વાઇબ્રન્ટનો આજે ધમાકાભેર આગાઝ થશે..ખુબ તૈયારીઓ ભૂતકાળમાં પણ થઇ છે અને અત્યારે પણ થઇ છે,પણ હવે એવું લાગે છે કે વાઇબ્રન્ટ એક જલસાથી વધારે બીજું કઈ રહ્યું નથી..
મિત્ર ભવદીપ દેવાશ્રયી જેને હું ક્યારેય મળ્યો નથી,ફક્ત મારા શબ્દોથી જ મારે એમની ઓળખાણ છે અને એમણે એવું કહ્યું કે “મૂર્ખતા જયારે પરંપરા બને”
મેં થોડો સુધારો કર્યો એમના વાક્યમાં “નિષ્ફળતાને પરંપરા બનાવી અને સફળતામાં ખપાવી દેવાની વાત..!”ગઈકાલે રાત્રે સપ્તકમાંથી ઘેર જતા થયું કે લાવ નગરચર્યા કરતો જાઉં,અને મધરાતે લગભગ અઢી વાગ્યે અમદાવાદમાં લાઈટના તોરણ બંધાતા જોયા અને મનમાં થઇ ગયુ..સુપણામાં પરણ્યો દીનાનાથ..!
મીરાંબાઈનું ભજન યાદ આવ્યું..
માઈ મ્હારો સુપણામાં પરણ્યો દીનાનાથ..હો દીનાનાથ..દીનાનાથ..
છપ્પણ કોટા જણા પધાર્યા, દુલ્હો સીરી વ્રજરાય
સુપણામાં તોરણ બંધાણો, સુપણામાં ગયો હાથ..
માઈ મ્હારો સુપણામાં પરણ્યો દીનાનાથ..
મીરાંની તો ભક્તિ હતી,અને એ પણ સામે કઈ પામવાની લાલચ વિના..! અને આ વાઇબ્રન્ટના ઝગમગતા તોરણો તો સંપૂર્ણ લાલચના તોરણો છે..!
અત્યાર સુધીના વાઇબ્રન્ટનું ટોટલ મારો તો છપ્પન કોટા “ઝણ”(જણા) ચોક્કસ પધારી ગયા હશે..પણ હજી દુલ્હો દેખાતો નથી..!
ઇન્વેસ્ટરો આવે છે અને ભાગી જાય છે..હિન્દુસ્તાનના પોર્ટ ઉપર જહાજો માલ ભરી ભરીને આવે છે,પણ જાય છે અડધા ખાલી..ડોલર કમાવીને ખાલી પેલી ઈન્ટરનેટની દોરડી જ આપે છે(આઈટી ઇન્ડસ્ટ્રી), હાર્ડકોર ઇન્ડસ્ટ્રીઝનું મેઇક ઇન ઇન્ડિયા સપનું હજી સપનુ જ રહી જાય છે,એક દસકો વીત્યો પણ ગુજરાત હજી ઠેર નું ઠેર છે, જે લોકો ગુજરાતની બહાર જાય છે અને દુનિયા જોવે છે એ મારી સાથે એગ્રી કરશે બાકી કુવામાં પડેલા દેડકા માટે વાઇબ્રન્ટની પાંચ દિવસની ટેમ્પરરી લાઈટીંગ્સ એ “વિકાસ” છે..
અને હા સાથે એટલું કહી દઉ કે ૧૯૮૨માં મારા ભારત ભ્રમણનો પેહાલો રાઉન્ડ પૂરો થઇ ચુક્યો હતો..એટલે ભારતને સમયની સાપેક્ષમાં હું મુલવી રહ્યો છું, એરઇન્ડિયાની “આંટી”ને એક્ચુલી આંટી કેહવા જેટલો નાનો હું હતો ત્યારનો હું ભારતભરમાં રખડું છુ..!
બેંગ્લોરની આઈટી ની ક્રાંતિ કે મહારાષ્ટ્રની ઓટોમાં હરણફાળ,કલકતાની પડતી અને હૈદરાબાદની ચડતી,મદ્રાસમાંથી ચેન્નાઈ મારી આંખ સામે થયું છે..પંજાબીના અઢળક રૂપિયા,જહાં ના પુહચે બૈલગાડી વહાં પોહચે મારવાડી..યુપી બિહારની દારુણ ગરીબી, માણસને માણસ ખેંચે,અને એમાં અમે ના બેસી શકીએ એવું કરીને દેહરાદુનમાં એ જમાનામાં ઘોડાની જગ્યાએ જોતરાયેલા માણસને જોઈને પપ્પાએ અમને બધાને એ ગાડીમાંથી ઉતારી મુક્યા અને અમે ચાલતા ગયા અને એ ઘોડાની જગ્યાએ જોતરાયેલા માણસને પપ્પાએ પુરા રૂપિયા ચૂકવેલા..!
હિન્દુસ્તાનની એક એક નદીના પાણી પીધા છે અને ભાવથી નમ્યો છું..પણ હવે સહન નથી થતુ કદાચ ઉંમર વધતી જાય છે અને ધીરજ ખૂટતી જાય છે..!
ગુજરાતમાં મેં ક્યારેય ઘોડાની જગ્યાએ માણસને જોતરાયેલો નથી જોયો,રોડ રસ્તા બીજા રાજ્યોની કમ્પેરીઝનમાં સારા હતા અને હવે બીજા રાજ્યોમાં ખુબ વધારે સારા છે..!
ગઈકાલે દિવસના ૨૨ કલાક ચાલે એવા એક્ષચેન્જનું ઉદઘાટન થયુ..ધન્ય ધન્ય કે ગીફ્ટ સીટીમાં કૈક તો ચાલુ થયું..ત્રણ વાઇબ્રન્ટ પેહલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું હેડીંગ હતું “ગીફ્ટ સીટી મિસાઈલ ટુ નરીમાન પોઈન્ટ”..નરીમાન પોઈન્ટને તોડી પડશે આ ગીફ્ટ સીટી એવી આશંકા વ્યક્ત થઇ હતી..પણ હજી બીજા દસ વર્ષ લાગશે એવું કૈક લખાઈ અને બોલાઈ રહ્યું છે..મારા જીવનમાં મારે ગીફ્ટ સીટીને તૈયાર થયેલું જોવું છે અને ત્યાં મારે એક ઓફીસ લેવી છે, જો કે ઓફીસ તો અત્યારે પણ લઇ શકાય તેમ છે પણ ત્યાં એ ઓફીસમાં બેસીને કામ કરવું છે.. ફુલ્લી ફન્કશનલ ગીફ્ટ સીટીમાં બેસીને કામ કરવું છે..!
સપના ના સોદાગરે દેખાડેલું સપનું મેં પકડી લીધું છે..!
હવે તો મારે જોઈએ જ..!
પણ મેળવવા માટે ખાલી જીદ કે ઈચ્છાશક્તિથી કામ ચાલશે..? ના દેશની રગ રગમાં વ્યાપેલી હરામખોરીને મારી હટાવી પડશે..હજી ક્યાં સુધી આખો દેશ હજી હરામખોરી કર્યા જ કરશે..અને દેશનો રાજા હરામખોરો નો સરદાર કેહવાશે..? ડીમોનેટાઈઝેશન પછી તો નક્કી થઇ ગયું કે હમ સબ ચોર હૈ..! અને જ્યાં સુધી થપ્પડ મારીને કામ ના કરાવવામાં આવે ત્યાં સુધી તો પ્રજાને કામ નથી કરવું..એકે એક સીસ્ટમ કરપ્ટ, એનો એક એક ઓફિસર પણ કરપ્ટ અને ભૂલથી એકાદો નોન કરપ્ટ હોય તો વેદિયો,મુરખો,ચોખલીઓ.
કાયદો ક્યારેય સર્વોપરી નથી રહ્યો આ દેશ માટે,સગા સબંધી સમાજ બધું કાયદા આગળ પાણી ભરે..અને આ બધામાં રાતે સુપણામાં ઇન્વેસ્ટર આવે છે અને ભાગી જાય છે..દીન નો નાથ એવા દીનાનાથ જેવા ઇન્વેસ્ટર્સ દુર દુર દેખાતા નથી..! પાપ જ એટલા છે,પરદેસી કંપનીને પેહલા લાઈસન્સ લેવાના નામે સરકારી ઓફિસરો લુંટે પછી મેનેજરો પછી ડીલરો પછી ટેક્ષના નામે સરકાર અને છેલ્લે પેલો ધોતિયું મૂકીને ભાગી જાય..!
રાત પડ્યે આજે મહાત્મા મંદિરની છત પર સાહેબ ગાલા ડીનર લેવાના છે,પણ પછી કાલે સાંજે બીજી કોઈ કંપનીને કે એસોસીએશનને એ ધાબુ ગાલા ડીનર માટે ઇન્ડેક્ષટીબી આપશે..?
મહાત્મામંદિર અને ઇન્ડેક્ષટીબીનો એટલો ગંદો અનુભવ છે મને..
હું પણ હઈસો ભાઈ હઈસો કરીને થોડાક વર્ષ પેહલા બેંગ્લોર અને દિલ્લીમાં થતું એક એક્ઝીબીશન મહાત્મા મંદિરમાં ખેંચી લાવ્યો હતો અને બધો કારભારો મારા માથે હતો,મારી જોડે ગાંધીનગરના લોકલ માણસોની એક બહુ મોટી ટીમ હતી અને એ ટીમમાં એવા લોકો હતા કે જે ગમે તે બારણું ખખડાવ્યા વિના ગમે તે ઓફીસમાં જઈ શકે…
અમે ધોળિયા, બુચાથી લઈને દુનિયાની બધી પ્રજાતિના લોકોને આમંત્ર્યા અને એ લોકો ઉત્સાહભેર આવ્યા..!
સાહેબ પીવાના પાણીના વાંધા થઇ ગયા હતા,અને ધોવાના પાણીના પણ.. આગળ ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડ્યું અને તમામ એક્ઝીબીશન હોલના સંડાસ બાથરૂમમાંથી પાણી ગાયબ..!
ત્રણ ત્રણ દિવસ જાજરૂ બાથરૂમ પાણી વિનાના આ જ મહાત્મા મંદિરમાં કે જેના ધાબે આજે નરેન્દ્રભાઈ ગાલા ડીનર લેવાના છે..એ અમે ફોરેન ડેલીગેટ્સ અને અમારા દેશભરમાંથી આવેલા લોકો જોડે કેમ કાઢ્યા એ મન જાણે છે..
અમારા ગાંધીનગરના લોકલ ઉદ્યોગકારોએ એ ફોરેન ડેલીગેટ્સ અને ભારતભરમાંથી આવેલા વિઝીટર્સને પોતે પોતાની ગાડીઓમાં કેમ્બે અને હવેલી હોટલ અથવા પોતાની ફેકટરીએ લઇ જઈને કુદરતી ક્રિયાઓ કરાવી અને ગુજરાતનું “નાક” સાચવ્યું હતું..!ઉભું કરવું,મેન્ટેન કરવું અને સર્વિસ આપવી આ બધામાં ગુજરાતી માણસ અને માનસ ઉભું કરવામાં શૂરો છે..!
વિશ્વાસનું વાતાવરણ નથી ઉભું થતું અને નાના નાના ભવાડા પરદેશીઓ જોઈ જાય છે,બોલવામાં થતા બફાટ અને જ્યાં અને ત્યાં આપણે જ આપણા લોકોને ખોટા ખરાબ કેહવાના..અને પાછું કેહવું કે એમાં શું ખોટું છે..? ખોટું કઈ નથી પણ એ સાચું પણ નથી..!
ડીસેમ્બર આવે અને અમદાવાદ નગરી ઉત્સવો ઉજવે..સરકારી તંત્ર ઉત્સવોની તૈયારીમાં લાગી જાય અને જનતા મફતની મોજ કરવા દોડે..કાંકરિયા કીડીયારું ઉભરાયું છેલ્લા દિવસે તો ત્રણ ચાર લાખ લોકો હતા, મહાત્મામંદિરની લાઈટો જોવા ઉત્તર ગુજરાત આખું ઉમટયું..
ભલે સારી વાત છે કાંકરિયા કે અક્ષરધામ કે સાયન્સ સીટીમાં થતો વોટર શો ખરેખર જે ફી લઈને બતાડવામાં આવે છે અદભુત છે..આવા જ વોટર શોના પચાસ સીંગા ડોલર કે ત્રીસ યુરો જતા રહે છે અને અહિયાં લગભગ મફત..
સામાન્ય જનસાધારણ આનંદ કરે એમાં કોઈ દોષ કે ખોટું લગાડવાનો પ્રશ્ન નથી પણ જયારે સીરીયસ બીઝનેસની વાત આવે ત્યારે આ બધું નડતર થાય અને આપણે નશામાંથી કે યુફોરિયામાંથી બાહર ના આવીએ એ ખોટું..
ગઈકાલે અડધો અડધ બીઝનેસમેન ઉદઘાટન વખતે બહાર ઉભા રહ્યા અને અંદર સરકારી પ્રજા ઘુસી ગઈ..!કરાવો એમઓયુ એ લોકો જોડે..શટલિયાના.. અને પાણીપુરીના ખુમચા ના (શટલિયામાં પોલીસની ભાગીદારી અને પાણીપુરીના ખુમચામાં મ્યુનીસીપલ દબાણખાતાની આવું લોકો માને છે)
કૈક સરકારી ઓફિસરો અને પોલીસવાળા એ ગીફ્ટસીટીમાં ક્યાં દબાણ કરવું એ વિચારી લીધું હશે..!
અહિયાં આવું મળી જાય તો મોજ..!
ગાંવ બસા નહિ લુટેરે પેહેલે આ ગયે..
હરામનું પડાવી લેવાની જ વાત..
તમારો દિવસ શુભ રહે હરામીઓ..!
તમારાથી મોટો હરામી..!
શૈશવ વોરા
www.shaishavvora.com