સ્વર નાદબ્રહ્મમાં વિલીન થયો..!!
ગઈકાલે રાત્રે એક ન્યુઝ ફ્લેશ થયા કે રાજ ઠાકરેજી અચાનક બ્રીચકેન્ડી હોસ્પિટલ દોડી ગયા ત્યારે જ સેહજ અગમની એંધાણી વર્તાઈ ગઈ હતી, પછી આવ્યું કે લતાજી ને વેન્ટી
આપ્યું છે એટલે પછી અંદરથી એમ થઇ ગયું કે ભગવાન રક્ષા કરજે, લેવા ના હોય તો વેહલા લઇ લેજે દેહ ને પીડા ના આપીશ..!
અને સવાર સવારમાં તો ભગવાને એનું ધાર્યું કરી લીધું..!!
સવારથી ટીવી ઉપર જોયા કર્યા બધા ઘટનાક્રમ જોયા,પણ ચિત્ત ક્યાંય ચોંટયુ નહિ, ગ્લાનિ ભાવ પીછો નથી છોડી રહ્યો, કોઈ પોતાનું સ્વજન ગુજરી ગયું હોય એવું સતત લાગ્યા કરે છે, જો કે મમ્મીએ તો થોડાક ડુસકા ભરી ને મન હળવું કરી લીધું પણ મને હજી કઈ બધું બરાબર નથી જામતું..!!
એફએમ રેડિયા સવાર સવારમાં તો બેભાન
હોય એમ ગાંગરતા હતા, પછી એમને સુધ આવી કે આ તો સાક્ષાત સરસ્વતીનો અંશાવતાર ધરતી ઉપરથી વિદાય થયો ત્યાર પછી એફએમ રેડિયા રડ્યા..!!
એક-એક ગીત વાગવાના ચાલુ થયા લતાજીના અને આંખ સામે મને મારું જીવન દેખાવા લાગ્યું..!!
સંગીત જોડેની મારી પેહલી ઓળખાણ મારી મોટીબાએ કરાવી, અને બીજી કદાચ લતાજી એ..!!
મમ્મી કહે છે કે મોટીબા તારું ઘોડિયું ખેંચતા જાય અને એક પછી એક હાલરડાં ગાતા જા, તું ઊંઘવાને બદલે ઘોડિયામાં પડ્યો પડ્યો હાલરડાં સાંભળ્યા કરે..!!
મારા મોટી બા એકદમ સુરીલા અને હલકથી ગાય ..!! સ્વર જોડે ની મારી પેહલી ઓળખાણ..!!
બીજી ઓળખાણ કદાચ લતાજી એ કરાવી .. પપ્પા પાસે એ જમાંનામા ટેપરેકોર્ડર, અને એમાં વાગે સત્યમ શિવમ સુન્દરમ્ ના ગીતો..!!!
પણ મને ટેપરેકોર્ડર ને અડવા ઉપર પ્રતિબંધ..! એ સમયે નાનકડો શૈશવ એના બાળ સહજ તીણા અવાજમાં ગાય અને સોસાયટીની મારાથી આઠ દસ વર્ષ મોટી બેહનો મને પકડી પકડી ને ગવડાવે ..!!
એ શૈશવ પેલું ગાને
…
ઈશ્વર સત્ય હૈ ..!! સત્ય હી શિવ હૈ ..!! શિવ હી સુંદર હૈ ..!!!
બસ ત્યાંથી શરુ થયું..સાલ ૧૯૭૮ અને ફક્ત આઠ વર્ષનો હું ..!!!
ભોર ભયે પનઘટ પે ..!! યશોમતી મૈયા સે બોલે નંદલાલા ..!!
સતત કાને પડે, પછી રેડિયો સાંભળતો થયો ત્યારે મમ્મી ને પુછુ હેં મમ્મી આ લતા મંગેશકર કોણ છે ? દરેક ગીતમાં એમનું નામ કેમ આવે છે ?
હા એક બીજું પિક્ચર પણ મને બહુ યાદ છે “સબ સે બડા રૂપૈયા ..!!” ડ્રાઈવ-ઇનમાં જોયેલું પેહલું પિક્ચર , સાલ લગભગ ૧૯૭૬ હું છ વર્ષનો પણ અમુક કલીપ બાળપણની તમારા મગજમાં અંકિત થઇ જાય એમની એક કલીપ ,અને એનું પેલું ગીત પણ બહુ ગણગણું “દરિયા કિનારે એક બંગલો ગોકો રે દઈજો દઈ ..!!”
લતાજી નો અવાજ..!!!
ધીમે ધીમે વાંચન વધ્યું હિંદી પિક્ચર જોવાનું ચાલુ મારી સમજણમાં ચાલુ થયું,એ યુગ હતો હેમામાલીનીનો .. “લેડી બચ્ચન” હેમામાલીની..!! અને એમના લગભગ બધા જ ગીતો લતાજીએ ગાયેલા ..!! અઠવાડિયે એક પિક્ચર લગભગ રીલીઝ થાય અને ગીતો આવે દરેકમાં લતાજી ના બે ચાર ગીતો હોય ..!!
એ જ અરસામાં ઘરમાં ટીવી આવ્યું આઠ નવ વર્ષનો હું અને ધાબે મોટું એન્ટેના ફીટ કરેલું અને બુધવારે મુંબઈ “પકડવાનું” ચિત્રહાર જોવાનું..!! એશિયાડ આવ્યું ભારતમાં અને કલર ટીવી આવ્યા ઘરમાં ,સોનીનું ટીવી આવ્યું અમદાવાદ દુરદર્શન આવ્યું , અને પપ્પા એ ટેપરેકોર્ડરને અમારા અડવા ઉપર નો પ્રતિબંધ હટાવી લીધો..!! રેડિયો સાંભળતો થઇ ગયો જાત્તે ..!!રાત્રે નવ પછી અને ખાસ તો દસ વાગ્યા પછી જુના ગીતો..!!!
કેસેટોમાં ક્યા ગીત રેકોર્ડ કરાવા છે એની ઓથોરીટી મારી પાસે આવી, રેડીયા ઉપરથી સાંભળેલા ગીતો લખી લેતો, અને પાછળ જતા જતા છેક મેહલ પિક્ચરના આયેગા આયેગા .. આયેગા આને વાલા આયેગા … સુધી પગેરું પોહચ્યું ..!!
ગીત, ગઝલ , ભજન, લોકગીત, બધું જુદું જુદું છે એનું ભાન થયું ,પણ લતાજી બધે જ મળે..!!
એ સમયે હમઉમ્ર મિત્રો માટે હું એલિયન હતો, અરે ત્યાં સુધી કે મારા નજીકના સગા મમ્મી ને કહી જતા કે આની છટકી ના જાય કેવા કેવા ગીતો સાંભળે છે ડબ્બામાંથી કાઢી કાઢી ને..!!
પણ મને બહુ ગમતું રેડિયો ચાલુ કરી અને ગમ્મે તે ગીત આવે એની સાથે સાથે ગણગણવું..!! પણ લતાજીના ગીતો આવે તો મોજે દરિયા ..!!આજ સુધી એ સિલસિલો ચાલુ છે…!!!
આજે એ વાતનું અચરજ થાય છે કે કોઈ એક વ્યક્તિ લગભગ એંશી વર્ષ સુધી કામ કેવી રીતે કરી શકે ? અને કરી શકે તો આટલી જબરજસ્ત રીતે લોકનાડની પકડી ને કેવી રીતે કરી શકે ? મોટેભાગે તો લોકો પચ્ચીસ વર્ષની આજુબાજુ કામ કરવાનું ચાલુ કરે અને અઠ્ઠાવન સાહીઠ થાય એટલે રીટાર્યડ ..! ત્રીસ પાંત્રીસ વર્ષે તો આંટા ઉતરી જાય અને ઘરના સોફા કે મંદિરના બાંકડા તોડતા થઇ જાય..!!
લતાજીના કેસમાં એવું કેમ નહિ ? મને તો એક જ જવાબ આવે છે ક્રિયેટીવીટી..!!
પોઝીટીવ માણસ ,નેગેટીવ માણસ બધાયના કામ કરવાના દિવસો પુરા થતા હોય છે પણ ક્રિયેટીવ માણસના કામ કરવાના દિવસો ક્યારેય પુરા નથી થતા..!!
ક્રિયેટીવ માણસ જમાના સાથે તાલ ઝડપથી મિલાવતો હોય છે અને લતાજી નાં વ્યક્તિત્વમાં તમે એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો ..!! એમની સાથે કામ કરતા કેટલા બધા લોકો લગભગ બે દસકા પેહલા સ્વર્ગે સિધાવી ચુક્યા છે પણ લતાજી છેક બાણું વર્ષ સુધી અડીખમ રહ્યા..!!
સામાન્ય માણસને એની આજુબાજુના બેચાર વ્યક્તિ ગુજરી જાય ને એટલે એમનેમ ઘરડો થઇ જાય પણ લતાજી ને જોઈએ તો એમાં ઘડપણ દૂર દૂર સુધી દેખાતું નોહતું..!!
એંશી વર્ષ પછી તો એમણે મૈને પ્યાર કિયાના ગીતો ગાયા..!!
સેહજ આજુબાજુ નજર કરજો તમે, એશી વર્ષની કોઇપણ વ્યક્તિ ને તમે કોઇપણ ગીત ગાતા કે ગણગણતા જોયા છે ખરા ? લતાજી એ રેકોડીંગ કર્યા હતા..!!!
તેર વર્ષની નાનકડી છોકરીને ઘરનો ભાર ઉપાડવાનો આવ્યો એ બાણું વર્ષ સુધી ખેંચી કાઢ્યો .. મારી સમજણમાં કે યાદમાં એવું ક્યાંય નથી કે લતાજી એ સ્ત્રી હોવાને નાતે મને આમ થયું કે મને તેમ થયું એવી કોઈ જ ફરિયાદ જાહેરમાં કરી હોય ..!!
પોતાના કામ ને ફરજ સમજીને ડિસીપ્લીનમાં રેહવાનું એ આ જૂની પેઢીની ખાસિયત છે..!! જે કોઈ કામ હાથ ઉપર લઉં છું એમાં હન્ડ્રેડ પરસેન્ટ આપી દેવાનું ડીલીવર કરવાનું .! અથાગ મેહનત..!!!
એકલું એક ગળું ,ફક્ત સાત વત્તા પાંચ બાર સ્વરો, ચાર ચાર પેઢીના સંગીતકારો, અનહદ ચાહના છતાં પણ નમ્રતા અને પ્રેમ નો વરસાદ વરસાવતા રહે ફેસબુક પર જુના નવા બધાને યાદ કરી કરીને પ્રેમ આશીર્વાદ સતત વરસાવતા રહે..!!
આજે ભારતવર્ષના એકે એક ઘરનું એક સ્વજન નિજધામ સિધાવ્યું છે,
ભારતના ૧૪૦ કરોડ જીવતા અને છેલ્લા પાંચ દાયકામાં મૃત્યુ પામેલા બીજા ૧૬૦ કરોડ એમ કરીને આશરો મુકું તો પણ ૩૦૦ કરોડ લોકો ના કાન,મન અને હ્રદય ને શાતા, આનંદ આપનારો સ્વર નાદબ્રહ્મમાં વિલીન થયો છે..!!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)