હમણા એક નજીકના સગા પરધામ પોહ્ચ્યા, એટલે સવાર સવારમાં દોડવું પડ્યું હવે ત્યાં કૈક મિસમેનેજમેન્ટ થયું અને ડેડબોડી વાનને આવતા વાર લાગી, કીધેલા સમય કરતા એકાદ કલાક મોડું થઇ ગયું..ઘરડું મરણ હતું એટલે સગા વહાલા જોડે ઉભા ઉભા ગામગપાટા ચાલુ થઇ ગયા..
મને એમની સોસાયટીમાં ફરતા કૂતરા પર ધ્યાન ગયું, કૈક વધારે પડતા જાડા હતા આખી સોસાયટીના કુતરા..!
મોટેભાગે સ્ટ્રીટ ડોગ્સ આપણે ત્યાં બિચારા સાવ દુબળા પતલા હોય, લગભગ બધા જ કુતરાની પાંસળીઓ દેખાતી હોય પણ અહિયાં ઊંધું હતું એકે એક કુતરું એકદમ હટ્ટુકટ્ટુ હતુ..
મેં જોડે ઉભેલા નજીકના સગાને કીધું યાર આ સોસાયટીના કુતરા તો જુવો બાકી જબરા હટ્ટાકટ્ટા છે,એમણે હસીને કીધું “ઓબેઝ” છે, ત્યાં જોડે ઉભેલો એક જુવાનીયો બોલ્યો તમે પણ જબરું ઓબ્ઝર્વ કરો છો શૈશવભાઈ.. મેં કીધું ભઈલા હવે આ ડેડબોડી વાનવાળો ના આવે ત્યાં સુધી આપણે કામ શું છે..? મને કહે લખી પાડો ત્યારે આમની ઉપર..મેં કીધું યાર ટોપિક તો જોરદાર છે..!
સ્ટ્રીટ ડોગ્સ ,રખડતા કુતરા.. હટ્ટાકટ્ટા કેમ ?
પછી તો મગજમાં રખડતા કુતરા ભરાઈ ગયા..બારેક વર્ષ પેહલા જ્યારે શાંઘાઈ પેહલી વાર ગયો હતો અને દસ દિવસ રોકાયો હતો, એક દિલ્લીના મિત્ર જોડે સાંજે ચાર વાગ્યા સુધી ધંધો કરીએ અને પછી રાતના ત્રણ સુધી શાંઘાઈની અંગડાઈ માણી હતી,
પરદેસમાં આપણે જઈએ ત્યારે પેહલા બે ચાર દિવસ બહુ સારું લાગે,પણ પછી જેમ જેમ દિવસો જાય એમ એમ ધીમે ધીમે ઘર, બૈરી ,છોકરા માંબાપ અને પછી આખો દેશ યાદ આવે,અને અઠવાડિયા પછી તો સરખામણી કરતા થઇ જઈએ આપણે ત્યાં આવું અને અહિયાં આવું..
મારે પણ કૈક આવું જ થયુ હતુ, નવમા દિવસે નક્કી કર્યું કે હિન્દુસ્તાન અને શાંઘાઈમાં ફેર શું..? મારો ફ્રેન્ડ પેહલા બોલ્યો અહિયાં રોડ પર કુતરા નથી..! પછી તો આખો દિવસ કુતરા શોધ્યા, મસ્ત ફિગરવાળી ચીની ટીક ટોક કરતી ફૂટપાથ પર ચાલતી અને ડાયપર પેહરાવેલું પોમેરિયન લઈને ફરતી દેખાઈ, પણ રસ્તે રખડતું કુતરું ના મળે..સાલું દિમાગમાં ભરાયું કે લગભગ બધું આપણા જેવું, ભિખારી મળ્યો,રોંગ સાઈડ જતો ચીનો મળ્યો,લુખો મળ્યો, ચીટર મળ્યો પણ કુતરું કેમ ના મળે..?
રાત્રે ટેમ્પરરી રખડવા પુરતી પટાવી રાખેલી ચીની કન્યા અને ચીનો ફ્રેન્ડ અમને રાત્રે રખડવા માટે લેવા આવ્યા, એ બંનેને કંપેરેટીવ સારું અંગ્રેજી આવડે એટલે પેહલો સવાલ કર્યો કે તારા સ્ટ્રીટ ડોગ ક્યાં ગયા..?
ચીનો બોલ્યો પેટમાં, અને ચીની બોલી વેરી ડેલીશીયસ..મારી જોડે મારો દેશી દિલ્લીવાળો ફ્રેન્ડ નોન-વેજ ખાય છે, ચીની એની તરફ ફરીને તરત બોલી તું ટ્રાય કર બહુ સરસ લાગે..!
ઓ ત્તેરી..પેલા દિલ્લીવાળાનું મોઢું જે થયું છે..મને હિન્દીમાં બોલ્યો યે સાલે કુત્તે તક ખા જાતે હૈ..! હમ તો હમારા બચા-કુચા કુત્તે કો ખિલાતે હૈ, ઔર યે કુત્તે કો હી ખા જાતે હૈ..
ચીના એ અમારા જ્ઞાનમાં વધારો કર્યો કે લગ્ન જેવી કોઈ મોટી પાર્ટીમાં જ કુતરું રંધાય..! હવે ૬૦૦૦ કિલોમીટર દુર ક્યા ભગવાનને યાદ કરીને બોલાવવા..? સાલાઓને જરાકે પાપ નહિ લાગતુ હોય..મારી સામે બબ્બે જણા ઉભા હતા જેને કુતરા ખાવા ગમતા હતા..પછી ચીની વાંદરી તો મને કહે કુતરું ના ખાય તું તો સાપનો સૂપ ટ્રાય કર બહુ ડેલીશીયસ હોય એ પણ..!
મારા દિલ્લીવાળાને મેં હિન્દીમાં કીધુ મારે તો હવે આ મારે ગધેડીની ને ટ્રાય કરવી છે, એક પછી એક પ્રાણીઓના નામ લે છે..અને મારો વૈષણવ જીવડો ગભરાય છે ,તું આ ચીનાને લઇને જા ક્યાંક.!
દિલ્લીવાળો એકદમ ઠાવકાઈથી બોલ્યો “ના મુન્ના ના તુઝ સે ના હો સકે વો ભી”
મેં કીધું ચલ કન્ટેનર ભરીએ ઇન્ડિયાથી, ત્યાં મ્યુનિસિપાલીટીને રખડતા કુતરાને આમપણ એમને એમ મારવા પડે છે, દિલ્લીવાળો ફરી બોલ્યો “ના મુન્ના ના તુઝ સે ના હો સકે વો ભી”
સાચી વાત છે એટલી બધી દયા અને જીવદયા આપણામાં કુટી કુટીને ભરી છે કે “મુન્નો” કઈ જ ના કરી શકે..!
છેવટે ડેડબોડી વાન આવી અને સ્મશાન પોહ્ચ્યા ત્યાં પણ કુતરા અને એ પણ હટ્ટાકટ્ટા, બે યાર આવું કેમ ? સ્મશાનના હટ્ટાકટ્ટા કુતરાનો રાઝ તો તરત જ ખુલી ગયો પેલા લાડવા કુતરાને નાખ્યા એટલે તાળો મળી ગયો કે રોજ લાડવા ખાઈ ખાઈને આ હટ્ટાકટ્ટા થયા છે પણ પેલી સોસાયટીના કેમના ? ના રેહવાયું એમના પાડોશી પૂછ્યું ..જવાબ મળ્યો એક નોન-ગુજરાતી એમની સોસાયટીમાં રહે છે રોજ એમનું વધેલું નોન-વેજ કુતરા ને ખવડાવે છે..!
જવાબ મળ્યો હાશ..તો બરોબર..નહિ તો કુતરા “ઓબેઝ” કેવી રીતે થઇ ગયા ? એ પ્રશ્ન મને જિંદગી આખી પજવતો રેહત..!
પણ આપણને બહુ ફાવે નહિ કુતરા જોડે, બાળપણમાં એક કુતરુ પ્રેમ કરી ગયું હતું અને પેલા ૧૪ ઈન્જેકશન ખાધા છે એ પણ ડુંટીમાં..
મારી જાતને હું “મેઘનાદ” માનતો ત્યારે પપ્પા સાક્ષાત “રાક્ષસરાજ રાવણ” લાગતા..”બેરહમી” થી ૧૪ -૧૪ ઈન્જેકશન મને પાપા એ પેટમાં માર્યા હતા,અને એટલું બધું દુખે દુઃખે કે ના પૂછોને વાત પણ છૂટકો નોહતો..ત્યારની આપણી દુશ્મની બંધાઈ છે ઘણીવાર રાત પડ્યે બાઈકની પાછળ પડે કે સામું આવે તો ચોક્કસ બ્રેક ના મારુ , ભલે સાલુ જતુ ઉપર..
દુશ્મની હજી પણ ચાલુ છે બે વર્ષ પેહલા જ એક ફરીવાર પ્રેમ કરી ગઈ હતી એક..પણ આ વખતે પાંચ ખાધા રાબીપુર(હડકવાના ઇન્જેક્શનની બ્રાંડ)..! અને એ તો નોર્મલ રીતે લેવાય એટલે ચાલી ગયું..!
મને લાગે છે કુતરા પુરાણ અહી પૂરું કરું આજે ,કેમકે કાલ સવારે ટીવીમાં વર્તારા ચાલુ થશે એમ એમ કુતરા જોરદાર બાઝશે ,જેમ જેમ દિવસ ચડશે એમ એમ કુતરાઓની ગરમી વધતી જશે..!
કોણ જાણે કેવા સમીકરણો ગોઠવાશે..
ન જાણ્યું જાનકી નાથે..! એવો ઘાટ છે
કાલ ની વાત કાલે
શુભ રાત્રી
શૈશવ વોરા