સુરતના બાળકો ના અપમૃત્યુ નો હાયકારો હજી મનમાંથી જતો નથી , એક જબરજસ્ત ધાસ્તી ગુજરાતના તમામ માતાપિતાના મનમાં ઘર કરી ગઈ છે અને દરેક નાગરિક સોશિઅલ મીડિયા દ્વારા પોતાની લાગણીઓને ઠાલવી રહ્યો છે ..
ચોરેચૌટે હજી એક જ વાત છે.. ના ચાલે, અસહ્ય છે આ વાત..કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી ..!!
હું આ દુઃખની ઘડીએ સૌથી પેહલા એ વિડીઓ કલીપ ઉતારનારાનો આભાર માનીશ..
તમને થશે કે શૈશવભાઈ ભાંગ પી ગયા લાગે છે, પણ નાં દોસ્તો એવું નથી, આ પેહલા પણ ઘણી બધી આવી ઘટનાઓ ભારતવર્ષમાં ઘટી છે અને થોડાક સમયમાં બધું ભીનું સંકેલાઈ ગયું છે, પણ આજ નો જનઆક્રોશ અને સરકારને તમામ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી અને એકશન લેવા માટે મજબુર કરવા માટે નું પેહલું કામ આ ઘટનાની ક્લીપે કર્યું છે..
*જો કલીપ ના હોત ,અને આ કલીપ આટલી વાઈરલના થઇ હોત તો આપણે પ્રજા તરીકે પણ એટલી બધી ઘોર કુમ્ભકર્ણની નિંદ્રામાં હતા કે જ્યાં સુધી તમારું કે મારું પોતાનું સંતાન નાં હોય ત્યાં સુધી આપણે જાગ્યા ના હોત..*
છેલ્લા બે દિવસમાં સોશિઅલ મીડિયા ઉપર કલીપ જોઈ જોઈને દરેક ગુજરાતી ડોફરાઈ ચુક્યો છે અને સીસ્ટમ પાસે જવાબ માંગી રહ્યો છે ..
*હિસાબ માંગી રહ્યો છે ગુજરાતી આજે અમારા ઉપર નાખેલા ફાયર ચાર્જીસ ના રૂપિયા ક્યાં ગયા..?*
શાબાશ ગુજરાતી શાબાશ ..!
નાત,જાત,ધર્મ,કોંગ્રેસ,ભાજપ ના ઝઘડા ને કોરાણે મૂકી અને ગુજરાતી માણસ આજે સીસ્ટમ ઉપર દબાણ ઉભું કરી ગયો અને એની અસર એવી આવી કે આટલી જબરજસ્ત બહુમતિથી ચૂંટાઈ આવેલા ભારતના પ્રધાનમંત્રીના ઉદબોધનના પેહલા ફકરામાં સુરત આવ્યું..
અને મને એટલો તો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ એક ગુજરાતી માણસ તરીકે જેમ પુલવામાંના નિર્દોષ જવાનોના મૃત્યુ માટે જો છેક પાકિસ્તાન જઈને ઠોકી ઘાલતા હોય તો સુરતના નિર્દોષ અને માસૂમ બચ્ચાઓ ના કાતિલો ને ધરતીના છઠ્ઠા પડમાંથી પણ શોધી અને લાવશે અને સજા કરાવશે..!!
થોડાક મુદ્દાઓ મેં પણ મંથન કરીને વિચાર્યા છે ..
સરકાર અને સમાજ ..
સરકારના બે ભાગ ,એક પરમેનેન્ટ રેહતી નોકરશાહી અને બીજી દર પાંચ વર્ષે બદલાતી રાજકીય પાર્ટીઓ ..
પેહલો ભાગ સરકારનો નોકરશાહી…
બહુ જુજ અમલદાર એવા છે કે જેમને પોતાના કાર્ય, કાર્યસ્થળ ,કાર્યશૈલી અને કાર્યન્તે મળેલા વેતન થી સંતોષ હોય ..
અમલદારશાહીનો મોટોભાગ લગભગ જીવનથી હમેશા અસંતોષી જ રહ્યો હોય છે અને ભ્રષ્ટાચાર કરી અને સંતોષ લેવાનો પૂરો પ્રયત્ન કરી લેતો હોય છે..!
હું શા માટે ભ્રષ્ટાચાર કરું છું ? કોના માટે ? મારો કરેલો ભ્રષ્ટ રૂપિયો મને ક્યારે અને કેવી રીતે કામ લાગશે એની પણ ખબર નથી હોતી ,અને આ ભ્રષ્ટાચાર કર્યા પછી એના પરિણામ શું હશે એની તો લગીરે ખબર નથી હોતી ..
બસ આંખ બંધ કરવાના રૂપિયા લઇ લીધા.. સો રૂપિયા પકડાવી દીધા અને એમણે લઇ લીધા એટલે મેં સીટબેલ્ટ બાંધ્યો હતો ..આગળ જઈને ભલે ને મારો અકસ્માત થાય અને હું ગુજરી જાઉં..! સો રૂપિયા લેનારા ને શું ??
રાજકારણી .. જીવન આખું મજુરી કરી કરીને સત્તાના એસી ખુરશી કેબીન અને સાહેબ કેહનારા મળ્યા છે, અને એ પણ બે પાંચ વર્ષ માટે .. !!
સત્તા ને પાંચ વર્ષ ચાખી અને ચાવી લીધી, એટલે આદત થઇ ગઈ, બીજા પાંચ વર્ષ માટે વોટ માટે આંખ બંધ કરી દો ,ગેરકાયદેસર ને કાયદો બનાવી અને કાયદેસર કરી આપો એટલે કાયમ ની ઝંઝટ જાય ..
પબ્લિક પણ ખુશ , અમલદાર પણ ખુશ અને આપણા બીજા પાંચ વર્ષ પકકા..!!
પેલી અંગ્રેજીમાં “વિન-વિન” સિચ્યુએશન કેહવાય આપણે તો “વિન-વિન-વિન” સિચ્યુએશન ઉભી કરી ..ત્રણેય પાર્ટી ખુશ..!
પરિણામ …?
સુરત….!!!!
લબરમૂછિયાના નનામીઓ …!!!!!
*આ વિન-વિન-વિન ના નેક્સસ ઉર્ફે વિષચક્ર ખતમ કરવું જ રહ્યું..!!*
સમાજ …
દસ કરોડ રૂપિયાનું ઇન્ટીરીયર કરાવ્યું બંગલામાં ..
બંગલો કેહવો કે મેહલ ..?
ઓસ્ટ્રેલિયન માર્બલ નાખ્યા બે હજાર રૂપિયે ફૂટ અને ગોન્ઝાઉં (ચીન)ગયા હતા, પાંચ દિવસ આખું ફેમીલી ત્યાં રહ્યું અને છ કન્ટેનર ભરીને સામાન લાવ્યા..પચાસ લાખનું તો હોલમાં શેન્ડેલિયર (ઝુમ્મર) ઓરીજીનલ બેલ્જીયમ ક્રિસ્ટલનું નાખ્યું છે..!!
fire extinguisher કેટલા નાખ્યા ..?
એ શું પેલા લાલ કલરના ડબલા ? નાં હોય શૈશવભાઈ હવે, આવા જોરદાર ઘરમાં તો કઈ એવા ડબલા શોભે ..?
આ જ વાત દરેક ઘર,ઓફીસ,દુકાન,હોસ્પિટલ ,સ્કુલ કે કોઈપણ જગ્યા માટે લાગુ પડે છે…
*આપણે હજ્જારો લાખ્ખો અને કરોડો રૂપિયા ખર્ચી નાખીએ છીએ પણ આપણે જે આપણો જીવ બચાવે એવી વસ્તુ ઘરમાં ધરાર નથી વસાવતા.. અને એ છે fire extinguisher…!!*
હવે કલ્પના કરો કે તક્ષશીલા કોમ્પ્લેક્ષની અને એની આજુબાજુની તમામ દુકાનોમાં fire extinguisher લાગેલા હોત તો દસ જ મિનીટમાં મીનીમમ ૧૦૦ fire extinguisher હાથવગા થઇ ગયા હોત, અને એમાં કેટલાક તો પેલા ફાયરબોલ પણ હોત કે જે આગમાં નાખતાની સાથે ફૂટે અને આગ ઓલવી નાખે ..
જો દરેક દુકાન માં એક નાનકડું પણ fire extinguisher હોત તો ફાયરબ્રિગેડ આવે એની રાહ જોવી પડતે ..?
શા માટે આપણે દરેક દુકાન દીઠ એટલો પણ ખર્ચો નથી કરતા..
*ચલ માન્યું કે તમે નસીબવાળા છો, ઈશ્વર તમારે ત્યાં આવું કશું નહિ કરે પણ તમારે ત્યાં પડેલું એક બે પાંચ હજારનું fire extinguisher સાધન હશે તો કોઈ બીજાનો જીવ બચાવશે અને ઉપરવાળાના ખાતામાં કેટલું પુણ્ય જમા થશે..?*
આવા નિર્દોષ માસુમોનો જીવ ના બચે ..?
હવે છેલ્લી વાત ..
કેન્સરમાં મરેલો મુકેશ બધાને યાદ રહી ગયો છે હવે..*દરેક થીયેટરમાં મુવી ચાલુ થાય તે પેહલા કેન્સરની જાહેરાત બહુ દેખાડી, હવે વારો છે શ્રીમાન અમિતાભ બચ્ચન ને લઈને એક ત્રણ મિનીટની શોર્ટ ફિલ્મ બનાવવાનો કે જેમાં ફાયર સેફટી અને આગ લાગે તો તાત્કાલિક શું કરવું તેનું નિદર્શન હોય અને આ ફાયર સેફટીની ફિલ્મ ને ફરજીયાત દરેક થીયેટર અને ટીવી ચેનલો ઉપર બતાડો જેથી પ્રજામાં પણ જાગૃતિ આવે અને આવી રીતે મોતના ભૂસકા ના મારવા પડે..!*
પરોપદેશે પાંડિત્યમ નથી કરતો મેં મારા દરેક ધંધા સ્થળ અને ઘર માટે ઓર્ડર કરી દીધા છે fire extinguisher અને આવતીકાલે દરેક જગ્યાએ લાગી જશે અને મમ્મી ,પત્નીજી અને બાળકો સાથે મારી પણ ટ્રેનીગ ગોઠવી દીધી છે ..
જો તમને પણ મારી જેમ બે રાત્રીથી ઊંઘ ના આવી હોય અને તમારા સંતાનો જ મોતના ભૂસકા મારતા દેખાયા હોય તો fire extinguisher વસાવી લ્યો ..
જાગ્યા ત્યાંથી સવાર આપણને નહિ તો કોઈને પણ કામ લાગશે ..
દુર્ઘટના કહી નથી થતી..!
બાકી તો તંત્ર ઉપરની ભીંસ સમય જતા ઓછી ના કરશો, સોશિઅલ મીડિયા ઉપર મચેલા રેહજો , તો મીડિયા પણ સાથ આપશે ..
આજ ના જમાનામાં હવે પાંચ દસ નથી જણ્યા આપણે ,સરકારનું કીધું માની અને બે પર `અટકી` ગયા છીએ , તો એ બે બાળક ના જીવન ને સુરક્ષિત કરવા આપણે અને આપણી સરકારે કામ તો કરવું જ રહ્યું..!
વિચારો સાથે સહમત છો તો બ્લોગ ફોરવર્ડ કરો..શેર કરો
ફેલાવો જન જન સુધી પોહચાડો..
આભાર
શૈશવ વોરા