there is no undo option in life
વિસ્મય કાંડનો ચુકાદો આવ્યો … ટોક ઓફ ટોઉંન થઇ ગયો આખું અમદાવાદ એક જ વાત વિસ્મય નો ચુકાદો આવ્યો …પાંચ વર્ષ ની જેલ અને દસ લાખ નો દંડ …!!!!
બે જિંદગી લઇ લેવાની સજા પાંચ વર્ષ અને દસ લાખ રૂપિયા , ન્યાયાલયનો મામલો છે ,વધુ ટીપ્પણી યોગ્ય નથી …પરંતુ મરનારના સ્વજનની પીડા કેવી હશે એનો મને ભલીભાંતિ અંદાજ છે …!!! આ સજા ચોક્કસ એમને ઓછી પડી હશે , મૃતક છોકરાઓ પણ મારનારા છોકરાની ઉમરના જ હતા ….વિસ્મય કાંડ જેવીજ ઘટના અમારા પરિવાર સાથે થઇ ચુકી છે …
સાલ ૧૯૭૧ની શરદ પૂર્ણિમાનો દિવસ હતો , શૈશવ ફક્ત એક વર્ષ અને એક મહિનાનો હતો ,એ દિવસે બપોરે મારા સૌથી મોટા કાકા જેને અમે ભઈજી કહીએ …. ભઈજી અમારા કુટુંબનો મોભ , સાલ ૧૯૫૫માં મારા દાદાના અવસાન પછી આખા કુટુંબની સારસંભાળ અને ધંધાની સમગ્ર જવાબદારી એમના માથે આવી , નાના ત્રણ ભાઈ , એક ભાઈને ભણાવી ગણાવી અને વકીલ બનાવ્યા , બીજા ને ડોક્ટર ,ત્રીજા ભાઈને એન્જીનીયર બનાવી અને અમેરિકા મોકલ્યા , અને પોતાના નાના નાના ચાર સંતાનો .. એમની મોટી દીકરી આઠ વર્ષ ,અને નાની દીકરી બે વર્ષની ,વચ્ચે છ અને ચાર વર્ષ ની ઉમરના બે દીકરા …, અમારું હર્યુંભર્યું અને પાંચમાં પુછાતું મોટું ખોરડું વિરમગામમાં …
જાડિયો પાડીયો શૈશવ ભાઇજીને હૈયે …!! વિરમગામથી દર અઠવાડિયે એક વાર ધંધાના કામે ભાઇજી અમદાવાદ આવે અને મને રમાડતા જાય , કારોબાર અમારો ઘણો મોટો વિરમગામમાં ,અને ભાઇજીની કોઠાસૂઝ પણ ઘણી … એ દિવસે ભાઇજી મારા મમ્મીને કહી ને ગયા …. મુકતા … તમે તમારું ભણવાનું ફરી ચાલુ કરો ખાલી એમબીબીએસ થઇને નથી બેસી જવાનું , એડમીશન લઇ લો સિવિલ હોસ્પિટલમાં ..એમડી માં .. શૈશવને વિરમગામ મૂકી દો , ભણવાનું ચાલુ કરો …અને હવે બને એટલા જલ્દી અમદાવાદમાં આપણે હવે પ્લાસ્ટિક નું કારખાનું નાખવાનું છે .. આ આટલા નાના દવાખાનાથી કઈ ના વળે મોટી હોસ્પિટલ કરવી પડશે ,તમે હોસ્પિટલ સંભાળો …અને કારખાનું અને હોસ્પિટલની બીજી જવાબદારી હર્ષદ જોઈ લેશે .. હવે નો આવનારો જમાનો પ્લાસ્ટિકનો આવવાનો છે ….!!! એ જમાનામાં પાંચ દસ લાખ નાખી અને કારખાનું કરવું એ અમારા મજિયારા માટે બહુ મોટી વાત નોહતી ….
પણ કુદરત ને કઈ બીજું જ મંજુર હતું …!! મને રમાડી એમની ફાંદ પર બેસાડી અને ભાઇજી અમારા ઘરેથી નીકળ્યા અને આવીજ રીતે એક ફુલ્લ સ્પીડમાં આવતી ગોઝારી ગાડીએ એમને વીસ એક ફૂટ ઊંચા હવામાં ઉછાળ્યા અને જમીને એમનું પ્રાણ પંખેરું લઇ લીધું ….!!!
કાળો કેર મચ્યો કુટુંબમાં … હાહાકાર થયો વિરમગામમાં … દુકાનોના શટરો પડી ગયા અને ઉભી બજારો ખાલી સૂનકાર થઇ .. ઘર મોહલ્લો બધું માણસોથી ઉભરાયું ….
આ બધું મેં સાંભળેલું છે …. પણ એક વાત તો મેં જોયેલી છે , મારા પપ્પાની આંખોમાં એ એક્સિડન્ટનું દર્દ ,એ પીડા ….વર્ષો સુધી ભાઇજીને ગુમાવ્યાની પીડા …. એમની આંખોમાં છલકાતી … અપરંપાર પીડા .. કદાચ આજે જીવનના ૭૬માં વર્ષે પણ એ પોતાના ભાઈને ભૂલી શક્યા નથી ….આજે બધું બરાબર છે લીલી વાડી છે… પણ ….એ સ્પીડ …એ ગાડી … વીસ ફૂટ ભાઇજીને ઉછાળ્યા ……બસ દર્દ જ દર્દ …ભવિષ્યના સપના ચુરચુર , નાની બે વર્ષની ભત્રીજી દરેક વખતે વિરમગામ પપ્પા જાય ત્યારે પૂછે ..આજે પણ તમે પપ્પાને લઇને ના આવ્યા કાકા … આવતી વખતે ચોક્કસ લાવજો … કોણ કોને સાચવે …!!!
લાકડાના ટેબલ અને હાડકા ચામડાના બનેલા ન્યાયાલય અમને કદાચ ન્યાય આપવામાં સમર્થ નોહતા , અમને તો ન્યાય કુદરતે આપ્યો … ભાઇજીને એક્સિડન્ટમાં મારનારો કેન્સરમાં પીડાયો અને ……
પણ એનાથી મોતથી અમારા કુટુંબની ખોટ ક્યારેય ના પુરાઈ ….વર્ષો સુધી આખું પરિવાર હિજરાયું… !!!
હવે બીજા આવા જ એક અકસ્માત કરનારાની વાત .. મારા જીમમાં થોડાક વર્ષો પેહલા એક પેહલા બાવીસ વર્ષ નો છોકરો આવે …રોજ ચાલતો જીમમાં આવે અને પાછા ઘેર જતા એ મારી સાથે ગાડીમાં બેસી જાય અને વચ્ચે એના ઘરે ઉતરી જાય …!! સારી દોસ્તી થઇ ગઈ મારે એની સાથે … એક દિવસ મારે થોડું મોડું થયું …એ રાહ જોઇને ઉભો રહ્યો રસ્તામાં બે વખત એની મમ્મીના ફોન આવ્યા ….મને કહે ભૈયા જલ્દી કરોના મમ્મી પેનિક હો ગઈ હૈ … મેં એને કીધું ઇતના સાંઢ જૈસા હૈ તું તો ખુદ કા વેહિકલ લેકે કયું નહિ આતા ..? કઈ જવાબ ના આપ્યો એણે મને … એકાદ અઠવાડિયા પછી મને કહે ભૈયા લાઓ ગાડી મૈ ચલાતા હું …હું એને ગાડીની ચાવી આપવા જ જતો હતો અને અટકી ગયો .. મેં એને પૂછ્યું… બે ..એ ..તું ખુદ કી ગાડી લેકે કયું નહિ આતા..?? ત્યારે હીરો બોલ્યો નહિ આ સકતા ભૈયા …. મેરા લાઈસન્સ કોર્ટ ને લે લિયા હૈ .. મેં પૂછ્યું કયું ..?? જવાબ આવ્યો લમ્બી કહાની હૈ .. મેં કીધું બોલ દે …કોફી પિલાઓ અમે એક કોફી શોપમાં બેઠા અને એણે કરેલો કાંડ મને કીધો …
કોર્ટ માં કેસ અત્યારે ચાલુ છે એટલે હું કઈ વધુ નથી લખતો પણ એ હીરો એ એક ફ્લાયઓવર પર એકસીડન્ટ કર્યો હતો અને બે જણાને ઉડાવી દીધા હતા …એ બેઠો બેઠો બોલતો હતો મારું મગજ બેહર મારતું જતું હતું …મારું મન માનવા તૈયાર નોહતું કે હું એક ક્રિમીનલ ની સાથે બેઠો છું અને મહિનાથી એ મારી સાથે ફરે છે … મેં એને ખાલી એટલું પૂછ્યું તેરે કો જરા ભી અફસોસ નહિ હૈ ..?? દો લાઈફ તેરી વજહ સે ગઈ ..?? જવાબ આવ્યો હૈ ભૈયા હૈ બહોત હૈ .. લેકિન અબ મૈ ક્યાં કરું જો હોના થા વો તો હો ગયા …મેં એને પૂછ્યું તુઝે ઝરા ભી ઇલ્મ હૈ ..?? કી જો મર ગયે ઉનકે ઘરવાલો પે ક્યા બીત રહી હોગી ..?? અરે યાર શૈશવભૈયા આપભી લોગો કી તરહ મુઝે લોડ મત દો .. યાર આપ તો કિતને કુલ હો .. આપ તો સમજો.. જો હો ગયા વો હો ગયા …there is no undo option in life …ભૈયા મૈ અબ કુછ નહિ કર સકતા …
અને એ બોલતો રહ્યો અને હું સતત એ સાંઢની આંખોમાં જોતો રહ્યો .. એને ખબર જ નોહતી કે એના જેવા જ એકે અમારું ઘર બરબાદ કર્યું હતું…. એક નફ્ફટાઈ ,નફીકરાઈ … બેશરમી એની આંખોમાં દેખાતી હતી … અને મારા કાન માં સતત એક જ વાક્ય ગુંજતું રહ્યું .. there is no undo option in life
ઈશ્વર માર્યા ગયેલા બે દીકરાઓ ની આત્માને શાંતિ આપે … અને કુદરત જ હવે ન્યાય કરે .. અમારા કેસમાં વર્તમાન અમારી પાસેથી એક એકસીડન્ટ લઇ ગયો અને ભવિષ્ય અમારી પાસે કુદરતે સલામત રાખ્યું હતું અને એ ભવિષ્ય આજે વર્તમાન થયું છે લીલી વાડી ના રૂપમાં ….
પણ વિસ્મય કેસમાં તો ભવિષ્ય એકસીડન્ટ લઇ ગયું અને વર્તમાનની છાતી પર કાળમીંઢ પત્થર પડ્યો છે … કેમનો કાઢશે જન્મારો એ બે દીકરાના માબાપ …?? કદાચ એમની ચિતાની આગ જ ઠરશે એમના હૃદયની આગ …
આજે શુભ રાત્રી નહિ લખી શકું
શૈશવ વોરા