હે મહાદેવ તે આ શું કર્યું …?
ક્યારેક એવી ઘટના ઘટી જાય કે હૈયું ફાડીને ચિત્ત્કાર નીકળે અને ઉપરવાળા ઉપરથી ભરોસો ઉઠી જાય..અત્યારે લખતા લખતા હાથ ધ્રુજે છે અને આંખ રડી રહી છે..
ઓગણીસ ઓગણીસ લબરમુછીયા,આશાભર્યા જુવાનજોધ છોકરા છોકરી આમ એક એક કરીને આગથી બચવા કુદકા મારે અને મોત ને ભેટે …!!
અરરરર …મહાદેવ,તને જરાકે ય લાજ ના આવી ..તારા ઘરમાં ય વસ્તાર છે, તું ક્યા વાંઢો કે વાંઝિયો મુઓ છે..!!
આજે તો ઝઘડી લેવું છે `એની` જોડે, અને રડી લેવું છે.. આમ તે કા`ઈ હોય ..?
સુરત ની આગ નો વિડીયો જોઈ જોઈ ને કાળજે કાળી બળતરા ઉપડે છે..!!
તમને થશે કે શૈશવભાઈનું કોઈ પોતાનું હશે એમાં, ના ના મારી બો`ન કોઈ મારું નથી પણ તો`ય બધાય મારા છોકરા છે..
આ રોજ મારા છોકરાવ ને સવાર સાંજ હું ટ્યુશન ક્લાસમાં છેલ્લા પાંચ વર્ષથી મુકવા લેવા જાઉં છું,અને એ બધાય ના મોઢા આ સુરતની આગ કલીપમાં દેખાય છે અને વળી વળી ને રડી લઉં છું..
કોણ જાણે એ માંબાપ ને કોણ છાનું રાખશે ? અને કોણ એ નવલોહિયાને કાંધ દેશે..?!!
જીમમાં સો સો કિલો ઉપાડીને ફેંકનાર શૈશવની છાતીમાં આટલી નાની નનામી ને ઉપાડવાની તાકાત નથી ..!! આવા દુઃખ દે એના કરતા તો લઇ લેજે બા`પ..!
બહુ કરી હો ભગવાનીયા તે તો ..!!
સાંજે પાંચ વાગ્યાનો મારો મહાદેવ મારી ગાળો ખાઈ રહ્યો છે, અંતે બાપડો છેક અત્યારે બોલ્યો હે બ`ટા શૈશવ આ બધામાં મારા એકલાનો વાંક..?
કોનો વાંક ..?
મરનારનો ? કે એ ત્યાં મરવા ગયા હતા ?
એ નાના નાના બાળુડા તો ભણવા ગ્યા તા…!!
ચારેબાજુથી ચિત્ત્કાર ઉઠ્યો છે જવાબદારી નક્કી કરો ,જવાબદારી નક્કી કરો …!
સરકાર ઝટ જવાબદારી નક્કી કરો ..
શું કરશે સરકાર ?
જાડો નર જોઈ શૂળી ચડાવો કોઈ..!!
કેટલા નિભંર અને નિષ્ઠુર થઇ ગયા છીએ આપણે …
દરેક વાતમાં સરકાર,અને તંત્ર ..
અરે એ લોકો તો કઈ જ નહિ કરે, એવા આપણે એવા એ..
આખા અમદાવાદની સાહીઠ લાખની વસ્તી માટે કેટલો સ્ટાફ છે ફાયર બ્રિગેડનો ?
કેટલી હાઈડ્રોલિક સીડી છે ફાયરબ્રિગેડ પાસે ?
સુરતમાં આગ લાગી પછી પિસ્તાલીસ મિનીટ મળી હતી એવું સંદેશ ન્યુઝ ઉપર લાઈવ એક વ્યક્તિ કહે છે કે જે પોતે અંદર જઈને બાળકો ને કાઢી લાવ્યો હતો ..
પિસ્તાલીસ મિનીટ ઓછી છે ?
જો કે જનતા તરીકે આપણે પણ એટલા જ ઢોર છીએ..
યાદ કરો અમદાવાદીઓ આપડે નિકોલ આગળ કરોડ રૂપિયાનું ફાયરફાઈટર આંદોલનમાં સળગાવી મુક્યું હતું ,અને ત્યારે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર પોકે અને પોકે રડ્યા હતા કે હવે બીજું આવું અદ્યતન ફાયરફાઈટર રૂપિયા ખર્ચતા પણ મળવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગશે ..
પરદેશથી સ્પેશિઅલ ઈમ્પોર્ટ કર્યું હતું અને વીસ માળ સુધીની હાઈડ્રોલિક સીડી હતી એમાં .. આવું ફાયરફાઈટર સુરત મહાનગરપાલિકા પાસે હોત તો આજે ઓગણીસ છોકરા છોકરી જીવતા હોત…!!
ન કરે નારાયણ અને અમદાવાદમાં આવું બનશે તો આપણે અમદાવાદીઓ આપણી જાત ને જ માફ નહિ કરી શકીએ..!!
મહામેહનતે મળેલી સગવડને આપણે બાળી મૂકી છે..!!
ગેરકાયદેસર રીતે બનેલા કલાસીસ હતા..
તે હોય જ ને .. ! કેમ નાં હોય ?
શિક્ષણ એ સરકારની નહિ સમાજની જવાબદારી છે ,સરકાર પાસે કરવાના બીજા ઘણા કામ છે ..
આવું જ બોલાય છે ને બેઠકોમાં ?
પછી શું થાય ?
સમાજ એટલે કોણ ?
બજાર …!
આજે સમાજને હવાલે કરેલું શિક્ષણ, સોરી બજારને હવાલે કરેલું શિક્ષણ દરેક જગ્યાએ શોર્ટ કટ શોધી અને રૂપિયા કમાવા સિવાય બીજું શું વિચારી શકે ?
વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો …!!
સરકારી સ્કુલમાં ક્યારેય આવી આગ લાગી એવું સાંભળ્યું છે ?
આટલા મોટા ભૂકંપમાં એકપણ સરકારી ઈમારત પડી ? હાઉસિંગ બોર્ડના મકાનો ધરાશાયી થયા ?
કેમ?
હલકી તો હલકી ગુણવત્તા, પણ નિયમ અનુસાર જ બને નહિ તો પેમેન્ટ ના થાય ટાઈ બીમ લેવા જ પડે ..!!
સરકારી શિક્ષણનો કોંગ્રેસ-ભાજપ સરકારો એ ભેગા થઇ ને ઘોર ખોદી નાખી અને હવે બજાર શિક્ષણ આપી (વેચી) રહ્યું છે..!
અમદાવાદમાં આવા ધાબા કવર કરી અને ફાઈબરના છાપરા નીચે ગણ્યા ગણાય નહિ એટલા ટ્યુશન કલાસીસ અને હોસ્પિટલો ચાલી રહ્યા છે ..!!
ફાઈબરના છાપરા..આગ પકડવા કેટલી વાર લગાડે ?
હોટેલો ની તો હું વાત જ નથી કરતો ..!
બોલો આટઆટલા કૌભાંડ હું કરું અને પાછો ઉપરથી ગાળો ભગવાન ને આપું કે તે શું કર્યું આ ..?
હૈયું હળવું કરવા મિત્રને ફોન કર્યો..
શૈશવ એક વાત નો જવાબ આપ પ્લેનમાં પેલી કેટલીવાર સેફટી સુચનાઓ આપે છે અને તો પણ દર વખતે તું જખ મારી ને જોવે છે ને ..?
સાચું બોલ આપણી એકડિયા ની સ્કુલ વંદના, ન્યુ હાઈસ્કુલથી લઈને ભવન્સ કોલેજ સુધી કઈ સ્કુલ કે કોલેજમાં આગ લાગે તો શું કરવું એ શીખવાડ્યું છે ..?
ધરમ થી બોલજે fire extinguisher વાપરતા તને કે મને આવડે છે ?
તારા કે મારા ઘરમાં fire extinguisher કેટલા ?
તારા મારા છોકરાના ટ્યુશન ક્લાસમાં જઈને ક્યારેય જોયું છે કે ત્યાં fire extinguisher કેટલા લાગેલા છે ?
આગ લાગે તો શું કરવું એની કોઈ જ ટ્રેનીગ તે કે મેં ક્યારેય લીધી છે ?
વાત સો ટકા સાચી ..
ઘણા લોકો મીલીટરી ટ્રેનીગ ફરજીયાતની વાત કરે છે પણ કમ સે કમ આગ લાગે ત્યારે શું કરવું જોઈએ એની ટ્રેનીગ તો દરેક નાગરિક માટે ફરજીયાત હોય જોઈએ ..!
પણ દરેક સ્કુલ કોલેજની અંદર આગ લાગે ત્યારે શું કરવું એની દર ત્રણ મહીને મોકડ્રીલ થવી જ જોઈએ, યોગા ઉર્ફે યોગ નહિ કરાવો તો ચાલશે …પણ આટલું ફરજીયાત કરાવો એનો જીવ પણ બચશે અને બીજાનો પણ બચાવશે..!
જેમ મોટી હોસ્પિટલમાં ફાયર સેફટી ઓફિસર છે તેમ દરેક સ્કુલમાં અને કલાસીસની ચેઈનમાં એક ફાયર સેફટી ઓફિસર હોવો ફરજીયાત કરવો રહ્યો..
હવે દરેક જગ્યાએ એસી આવી ગયા છે અને ફોલ્સ સીલીંગ કરી અને છત નીચે લાવી દેવામાં આવે છે ..
ફોલ્સ સીલીંગમાં જો થર્મોકોલ વપરાયો હોય તો તાત્કાલિક કાઢી અને સિરામિકની શીટ નાખવી જ રહી, નહી તો થર્મોકોલ જીવ લઈને જશે..રૂપિયા ના બચાવાય ..જીવતો નર ભદ્રા પામે..થર્મોકોલ તરત જ આગ પકડે છે..
દરેક મોટી ઈમારતમાં આગ લાગે ત્યારે શું કરવું એની ડ્રીલ આપણે જાતે જ ગોઠવવી રહી અને fire extinguisher પણ દરેક ઘરમાં એક એક રાખવા રહ્યા , કેમકે વાયરીંગ કરતી વખતે વાયર સારા વાપરવામાં બિલ્ડર નામની પ્રજાતિ હમેશા કઈનું કઈ ઘાલમેલ કરતી આવી છે, અને જો બિલ્ડર ઘાલમેલ ના કરે તો ઈલેક્ટ્રીશિયન કેટલું ભણેલો છે અને એનું નોલેજ અને એણે મારેલું થીગડું કેટલું ચાલે એની ગેરેંટી વોરંટી નથી હોતી..!
તાતી જરૂર છે આગ લાગે ત્યારે શું કરવું એનું દરેક ને જ્ઞાન આપવાની.. અને ફાયર સેફટીના કાયદાનું ખરેખર પાલન કરવાની ..!
એકાદ વર્ષ પેહલા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના એક ફ્લેટમાં આગ લાગી હતી ત્યારે કુટુંબના બધા જ સભ્યો મૃત્યુ પામ્યા હતા પણ એક બાળકી જેને સ્કુલમાં શીખવાડ્યું હતું કે આગ લાગે ઘરમાં તો ભીનો ટુવાલ ઓઢી અને બાથરૂમમાં શાવર નીચે શાવર ચાલુ કરીને ઉભું રહી જવું ..
અને એ બાળકી એવું જ કર્યું ને જીવનને પામી..!
માનવસર્જિત દુર્ઘટના માટે લાગણીઓના વેહણમાં આવી જઈ ને મારા જેવા લોકો “એની” જોડે ઝઘડી લ્યે છે..
ક્યારેક એની જોડે ઝઘડવું પણ જોઈએ મિત્રતા સારી રહે છે, પણ આજે તો એ પણ એમ કહે છે કે કાલે ઘેર એક fire extinguisher લેતો આવજે અને વાપરતા શીખી લેજે..!
રહી વાત સરકારની તો તપાસના હુકમ અને કંપનસેશન અપાઈ જશે ,નઘરોળ તંત્ર હતું ત્યાનું ત્યાં રેહશે…
તો પણ સરકાર પાસે એટલી અપેક્ષા ખરી કે હોસ્પિટલ,સ્કુલ ,ટ્યુશન કલાસીસના ફાયર સેફટીના ઓડીટ સમય સમય પર થવા જરૂરી છે,અને થર્મોકોલની સીલીગ એટલે મૃત્યુ જ..દરેક સ્કુલ કોલેજમાં ફાયર સેફટીની મોકડ્રીલ ફરજીયાત કરો …
સેફટી ફર્સ્ટ બાકી બધું પછી ..
સોરી ભગવાનીયા ઝઘડવા માટે .. આવું છું તારે ત્યાં મંદિર, બે ઘડી વાતો કરશું..!!
અને તમે જો આ બધા મુદ્દા જોડે એગ્રી છો તો પ્લીઝ ફોરવર્ડ કરો કોઈ ના જીવ બચશે ..અને મારી જેમ બહુ જીવ બળતો હોય જાવ “એની” શરણમાં..
મારો મહાદેવ તો હળાહળ કંઠે ભરી ને બેઠો છે ..જેમ મારા વિષ સમાવી લીધા એમ તમારા પણ સમાવશે..!
ઈશ્વર સૌને શાંતિ અને સહનશક્તિ અર્પે..!
શૈશવ વોરા