નરેન્દ્ર મોદીના બે વર્ષના કાર્યકાળની ઉજવણી થશે..
વાહ વાહ આનંદો..ઘણી બધી ઉપલબ્ધીઓ ગણાવાશે,
એમાં સૌથી પેહલી ઉપલબ્ધી તો એ જ કે નરેન્દ્ર મોદીએ ખીચડી સરકારોનો અંત આણ્યો..અને બીજુ કોંગ્રેસના એકધારા શાસનને લગભગ સમાપ્ત કર્યું..
જો કે કોંગ્રેસના શાસન સમાપ્તિ માટે નરેન્દ્ર મોદીની સફળતાને યશ આપવો એના કરતા રાહુલ ગાંધીની નિષ્ફળતાને યશ આપવો જોઈએ..
કોંગ્રેસ રાહુલને લીધે મરવા પડી છે એવું કેહવુ વધારે યોગ્ય જણાશે..
છેલ્લા ચુંટણીના પરિણામોમાં કોંગ્રેસનો ચારેબાજુથી સફાયો થયો અને હજી એ સફાયો ચાલુ જ રેહશે,
એનુ મોટું કારણ એક જ છે રાહુલ ગાંધી અને એમના અનાડી વેડા..ગમે ત્યારે ગમે ત્યાં અને ગમે તેવુ ભાષણ કરે છે, અને આપડી અમદાવાદી ભાષામાં કહીએ તો પછી ભરાઈ જાય છે અને એકાદો મોટો બફાટ કરી નાખે એટલે સોશિઅલ મીડિયાની પ્રજા એનું ફૂલેકું ફેરવી દે…છેલ્લે અસર ચુંટણીના પરિણામોમાં દેખાય..!! ભૂંડેહાલ કોંગ્રેસ હારે..
કોંગ્રેસ ઠેર ઠેરથી ભૂંડેહાલ હારે છે એ વાત નો યશ ભારતીય જનતા પક્ષ ગાઈ વગાડીને લઇ રહ્યો છે.. “કોંગ્રેસ મુક્ત ભારત” કહી કહી ને..!!
અમે નાના હતા ત્યારે ગલી ક્રિકેટ રમતા..ત્યારે કોઈ ટીમ સ્ટ્રોંગ હોય છતાં પણ એને હરાવી દેવાની હોય, ત્યારે એ સ્ટ્રોંગ ટીમનો કોઈ મજબુત ખેલાડી જયારે આઉટ થાય એટલે તરત જ મોટે મોટેથી બધી જ ટીમો હારી..હારી..હારી..હારી એમ કરી કરીને બુમો મારતા અને છેવટે એ સ્ટ્રોંગ ટીમનું મોરલ તૂટી જતું અને ખરેખર એ ટીમ હારી જતી…
બસ આવો જ મસ્ત ખેલ મોટેપાયે ચાલી રહ્યો છે, અને એનું નામ “કોંગ્રેસ મુક્ત ભારત” ..મોટે મોટે થી બુમો ચાલુ છે હારી હારી હારી.. અને બુમોનું પરિણામ કદાચ જલ્દી જોવા મળશે કોંગ્રેસના ભાગલા..
કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે જે સત્તાથી વધુ વખત દુર રહે તો એના ભાગલા નિશ્ચિતપણે થાય..
લોકસભાની ચુંટણી પછી એકપણ ઈલેક્શન નરેન્દ્ર મોદી જીત્યા નથી.. માત્ર અને માત્ર કોંગ્રેસ હારી છે..!!
સરસ કઈ મોટો જલસો ગોઠવાયો છે દિલ્લીમાં..
ગાંધીનગરની જૂની ટેવો છે આ બધી..સામાન્ય પ્રજાને એના જીવન ધોરણમાં કોઈ ફેર પડ્યો હોય કે ના પડ્યો હોય પણ એકદમ મોટા મોટા જલસા ગોઠવવાના સરસ મજાના તર્કશુદ્ધ ભાષણો,અને ઉત્સાહ પ્રેરતા સંદેશ.. થુંકના સાંધા..!
બાકી કઈ બચ્યુ તો જે કામ અત્યારે અમદાવાદના એફએમ રેડિયા ઉપર જેમ આનંદી બેન કરી રહ્યા છે એ કામ..
મારું બેટુ બહુ કરી હો “બેને” પણ અદ્દલો અદ્દલ સાહેબની નકલ,
એફએમ ના આરજે જોડે એવા એવા સવાલો નખાવવાના અને પછી સરસ મજાના વિદ્વતાપૂર્ણ જવાબો આપવાના ,
પ્રિન્ટ મીડિયા અને બીજા ઈલેક્ટ્રોનિક મીડિયાને તો પછી ગમે ત્યારે ખિસ્સામાં સોરી પર્સમાં મૂકી દેવાય..
સરસ રીતે બેન પણ હવે પકડ લેતા જાય છે કોઈ સારો એવો મીડિયા કે ઇવેન્ટ મેનેજર હાથમાં આવ્યો લાગે છે..
નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ બંને એ સાથે જ ગાદી સંભાળી,
નરેન્દ્ર મોદી ઘણી બધી વાતોમાં એમ કહીને છૂટી જાય છે મારે તો સાહીઠ વર્ષનો કચરો સાફ કરવાનો છે,
જ્યારે આનંદીબેનથી તો ભૂલ ભૂલમાં પણ આવું બોલાય એમ નથી..આજકાલ કરતા વીસ વીસ વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, હવે તો ભાજપના કાર્યકર્તાઓ સિવાયની ગુજરાતની જનતાને પણ ગુજરાત સ્વર્ગ જ લાગવું જોઈએ..
અલ્યા ગુજરાત સ્વર્ગ બની ગયુ ..? કેમ વીસ વીસ વર્ષથી વધારે વર્ષો ગયા ગુજરાતને તો કોંગ્રેસ મુક્ત થયાને તો..!!
અને હજી પણ ગુજરાત સ્વર્ગ નથી બન્યુ..?જુઠ્ઠું તો બોલતા જ નહિ હો જે સાચું લાગે તે કેહજો..
ગુજરાતની ધરતી સુજલામ સુફલામ્ થઇ ગઈ ?
ગીફ્ટ સીટીના બધા બિલ્ડીંગ ઉભા થઇ ગયા ?
બુલેટ ટ્રેઈન ,કલ્પસર..સપના મેરા સચ હો ગયા..
કેશુબાપા ગયા ..સાહેબ આવ્યા સાહેબ ગયા અને બેન આવ્યા..
પ્રજા શું ઝંખે છે ? ઉત્સવો અને ઉજ્વણા..? રીવર ફ્રન્ટ મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ..?
વાઇબ્રન્ટ ગુજરાતના ઉત્સવોમાં થયેલા કેટલા એમઓયુ સફળ રહ્યા..? કેટલા હજાર કરોડ આવ્યા..?
એક એનઆરઈ વેહ્પારી મિત્ર જેની અમેરિકામાં પણ ત્રણ ફેક્ટરી છે એમના શબ્દોમાં કહું તો “શૈશવ આ જે રીતે એમઓયુ થાય છે અને જો એક પણ વાર ભૂલ ભૂલમાં પણ જેટલા એમઓયુ થાય છે એટલા રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવે તો ગુજરાતના એક સ્ક્વેર મીટરમાં બે કરોડ રૂપિયા ઇન્વેસ્ટ થાય અને આટલા રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ તો જાપાન માં પણ નથી થયા..!”
જય હો..! ધન્ય ધન્ય છે ઇન્ડેક્સટ ટીબી ના ઓફિસરોને કે આવા મોટા મોટા એમઓયુ તાણી લાવે છે અને પછી મહિનાઓ સુધી પ્રજા સપના જોયા કરે છે..
યાદ કરો પેલી ધમાકાભેર થયેલી જાહેરાતો ક્રિષ્ના ગોદાવરી બેસીનમાં મળેલા ગેસની જાહેરાત..!
ઓહ માય માય..!!
ફાટી ગઈ હતી દુનિયાભરના જીયોલોજીસ્ટની આંખો.. આટલો મોટો ગેસનો ભંડાર અને અમને ખબરના પડી તમારા GSPC ના જીયોલોજીસ્ટને ખબર પડી ગઈ…
સાલુ હવે તો આખા ગુજરાતનું ગોબર ભેગું કરો અને ગોબર ગેસનો મોટો પ્લાન્ટ નાખો અને ટાર્ગેટ એચીવ કરો..ત્યારે શું ?
વાતોના વડા બહુ તળ્યા અને દિલ્લી પોહચ્યા અને હવે લોકો જે ખરેખર કામ થઇ રહ્યા છે એની તરફ પણ મોઢા ફેરવી રહ્યા છે..!
ભાજપનો છેલ્લી તમામ વિધાનસભામાં થયેલો રકાસ એ વાતની સાબિતી આપે છે..
હું કોંગ્રેસનો હાડોહાડ વિરોધી છું.. એમ કે ગાંધીની ઈચ્છા ને માં આપી ને ૧૬મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જ કોંગ્રેસને વિખેરી નાખવા જેવુ હતુ પણ કોણ જાણે આ દેશ પર કઈ પનોતી હતી તે લગભગ હવે સીતેરમાં વર્ષે વિખેરાશે..
હવે મને કોઈ ઓપ્શન ના પૂછશો ,એ કામ સીતેર વર્ષની આઝાદ થયેલી જનતાનું છે..ઓપ્શન શોધવાનું અને ઉભા કરવાનું ..અને જો સીતેર વર્ષે હજી પ્રજા અવઢવમાં હોય તો એ પ્રજા લોકશાહી ને લાયક નથી..!
મારો પર્સનલ ઓપીનીયન છે કે નરેન્દ્ર મોદી અને એમના મંત્રીઓ કામ કરવાનો જે પ્રચાર કરે છે..એ ખરેખર કરશે તો આ દેશમાં સોનાનો સુરજ ઉગશે..!!
એટલું કબુલ કે ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નરેન્દ્ર મોદી સરકાર પર નથી..
આશા રાખીએ કે પાંચ વર્ષ પછી પણ ના આવે આવો કોઈ આરોપ..આ સરકાર પર..!
આશા અમર છે અને ઉમ્મીદ પર દુનિયા કાયમ છે..!!
મેવાડની ધરતી પરથી સૌને જય શ્રી કૃષ્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા