આજકાલ અમદાવાદના રસ્તા ઉપર નવા નવા પ્રાણીઓ(વેહિકલ)ફરતા દેખાય છે,બે દિવસ પેહલા રીવરફ્રન્ટ ઉપર ટેસ્ટીંગ માટે નીકળેલું આ ફોટામાં મુકેલું પ્રાણી મારા હાથે ઝડપાઈ ગયું..એ પેહલા એક ઈ-રીક્ષા નારોલ ચોકડી પર દેખાઈ ગઈ હતી ..
નાનકડું એવું આ ટુનટુનિયુ મને લાગે છે તાતાની નેનો ને કોમ્પિટ કરવા જઈ રહ્યું છે, અને તાતા નેનો ની જેમ આ ટુનટુનિયામાં પણ ૬૦૦ સીસીનું જ નાનકડું એન્જીન હશે અને એ પણ પાછળની બાજુ, બોનેટ માત્ર નામ પુરુતુ જ હશે..
તાતા નેનો જેવા નાના નાના ટુનટુનિયા મને થોડા વધારે પ્રિય છે, છેલ્લા સાત આઠ વર્ષથી એકાદી નેનો તો અમે રાખીએ જ છીએ, અને એ પેહલા પણ છ વર્ષ “રેવા” ઇલેક્ટ્રિક કાર વાપરી..
અમદાવાદના આ બિલકુલ ગેરશિસ્તમાં રહેલા ટ્રાફિક માટે આવા નાના નાના ટુનટુનિયા બહુ સારા પડે..મને તાતા નેનો ની ફેલીયર માટે બહુ દુઃખ થાય છે,આ ગાડીમાં ફેઈલ થવા જેવું કશું નથી, કદાચ પેલો એક લાખ રૂપિયામાં ગાડી આપવાનો રતન તાતાનો વાયદો આ ગાડીને ફેઈલ કરાવી ગયો, બાકી આ ગાડીને ખરેખર રીક્ષાના રિપ્લેસમેન્ટ માટે મુકવાની જરૂર છે..
હિન્દુસ્તાનના રોડ પર ફરતું જો કોઈ સૌથી વધારે અનસેઈફ વેહિકલ હોય તો એ રીક્ષા છે,બાઈક કે ટુ વ્હીલર ચાલવતા લોકોને તો ફરજીયાત હેલ્મેટ પેહરાવી પણ રીક્ષામાં બેઠેલાની સેફટી નું શું ?ત્રણ પૈડાની રીક્ષા ના માથે લોખંડનું પાતળા પતરાનું છાપરુ સુધ્ધા નથી હોતું,અને આજકાલ તો આ લીલા-પીળા રીક્ષા બિન્દાસ્ત હાઈવે ઉપર છ-સાત જણાને ઠુસી ને રમરમાટ જાય છે, પણ ત્યાં કાનુન અને એના રખેવાળ “અંધા” થઇ જાય છે, પેસેન્જરની સેફટી માટે નાની એવી ભૂલ હોય તો ઓટો કંપનીની વાટ લગાડતી એઆરડીઆઈ રીક્ષા ના ચાલક કે પેસેન્જરની સેફટીના મુદ્દે બિલકુલ મૌન છે, અને એનું કારણ એ પણ હોઈ શકે કે એઆરડીઆઈ અને રીક્ષા બનાવતી કંપની, બંને પુણેમાં જ આવેલી છે, એટલે જેવું કોઈ મોઢું ખોલે એ ભેગું “મિસળ પાંવ” મોઢામાં મૂકી દેવાય ..
પત્યુ..
ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો
રાધા રમણ હરી ગોપાલ બોલો..
રીક્ષા વિરુદ્ધ જો તાતા નેનો મુકીએ તો બધી રીતે સેફટીની રીતે નેનો ઘણી આગળ જાય, કમ સે કમ ચાર બારણા અને માથે છાપરુ તો છે જયારે રીક્ષા એટલે ચારે બાજુથી ખુલ્લી, પણ શું કેહવું યે અંધા કાનુન હૈ..! બીજો પણ રીક્ષાનો એક બહુ મોટો ડ્રો બેક છે..રીક્ષાનું “ગવંડર”
મને ઘણીવાર એમ થાય કે અમદાવાદની ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર કોણ..? વેહિકલસ..? વેહિકલ ચલવાનારા.? કે પછી રોડ રસ્તાની સીસ્ટમ ? કે પછી રસ્તે ચાલતો જણ ?
હું તો ઘણા વખતથી લખું છું કે ત્રણ પૈડાના વેહિકલ હિન્દુસ્તાનના માથા ઉપર કલંક છે..અત્યારની પશ્ચિમ જગત દ્વારા ડેવલપ થયેલી અને ફોલો કરવામમાં રોડ સીસ્ટમમાં ક્યાય ત્રણ પૈડાની રીક્ષાની જગ્યા જ નથી, પશ્ચિમ જગતમાં તો ક્યાય લગભગ ક્યાય ત્રણ પૈડા છે જ નહિ..!
મૂળભૂત રીતે હજી સાત આઠ દસકા પેહલા ચાર પગ(ઘોડા,હાથી) અને બે અથવા ચાર પૈડા(ગાડા કે રથ) ઉપર સવારી કરવા ટેવાયેલા આપણે સાયકલ પર આવ્યા અને સાયકલની જોડે હાથમાં આવ્યું “ગવંડર”…થોડું ઝીણવટથી અમદાવાદના રોડ પરના ટ્રાફિકને જોઈએ તો આ “ગવંડર” બધી ટ્રાફિક સમસ્યાનું મૂળ છે,રોડ પર જેટલી ફ્લેક્સિબ્લીટી (મનમાની) રીક્ષા ચાલક અને બે પૈડા વાળાને આ “ગવંડર” આપે છે એટલી ફ્લેક્સિબ્લીટી સ્ટીયરીંગ વ્હીલ નથી આપતુ..
લેન ડ્રાઈવિગ સીસ્ટમની માં-બેન એક કરતુ કોઈ એક “કલ્પીટ” હોય તો એ છે આ “ગવંડર” છે, તમે “ગવંડર” હાથમાં હોય તો આડા-અવળા, સીધા-ઉંધા,વાંકા-ચૂકા બિલકુલ કોન્ક્રોચ (ગટરમાંથી નીકળેલો વંદો) ની જેમ ગમે તેવા ટ્રાફિક જામ ને મ્હાત આપીને બહાર નીકળી જાવ..અને ટ્રાફિકની સમસ્યા વધારવામાં ફાળો નોધાવતા જાવ..!
મોટરસાયકલ એ મારો પેહલો પ્રેમ રહ્યો છે,પણ એનું “ગવંડર” આજે પણ મારા ઘુટણીયા પર ઘણી નિશાનીઓ મૂકતું ગયું છે,અત્યારે તો મારા ઉપર બાઈક ચલાવવા પર “પ્રતિબંધ” પરિવાર દ્વારા મુકાયેલો છે..એટલે બહુ જ મીસ કરું છું “ગવંડર” ને પણ ક્યારેક ગાંધીનગર એકાદા વર્કરનું બાઈક હાથમાં આવે તો પછી “પ્રતિબંધ”નો સવિનય ભંગ કરી લઉં છું અને અત્યારે બપોરે વા`તા ઠંડા ગરમ મિક્ષ વાસંતી વાયરાને માણી લઉં છું..!
મુદ્દાની વાત એ છે કે રીક્ષા હોય કે બાઈક કે સ્કુટરનો ડ્રાઈવર એ એક લાઈનમાં જઈ રહેલા ટ્રાફિકની લેન તોડી પાડે છે, સીએનજી સ્ટેશન, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન સિવાય ક્યાય એક લાઈન રહીને દસ રીક્ષા તમે જીવનમાં ક્યારેય નહિ જોઈ હોય, જયારે સ્ટીયરીંગ વ્હીલવાળી ચાર પૈડાની ગાડીઓ મોટેભાગે જખ મારીને ડીસીપ્લીન મેન્ટેન કરે છે..
ઉપર ફોટામાં દેખાડેલું ટ્રાયલમાં નીકળેલું પ્રાણી સ્ટીયરીંગ વ્હીલ સાથેનું હતું, એટલે મને થયુ કે આવા પ્રાણીઓ જો રીક્ષાને ખરેખર રિપ્લેસ કરે તો આજે નહિ તો દસ વર્ષે પણ ટ્રાફિકની સમસ્યામાં થોડો ઘણો ફેર પડે..! કેમકે એક ઝાટકે રીક્ષાનું “ડીમોનેટાઈઝેશન” શક્ય નથી.. ધીમે ધીમે જ રોડ પર આવતી ઓછી કરાવી પડે અને આજે નક્કી કરીએ તો દસ પંદર વર્ષે આ રીક્ષા નામના કલંકને રોડ પરથી દુર કરી શકીએ..!
આપડે લોકો ટ્રાફિકમાં ભરાયા હોઈએ ત્યારે કકળાટ કરીએ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો તો કોઈ ઉપયોગ જ થી કરતુ ..! પણ શું કામ કરે કોઈ આજે દેશના તમામ કુટુંબો પાસે ટુ વ્હીલર છે અને અમદાવાદ જેવા શેહરોમાં તો વ્યક્તિ દીઠ એક ટુ વ્હીલર છે,અને એક પછી એક સ્કીમો આવતી જ જાય છે ટુ વ્હીલર ના સેલ્સ વધારવાની તો પછી જનતા પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળે જ કેમની..?
અને એમાં પાછા ઈ-રીક્ષા જેવા રમકડા રસ્તા ઉપર ઉતારો..એ પણ ચારે બાજુથી ખુલ્લી છે,
ગમે તે કહીએ પણ આપણું માઈન્ડ સેટ હજી ચારે બાજુથી ખુલ્લા એવા બળદગાડા, ઊંટગાડા અને ઘોડાગાડીથી આગળ આવતું જ નથી, હજી પણ ઘોડાગાડીની જેમ ઉંચી ગાડી હોય તો ગાડી હીટ જવાના ચાન્સીસ વધી જાય છે, અને રોડને લગોલગ ચોંટીને ચાલતી સ્પોર્ટ્સ કાર હજી એટલી લોકપ્રિય થતી નથી, નવી “મસ્ટેંગ” પ્રમાણમાં સસ્તી લોન્ચ છે પણ પ્રજા પેલી ઘોડાગાડી જેવી ઉંચી ગાડીઓમાં જ રૂપિયા નાખે છે..!
ચાલો આજે આટલો કકળાટ બહુ છે
શુભ રાત્રી
શૈશવ વોરા