણું બધું છૂટે છે તો એક જગ્યા વધારે .. બીજું શું ?
બીજી પર એક પરંપરા પણ તૂટી છે ,જીવનનું એકાવનમું વર્ષ જાય છે અને પેહલી દિવાળી એવી છે કે જયારે વેકેશન નથી લીધું અને બાહરગામ ફરવા નથી ગયા..!
દીકરી ની કોવીડ ડ્યુટી ચાલુ છે અને મમ્મી ની સ્ટ્રીક સુચના છે કે બે દિવસથી વધારે દવાખાનું મારે આ વર્ષે બંધ રખાય તેમ નથી ..!
કોવીડ નો રાફડો ફાટ્યો છે અને હજી ફાટશે એવી ધારણાઓ થઇ રહી છે..!!
મારું મન કહે છે કે જેટલી બીક છે એટલું બધું નહિ થાય, કારણ કહું તો પપ્પા હંમેશા કેહતા કે મેડીકલ સાયન્સમાં ક્યારેય એક વત્તા એક બે થતા જ નથી ,
એટલે આંકડા ને આધારે ફક્ત અડસટ્ટો જ લેવાય, લોકડાઉનમાં બહુ બધા આંકડા જોયા અને સાંભળ્યા , અને જે પ્રમાણે આંકડાના વર્તારા થયા હતા એ પ્રમાણે કદાચ કશું જ થયું નથી..!!
હવે પોઝીટીવ વાત..!! પણ દુશ્મનની..!!
પાકિસ્તાન .. ત્યાં શું હાલ છે કોવીડના ? ત્યાં ના ઓનલાઈન છાપા વાંચી લઈએ તો બધું રામભરોસે છે , શરૂઆતમાં જયારે કોવીડ આવ્યો ત્યારે કરાંચીમાં એશી એકર જગ્યા મિંયા ઈમરાને ફાળવી દીધી હતી ,
હોસ્પિટલ માટે નહિ હવે..!!
કબ્રસ્તાન માટે ..અને ત્યાં જેસીબી મૂકી ને છ ફૂટ ની બદલે નવ ફૂટ ઊંડા ખાડા ખોદી ખોદીને તૈયારી “પાક્કી” કરી ને મૂકી દીધી હતી..!!
પણ હજી ખાડાઓ ખાલી પડ્યા છે ,
વપરાયા છે થોડા ઘણા પણ એટલા બધા નહિ..!!
પછી થોડાક સમાચારો ઓનલાઈન બાંગ્લાદેશ ,નેપાળ ,ભૂતાન ના જોયા , ત્યાં પણ કોગળિયું એટલું ફૂલ્યુંફાલ્યું નથી ,
આ બધાના સમાચાર પત્રો જોવા પાછળનું કારણ એક જ હતું કે આખા ઉપમહાદ્વીપ ના જીનેટીક્સ લગભગ સરખા છે અને આપણા આંકડાશાસ્ત્રીઓ કોવીડ માટે જે રીતે આંકડા મૂકી રહ્યા હતા એ રીતે આ બધા દેશોમાં તો હાહાકાર થઇ જવો જોઈએ ..!!
પણ નથી ..!!
ઓવર ઓલ સિચ્યુએશન ચેતી ને ચાલવા જેવી ખરી , પણ ચાલતું રેહવું..!!
સામે ચાલી ને આ બલા પકડ ગલા કરી ને કોવીડ લેવા ના જવાય..!!
આજે દિવાળીની શુભકામનાઓ આપવા માટે થોડાક ફોન કર્યા ,અને પછી અટકી ગયો ચારેબાજુ પોઝીટીવ જ છે ,એટલે બધા ને કહી દીધું કે દેવ દિવાળી પછી મળવાના અંજળ હશે તો મળીશું..!!
બાકી અત્યારે તો અમદાવાદની આજુબાજુના સાતસો થી આઠસો કિલોમીટરની રેંજમાં બધું જામ પેક છે એટલે દેવદિવાળી એ શું સીન હશે એ તો દ્વારકાધીશ જાણે..!!
ચાલો સહુ ને શુભ રાત્રી
સાચવજો ..
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)